પ્રશ્ર્ન ખોટું કામ માટે તારીખથી સોર્ટ કરેલી પોસ્ટ્સ બતાવે છે. સંગતતાથી સોર્ટ કરો તમામ પોસ્ટ્સ બતાવો
પ્રશ્ર્ન ખોટું કામ માટે તારીખથી સોર્ટ કરેલી પોસ્ટ્સ બતાવે છે. સંગતતાથી સોર્ટ કરો તમામ પોસ્ટ્સ બતાવો

25 જુલાઈ 2026

ખોટું કામ, અંતે પસ્તાવો - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ખોટું કામ, અંતે પસ્તાવો

----------------------------------------------------------------------------------------------------

મયંક બહુ જ મહત્વાકાંક્ષી વકીલ હતો. એલએલબી પાસ કરી તેણે વકીલાત કરવાનાં સનદ લીધા. તેને ક્રિમીનલ કેસો લડવાનો બહુ જ શોખ હતો. શરૂઆતની વકીલાતમાં તે હમેશા સાચું કામ કરનાર અસીલનો કેસ જ હાથમાં લેતા. પણ આવક વધારે થતી નહીં. બીજા બધા વકીલનો ઠાઠમાઠ અને લક્ઝરી જોઈ તેને જલન થતી. મને કેમ આવક થતી નથી ?

તેના પત્ની માલતીબેન સીધા, સાદા અને સંતોષી હતા. તેમને મયંકની ઓછી પણ સાચી કમાણીથી સંતોષ હતો. તે મયંકને પુછતાં રહેતા, સાચા કેસ જ લો છો ને, ગુનેગારોના કેસમાં મદદ તો નથી કરતો ને ! મયંક તેને હા જ પાડતો, પણ ટુંકી આવકમાં તે લોકો ઘરનું ઘર કે લક્ઝુરીયસ કાર ખરીદી શકે તેમ જ ન હોતા.

મયંક તેના મિત્ર રૂચિર પટેલને મળવા ગયો ! "મારી આટલી મહેનત અને દોડાદોડી હોવા છતાં કમાણી કેમ થતી નથી." પટેલ શહેરના જાણીતા ક્રિમીનલ વકીલ હતા. તેમણે સમજાવ્યું.

"તમે બધા સાચા જ કેસો લડૉ છો, એમાં આવડત કે દલીલબાજી છે જ નહીં, તેના પૈસા પણ અસીલો ઓછા આપે છે. મારી જેમ ગુનેગારોના કેસ લો. લાખ્ખોમાં કમાણી થશે."

મયંક વિચારમાં પડી ગયો. મારામાં આવડત હોવા છતાં કમાણી ન થવાનું કારણ આજ છે. અને તેણે ગુનેગારોને છોડાવવાના કેસ લેવા માંડ્યા. અસીલોને પણ ખબર પડી ગઈ, કે ગુનેગારોને નિર્દોષ સાબીત કરનાર વકીલ તો વસાવડા જ છે. અને ખરેખર ગુનેગારોની લાઈન લાગી. ખૂન, બળાત્કાર, વિગેરે કેસોના લાખ્ખો રૂપિયા મયંકે લેવાના ચાલુ કરી દીધા. જોતજોતામાં તો એ લાખોપતિ બની ગયો, સેટેલાઈટમાં બંગલો અને ઓફીસ લીધા.

તેની પત્ની માલતીબેનને આ વાત ખબર પડતા ગરમ થઇ ગયા. "મયંક, તું ગુનેગારોના કેસ લઇ તેને નિર્દોષ છોડાવે છે?"

"હાં, માલતી, આ ઝાકઝમાળ તેની જ છે." મયંકે વટથી કહ્યું.

"છોડીદે, મયંક, નહીતર હું તને છોડી દઈશ." વિવાદ વકરી ગયો. અને છેવટે માલતી તેને છોડીને પરત પિયરમાં મુંબઈ આવી, ત્યારે ગર્ભવતી હતી.

કરોડપતિ વકીલ મયંકને તો તરત જ બીજી કન્યા મળી ગઈ. વર્ષો વિતતા ક્યાં વાર લાગે છે. હવે મયંક અબજોપતિ બની ગયો હતો, પણ તેની નવી પત્નીનું અચાનક કોરોનાથી અવસાન થતા તે પાછો એકલો થઇ ગયો.

હવે તેને માલતીની યાદ સતાવવા લાગી. તે ગઈ ત્યારે ગર્ભવતી હતી, હવે તો મારો પુત્ર પણ વીસ વરસનો થઇ ગયો હશે, વિચારતાં તેનું મન ઉદવેગમય બની ગયું. માલતીની વરસો સુધી  તેણે બહુ શોધખોળ કરી, પણ તેનો કોઈ પત્તો જ ન લાગ્યો. તેના પિયરીયા ઘર બદલીને શિફટ થઇ ગયા હતા.

"સાહેબ, મને આ કેસમાંથી બચાવી લો. હું તમને મોં માંગી રકમ આપીશ," મુંબઈનો ગુડો હમીદખાન કરગરી રહ્યો હતો.

"તે શું ગુનો કર્યો છે?" મયંકે પુછ્યું.

"સાહેબ, મેં મારી સામે થનાર છોકરા ને ટપકાવી દીધો છે. તે મને પાક્ડાવી દેવા કોર્ટમાં જુબાની  આપવાનો હતો." હમીદખાને જવાબ આપ્યો.

"હું ત્રીસ લાખ રોકડા લઈશ." મયંક હવે પૈસા પાછળ ગાંડો થયો હતો. મયંકના સદાચારી આત્માએ ઠપકાર્યો, એક નિર્દોષ યુવાનના ખૂનીને બચાવીને, આ તું શું કરી રહ્યો છે? પણ તેના લાલચુ મને વિચાર્યું, ત્રીસ લાખ મળતાં હોય તો શું વાંધો છે?

એક વખત મન પૈસાની લાલચમાં ચડી જાય, પછી તેને સારાનરસાનું ભાન રહેતું નથી.

"સાહેબ, તમારે મુંબઈ કોર્ટમાં આવવું પડશે. ત્યાં મારો કેસ કોઈ વકીલ લેતો નથી. બધાને મારી હરકત ખબર છે." હમીદખાને ચોખ્ખી વાત કરી.

મયંકે કેસ હાથમાં લઇ એવું સાબીત કરી દીધું, કે એ વખતે હમીદખાન મુંબઈમાં હતો જ નહીં, પણ દિલ્હીમાં હતો. પછી તેણે ખૂન કર્યાનો સવાલ જ નથી. મયંકે હમીદખાનની હાજરી દિલ્હીની તાજ પેલેસમાં હતી,તેના પુરાવા અને સાક્ષી ઉભા કરી દીધા, બધા ચોંકી ગયા. પણ ન્યાની દેવી તો પુરાવા માંગે છે. અંતે હમીદખાન બાઈજ્જત બરી થયા.

વકીલ મયંક વસાવડાએ ખુશ થતા ત્રીસ લાખની સુટકેસ હાટમાં પકડી, ત્યાંજ સામેથી માલતીને જોઈ ઓઝપાઈ ગયા.

"અરે માલતી ! તું વીસ વરસે મળી , તબિયત કેમ છે ?" કહેતા મયંક વસાવડા ભાવુક થઇ ગયા.

"આ શું કર્યું મયંક, તે આ શું કર્યું ? આપણો એકને એક દીકરો મિહિર હજુ વીસ વરસનો છે, પણ તે ખૂની હમીદખાનની નજરે જોયેલા ગુનાની જુબાની આપવા જવાનો હતો, ને તે ગુંડાએ તેને રસ્તામાંજ બધાની હાજરીમાં છરી મારી ટપકાવી દીધો. તેને તમે બાઈજજત બરી કરાવી દીધો. આપણા મિહિરને ન્યાય આપવાને બદલે ખૂનીને મદદ કરી." કહેતા માલતી ફસડાઈ પડી.

"પણ કેસ ચાલ્યો ત્યારે કેમ ન આવી?" મયંકે સવાલ કર્યો.

"હું મિહિરના મોતથી હતપ્રત થઇ પડી ગઈ, તેમાં પગે થાપાનું ફેકચર થઇ ગયું, અને હું હોસ્પીટલમાં દાખલ હતી. આજે જ રજા મળતાં કોર્ટમાં દોડી આવી." માલતીએ રડતાં રડતાં કહ્યું.

પોતાના જ દીકરાને ન્યાય ન મળતાં મયંક પણ હતપ્રત થઇ બેસી પડ્યો. મેં જ મારા દીકરાના ખૂનીને બચાવી મોટી ભૂલ કરી દીધી, વિચારતાં તેની આંખોમાંથી આંસુઓના વરસાદ વરસી રહ્યો.

ત્રીસ લાખ રૂપિયા ભરેલી સુટકેસ હતાશ મયંક વસાવડા સામે હસીને કહી રહી હતી, "ખોટું કામ અંતે પસ્તાવો."

લાસ્ટ સ્ટ્રોક - ખોટું, અનીતિનું કામ કરવાથી પૈસાતો મળે છે, પણ મનની શાંતિ હણાઈ જાય છે.

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

 ખોટું કામ, અંતે પસ્તાવો - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

25 જૂન 2026

વોચમેન ભીમજી - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

વોચમેન ભીમજી

-----------------------------------------------------------------------------------------------------------------------------

"તું અહી ભણવા આવે છે, કે આ બધું કરવા ?" આર્ટસ કોલેજના વોચમેને સુંદરીને સલાહ આપી.

"તું તારું કામ કરને ! મોટીના જોયો હોય સલાહ આપનારો." કહીને સુંદરીએ ભીમજીને તુચ્છકારી કાઢ્યો.

"હું પ્રિન્સીપાલ ને જાણ કરીશ "ભીમજીએ સુંદરીનું ભવિષ્ય ન બગડે એટલે ચીમકી આપી..

ફાઈનલયરમાં ભણતી સુંદરી આવારાગર્દી અને પ્રેમના લફરામાં પડી ગઈ હતી. કોલેજમાં ચાલુ પીરીયડે બંક મારી પોતાના પ્રેમી સાથે ભાગીને ફરવા જવું તેની માટે સામાન્ય થઇ ગયું હતું.

કોલેજનો વોચમેન ભીમજી પણ હજુ પાંત્રીસ વરસનો, સંસ્કારી યુવાન હતો. તેને આ બધું જરાપણ ગમતું નહિ. સુંદરી સારા અને ચરિત્રવાન કુટુંબની બેટી હતી, અને તેની નાની બહેન જેવી જ દેખાતી, અટેલે ભીમજીને લાગી આવ્યું, અને તેણે સુંદરીને ઠપકો આપ્યો. તેને લાગ્યું આ નિર્દોષ છોકરીનું ભવિષ્ય રખડવામાં બગડી જશે, એટલે વડીલ તરીકે સમજાવવા ઠપકો આપ્યો, પણ પ્રિન્સીપાલને કહેવા સુધીનો કઠોર ઠપકો કહેવા જેવો ન હતો, પણ ઉતાવળમાં બોલાઈ ગયું.

સુંદરી આ સાંભળીને ચિંતામાં પડી ગઈ. જો વોચમેન પ્રિન્સીપાલને જાણ કરશો તો મારા ઘરે ખબર પડી જશે. પપ્પા કેટલા કડક અને શીસ્તાપાલનનાં આગ્રહી છે, એ યાદ આવતા તે વિચારમાં પડી ગઈ. પપ્પા મારી કોલેજ બંધ કરી દેશે, તો આ રખડવાનું અને મજા ક્યાંથી કરીશ ?

મારે આ વોચમેન ભીમજીનું કાઈક કરવું પડશે. શું કરવું ?કાંઈ સૂઝતું નહોતું. અંતે તેના મનમાં તેના વિરુધ્ધ ખોટી કમ્પ્લેન કરવાનો કુવિચાર સુઝ્યો.

પ્રિન્સીપાલ ત્રિવેદી સાહેબની ઓફીસમાં સુંદરી બનાવટી આંસુ સાથે અંદર આવી. તેનો રોતલ ચહેરો જોઈ ત્રિવેદી સાહેબ ચિંતામાં પડ્યા. "શું થયું મિસ સુંદરી ગણાત્રા."

"સર, આ વોચમેન ભીમજી મને દરરોજ આવતાં જતાં બુરી નજરે જુએ છે." સુંદરીએ ફરિયાદ કરી.

"હોય નહિ. ભીમજી યુવાન છે, પણ ચરિત્રવાન છે, એ આવું કરે જ નહી." ત્રિવેદી સાહેબ વિચારમાં પડ્યા.

"તો શું હું ખોટું કહું છું ? સર, એક દિવસતો મોડી સાંજે તે પીછો કરતો મારાં ઘર સુધી આવી ગયો હતો." કહેતા સુંદરી બનાવટી રડી પડી.

"હોય નહિ," કહેતા ત્રિવેદી ઉભા થઇ ગયા. તરત જ તેણે બેલ મારી વોચમેન ભીમજીને બોલાવી ખખડાવતાં સુંદરીની ફરિયાદ દોહરાવી.

"આ સાચી વાત છે, ભીમજી, તું મિસ સુંદરીને બુરી નજરથી જુએ છે." ત્રિવેદી સાહેબ ગુસ્સે થતાં બોલ્યા.

બાજુમાં જ રોતેલ ચહેરાવાળી સુંદરીને  જોતા જ ભીમજી સમજી ગયો, મેં તેને ઠપકો આપ્યો તેનું વેર વાળ્યું લાગે છે. તેણે બચાવમાં બહુ કાલાવાલા કર્યાં, પણ કોલેજનું નામ ના બગડે એટલે ત્રિવેદી સાહેબે ભીમજીને તાત્કાલિક અસરથી મેમો આપી છૂટો કરી દીધો.

ભીમજી બહુ કરગર્યો, પણ તેનું કોઈએ ના સાંભળ્યું. રડમસ ચહેરે બહાર નીકળતા ભીમજીએ કુટિલ હસતી સુંદરીને જોઈ, પણ હવે શું થાય ?

આખી કોલેજમાં અને ગામમાં વાત ફેલાઈ ગઈ કે ભીમજીએ કોલેજની છોકરી પર બુરી નજર નાખી ઘર સુધી પીછો કર્યો. એક અઠવાડિયા સુધી આખા ગામમાં આજ ચર્ચા ચાલી.

ભીમજી એક પછી એક કોલેજ સંસ્થા, ઓફીસમાં નોકરી માટે ફરતો રહ્યો પણ બુરી નજરવાળા, ચરિત્રહીન, માણસને નોકરી કોણ આપે ? બિચારો ગરીબ માણસ છેક બિહારથી નોકરી માટે જ અહી આવ્યો હતો. તેને એક ચાર વરસની પુત્રી રાધા અને પત્ની ગોરીનું પેટ કઈ રીતે ભરવું તે સવાલ થઇ ગયો.

તેને થયું કોલેજની યુવાન છોકરીને સલાહ આપી ભૂલ કરી છે, તેથી સામે પગલે કોલેજમાં મિસ સુંદરીની માફી માંગવા ગયો, પણ આ અલ્લડ છોકરીએ તેનું કાંઈ સાંભળ્યું જ નહીં. ઉપરથી હાંસી ઉડાવી તિરસ્કુત કરી કાઢી મુક્યો.

મહિના વિતતા ગયા. ત્રણ મહિના થઇ ગયા. રખડું સુંદરીને વાંચવાનો અને પરીક્ષાની તૈયારી કરવાનો ટાઈમ જ ક્યા હતો? ફાઈનલ પરીક્ષામાં તે ફેઈલ થઇ, એટલે તેના બોયફ્રેન્ડે તેને છોડી દીધી અને નોકરી મળતાં મુંબઈ જતો રહ્યો.

સુંદરીના પ્રમાણિક ચરિત્રવાન મને ઠપકો આપ્યો, 'મને ભીમજીએ ચેતવી ત્યારે જ આ બધું છોડી તૈયારી કરી હોતતો, હું પાસ થઇ ગ્રેજ્યુએટ થઇ જાત.' રાંડ્યા પછીનું ડહાપણ શા કામનું ?

તેને થયું લાવ ભીમજી શું કરે છે, એ જોવા તેને ઘેર જવા દે.

સાંજના સાત વાગે ચાર વરસની રાધા ભૂખથી રડી રહી હતી. ભીમજીની પત્ની ગોરી બધા વાસણો ફંફોળતી હતી, કાંઈ નીકળેતો દીકરીને ખાવા આપુ. અફસોસ ! બધું જ ખાલી ! ત્રણ મહિનાથી બેકાર ભીમજી રોતલ, સુનમુન ચહેરે ખાટલા પર બેઠો હતો. માસુમ રાધાની રડી રડીને આંખો અંદર ઉતરી ગઈ હતી, ફાટી ગયેલા કપડાં તેની ગરીબીની ચાડી ખાતા હતા.

તેની પત્ની રાધા રડતાં રડતાં બોલી, "તમે પેલી છોકરીને ખોટો ઠપકો આપ્યો, તમારે તેને સલાહ આપવાની જરૂર શું હતી ?આપણી દીકરીના હાલ જુઓ. ત્રણ દિવસથી તે ભૂખી છે, રડીરડીને તેના આંસુ પણ સુકાઈ ગયા છે. હવે ભીખ માંગ્ય સિવાય કોઈ રસ્તો જ નથી."

બહાર બારીમાંથી સાંભળી રહેલી સુંદરી આ સાંભળી કાંપી ઉઠી. "અરેરે ! મારે લીધે આખા કુટુંબ પર મોટી આફત આવી પડી. મેં તો ખોટી, વેર વાળવા કરેલ ફરિયાદ કેટલી ખતરનાક બની ગઈ!!"

ભીમજી રડતાં રડતાં બોલ્યો, "જો મેં તો તેના સારા ભવિષ્ય માટે સલાહ આપી હતી. મને તે મારી નાની બહેન અંજુ જેવી લાગતી હતી. તેથી જાણે મેં મારી નાની બહેનને જ ઠપકો આપ્યો હોય તેમ લાગતું હતું. મને શું ખબર આવું ખોટું બોલશે એ છોકરી!!"

આ સાંભળી સુંદરી પણ રડી પડી." એ અંદર આવી ભીમજીને પગે પડી. "મને માફ કરીદો, મને નાની બહેન ગણીને ઠપકો આપ્યો, પણ મેં ઘમંડ અને તોખીમાં તમારી સામે ખોટી ફરિયાદ કરી લીધી."

ભીમજી અને ગોરીએ તેના ખરા દિલના પસ્તાવાને સમજી માફ કરી દીધી. સુંદરી પોતાના પૈસાથી આખા કુટુંબ માટે ખાવાનું લાવી, પણ જે બની ગયું તેનું શું ? હવે અહી તો ભીમજીને નોકરી મળે તેમ હતું જ નહીં.

અંતે ભીમજી તેના કુટુંબ સાથે પોતાનાં ગામ ખેતી કરવા જતો રહ્યો.

લાસ્ટ સ્ટ્રોક : ક્યારેય ભાવનાના આવેશમાં આવી જઈ સામેથી યુવાનીયાઓને સલાહ કે ઠપકો આપવો નહીં. જુવાનીના જોશમાં તે કાંઈ સાંભળશે નહીં, અને લેવાના દેવા પડી જશે.

   ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

વોચમેન ભીમજી - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

કીંમતી રોલેક્ષ ઘડિયાળ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

કીંમતી રોલેક્ષ ઘડિયાળ

-----------------------------------------------------------------------------------------------------

"અરે, મારું કીંમતી રોલેક્ષ ઘડિયાળ ક્યાં ગઈ ? હું તમારે ત્યાં આવ્યો ત્યારથી ટેબલના ખાનામાં જ સાચવીને મુકતો હતો. પછી આજે અચાનક ક્યાં ગાયબ થઇ ગઈ?" અમરસિંહ ભલ્લા ચિંતામાં સવારના નાસ્તાનાં ટેબલ પર આવતા તેમના મિત્ર અનુપમને કહ્યું.

"એટલામાંજ હશે, બરાબર જુઓ અમરસિંહ" અનુપમે વિશ્વાસથી કહ્યું.

"હું બધું જોઈ ચુક્યો, ટેબલના તમામ ખાના, કબાટના ખાના, મારો સામાન, મારા કપડાં વગેરે બધું ફંફોળીને જોયું પણ ઘડિયાળ દેખાતી જ નથી. તમારા ઘરેથી જ ચોરાયું લાગે છે. બીજું કોઈ તો ઘરે આવ્યું જ નથી." અમરસિંહ ગુસ્સે થવા લાગ્યો.

"શું વાત કરે છે? મારે ઘરેથી ચોરી થાય જ નહિ," અનુપમ પણ હવે ગરમ થઇ ગયો.

પંદર વરસ પહેલા જી. કે. કોમર્સ કોલેજ માં અનુપમ પટેલ અને અમરસિંહ ભલ્લાની દોસ્તી આખી કોલેજમાં જાણીતી હતી. બન્ને હોસ્ટેલની રૂમના પાર્ટનર હતા, અને ભણવામાં પણ એકજ વર્ગમાં. બન્ને એકબીજાના પુસ્તકો, કપડા અને ખાવાનું પણ વાપરતાં. ગ્રેજ્યુએટ થઇ ગયા પછી અનુપમને અહી અમદાવાદમાં જ બેન્કમાં નોકરી મળી ગઈ. શાંતિથી નોકરી કરતા તેણે નારણપુરામાં ત્રણ બેડરૂમનો ફ્લેટ લઇ લીધો. લગ્નને ચૌદ વરસ થઇ ગયા પણ બાળક ના થતાં બન્ને મીયાબીબીએ મન મનાવી લીધું.

અમરસિંહ ભલ્લાના પંજાબી કાકાએ તેને કેનેડા બોલાવી બિઝનેસમાં લગાવી દીધો. કેનેડામાં તેણે બીઝનેસમાં ખુબ કમાણી કરી, પોતાનું હાઉસ, ફેક્ટરી, ફાર્મહાઉસ, કંપની વિગેરે ઉભું કરી અબજપતિ બની ગયા. તેને રિસ્ટવોચ પહેરવાનો ખુબ શોખ હતો. જુદી જુદી બ્રાન્ડેડ કંપનીઓની ગોલ્ડન કીંમતી ચાર રિસ્ટવોચ તેણે વસાવી હતી. તેમાં પણ રોલેક્ષ કંપનીની ગોલ્ડન રિસ્ટવોચ ની કીમત રૂપિયામાં દોઢ કરોડ જેટલી હતી, તેમાં અંદર રીયલ ડાયમન્ડ જડેલા અને પટ્ટો આખો પ્યોર ગોલ્ડનો હતો.

અચાનક તેને બિઝનેસના કામે અમદાવાદ જવાનું થયું. અને તેનો કોલેજનો મિત્ર અનુપમ યાદ આવી ગયો. તેણે મોબાઈલ જોડ્યો, અને સામેથી અનુપમનો આગ્રહ કરતો ફોન આવ્યો.

"જો અમરસિંહ અમદાવાદમાં તો તારે મારા ઘરે જ ઉતરવું પડશે."

"ના ના, હુંતો આશ્રમ રોડની સેવનસ્ટાર હોટેલમાં સ્યુટ બુક કરાવવાનું જ વિચારું છું. મારે તો ફક્ત ચાર દિવસ જ કામ છે." અમરસિંહે જવાબ આપ્યો.

"જો તું હોટેલમાં ઉતરીશ તો મને ખોટું લાગશે. મારા ફ્લેટમાં જ આવું પડશે." અનુપમે દબાવીને આગ્રહ કર્યો.

"ઠીક છે, તારું સરનામું મોકલ" અંતે અમરસિંહ માની ગયો.

કરોડપતિ અમરસિંહને ત્રણ બેડરૂમના ફ્લેટમાં થોડું અજુગતું લાગ્યું, પણ મિત્ર આગળ તે ખુશ થતા બોલ્યો, "જો તારે માટે કેનેડાથી સુંદર મોબાઈલ લાવેલ છું."

વાતવાતમાં તેણે પોતાનું માનીતું  દોઢ કરોડની ગોલ્ડન રિસ્ટવોચ બતાવીને તેની કિમત પણ કહી. અનુપમ અને તેની પત્ની આશા જોતા જ રહી ગયા. ઓહો ! આપણા બે ફ્લેટની કિમત જેટલું એક રિસ્ટવોચ !

બીજે દિવસે સવારે વરસાદી વાતવરણ હોવા છતાં અમરસિંહ બીઝનેસના કામે જઈ આવ્યો, અને સાંજે બન્ને મિત્રો પોતાની કોલેજ લાઈફને અને મિત્રોને યાદ કરી આંનદ કરતા સુઈ ગયા.

બીજે દિવસે સવારે અમરસિંહને બ્રશ કરીને નાસ્તા નાં ટેબલ પર જતા પહેલા પોતાનું પ્રિય રિસ્ટવોચ યાદ આવ્યું, અને તેણે ઘરમાં દોડધામ કરી દીધી. ક્યાયથી ન મળતાં અમરસિંહ ક્રોધે  ભરાયો,"જો અનુપમ, તારે ઘરે થી જાય ક્યાં ? જો આશાભાભીએ લીધું હોય તો સમજીને પરત કરી દો."

"શું વાત કરે છે? અમે કાઈ ચોરતા હોઈશું."અનુપમ હજી તેની દોસ્તીના શરમમાં હતો.

"જવા દેને, આવું કિમતી વોચ જોતા જ તારી નિયત બગડી હતી, તેવું મને લાગ્યું હતું. જો ચોર્યું હોય તો આપી દે "અમરસિંહ ગુસ્સામાં બરાડ્યો.

"આપણી દોસ્તીની કસમ, મેં કે આશાએ લીધું જ નથી." અનુપમ નરમાઈ થી બોલ્યો.

"જો તમે ગુજરાતીઓ છો જ વેપારી વૃતિના. સારી કિમતી વસ્તુ ચોરી લેતા શરમ નથી આવતી." અમરસિંહ ક્રોધમાં આખી ગુજરાતી જમાતને ભાંડી રહ્યો હતો.

"જો ખોટું આળના મુકીશ, અમે નથી જ લીધું."અનુપમ કરગર્યો.

"મને એટલે જ ઇન્ડિયા આવું ગમતું નથી. બધા ઈન્ડિયનો આવા જ ચોર અને ખોટી દાનતવાળા છો! મારે પોલીસ ફરિયાદ કરવી પડશે." કહેતા અમરસિંહ પોતે પણ ઇન્ડિયાનો જ છે, તે ભૂલી ગયો, અને પોતાને કેનેડીયન સીટીઝન માનવા લાગ્યો. તેને શું કરવું અને શું નહિ તે ખબરના પડતાં બહાર નીકળી ગયો. અનુપમ અને આશા રડવા જેવા થઇ નિરાશ થઇ બેસી પડ્યા.

ગુસ્સામાં ને ગુસ્સામાં અમરસિંહએ કાફે કોફી પહોચી કોફી પીધી, બે ઈમ્પોર્ટેડ સિગારેટ પીધી, પણ તેને કાઈ સૂઝતું ન હોતું. ગુસ્સો શાંત પડતા તે બે કલાકે ઘેર પાછો ફર્યો. તેને લાગ્યું ગુસ્સામાં જરા વધારે બોલાઈ ગયું છે.

"અનુપમ ક્યાં છે ? આજે તો રવિવારે રજા હશે ને !" તેણે આશાને પુછ્યું .

"અમરભાઈ તમે દોસ્તીની જરાય પણ શરમ નાં રાખી, અને ગુજરાતી પ્રજા અને ઇન્ડિયન માટે જેમતેમ બોલ્યા એટલે તેને બહુ લાગી આવેલ છે. આટલા મહેનતુ અને ઈમાનદાર ગુજરાતીઓ ને તમે ચોર કહયા, અને દેશવાસીઓને માટે પણ એલફેલ બોલ્યા તે કેમ ચાલવી લેવાય! અમે આ ફ્લેટ વેચી અમારા પોળના જુના એક રૂમના ઘરમાં જવાનું નક્કી કરેલ છે. બાકીના પૈસા અમે કાર વેચી, લોન લઇ પુરા કરીશું અને તમારી દોઢ કરોડની રિસ્ટવોચ નવી લઈને આપવાનું નક્કી કરેલ છે. તેની વ્યવસ્થા કરવા અનુપમ ગયો છે. હવે તમારે પોલીસ ફરિયાદ કરવાની જરૂર નથી." આશા જવાબ આપતાં રડવાં જેવી થઇ ગઈ.

"અરેરે ! હું ગુસ્સામાં વધારે બોલી ગયો. હું પોલીસ પાસે ગયો જ નથી. શું કરવું એ સમજાતું જ નથી." અમરસિંહ પણ પસ્તાવા સાથે બોલ્યો.

ત્યાંતો તેનો મોબાઈલ રણક્યો. સામેથી તેની કંપનીના મેનેજરનો ફોન હતો. "સાહેબ તમારી કેનેડાની ફ્લાઈટ ક્યારે છે ? કાલે વરસાદ જેવું હોવાથી તમે તમારું રિસ્ટવોચ મારા પાઉચમાં મુકવા આપેલ, એ ક્યારે આપી જાઉં ?"

"ઓ બાપરે ! ભૂલી જ ગયો." કહેતા અમરસિંહ ભલ્લા બેસી પડ્યો. આશાને આ સાંભળતા જ હર્ષના આંસુ આવી ગયા. "હાશ ! કેટલી મોટી ચોરીના આળમાંથી બચી ગયા.

ફાઈનલ સ્ટ્રોક : ગુસ્સો અને ક્રોધ મગજ પર સવાર થઇ જાય ત્યારે એલફેલ બોલવાથી વર્ષોના સંબંધો તૂટી જાય છે. કોઈ પણ પ્રજા કે દેશ માટે ખરાબ બોલવાથી સામેવાળાને કેટલું દુઃખ થાય, તેનો વિચાર કર્યો છે કદી ??


   ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

કીંમતી રોલેક્ષ ઘડિયાળ - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission