વેલેન્ટાઇન ડે - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી
યુવાન ડ્રાઈવર રમેશ રાજસ્થાનના ડુંગરપુર બાજુના ગામડાનો હતો, તેને નવાઈ લાગી શેઠ સાથે સંબંધ સારા હતા, એટલે પ્રેમથી પૂછયુ ’’વેલેન્ટાઈન ડે એ વળી શું છે? તેમાં ભેટ કેમ આપવી પડે?’’
રૂપક શેઠ હસી પડયા આ નવી ફેશન છે, આ દિવસે પતિ પોતાની પત્નીને અને પ્રેમી પોતાની પ્રેમીકાને પ્રેમ વ્યકત કરવા કાંઈક ભેટ આપે છે.તું તો તારી શેઠાણીનો જીદ્દી અને કજીયાખોર સ્વભાવ જાણે છે ને. એને સારી ભેટ આપીને ખુશ કરી દેવાની. ખરેખર તેના પત્ની લાલચુ અને ઝગડાખોર હતા.
’’આ બહુ સરસ આઈડીયા છે, શેઠ’’ રમેશે હા માં હા પુરાવતા કહયું. તેણે મનમાં વિચાર્યું, મારે પણ કાંઈ મારી રમા માટે લઈ જવું પડશે. હજુ હમણાં જ લગ્ન થયેલી રમા બિચારી ગામડાની ભલી, ભોળી, પ્રેમાળ પત્ની હતી.
લક્ષ્મી જવેલર્સના મોટા ઝાકઝમાળ સ્ટોર આગળ રમેશે ગાડી થોભાવી. રૂપકશેઠ અંદર ગયા ને ડ્રાયવરે આજુબાજુ ધ્યાન ફેરવ્યું. એક ફેરિયો બનાવટી દાગીના વેચી રહયો હતો. એક સરસ ચમકતા હીરાની વીંટી જોઈ તે લલચાઈ ગયો. અસલ સાચા હીરાની લાખો રૂપિયાની હોય તેવો તેનો ઝગમગાટ હતો.
’’ આનો શું ભાવ છે?’’ રમેશે પૂછયું ’’ત્રણસો રૂપિયા’’ ફેરિયો બોલ્યો’’
ભાવ વ્યાજબી કરો, મારે વેલેન્ટાઈન ગીફટ લેવી છે. રમેશે તેને હસતા હસતા કહયું.
’’સારૂ અઢીસોમાં આપી દઈશ ’’ ફેરીયાનો જવાબ સાંભળી રમેશ ખુશ થઈ ગયો. તે સીધો ગયો દુકાનમા અને શેઠ પાસેથી ઉછીના અઢીસો લાવીને વીંટી ખરીદી લીધી.
વીસ મિનિટ પછી રૂપક શેઠ પણ ખુશ થતાં બહાર આવ્યા. તેણે કહયું ’’ જો રમેશ, સાચા હીરાની દોઢ લાખની વીંટી જોઈને તારી શેઠાણી ખુશ થઈ જશે. રમેશે પણ પોતાની પત્ની માટેની ગીફટ બતાવી॰ વાહ તુ પણ બનાવટી હીરાથી બૈરી ને ખુશ કરવા માગે છે ને કાઈ ’’ કહેતા રૂપક શેઠ હસી પડયા.
રૂપકને તેની પત્ની રૂચા સાથે દરરોજ નાની મોટી વાતે મતભેદ અને ઝગડા થયા કરતાં, ત્રણ વરસની મંદીથી રૂપકના તમામ રૂપિયા ધંધામાં ફસાઈ ગયા હતા, પણ તેની પત્ની રૂચા આ વાત સમજતી જ નહિ॰ તેને તો દરરોજ લખલૂટ ખર્ચા ક્લબ હોટલ અને દાગીના ખરીદી સિવાય કાંઇ સૂઝતુ જ નહિ॰ જ્યારે રૂપક તેને પરિસ્થિતિ સમજાવે ત્યારે તે ઝગડો જ કરતી તેને એમજ લાગતું કે, રૂપક તેને ખોટુ સમજાવી બનાવટ કરે છે, માણસને સુખ પુરતુ મળતું હોય તો પણ વધારેની લાલસા કેમ થતી હશે.
ઘરે પહોંચીને રમેશે પોતાની પત્ની રમાને બુમ પાડી ’’જો તારા માટે શું લાવ્યો છું?’’
ઝગમગાટ કરતાં હીરાને ગામડાની રમાએ સાચા હીરા સમજી લીધા, અને ખુશખુશાલ થઈ ગઈ ’’આટલી મોંઘી ભેટ લાવવાની શું જરૂર હતી?’’
’’રમેશે પ્રેમ જતાવતા કહયું તારાથી વિશેષ મારે માટે બીજુ શું છે?’’અને રમા અભિભુત થઈ રમેશને ભેટી પડી અને ગાઢ ચુંબન આપી દીધું. રમેશેનો ખર્ચો વસુલ થઈ જતાં ખુશ થઈ ગયો. અરે આજે તો વેલેન્ટાઈન ડે છે, તારા માટે મને કેટલો પ્રેમ છે, એ તો ખબર છે ને !
રૂપક શેઠ બંગલામાં જતાં વિચારતા હતા. માંડમાંડ દોઢ લાખ ધંધામાંથી કાઢીને રૂચા માટે આ ગીફટ લીધી છે. હાલ ધંધામાં બહુ જ મંદી છે. સરકારની આ બદલાતી નીતીઓથી બધે જ મંદીની લહેર ફરી વળી છે. પણ આ ગીફટથી ચોકકસ રૂચા ખુશ થશે જ.આજે તો મને તે પ્રેમથી ભેટી પડશે.
રૂપક શેઠે પણ ઉતાવળે પોતાની ગીફટ લઈને રૂચાને અર્પણ કરી.
’’ડાર્લિંગ, જો તારે માટે શું ગીફટ લાવ્યો છું ’’ રૂપકે પ્રેમથી પત્ની ને કહયું.
રૂચાએ ખુશ થઈને પેકેટ ખોલ્યું. અંદર એક જ વીંટી જોઈ તેનું મોં પડી ગયું.’’ આ શું, આટલી મોટી કેમીકલ કંપનીના માલિકની પત્નીને એક જ વીંટીની વેલેન્ટાઈન ગીફટ, મને તો એમ કે કમ સે કમ હીરાનો હાર તો હશે જ. ’’
’’ડાર્લિંગ, હમણાં જરા કંપની મુસીબતમાં છે, તેથી ખર્ચ પર કંટ્રોલ જરૂરી છે, આવતા વરસે ચોકકસ હીરા નો હાર’’ રૂપકે કરગરતા કહયું.
માણસે પોતાને મળેલો ગ્લાસ અડધો ભરેલો છે તેમ માની ખુશ જવું કે અડધો ખાલી છે તેમ વિચારીને દુ:ખી થવું, તે તેના મનોવલણને આધિન છે. પ્રેમથી આપેલી ભેટમાં રૂપિયાનું મહત્વ છે કે તેમાં રહેલા પ્રેમનું, તે પણ અગત્યનું છે. પણ રૂચાને આ સમજાવે કોણ ?
’’ તમને તો દરેક વખતે મારા માટેના ખર્ચમા જ કંટ્રોલ કરવા જોઈએ છે, ખોટા આવતા વરસના વાયદા કરો છો’’ કહીને રૂચાએ ખીજવાઈને હીરાની વીંટીનો ઘા બારીની બહાર કર્યો. નીચે ડ્રાઈવર રમેશના પગ આગળ હીરાની વીંટી પડતાં ને રાડારાડી સાંભળતા તેણે ઉપર જોયું. શેઠની રોતલ સુરત અને રૂચાનો ગુસ્સે ચહેરો જોઈને તે પરિસ્થિતિ પામી ગયો.
ઉધારીયા અઢીસો રૂપિયાની વીંટીની દોઢ લાખના હીરાની વીંટી આગળ જીત થઈ જોઈ, ડ્રાઈવર રમેશ વિચારમાં પડી ગયો. ખરેખર સુખની અનુભતિ માનવીના મનમાં પડેલી છે, તેને રૂપિયાથી ખરીદી શકાય જ નહીં.’’
તેના પગ આગળ પડેલી સાચા હીરાની વીંટી રૂપક શેઠના વેલેન્ટાઈન ગીફટ લાવ્યાના આનંદના ચુરેચુરા ઉડાવી રહી હતી.
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



.jpeg)
.jpeg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories