મિત્રતા નું ઋણ
આજે મુખ્ય માર્ગો પર ભારે ભીડ જામી હતી. એરપોર્ટથી છેક સ્ટેડિયમ સુધી લોકોની ભીડ ઉભરાતી હતી. ગુજરાતનાં જાણીતાં પુત્ર મહાસુખભાઇ મહેતા રાષ્ટ્રપતિ બની ગયા પછી છ મહિને ગુજરાતમાં પોતાને વતન ફ્રાંસના પ્રમુખ સાથે આવી રહ્યા હતા. બંનેનો સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અભિવાદન સમારોહ હતો. લોકોનો ઉત્સાહ અનેરો હતો, પોતાના લાડીલા નેતાને ફ્રાંસનાં પ્રમુખ સાથે આવકારવા ભારતના અને ફ્રાંસનાં ઝંડા લહેરાવી રહ્યા હતા. પોલીસ બંદોબસ્ત જબરદસ્ત હતો, લોકોના ટોળાં રોડ પર આવી જઈ અવરોધ પેદા ન કરે એટલે જાડા દોરડાંની દિવાલ બનાવી પોલીસમેનો એક એક મીટરના અંતરે બંદોબસ્ત માટે ગોઠવાઈ ગયા હતા.
સિત્તેર વરસના જગદીશભાઇ આજે ખુબ ખુશ હતા. વરસો પછી તેનો બાળગોઠિયો આજે અમદાવાદમાં રાષ્ટ્રપતિ બની આવી રહ્યો હતો. તેને માટે શું લઈ જવું, શું નહીં તેની ભાંજગડમાં તે વિચારી રહ્યા હતા. કોઈપણ ભેટ રાષ્ટ્રપતિ માટે તો નાની જ પડે તેમ હતી, અને ગામડાંના ગરીબ વૃદ્ધ પાસે બીજું હોય પણ શું ? ગરીબ સુદામો પણ પોતાના બાળગોઠિયા માટે તાંદુલની પોટલી જ લઈ ગયો હતો ને ! તેને યાદ આવ્યા નાનપણના સોનેરી દિવસો !
સુરેન્દ્રનગર જિલ્લાના નાના ગામ રામપુરમાં બંને સ્કૂલે સાથે જતાં હતા. જગદીશના બાપાને ખેતીનું કામ હતું, ત્યારે મહાસુખનાં બાપાને ભજીયાની લારી હતી. પહેલા ધોરણથી દસમાં ધોરણ સુધી તેમના ગામની શાળામાં બંને સાથેજ ભણતા, પણ મહાસુખ ભણવામાં હોશિયાર, જ્યારે જગદીશ ઠીક કહી શકાય તેવો, એટલે તે દસમું પાસ કરી ખેતીના કામ માં જોડાઈ ગયો. તેને ચિત્ર દોરવાનો બહુ શોખ હતો. બંને મિત્રો તેના ખેતરે પોંક ખાવા જતાં ત્યારે જગદીશ તેના મિત્રને સામે બેસાડી તેનો સ્કેચ દોરી આપતો, તે મહાસુખને બહુ જ પસંદ પડતાં. બંને ખાવા-પીવા, રમવાં, સુખ દુ:ખમાં સાથે ને સાથે જ રહેતા.
દસમાં ધોરણ પછી મહાસુખ આગળ ભણવા શહેરમાં જતો રહ્યો, અને પછી તે રાજકારણમાં પડી ગયો. તેની ચોખ્ખાઈ, નિષ્ઠા અને કાર્યક્ષમતાથી ધીમે ધીમે ગુજરાતનો મુખ્ય પ્રધાન બની ગયો. તે વખતે જગદીશે બે વખત તો તેને મળવા કોશિષ કરી હતી, પણ મહાસુખ ગુજરાતનાં હિત માટેના કાર્યોમાં વ્યસ્ત રહેતો હોવાથી બંને વખતે મળી જ ના શક્યાં.
લોકલાડીલો મહાસુખ પછી તો તેના સ્વચ્છ વ્યવહાર અને કર્તવ્યનિષ્ઠાથી ભારતના રાષ્ટ્રપતિ પદે આરુઢ થઈ ગયો. હવે તેને ગાંધીનગર છોડીને દિલ્હી રહેવાનું થયું, તેથી વરસો સુધી બંને મળી જ ના શક્યા.
ગામડામાં જગદીશ ખેતીમાં પડી ગયો, તેના લગ્ન માટે માતપિતાએ બહુ કોશિશ કરી, પણ મેળ ના જ પડ્યો, તે વાંઢો રહી ગયો. સમયના વહેણ સાથે તેના માતા પિતા પણ સ્વર્ગે ગયા પછી તે એકલો પડી ગયો. આજુ-બાજુવાળાએ તેને ખાવાપીવાનું અને રહેવાની જવાબદારી સંભાળી, પણ હવે તેનાથી કઈ કામ થતું ન હોવાથી તેના રોટલા બધાને ભારે પડવા લાગ્યા. બસ, તે એકલો બેસી રહી તેના પરમ મિત્ર મહાસુખને યાદ કરતો રહેતો, તેના પાડોશી બગડતાં. “આખો દિવસ રાષ્ટ્રપતિ મહાસુખને યાદ કરીને કાકો બેસી રહે છે, કાઇ કામ જ કરતો નથી, રાષ્ટ્રપતિ તેનું શું ભલું કરશે ? એ જ સમજાતું નથી.”
પણ જગદીશને ક્યાં કોઇની પરવા હતી, તેને ચોક્કસ વિશ્વાસ હતો કે મારો બાળપણનો ગોઠિયો મને એક દિવસ તો જરૂરથી મળશે જ. ત્યારે તેને શું ભેટ આપવી, શું વાતો કરવી, તેના વિચારોમાં જ મગ્ન રહેતો.
આજે તે દિવસ આવી ગયો, તેનો બાળગોઠિયો આજે સામે પગલે અમદાવાદ આવી રહ્યો હતો.
તેણે ભેટ આપવા રાષ્ટ્રપતિનાં ફોટા ઉપરથી સુંદર મોટો સ્કેચ દોરી લીધો, અને ઉપડયો અમદાવાદની બસમાં.
દિલ્હી દરવાજા બહાર કાફલો ગાંધીબ્રીજ તરફ વળી જવાનો હતો, ત્યાં ભીડ જામી હતી, ધક્કામુક્કીમાં તેને કોઈ આગળ જવા દેતું નહોતું, તેથી તે આજુબાજુનાં લોકોને કહેતા બોલ્યો, “મહાસુખ તો મારો બચપનનો ગોઠિયો છે, તેને મળવા મને આગળ જવા દો,” પણ લોકો માને જ નહીં, તેમને આ કાકો પાગલ લાગતો હતો. ભારતના રાષ્ટ્રપતિને તે ભેટ આપવા આ પેન્સિલ સ્કેચ બનાવી લાવેલ છે, સાદા કાગળ ઉપરના પેન્સિલ સ્કેચની કિંમત કઈ ન કહેવાય, રાષ્ટ્રપતિ આવા તો કેટલાને ભાવ આપે ?
રાષ્ટ્રપતિ ખુલ્લી ગાડીમાં લોકોનું અભિવાદન ઝીલતાં ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા. સામે તેમણે પોલીસને જબરજસ્તી કરીને જગુકાકાને દંડો મારતાં જોયા. તે હાથ ઊંચો કરીને તેમનો ફોટો બતાવી રહ્યા હતા. પણ પાછળથી ધક્કો લાગતાં જગુકાકા જમીન પર પડી ગયા. પોલીસે દંડો ઉછાળીને જગદીશને પીઠ પર માર્યો, બધે હાયકારો બોલાઈ ગયો.
ફોટો જોઈને અચાનક મહાસુખને યાદ આવ્યું, “અરે ! આ તો જગો લાગે છે, તેનું ચિત્ર જોઈ ઓળખી ગયા, તેને તો નીચે ઉતરી પોતાના બાલગોઠિયાને ભેટી પડવાનું મન થયું પણ સખત પ્રોટોકોલ અને બંદોબસ્તને લીધે તે વિચારમાં પડી ગયા, કરવું શું ?
એકદમ તેમણે ડ્રાઈવર ને કહી ગાડી ઊભી રખાવી પોતે નીચે ઉતરી જાણે સિનિયર સીટીઝન ને મદદ કરતાં હોય તેમ જગાને ઊભો કર્યો. તે ચિત્ર જગુના હાથમાંથી લઈ ખિસ્સામાંથી પેન કાઢી તેની ઉપર સહી કરી, પેન જગાનાં હાથમાં આપી દીધી. આજુબાજુનાં લોકો, પોલીસમેન વિગેરે ચકિત બની જોઈ રહ્યા. ફ્રાન્સના પ્રમુખ પણ રાષ્ટ્રપતિના પરગજુ, મદદગાર કાર્યને જોઈ આફ્રિન પોકારી ગયા. પ્રોટોકોલનો કોઈ ભંગ નહીં, અને જાણે તે વૃધ્ધ કાકાને મદદ કરતાં હોય તેમ કરી પાછા ગાડીમાં બેસી ગયા. કાફલો આગળ વધી ગયો.
રાષ્ટ્રપતિએ પોતે સહી કરી તે ચિત્ર અને પેન લેવા લોકો ઉમટી પડ્યા. રાષ્ટ્રપતિની સહી વાળા ચિત્રના એક લાખ અને પેનનાં બે લાખની બોલી બોલાવા લાગી,. છેવટે ચિત્રના પાંચ લાખ અને પેનનાં સાત લાખ ઉપજતા જગદીશભાઇ તો દસ મિનિટમાં લખપતિ બની ગયા.
બાર લાખ રોકડા રૂપિયામાંથી જગદીશ ગામડામાં ઘર ખરીદી શાંતિથી રહેવા લાગ્યો.
કળિયુગના
કાનુડાના રૂપમાં રાષ્ટ્રપતિ
મહાસુખે જગુ સુદામા ને પણ કંઇ જ આપ્યા વગર
લખપતિ બનાવી દીધા હતા,
જગદીશ આટલા બધા રૂપિયા એક સાથે મેળવી પોતાના ગોઠીયાનો આંતરમનથી આભાર માનતા હરખઘેલો
બની તેને રોજ યાદ કરતો રહ્યો. ગામ લોકો પણ તેને માન પૂર્વક બોલાવતા થઈ ગયા.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
“મિત્રતા નું ઋણ” - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories