પ્રશ્ર્ન ખોટું કામ માટે સંગતતાથી સોર્ટ કરેલી પોસ્ટ્સ બતાવે છે. તારીખથી સોર્ટ કરો તમામ પોસ્ટ્સ બતાવો
પ્રશ્ર્ન ખોટું કામ માટે સંગતતાથી સોર્ટ કરેલી પોસ્ટ્સ બતાવે છે. તારીખથી સોર્ટ કરો તમામ પોસ્ટ્સ બતાવો

17 ફેબ્રુઆરી 2026

ખોટું કામ- ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ખોટું કામ

મમ્મી, તું આશ્કાની ડિલીવરી માટે અમેરિકા આવીશને ?” આશિતે ફોનમાં તેના મમ્મી શારદાબેનને કહ્યું.

હા, બેટા ચોકકસથી આવીશ. શારદાબેને ખુશ થતાં કહ્યું. 

મમ્મી પંદર દિવસ પછીની ટિકિટ મોકલાવું છું. અમદાવાદથી સીધી ફ્લાઇટ નેવાર્કની છે. ત્યાંજ હું તને લેવા આવીશ. હવે તબિયતનું ધ્યાન રાખજે.  કલોલથી સીધી અમદાવાદ એરપોર્ટ આવી જજે, કાકા મૂકી જશે. આશિતે સૂચનો આપવા માંડ્યા. 

ભલે બેટા.” શારદાબેન અંદરથી ખુશ થતાં બોલ્યાં.


વિધવા શારદાબેને પેટે પાટા બાંધીને એકના એક દીકરા આશિતને મોટો કરી ભણાવી ગણાવીને કોમ્પ્યુટર એંજિનિયર બનાવી દીધો હતો. તેને આશા હતી કે દીકરો કમાતો થાય પછી આરામ મળશે
, પણ તે આશા ઠગારી નીવડી.


આશિતને અંદરથી અમેરિકા જઇ ડોલર કમાવવાની ઇચ્છા હતી મેરેજ.કોમ વેબસાઇટ પરથી આશ્કા નામની ગ્રીનકાર્ડ હોલ્ડર છોકરી સાથે મેળ પડતાં, તે ખુશખુશાલ બની ગયો. ઘડિયા  લગ્ન લેવાયા અને છોકરી ગ્રીનકાર્ડ હોલ્ડર હોવાથી ફાઇલ મૂકાતા વરસમાં તો અમેરિકા જવા ઉપડી ગયો.


અહી કલોલમાં શારદાબેન ફરી એકલા પડી ગયા. તેમની પણ અમેરિકા જવાની બહુ જ ઈચ્છા હતી, પણ મેળ પડવો જોઈએ ને !

 

અમેરિકાની ટિકિટ બહુજ મોંઘી હોવાથી આશિત અને આશ્કાએ વિચાર્યું કે ડિલીવરી વખતે જ મમ્મીને તેડાવીશું, તેમને અમેરિકા ફરવા પણ મળશે અને ડિલીવરીમાં કામમાં પણ આવશે.

 

        અમેરિકા જઈને દીકરાના સંતાનને રમાડવાના સપના આવતા શારદાબેનનો હરખ સમાતો ન હતો. કેટલા વરસે તેમના સપના સાકાર થવા જઈ રહ્યા હતા, પણ નસીબની બલિહારી તો જુઓ, જવાના બે દિવસ પહેલા જ તેમને શરદી, કફ અને તાવ ચાલુ થયા.  ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા. શારદાબેન અને આશિત ચિંતામાં પડ્યા. અમેરિકા આવતા પ્રવાસીઓએ RT-PCR ટેસ્ટ કરાવવા ફરજિયાત હતા. કરવું શું ?

 

        શારદાબેન વિચારતા હતા, જો કદાચ મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો મારો જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ જાય. ત્યાં ડિલિવરી થઈ જાય પછી મને કોણ બોલાવે ?

 


શારદાબેને તપાસ કરાવતા ખબર પડી કે રૂપિયા ખર્ચો તો ટેસ્ટ કરાવ્યા વગર નેગેટિવ રિપોર્ટ મળી જાય એમ છે
, તેથી તેમણે આશિતને વાત કરી.

 

બેટા, અહી ટેસ્ટ વગર નેગેટિવ રિપોર્ટ મળી જાય તેમ છે.

 

આશિતને નવાઈ લાગી, પણ પછી તેણે કહ્યું, ના મમ્મી, ખોટું કામ નથી કરવું, આવી રીતે નિયમો સાથે કે આરોગ્ય સાથે ચેડાં ના કરાય.

 

પણ શારદાબેનના મગજમાં અમેરિકાની લગની લાગી હતી, તેમણે તો ખોટું કામ કરવાનું નક્કી કરી દીધું.

 

મુઆ, શરદી કફ તો ચાર પાંચ દિવસમાં મટી જશે. આવું વિચારીને તે પહોચી ગયા બનાવટી રિપોર્ટ બનાવનાર લેબોરેટરી પાસે.

 

મારે અમેરિકા જવું જ છે, તમે મારો નેગેટિવ રિપોર્ટ આપશો.

 

માજી, 2000 રૂ. થશે, પણ પછી વાંધો નહીં આવે. લેબોરેટરીના મેનેજરે કહ્યું.

 

શારદાબેન વિચારમાં પડ્યા, પણ તેમને તો અમેરિકા જવું જ હતું.

 

તેમણે વિચાર્યું, એક જ વખત ખોટું કામ કરવામાં વાંધો શું છે ? ત્યાં પહોચીને આ બધુ મટી જાય તો ચિંતા શું છે. ?”

 

ત્યાં આંતરમને લપડાક મારી, શારદાબેન, આ ઉંમરે ખોટું કામ કરતાં શરમ નથી આવતી, તમારા દીકરાએ પણ ના પાડી છે.

 

પણ અંતે અમેરિકા જવાની મહત્વાકાંક્ષાનો વિજય થયો.

 

શારદાબેને 2000 રૂ. ખર્ચી ટેસ્ટ વગર નેગેટિવ રિપોર્ટ લઈ, ખુશ થઈ ગયા.

 

અમદાવાદ એરપોર્ટ પર શરદી અને ઉધરસવાળા માજીનો રિપોર્ટ નેગેટિવ હતો એટ્લે જવા દઈ બોર્ડિંગ પાસ આપી દીધા અને માજી પહોચી ગયા નેવાર્ક એરપોર્ટ ઉપર. 

 


નેવાર્ક એરપોર્ટ પર જ તાવ સખત હોવાથી ફરીથી ટેસ્ટ કરતાં કોરોના પોઝિટિવ ટેસ્ટ આવતા તરત જ બધા સાબદા થઈ ગયા. તે
મને હોસ્પીટલમાં દાખલ કરી દીધા કોરોના વોર્ડમાં, અને ઘનિષ્ઠ સારવાર ચાલુ કરી.

 

આશિત ચિંતામાં પડી ગયો. માં, મે ના પાડી હતી, છતાં તે આ શું કર્યું ?”

 

બેટા, મને ખબર જ નહીં કે આટલું બધુ વધી જશે. શારદાબેન રડમસ અવાજે બોલ્યા.

 

ધીમે ધીમે તેમની હાલત બગાડવા માંડી. શ્વાસ વધી ગયા, બોલવામાં અને ખાવામાં તકલીફ વધી ગઈ.

ત્યાના ડોકટરોએ ચોખ્ખું કહ્યું, જો ત્રણ દિવસ પહેલા નિદાન થઈ સારવાર ચાલુ થઈ ગઈ હોત તો પરિસ્થિતી આટલી બગડત જ નહીં.

 

આશિત અને આશ્કા પણ મમ્મી પર અકળાયા. ચાર દિવસ પછી આશ્કાની ડિલીવરી પણ થઈ ગઈ. જે કામ માટે શારદાબેન આવ્યા હતા, તેમાં તો તે મદદમાં આવ્યા જ નહીં.

 

માંડ માંડ સાત દિવસની મહેનત અને ઘનિષ્ઠ સારવારથી શારદાબેન બચી તો ગયા, પણ હોપિટલનું બિલ આવ્યું, નેવું હજાર ડોલર.

 

આશિત માથે હાથ દઈને રડી રહ્યો છે, આટલું બધુ બિલ ભરવું કઈ રીતે ?

 

શારદાબેનને રાજા આપતા પાછા ઈન્ડિયા મોકલી દેવાયા કારણ કે નવજાત બાળક અને પ્રસૂતા માતા સાથે આવો કેસ રખાય જ નથી. તે માથું કુટી રહ્યા છે,

 

લાસ્ટ સ્ટ્રોક: ખોટુ કામ કરવા જેવુ જ નથી, તેમાય આરોગ્ય સાથે તો ચેડાં કરાય જ નહીં. સરકાર આપણાં ભલા માટે જ નિયમો બનાવે છે ને !!!


 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ખોટું કામ- ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


25 ઑક્ટોબર 2023

દગો - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા

 

દગો   - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા

દગો   - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા


લો, ચંદુભાઈ, આ તમારા પચાસ હજાર રૂપિયા રોકડા.શહેરની મોટામાં મોટી દવાની દુકાનવાળા શેઠ નાનજીભાઈએ ખાનગીમાં ચંદુને પોતાની કૅબિનમાં બોલાવી રૂપિયા આપતાં કહ્યું. ચંદુભાઈએ પાંચસોની નોટો ગણતાં ધીમેથી કહ્યું, “હજુ હું વધારે રૂપિયા બનાવી શકીશ, પણ જોજો, વાત બહાર જાય નહીં.

 ચંદુ છેલ્લાં ત્રીસ વર્ષથી શહેરની સૌથી નામાંકિત બી.આર. (બલ્લુભાઈ રાવજીભાઈ) હૉસ્પિટલમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો.મ્યુનિસિપલ હૉસ્પિટલ હોવાથી પગાર સારો હતો, પણ આટલી મોંઘવારીમાં ચંદુથી બિલકુલ બચત થતી નહતી. ચંદુને કુટુંબમાં પત્ની, બે બાળકો અને વૃદ્ધ માતા-પિતા જીવીબહેન અને ડાહ્યાલાલનું છ માણસોનું ઘર ચલાવવાનું હતું. ચંદુ પણ ઈમાનદારીથી નોકરી કરતો હોવાથી ઉપલી આવક કંઈ ન હતી.

 હાર્ટઍટેક આવે છે ત્યારે હૃદયની મુખ્ય લોહીની નળીઓમાં લોહીનો ગઠ્ઠો જામી જતાં હૃદયને ઑક્સિજન ન મળતાં સખત દુખાવો થઈ, જો યોગ્ય સારવાર ન થાય તો અંતે હૃદય કામ કરતું બંધ થતાં દર્દીનું મોત થાય છે. લોહીનો ગઠ્ઠો ઓગાળી નાખે એવું કીમતીસ્ટ્રેપ્ટોકાઈનેઝનું ઇન્જેકશન જો ઍટેકના પહેલા ચાર કલાકમાં આપી દેવાય તો દર્દીનો જીવ બચી જાય છે. આ ઇન્જેક્શનો ઉપયોગી છે, પણ તેના એક વાયલની કિંમત અંદાજે ત્રણ હજાર રૂપિયા છે. બી.આર. હૉસ્પિટલમાં પણ આ ઇન્જેક્શન ઇમરજન્સી સ્ટૉકમાં રાખવામાં આવે છે, પણ કબાટની અંદર તાળાકૂંચીમાં, જેની એક ચાવી મુખ્ય ડૉક્ટર પાસે અને એક ચાવી જૂના વિશ્વાસુ પટાવાળા ચંદુ  પાસે જ રહેતી. ચંદુલાલ આ ચાવી ખાસ તેના પેન્ટના અંદરના ગજવામાં સાચવીને રાખતા.

એક દિવસ શહેરના મોટામાં મોટા દવાના સ્ટોકિસ્ટ નાનજીભાઈએ ખાનગીમાં ચંદુને પોતાની ઑફિસમાં વધારાના રૂપિયા કમાવા મળશેની લાલચે બોલાવ્યો. ચંદુલાલને એમ કે કાંઈ વધારાનું કામ કરવાનું હશે, તેના રૂપિયા મળશે, પણ નાનજીભાઈની વાત સાંભળી ચંદુ ચોંકી ગયો.

નાનજીભાઈએ ધીમેથી કહ્યું, “જો ચંદુ, તારે હાર્ટઍટેકના સ્પેશ્યલ સ્ટ્રેપ્ટોકાઈનેઝના ઇન્જેક્શનનું બૉક્સ કાઢીને મને આપી દેવાનું અને હું આપું તે સફેદ પાવડરભરેલું ઇન્જેક્શનનું બૉક્સ તેની જગ્યાએ ગોઠવી દેવાનું. એક ઇન્જેક્શનના વાયલના બે હજાર રૂપિયા લેખે તને મહેનતાણું મળશે.

ચંદુ ઉશ્કેરાઈ ગયો, અને ગરમ થઈને કહ્યું, “આ કામ મારાથી નહીં થાય, આ તો દર્દીની જિંદગી સાથે રમત કરવા જેવું છે.

ચંદુ કૅબિનની બહાર નીકળી ગયો. ઈમાનદારીપૂર્વક કામ કરતો હતો એટલે જ તો કીમતી ઇન્જેક્શનોની ચાવી તેની પાસે રહેતી હતી ને! બધા ડૉક્ટરોને ચંદુ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો.

બીજા અઠવાડિયે તેના બાપા ડાહ્યાલાલને આંખે ઝાંખપ વળતાં તે આંખના પ્રાઇવેટ ડૉક્ટરને ત્યાં બતાવવા લઈ ગયો. તેમની આંખે મોતિયો આવી ગયો હતો, તેથી દેખાવાનું પણ બંધ થઈ ગયું હતું. આંખના ડૉક્ટરે કહ્યું, “ચંદુ, હું તને મોતિયાના ઑપરેશનના ઓછા રૂપિયા લઈશ, પણ જો સારી ક્વોલિટીનો લેન્સ નાખવો હોય તો ત્રીસ હજાર જેટલો ખર્ચ તો થશે જ !

આટલા બધા રૂપિયા ક્યાંથી લાવવા ? ચંદુ નિરાશ થઈ ગયો. તેની પોતાની પાસે તો બચત હતી જ નહીં. તેથી તેણે બે-ત્રણ મિત્રો, સગાંવહાલાં પાસે હાથ લાંબો કરી જોયો, પણ તેને કોઈએ સહકાર ન આપ્યો. તેની જ હૉસ્પિટલના બે-ત્રણ ડૉક્ટરોને પણ વિનંતી કરી જોઈ, પણ બધેથી ના, ના અને ના જ સાંભળવા મળી.

 ઈમાનદારીપૂર્વક જીવતા ચંદુભાઈ નિરાશામાં ડૂબી ગયા. તેમના બાપાને એક આંખમાં તો પહેલેથી જ દેખાતું ન હતું, તેમાં વળી બીજી આંખે મોતિયો વળતાં સાવ દેખવાનું જ બંધ થઈ ગયું.ચંદુભાઈ વિચારે ચડ્યા. ઈમાનદારીની આ દુનિયામાં કરતાં કોઈ પણ રીતે આવતા રૂપિયા શું ખોટા ? બાપાને દેખતા તો કરવા પડશે ને !

અતિશય મોંઘવારી અને નાણાંની લાલચે ચંદુભાઈનો જીવ બગાડ્યો. બીજા જે દિવસે બપોરના એકાંત સમયે ચંદુભાઈ પહોંચી ગયા કીમતી ઇન્જેક્શનોના કબાટ પાસે, ખોટું કામ કરતા હાથ ધ્રૂજી રહ્યા હતા. પણ પચ્ચીસ  વાયલનું આખું બૉક્સ બદલવાના પચાસ હજાર રૂપિયા મળતા હોવાથી મન લલચાઈ ગયું.

પાંચસોની ગાંધી છાપ નોટોનું બંડલ લઈને ઘેર આવીને મા-બાપને બતાવતાં બંને ઊછળી પડ્યાં. ડાહ્યાલાલ બોલ્યા, “અલ્યા ચંદુ, આટલા બધા પચાસ હજાર રૂપિયા લાવ્યો ક્યાંથી ?”

ચંદુ વિશ્વાસપૂર્વક બોલ્યો, “બાપા, મારી મહેનતના રૂપિયા છે, તમારું મોતિયાનું ઑપરેશન કરાવી સારામાં સારો ઇમ્પોર્ટેડ લેન્સ નખાવી તમને દેખતા કરી દઈશ.

પણ તેની મા જીવીબહેનને વિશ્વાસ પડતો ન હતો, “ ચંદુ, કોઈ ખોટું કામ કરીને રૂપિયા લાવ્યો હોય તો પરત કરી દે. આપણે મોતિયો નથી ઉતારવો.

અરે મા ! તમને બંનેને મારી ઉપર વિશ્વાસ નથી ? માંડમાંડ મહેનત કરીને પચાસ હજાર ભેગા કરેલ છે, અને હવે તમે મારી ઉપર જ શંકા કરો છો ?” ચંદુએ જવાબ વાળ્યો.

મા-બાપ બંનેને લાગ્યું કે ચંદુએ કંઈક ગોટાળો કરેલ છે, તેની ચિંતામાં ને ચિંતામાં તેના બાપાને રાત્રે જ છાતીમાં દુખાવો ઊપડ્યો. બધાં સગાંવહાલાં ભેગાં થઈ ગયાં. ચંદુનો મોબાઇલ પર વારંવાર સંપર્ક કરવાની કોશિશ કરી પણ નેટવર્ક પકડાતું ન હોવાથી સંપર્ક જ થઈ ન શક્યો. અંતે બધા તેના બાપાને લઈને દોડ્યા. ચંદુની જ બી.આર. હૉસ્પિટલના ઇમરજન્સી વૉર્ડમાં. ત્યાંના સ્ટાફના માણસોએ ડૉક્ટરને ઓળખાણ કરાવતાં કહ્યું, “આ તો આપણા ચંદુના બાપા છે !ડૉક્ટરે તરત જ કાર્ડિયોગ્રામ કાઢતા ગંભીર હાર્ટઍટેકનું નિદાન થયું. ડૉક્ટરે બધાને સમજાવતાં કહ્યું, “ચિંતા ના કરશો, હમણાં હું તેમને હાર્ટઍટેકનું સ્ટ્રેપ્ટોકાઇનેઝનું સૌથી અસરકારક ઇન્જેક્શન આપી દઉં છું. અંદર જામેલું લોહી ઓગળી જતાં તેમને તરત જ આરામ થઈ જશે.

આ સાંભળીને બધાને શાંતિ થઈ. પણ આશ્ચર્ય ! ઇન્જેક્શન આપવા છતાં ડાહ્યાલાલનો છાતીનો દુખાવો વધતો જ ગયો, બધા સ્ટાફ સહિત ડૉક્ટરને નવાઈ લાગી. બધા વિચારમાં પડી ગયા આટલા સારા ઇન્જેક્શનની અસર કેમ થતી નથી ?” અડધા કલાકની બૂમાબૂમ પછી ડાહ્યાલાલની નાડી ધીમી પડવા લાગી. આંખો ઉપર ચડી ગઈ અને શ્વાસ કાયમ માટે થંભી ગયો. તેમણે આ ફાની દુનિયાનો ત્યાગ કરી દીધો. ચારેકોર રોકકળ મચી ગઈ. બીજા દિવસે ચંદુલાલનો સંપર્ક થતાં તે દોડતાદોડતા ઘેર આવ્યા અને સઘળી બાબતો જાણી હૈયાફાટ રુદન કર્યું, “અરેરે ! મેં જ ખોદેલા ખાડામાં મારા બાપા જ ફસાઈ ગયા. ખરેખર દગા કિસીકા સગા નહીં હોતા.

બપોરે બાપાના મૃતદેહને કાંધ આપતા ચંદુલાલની આંખોમાંથી શ્રાવણ- ભાદરવો વરસી રહ્યા હતા. તેણે અંદરથી પચાસ હજારનું બંડલ કાઢ્યું ત્યારે પાંચસોની નોટોમાં રહેલા ગાંધીબાપુ જાણે કે તેને ઠપકો આપી રહ્યા હતા. પાછા વળતાં તેણે બધા રૂપિયા દવાની દુકાનમાં પરત કરી અસલ ઇન્જેક્શનો પાછાં તેના કબાટમાં ગોઠવી દીધાં. થાકની અસરથી અને મન ઉપરથી બધો બોજ ઊતરી જતાં ચંદુને રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.







If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


દગો - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission