માં તે માં, બીજા બધા વગડાના વા
યુસુફભાઈ અને શબીનાબહેનની શાદીને વીસ વીસ વર્ષ થઈ ગયા, છતાં કોઈ સંતાન નહોતું, તેનાથી બંને નિરાશ થઈને ચિંતિત રહેતા હતા. અનેક મન્નત અને બાધાઓ પછી અલ્લાહએ આ દંપતીને મોટી ઉંમરે બાળકની મહેરબાની કરી હતી. સુફિયાન પેટમાં હતો તેના છેલ્લા મહિનામાં જ શબીનાબહેનને બ્લડ-પ્રેશરની બીમારી થઈ હોવાથી સિઝેરિયન પ્લાન કરેલ હતું. મોટી ઉંમરે ડિલિવરી હોવાથી તમામ તકેદારી રાખેલ હતી. બાળરોગ નિષ્ણાત તરીકે ડૉ. જોષીને જ સિઝેરિયનમાં વિઝિટે બોલાવેલ હોવાથી, તે જ સુફિયાનનો ભવિષ્યનો બાળરોગ નિષ્ણાત બની ગયા હતા. નાની મોટી તકલીફોમાં બંને સાથે આવીને ડોક્ટરને બતાવી જતાં એને સારું પણ થઈ જતું. જોકે બંને ભૂલકણાં હોવાથી અને કંઈક અંશે આળસમાં પણ સુફિયાનની નાનપણની રસીઓ મુકાવવી ભૂલી ગયા હતાં.
એમ કરતાં ધીમે-ધીમે સુફિયાન છ વર્ષનો થઈ ગયો હતો. એક દિવસ અચાનક બપોરે બંને સુફિયાનને લઈને આવ્યાં ત્યારે ચિંતાતુર હતા બે જ દિવસના તાવ પછી તેના હાથ પગ કડક થઈ ગયા હતાં. અને મોં પણ ખૂલતું ન હતું. ડોક્ટરને નવાઈ લાગી, એકદમ સાજાસમા સુફિયાનને શું થઈ ગયું ?? ક્લિનિકમાં તપાસ માટે સુફિયાનને સૂવડાવી તમામ તપાસો કરતાં, નિદાન માટે ડોક્ટરે પહેલાં ક્યારેક આવી તકલીફ થઈ છે કે નહીં, તે વિશે પૂછયું. તો બંનેએ ના પાડી, નજીકના ભૂતકાળમાં કાંઈ થયું હતું, તે વિશે પૂછપરછ કરી, તો શબીનાબહેનને યાદ આવ્યું.
“ડોકટર સાહેબ પંદર દિવસ પહેલાં જ સુફિયાનને રમત-રમતમાં ઘરમાં પડી રહેલી છરી વાગી હતી, અને બહું લોહી નીકળ્યું હતું.”
ડોક્ટરે પૂછયું. “ત્યારે શું સારવાર કરાવી હતી ?”
શબીનાબહેન ગૂંચવાઈ ગયા, પણ યુસુફભાઈને
યાદ આવ્યું. “હા સાહેબ,
અમારા ફેમિલી ડોકટરે ડ્રેસિંગ કરીને, ધનુરની રસી અપાવવાનું
કહ્યું હતું, પણ અમે તો ભૂલી ગયા.”
“સુફિયાનને ધનુરના શરૂઆતના લક્ષણો ચાલુ થઈ ગયા છે.”
ધનુરનું નિદાન સાંભળી બંને સડક થઈ ગયા. પડી રહેલી છરી જ આ રોગનું કારણ હતી.
હવે શું કરવું ? શબીનાબહેન અને યુસુફભાઈને સુફિયાન જીવથીયે વહાલો હતો.
બંને આજીજી કરી રહ્યાં હતા. ‘‘ડોકટર સાહેબ, સુફિયાનને બચાવો, ખર્ચની ચિંતા ન કરતાં’’
“ચોક્કસ” ડોક્ટરે કહ્યું અને સુફિયાનને શ્રેષ્ઠ સારવાર મળે તે
માટે શહેરની સારામાં સારી પ્રાઈવેટ બાળકોની હોસ્પિટલમાં દાખલ કરાવી દીધો.
યુસુફભાઈ અને શબીનાબહેન મનોમન પસ્તાઈ રહ્યા હતા. અમારી ભૂલને કારણે જ સુફિયાનને આ દર્દ થયું છે, જો ધનુરની રસી તરત મુકાવી હોત તો આ રોગ ના થાત એમ વિચારી બંને મનમાં કોચવાઈ રહ્યાં હતા. સુફિયાનના દાદા-દાદી, કાકા-કાકી, અને નાના-નાની વગેરે સહુ સગાઓ હોસ્પિટલમાં ચિંતાતુર ચહેરે ભેગા થઈ ગયા હતાં. સૌને મન એક જ ચિંતા હતી કે, ‘‘સુફિયાન બચશે કે નહીં ?’’ ધીમે-ધીમે સુફિયાનનો રોગ વધતો જ જતો હતો. જરા-જરા વારમાં તેનું આખું શરીર કડક થઈને ખેંચાઈ રહ્યું હતું. ધનુરનો રોગ જ ખતરનાક છે. બહું જ ઓછા બાળકો આ બીમારીમાંથી બચી જાય છે. એકના એક છોકરાને બચાવવાના ઘરના તમામના ધમપછાડા સમજી શકાય તેવા હતા. યુસુફભાઈ અઠવાડિયાંથી કામકાજ પર ગયા જ નહોતા. દવાના બિલો ભરવા પોતાનું ઘર ગિરવે મૂકી દીધું હતું. શબીનાબહેન છ દિવસથી ખાધાં-પીધાં વગર સુફિયાનની પથારી પર બેસી રહ્યાં હતા.
તમામ સગાસંબંધી અને હોસ્પિટલનો સ્ટાફ શબીનાબહેનને ધરપત રાખવા સમજાવી રહ્યા હતા. પણ મા નો જીવ, એકનો એક છોકરો અને જીવલેણ બીમારી, શબીનાબેનને અકળાવી રહયાં હતા.
દરરોજ સવારના રાઉન્ડમાં ડૉક્ટરને પૂછતાં રહેતાં. “ડોકટર, મારો સુફિયાન બચી તો જશેને !”
દરેક વખતે ડોકટરનો એક જ જવાબ રહેતો. “તમામ આધુનિક સારવાર ચાલુ જ છે. અલ્લાહ પર ભરોસો રાખો.”
સાતમાં દિવસે શબીનાબહેનના શરીર પર ઉજાગરાની અસર દેખાવા લાગી હતી.
બધા જ સમજાવતાં “જાવ, શબીનાબહેન ઘેર જઈ આરામ કરો.” પણ એકના એક દીકરાને આવું દર્દ હોય પછી શબીનાબહેન ઘેર જવા તૈયાર જ કઈ રીતે થાય ??
સવારનાં રાઉન્ડમાં ડોક્ટર પાસે શબીનાબહેન રડી પડયા. “ડોકટર, કુછ ભી કરો, સુફીયાન કો બચા લો.”
ડોક્ટરે ફરી પાછી ધરપત આપતાં કહ્યું. “અલ્લાહ પર ભરોસા રખ્ખો.”
શબીનાબહેન બોલી ઉઠયાં, “ડોકટર, અલ્લાહ મુઝે ઉઠા લે લેકિન મેરે સુફિયાનકો બચા લે.”
બહાર ઉભેલા સહુ સગાવહાલાંની આંખોમાં પાણી હતા, સાત-સાત દિવસથી શબીનાબહેન આંખનું મટકુંય નહોતું માર્યું, નાહવા ધોવાની તો વાત જ નહોતી, ખાવાપીવાનું પણ બંધ હતું.
એ જ દિવસે રાતથી જ જાણે અલ્લાહે શબાનાબહેનની અરજ સાંભળીને મહેનતનો જવાબ વાળતાં હોય તેમ સુફિયાનની તબિયત સુધરવા લાગી. સારવારની અસર હવે દેખાવા લાગી. ધનુરની અસર ઓછી થતી ગઈ તેમ આંચકાં ઓછાં થતા ગયા. ઓક્સિજન આપવો જરૂરી ન રહ્યો, બાટલા અને ટ્યૂબો નીકળતી ગઈ. શબીનાબહેન અને યુસુફભાઈ એકદમ ખુશ હતા. તેમની મહેનત રંગ લાવી રહી હતી. પણ ખાધાપીધા વગરના શબીનાબહેનક, અઠવાડિયાથી તેમની બ્લડ-પ્રેશરની ગોળીઓ ખાવાનું ભૂલી ગયા હતાં. સુફિયાન બોલતો થઈ જતાં બંનેની આંખોમાં પાણી આવી ગયા.
“ડોકટર સાહેબ, આપનો ખૂબખૂબ આભાર. તમારી મહેનતથી અમારો સુફિયાન મોતના મોંમાંથી પાછો આવી ગયો.”
“અલ્લાહની મહેરબાની વગર કશું જ શક્ય નથી”, કહીને ડોક્ટરે માનવ કરતાં ઉપરવાળાની મહેરબાની જ કારણભૂત બતાવી.
બીજા દિવસે સવારે ડોક્ટર સુફિયાનને રજા ક્યારે આપવી તેનો વિચાર કરતાં તેના બેડ પર આવ્યા, ત્યારે શબીનાબહેન હજુ પણ સુફિયાનની સામે બેસી રહ્યા હતા.
ડોક્ટરને જોતાવેંત ઉભા થઈને “શુક્રિયા” કહેવા ગયા અને અચાનક ફસડાઈ પડયા.
જમીન પર બેભાન થઈ ગયેલા શબીનાબહેનનું બ્લડપ્રેશર વધીને ર૮૦/૧૮૦ થઈ ગયું હતું. મગજની નસ ફાટી જવાથી મગજમાં હેમરેજ થઈ ગયું હતું. પાંચ જ મિનિટમાં તેનું શ્વસનકેન્દ્ર હેમરેજના દબાણ હેઠળ આવી ગયું હતું. શું કરવું તે વિચારીને ડોક્ટરે તાત્કાલિક ફિઝિશિયન ડોકટરને બોલાવવા કોલ જોડયો. યુસુફભાઈ હજુ સમજી નહોતા શકતાં, આ શું બની રહ્યું છે ? તમામ સંબંધીની આંખોમાં પાણી સાથે વોર્ડમાં આવી ગયા હતા.
હોસ્પિટલના તમામ સ્ટાફની આંખોમાં પાણી આવી ગયા હતા.
હજુ તો ફિઝિશિયન આવે તે પહેલાં શબીનાબહેનના શ્વાસ થંભી ગયા. તેની નાડી બંધ થઈ ગઈ હતી.
સુફિયાનની જિંદગી બચાવતાં - બચાવતાં શબીનાબહેન ખુદાને પ્યારા થઈ ગયા.
યુસુફભાઈ અને તમામ સગાઓ બોલી ઉઠયાં, “યે ક્યા હો ગયા”.
વોર્ડમાંથી બહાર નીકળતાં ભીની આંખે ડોક્ટર વિચારી રહ્યા હતાં. “મા તે મા, બીજા બધા વગડાંના વા.” કહેવત જાણે કે શબીનાબહેને માટે જ બનાવી હતી.
ત્યાં જ રેડિયો પર ગીત વાગી રહ્યું હતું, “જાને વાલે કભી નહીં આતે, જાને વાલો કી યાદ આતી હૈ.”
પોતાની દવા, ખોરાક-પાણી, ઊંઘ અને આરામની પરવા વગર પોતાના એકના એક સંતાનને બચાવતા મા નો જીવ અચાનક ઊડી ગયો, આની તુલના સંસારની કઈ દૌલત સામે થઈ શકે ??
નાનકડો સુફિયાન હજુ પણ ‘‘અમ્મી અલ્લાહને ઘેરથી ક્યારે પરત આવશે, તેની રટણ લગાવી રહ્યો છે.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
માં તે માં, બીજા બધા વગડાના વા - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


.jpg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories