લેબલ http://Gujarati-Motivational-Story સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ http://Gujarati-Motivational-Story સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

17 નવેમ્બર 2026

માફીનો ચમત્કાર - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

માફીનો ચમત્કાર

----------------------------------------------------------------------------------------------------

"હાય, તેજસ, મુંબઈથી આવી ગયો? ક્યાં મળવું છે ?"તોરલે પ્રેમથી પુછ્યું. મહિના પહેલા જ તોરલ અને તેજસના વિવાહ ધામધુમથી થયા હતા. લગ્ન ત્રણ મહિના પછી ગોઠવાયા હતા. સગાઇ અને લગ્ન વચ્ચેનો સમય છોકરી અને છોકરા માટે એકબીજાને સમજવા, ફરવા અને આનંદ કરવાનો સુવર્ણ સમય હોય છે. અઠવાડિયાથી તેજસ મુંબઈ તેના મામાને ઘેર ગયો હતો, તે આજે સવારે જ અમદાવાદ પરત આવ્યો હતો.

"આપણી રોજની સાંજની જગ્યા એ જ લો-ગાર્ડન ફૂડ કોર્ટમાં ભાજીપાઉંની લારી પાસે મળીએ, ખાઈ-પીને પછી કોઈ સારા મુવીમાં જઈશું." તેજસે પ્લાન કહ્યો, અને તોરલ ખુશીથી ઉછળી પડી.

સાંજના સાડાપાંચે તો તોરલ આનંદથી ઝૂમતી પોતાના સ્કુટી પર ઘેરથી નીકળી પડી. તેનું ધ્યાન તો તેજસને મળીને આંનદ કરવાના ખ્યાલોમાં જ હતું, તેમાં સ્પીડનું ધ્યાન ન રહયું. અચાનક સામેથી આવતી રીક્ષાએ ખોટો વળાંક લેતા ધડામ... સ્કુટી અને રીક્ષા ધડાકા સાથે અથડાયાં, તોરલ જમીન પર, અને સ્કુટી પડ્યું બીજી તરફ.

ચારે તરફ હોહા થઇ ગઈ. લોકોના ટોળા ભેગા થઇ ગયા. રીક્ષાવાળો રાઘવ દોડીને ભાગવા ગયો, પણ લોકોના ટોળાએ તેને પકડી પાડ્યો, અને માંડ્યા ધીબવા. આડેધડ મારથી તે લોહીલુહાણ થઇ ગયો. તોરલ પડતા વેંત બેભાન બની ગઈ. તેને ઊંધાં માથે પછડાઈ હોવાથી માથાના પાછળના ભાગમાં જોરદાર બેઠોમાર લાગ્યો, અને બધેથી છોલાઈ ગઈ. લોકોએ તાત્કાલીક એમ્બ્યુલન્સ અને પોલીસ બોલાવી. સીટી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં તેને દાખલ કરી દીધી. તેના માતાપિતા પ્રદીપભાઈ અને પ્રવિણાબેનને જાણ કરી. રીક્ષા ડ્રાયવર રાઘવને પોલીસે કસ્ટડીમાં પૂરી દીધો. 

બે દિવસ કોમામાં રહયા પછી તોરલ ભાનમાં આવી તેના માતાપિતા પ્રદીપભાઈ અને પ્રવિણાબેન બે દિવસથી સતત જાગતાં રહી તેની સારવારમાં મદદ કરતા કહ્યા.

ભાનમાં આવતા તોરલે ધીમેથી કહયું "મમ્મી" અને આંખો ખોલી. પ્રદીપભાઈ પણ બેટી ભાનમાં આવતા ખુશ થઇ ગયા.

"હા બેટા, હવે કેમ છે ?" બન્ને એક સાથે બોલ્યા.

"હું ક્યાં છું?" કહીને તોરલે બન્ને આંખો ધીમેથી ખોલી, પણ આ શું ?? તેને બિલકુલ દેખાતું નહોતું.

"મમ્મી, મને કાંઈપણ દેખાતું નથી." કહેતા તોરલ રડી પડી.

પ્રદીપભાઈ દોડ્યા ડોક્ટર પાસે, અને કરગરતા કહયું "સાહેબ, મારી તોરલ ભાનમાં તો આવી, પણ તેને કાંઈ દેખાતું નથી."

"હે, શું વાત કરો છો ?" ડોક્ટર પણ વોર્ડમાં આવી તોરલને તપાસતા નવાઈ પામ્યા. તેને માથામાં બેઠોમાર લાગ્યો હોવાથી અંદર દ્રષ્ટિકેન્દ્ર પર દબાણ વધી ગયું લાગે છે. આપણે તેના મગજના એમ.આર.આઈ કરાવી લઈએ. તેના રીપોર્ટમાં અંદર પ્રેશર વધી ગયું હતું, તેથી આંખના કેન્દ્રો દબાણમાં આવી ગયા હોવાથી તોરલને દેખવાનું બંધ થઇ ગયું હતું. પ્રદીપભાઈએ ચિંતામાં પૂછ્યું. "ડોક્ટર, આનો ઈલાજ શું છે?"

"અત્યારે તેનું ઓપરેશન શક્ય નથી. અમારી સારવાર ચાલુ છે. પણ અનાયાસે કોઈ ચમત્કાર થાય અને તેનું મગજ પરનું દબાણ ઓછું થાય તો આપમેળે તેને દેખાતું થઇ જશે." ડોકટર દિક્ષિતે પોતાનો ત્રીસ વરસના અનુભવનો નીચોડ કહ્યો. પ્રદીપભાઈ અને પ્રવિણાબેન પોતાની પ્રજ્ઞાચક્ષુ દિકરીને જોઈ રડી પડ્યા. તેજસ શરૂઆતમાં એક વખત ખબર કાઢી ગયો. પછી તોરલને દેખાતું નથી, જાણતાં તે આવતો બંધ થઇ ગયો. આવી અંધકન્યાને કોણ પરણે?

ચાર દિવસ પછી રજા મળતાં બધા ઘેર આવ્યા. બીજા જ દિવસે તેજસને ઘેરથી શ્રીફળ અને સવા રૂપિયો પરત આવ્યો, "હવે સગાઇ ફોક સમજજો" કહેવડાવી દીધું.

પ્રદીપભાઈ પીડબ્લ્યુડીમાં એન્જિનિયર હતા. આવક પુષ્કળ હતી. એકની એક દીકરીની હાલતથી તે કકળી ઉઠયા. “તે રિક્ષાવાળા રાઘવને છોડીશ નહીં, બરાબર સજા કરાવીને જ રહીશ.” કહીને, પ્રદીપભાઈએ શહેરના ટોપ વકીલનો સંપર્ક કર્યો. વકીલે કેસ સંભાળીને કહયું. “ હું તમને કેસ જીતાડી દઈશ, રિક્ષાવાળાને સખત સજા કરાવીશ પણ, મારી ફી બે લાખ રૂપિયા થશે.”

“ભલે, પણ તેને સખત સજા થવી જોઈએ” પ્રદીપભાઈ ગુસ્સામાં બોલ્યા. તોરલ આ સાંભળી કાંપી ઉઠી. અડધી ભૂલ તો મારી પણ હતી ને, મારુ ધ્યાન તો તેજસમાં હતું, તેણે તો સંબંધ તોડી નાખ્યો, વિચારતાં તેનું મન ગ્લાનિથી ભરાઈ ગયું.

રાત્રે રાઘવ અને તેની અંધ માતા રમાબા તેમને ઘેર આજીજી કરવા આવ્યા.

“સાહેબ દયા કરો, મારા છોકરાંથી ભૂલ થઈ ગઈ છે, તેને માફ કરો.” રમાબા આજીજી કરતાં પ્રદીપભાઈને પગે લાગ્યા. “છોડીશ નહીં, હું તમારા રાઘવને, એણે જ મારી દીકરીને અંધ કરી દીધી.” ગુસ્સે થઈ પ્રદીપભાઈ બરાડયા. “ચાલ્યા જાવ, પાછા જાવ”

અંદરથી તોરલે બૂમ પાડી. “પપ્પા બન્નેને અંદર આવવા દો.

અંદર આવતા રમાબા તોરલને આજીજી કરતાં કરગાર્યા, “બેટા, મે પણ અકસ્માતમાં જ આંખો ગુમાવી છે. રાઘવના બાપા એટેકમાં મરી જતાં રાઘવ જ મારો સહારો છે. બેટા, જો રાઘવ જેલમાં જશે, તો મારુ કોણ ? તું પણ દેખી નથી શકતી, તને મારી પીડા સમજાશે. હું તેના સહારા વગર મરી જઈશ. દયા કર, બેટા દયા કર.”

તોરલના બાહયમને અહંકાર કર્યો, આવા બેદરકાર માણસ ને છોડાય જ નહીં. ત્યાં તેના અંતરઆત્માનો અવાજ આવ્યો, તોરલ આ અંધ માજીની તો દયા ખા. તેનો જીવ જતો રહેશે. આમેય રાઘવને જેલ થશે તો તને શું મળશે ? દયા કર.

“પપ્પા, મારે કેસ નથી કરવો. મારી પણ ભૂલ તો હતી જ ને!” તોરલે વિનંતી કરી. પ્રદીપભાઈ અને પ્રવિણાબેન તેની અંધ બેટીની માફ કરવાની ઉદારતાને આશ્ચર્યથી જોઈ રહ્યા.

"ભગવાન તારું ભલું કરશે, બેટા તે એક અંધમાતાની જિદગી બચાવીને પુણ્યનું કામ કરેલ છે." આશીર્વાદ આપતા રમાબા અને રાઘવ આનંદથી ઝુમતા ઘેર ગયા. તોરલના મગજમાંથી માફી આપવાથી ગુસ્સો, ક્રોધ, ગ્લાનિ અને ચિંતાનું દબાણ દૂર થતાં મીઠી નિંદર આવી ગઈ. સવારે ઉઠતાં તેણે આંખો ખોલતા ધીમેધીમે ઝાંખુંઝાંખું બધું દેખાવા લાગ્યું. તેણે બૂમ પાડી.

“મમ્મી, પપ્પા, હવે મને બધું ધીમે ધીમે દેખાવા લાગ્યું છે.”

પ્રદીપભાઈ અને પ્રવિણાબેન ખુશીથી ઝૂમી ઉઠયા. તેમને ડૉક્ટરના શબ્દો યાદ આવ્યા, અચાનક કોઈ ચમત્કાર થાય અને મગજનું દબાણ દૂર થાય તો તે દેખતી થઈ જશે.

વાહ રે ભગવાન વાહ ! બદલો લેવાના બદલે માફી જ કારગત છે, તેનો ખ્યાલ આવતા બન્ને મહાવીર ભગવાનને પણ કાનમાં કાંટા ભોંકતા ભરવાડને માફી આપીને સત્કર્મ કરેલ, તે યાદ કરતાં દેરાસર દર્શન કરવા ઉપડ્યા. તોરલે લગ્નને બદલે અંધશાળામાં શિક્ષક તરીકે સેવા આપવાનું ચાલુ કરેલ છે. રાઘવ અને રમાબા દર રવિવારે તેને મળવા આવે છે, અને તેના આ નેક કામમાં મદદરૂપ થાય છે.

લાસ્ટ સ્ટ્રોક : બદલાની ભાવનાને બદલે માફ કરવાનું સત્કર્મ કરતા રહો, મગજનું દબાણ દુર થતા ભગવાન ચમત્કાર બતાવશે જ.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

માફીનો ચમત્કાર -  ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

16 નવેમ્બર 2026

પહેલી લુંટ - ગુજરતી લઘુ બોધ વાર્તા

 

પહેલી લુંટ

-----------------------------------------------------------------------------------------------------

રાતના નવને દશ થતા રોડ સુમસામ બની ગયો. મહાસુખભાઈ શાંતિથી પોતાની દુકાન બંધ કરવા રોકડ ગણી રહયા હતા. કોઈ વટેમાર્ગુ પણ દેખાતો નહોતો. અચાનક એક બુકાનીધારી યુવકે આવી રામપુરી ચાકુ તેના પેટ સામે ધરીને બુમ પાડી.

"જે હોય તે આપી દો શેઠ, નહીતર જાનથી મારી નાખીશ."

મહાસુખભાઈ આધેડ ઉમરના દુકાનદાર હતા. તે એકદમ દયાળુ અને ધાર્મિક સ્વભાવના હતા.  છેલ્લા વીસ વરસથી પરચુરણ વસ્તુઓ અને નાસ્તાની દુકાન ચાલવતા. કમાણી બહુ ન હતી, પણ નાના ગામમાં ગુજરાન ચલાવવા પુરતું મળી રહેતું. હમણાં બે વરસથી લોટરીની ટીકીટો પણ વેચવાનું શરૂ કરેલ હતું. સિક્કિમસ્ટેટની છેલ્લી લોટરીનું બમ્પર ઇનામ રૂપિયા ચાર કરોડ બધાને આર્કષિત કરતુ, લોટરીની ટીકીટનો ભાવ પણ સો રૂપિયા હતો. મહાસુખભાઈ ત્રીસ ટીકીટની એક ચોપડી લાવ્યા હતા, તેમાં છેલ્લી બે ટીકીટ વધી હતી.

મહાસુખભાઈ ગભરાઈને વિચારે ચડ્યા. આ યુવાન જો રામપુરી ચાકુ પેટમાં ઘુસાડી દેશે, તો કાયમ માટે રામ રમી જશે. આજુબાજુની દુકાનો બંધ થઇ ગઈ હતી, અને કોઈ માણસ દેખાતું ન હતું. તેમણે ડરતાં ડરતાં બે હજાર બસોનો વકરો યુવકના હાથમાં મૂકી દીધો.

"બસ આટલો જ વકરો છે, આખા દિવસનો?" લુંટારા યુવકને ગુસ્સા સાથે નવાઈ લાગી.

"જુઓ, મારી પરચૂરણની નાની દુકાન છે, પણ લો, આ બે સિક્કિમની બમ્પર લોટરીની ટીકીટ પણ લેતા જાવ." મહાસુખભાઈએ જીવ બચાવવા દિલથી કહ્યું.

"સારૂં લાવો."કહી બધું લઈ લુંટારો મેહુલ ભાગી ગયો.

મેહુલ ગ્રેજ્યુએટ થયાને બે વરસ થઈ ગયા હતા, બહું મહેનત કરવા છતાં  હજી તેને નોકરી મળી ન હતી. તેના ઘરમાં પત્ની માધવી અને બે વરસની મુન્ની હતા, તેના માતાપિતા, પ્રમોદભાઈ અને પુષ્પાબેન પણ તેનાં આશ્રિત હતા. ઘરમાં બીજી કોઈ આવક નહોતી. બે વરસમાં તો પ્રમોદભાઈની બધી બચત ખલાસ થઈ ગઈ. ઘરમાં ખાવા પીવાનાય ફાંફાં પડી ગયા. વાસણો હાંડલા કુસ્તી કરતાં હતા. મુન્ની સવારથી ભૂખી થઈને બૂમો પાડતી હતી. હવે માધવીનો મગજ પરનો કાબૂ ગયો.

“શું તમે ય મેહુલ, આખો દિવસ ઘરે બેસીને અરજીઓ કર્યા કરો છો ? મુન્ની ભૂખની મારી પેટ દબાવીને રડી રહી છે. કઈંક તો કમાવીને લાવો.”

“શું કરું ? આટલી બધી અરજીઓ કરી પણ નોકરી મળતી જ નથી. પૈસા ક્યાંથી લાવું ?”મેહુલ પણ રડમસ થઈ ગયો.

“કઈ પણ કરો, દેવું કરો, ચોરી કરો કે લૂંટ કરો, નહિતર મુન્નીનો જીવ ભૂખે ઊડી જશે.” માધવીએ ગરમ થઈ કહ્યું.

શું કરવું, શું ના કરવું ના વિચારે અંતે બેકાર મેહુલે લૂંટ કરવા વિચાર્યું. પહેલી લૂંટમાં જ ચાકુની અણીએ રૂપિયા લઈ ખુશ થતાં ઘેર આવ્યો.

“લે માધવી બે હજાર બસો રૂપિયા, મુન્ની માટે ખાવાનું લઈ આવ.” મેહુલે કહ્યું.

“આટલા બધાં રૂપિયા એકદમ ક્યાંથી આવ્યા ?” બધાને શંકા પડી, મેહુલ ખોટું કરીને જ આવ્યો લાગે છે.

“આ ક્યાંથી લાવ્યો ?” પ્રમોદભાઈ અને પુષ્પાબેન બગડયા,

“પપ્પા ના છૂટકે ચપ્પુની અણીએ લૂંટ કરવી પડી.”  મેહુલનો જવાબ.

“ના, ના, આવો હરામનો પૈસો અમને ના ખપે, ભલે ભૂખ્યા મરીશું પણ હરામનો, પાપનો પૈસા ના જોઈએ.” ત્રણે જણાનો એક જ અભિપ્રાય પડ્યો.

“તમારા માટે તો લાવ્યો છું. મારા બુરાકર્મના પાપમાં તમે ભાગીદાર નહીં?” મેહુલ નિરાશ થઈ ગયો.

“ના, હરગીઝ નહીં, અમે તારા પાપકર્મના ભાગીદાર ન બનીએ.” પુષ્પાબેન બોલ્યા.

મેહુલ નિરાશ થઈ ભૂખ્યો સૂઈ ગયો સવારે તે લૂંટનો માલ લઈ પરત કરવા નીકળી ગયો. તેણે ઘરને છોડી દેવાનો નિર્ણય કરી દીધો.

રસ્તામાં સદગુરુનો આશ્રમ આવતા તે પ્રવચન સાંભળવા ઊભો રહ્યો. “જો પાપની કમાઈથી મન અશાંત થઈ જાય ગ્લાનિ અનુભવે તો તે પરત કરી મન શાંત અને શુધ્ધ કરી દેવાથી, આત્માનો ઉદય થશે.” ગુરુજી પોતાના ભક્તજનો અને શિષ્યોને સમજાવી રહયા હતા.

આ સાંભળતા જ તે પહોંચી ગયો, મહાસુખભાઈની દુકાને, હજી તો તે દુકાન ખોલી જ રહ્યા હતા.

“લો, શેઠ આ તમારા બે હજાર બસો રૂપિયા અને લોટરીની ટિકિટ, મને પાપમાંથી મુક્ત કરો.” તે નીચું જોઇને ગમગીન થતાં બોલ્યા.

"ના, ના, મે તો જીવ બચાવવા મનથી તમને રૂપિયા અને લોટરીની ટિકિટ આપી દીધા હતા, હવે મારાથી પાછા ન લેવાય.” મહાસુખભાઈને લૂંટનો માલ પરત કરનાર યુવકને જોઈ નવાઈ લાગી.

“ના, ના, તમારે પરત લઈ મને પાપ મુક્ત કરવો જ પડશે.” મેહુલ મક્કમ હતો. એક વખત મન શુધ્ધ થઇ જાય, પછી તે જુના કર્મો ખપાવવા જ મથામણ કરે છે. 

“ના, મારાથી હવે ન લેવાય” મહાસુખભાઈ પણ ટસના મસ ના થયા. તે એટલા ધાર્મિક હતા, કે એક વખત આપેલ માલ પાછો ન જ લેવાય, તેમ માનતા.

કરવું શું ? બન્ને વચ્ચે મીઠો ઝગડો ચાલતો હતો, ત્યાં મહાસુખભાઈને મોબાઈલ આવ્યો.“અભિનંદન, તમારી છેલ્લી લોટરીની ટિકિટને ચાર કરોડનું બમ્પર ઈનામ લાગેલ છે.” સાંભળીને બન્ને ઉછળી પડ્યા. પણ તે ટિકિટ રાખવા બન્ને તૈયાર નહીં. હવે આ ઇનામનું માલિક કોણ ?બન્ને આ રૂપિયામાંથી કાંઈ સારું કામ કરી મહિલા અને બાળકોના ઉત્થાન માટે પ્રોજેકટ વિચારવા લાગ્યા.

અંતે તેમણે અમદાવાદમાં પાલડી વિસ્તારમાં ચાર કરોડ રૂપિયાનું મહિલા ઉત્થાન કેન્દ્ર ચાલુ કરી. પાપડ, અથાણાં અને નાસ્તાનું ઉત્પાદન ચાલુ કર્યું. ચોખ્ખી દાનત અને શુધ્ધ માલથી એક વરસમાં તો તેમનું કેન્દ્ર ધમધોકાર ચાલવા લાગ્યું. અનેક વિધવા નિરાધાર વિધવાઓને રોજીરોટી મળતા તેમના સત્કર્મોની સુવાસ તેના ગામ સીતાપુર સુધી પહોંચી.

મેહુલના માબાપ, માધવી અને મુન્ની ખુશ થતાં આવીને અનુમોદનાનો વરસાદ વરસાવ્યો. મેહુલ વિચારમાં પડ્યો, “વાહ મારા બુરા કર્મોની બધેથી જાકારો, અને સત્કર્મોની સુવાસની ચારે તરફથી અનુમોદના ! વાહ ! મારી પહેલી લૂંટ તો રંગ લાવી.

લાસ્ટ સ્ટ્રોક : જીવનમાં બુરા કર્મોને કુટુંબીજનો પણ સાથ નહીં આપે, તો સત્કર્મો જ કરતાં રહો ને, સુવાસ ફેલાવતા રહો !!

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

પહેલી લુંટ -  ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

જીવલેણ એપ્રિલફૂલ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

જીવલેણ એપ્રિલફૂલ

-----------------------------------------------------------------------------------------------------

અદિતિને ઓફિસનો અને ઘરનો કામનો બોજ બહુ જ રહેતો હોવાથી ફિટનેસ માટે રાત્રે જ ચાલવાનો ટાઈમ મળતો. જમીને દશ વાગે ચાલતાં ચાલતાં તેને મોટી ઉમરના દાદી જેવી મહિલા મળી ગઈ.

"હાય, કેમ છો, મજામાં ?" તેણે દાદી સાથે વાતો ચાલુ કરી.

"હા, મજામાં, હું તો એક્યાસી વર્ષની રીટાયર્ડ સ્ત્રી છું, એટલે આખો દિવસ ટાઈમ જ હોય છે, પણ મને ચાલવાની રાત્રે એકાંતમાં મજા આવે છે." દાદીએ જવાબ આપ્યો.

"મને પણ રાત્રે જ જમીને ચાલવાનું ગમે છે. આખો દિવસ તો કામ બહુ રહે છે, શાંતિથી રાત્રે સારું રહે છે." અદિતિએ કહ્યું.

એમને એમ વાતચીતમાં બે રાઉન્ડ ચાલીને બન્નેએ પોતાના મોબાઈલ નંબર અને નામ એકબીજાને કહ્યા.

"મારૂ નામ ઉર્મિલા વ્યાસ મારા પતિનું નામ ઉમાકાંત છે." દાદીએ જતાં જતાં કહ્યું.

"મારું નામ અદિતિ અને પતિ અમર અને બન્ને કોમ્પ્યુટર કંપનીમાં જોબ કરીએ છીએ." અદિતિએ ઓળખાણ આપી.

દરરોજ સાથે ચાલતા ચાર પાંચ દિવસમાં તો બન્ને વચ્ચે સારા બહેનપણાં થઇ ગયા.

બીજા દિવસે શનિવારે અમાસની રાત હોવાથી ઉર્મિલાદાદીએ કહ્યું, "મારે ઘેર કામ હોવાથી ચાલવા આવવાની નથી. એમ કર અદિતિ, તું મારે ઘેર આવ. સાથે કોફી પીશું અને કાકા સાથે તને ઓળખાણ પણ કરાવીશ."

"સારૂં, દાદી, કાલે રાત્રે ચાલીને હું તમારે ઘેર આવીશ." અદિતિએ કહ્યું.

બીજે દિવસે અદિતિએ રાત્રે એક રાઉન્ડ એકલા માર્યો અને ઉર્મિલા દાદીએ આપેલું એડ્રેસ વાંચી તેના ઘર તરફ ચાલવા લાગી.

કાળી ડીબાંગ રાત્રિ, કોઈ કોઈ વખત કુતરાના ભસવાનો આવાજ, ચીબરીનો અવાજ રાત્રિને ડરામણી બનાવી રહ્યા હતા. છેક છેવાડાની સોસાયટીમાં છેલ્લું મકાન. સુમસામ બંગલો, અમાસનું ઘોર અંધારું અને સાવ એકાંત. હવે અદિતિને ડર લાગવા લાગ્યો. તેને વિચાર આવ્યો, "અરર ! અહીં રાત્રે હું એકલી ક્યા આવી ?" અંદર પ્રવેશી બેલ મારતા, દરવાજો કિચુડ કિચુડ ખોલતા એક સફેદ કપડામાં સજ્જ કાકા દેખાયા. તેના બે દાંત બહાર ડોકાતાં હતા, આંખો લાલ કલરની અને માથામાં ટાલ હતી. અદિતિ તેને જોતાંવેત જ થથરી ગઈ. તેના વાળ ઉભા થઇ ગયા. દિલની ધડકનો તેજ બની ગઈ.

"કોનું કામ છે ?" કાકાનો ઘેરો અવાજ સાંભળી અદિતિ કાંપવા લાગી.

"હું ઉર્મિલા દાદીને મળવા આવી હતી." કહેતા કહેતા તે ધ્રુજતી હતી.

"તેને મરે તો બે વરસ થઇ ગયા. હું તેનો પતિ ઉમાકાંત. તે રોજ રાત્રે ચુડેલ બનીને અહીં આટલામાં જ ફર્યા કરે છે." દાદા બોલ્યા.

"હે ! તો હું ચુડેલને મળતી હતી." કહેતા અદિતિ પાછી ફરી દોડવા લાગી. ત્યાં સામેથી સફેદ કપડામાં, છુટાવાળ અને ગંભીર ચહેરાવાળી ઉર્મિલા દાદી આવતી દેખાઈ. તેના ચાર દાંત બહાર દેખાઈ રહ્યા હતા. લાલ આંખો ડરામણી લાગતી હતી.

"અદિતિ, કોફી તો પીને જા." તેનો અવાજ સાંભળી અદિતિ ઓર ગભરાઈ. કાળી બિલાડી તેની બાજુમાંથી પસાર થઇ ગઈ, વાળ ઉભા થઇ ગયા, પરસેવાથી રેબઝેબ બનીને ઘર તરફ દોડવા લાગી. વીસ મિનીટ રેબઝેબ દોડતાં ઘેર પહોચી, ધમણ જેવો શ્વાસથી હાંફી રહી હતી, અને પલંગ પર ઘડામ દઈને પડી.

તેનો પતિ અમર "શું થયું ?" કહેતો દોડ્યો. તે વિચારમાં પડ્યો, અદિતિ આટલી ડરી કેમ ગઈ છે ? શું થયું હશે?

ઉર્મિલાદાદી અને ઉમાકાંતદાદા એકબીજાને તાલી દઈ હસી રહ્યા હતા." ખરી, બનાવી, મજા પડી ગઈ" દાદાએ કહ્યું. આપણો એપ્રિલ ફૂલ બનાવવાનો આઈડિયા મસ્ત રહ્યો.

બન્નેએ પોતપોતાના બનાવટી દાંત અને આંખોના કોન્ટેકલેન્સ કાઢી, સફેદ ડ્રેસ કાઢી નાઈટ ડ્રેસ પહેરી લીધા.

"તમારો આઈડીયા જબરો હતો, અદિતિને ડરાવાની મજા આવી."કહેતા ઉર્મિલાબેન ખુશ હતા.

ત્યાં રાતનાં બાર વાગ્યા અને તારીખ બદલાઈ, પહેલી એપ્રિલ, તરત જ ઉર્મિલાબેને અદિતિના મોબાઈલ પર મેસેજ કર્યો. "એપ્રિલફૂલ બનાયા, તુમકો કૈસા ડરાયા."

બે મીનીટમાં અદિતિના પતિ અમરના મોબાઈલમાંથી ઉર્મિલાબેનને મેસેજ આવ્યો. "આટલી ડરામણી મજાક હોતી હશે. અદિતિનું હમણાં ડરના આવેગમાં મોત થયું છે.  હું તમને છોડીશ નહીં."

"હે ! અદિતિનું ડરથી મોત થયુ ??" વાંચતાં ચોરયાસી વરસના ઉમાકાંતભાઈ ગભરાઈ ગયા.

અરેરે ! મારી મજાકથી નિર્દોષ યુવતીનું મોત થઇ ગયું. ઉર્મિલાબેન પણ ચિંતામાં બેહાલ થઇ ગયા. ઉમાકાંતભાઈને ચિંતામાં પરસેવા વળવા લાગ્યા. તેને પાંચ વરસ પહેલા જ એટેક પછી બાયપાસ સર્જરી કરીને ડોક્ટરોએ માંડમાંડ બચાવેલા. મેં જ વધારે પડતી ડરામણી મજાક કરી, વિચારતાં તેની ધડકનો તેજ થઇ બીપી વધી ગયું અને ધડામ... એક મીનીટમાં બીજા એટેકમાં તેમના પ્રાણ નીકળી ગયા. ઉર્મિલાબેન શુનમુન થઇ ગયા. શું કરવું ને શું નહીં, એમ્બ્યુલન્સને ફોન કરવાનો પણ મતલબ નહોતો. ઉમાકાંતભાઈ એટેકમાં આ ફાની દુનિયા છોડી ગયા હતા.

દશ મિનીટ પછી ઉર્મિલાબેનના મોબાઈલ પર અદિતિનો બીજો મેસેજ આવતા ઉર્મિલાબેન ચમકી ગયા.

"એપ્રિલ ફૂલ બનાયા. મને ખબર પડી ગઈ હતી, તમારા શરીરનો પડછાયો મેં બહારની લાઈટમાં જોઈ લીધો હતો. ભૂત કે ચુડેલને કદી પડછાયો હોતો નથી, તે મને ખબર હતી, એટલે મેં પણ ડરવાનો ઢોંગ જ કર્યો હતો. અને મજાકમાં જ દોડી ગઈ હતી."

પોતાની આવી ડરામણી, કુટિલ મજાક પર ઉર્મિલાબેન તેના પતિની લાશ પાસે માથું કુટી રહયા હતા. અરર ! અમે આવી ખતરનાક જીવલેણ મજાક ક્યાં વિચારી. અમારે અમારી ઉમરનો વિચાર તો કરવો જોઈતો હતો.

લાસ્ટ સ્ટ્રોક : એપ્રિલ ફૂલમાં ક્યારેય જીવલેણ ડરામણી મજાકો કરવી જોઈએ નહીં. પોતાની ઉમર અને અવસ્થાને મનમાં રાખી વ્યવહાર કરવો.

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

જીવલેણ એપ્રિલફૂલ -  ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission