ગુરૂજીનું ઋણ - ગુજરાતી લઘુબોધ વાર્તા
-----------------------------------------------------------------------------------
બીજે માળે મેઈલ મેડિકલ વોર્ડમાં રાઉન્ડ ચાલુ હતો. ત્રીજી ખાટલે આવતા સાહેબ અટકીને દર્દીને તાકી રહયા.
બ્યાસી વર્ષના કાકા, વઘેલી દાઢી છ્તાં ભવ્ય કપાળ, વાળના ઠેકાણા નહિ, ફાટી ગયેલા કપડાં છ્તાં સારા ઘરના બુર્જુગ લાગતાં હતા. જૂનું પણ સોનું તો સોનુ જ છે, તેમ આ લધરવધર વૃદ્ધ પણ તેના ચહેરા ઉપરના તેજ ઉપરથી વિદ્વાન લાગતા હતા. સાહેબે તેની હિસ્ટ્રી રેસીડેન્ટ્ ડોક્ટરને પૂછી.
“સાહેબ, આમનું નામ છે કૃપાશંકર ત્રિવેદી .ઉમર છે વ્યાસી વર્ષ, દાહોદ બાજુના ગામડામાં બહાર રઝળતા મળી આવેલ છે. આવ્યા ત્યારે સખત તાવ અને ન્યુમોનિયા થી ખમખમી ગયા હતા. વ્યવસાયે શિક્ષક હતા, ચોવીસ વર્ષ પહેલા નિવૃત થયા પછી શાળા પ્રાઈવેટ ટ્રસ્ટની હોવાથી પેન્સનની જોગવાઈ ન હતી, તેથી આવકનું સાધન કાંઇ ન હોવાથી ગામડામાં માગી ભીખીને ગુજરાન ચલાવી રહયા હતા.” રેસીડેન્ટ્ ડોક્ટરે એકીશ્વાસે તમામ હિસ્ટ્રી વાંચી સંભળાવી.
“તેના કુટુંબમાં કોઈ નથી ?” ડામોરસાહેબ પ્રશ્ન પૂછીને ભૂતકાળમાં ડૂબી ગયા. વર્ષો પહેલાના દાહોદની બાજુના રામપુરા ગામમાં રહેતું ગરીબ આદિવાસી કુટુંબ તેની નજર સામે તરવરી ઉઠ્યુ. બાપ દારૂડીયો હોવાથી જુવાન ઉમરે લીવર ફેઇલ થતાં ગુજરી જવાથી માતા દિવાળીબેન ઉપર તેમના એકના એક દિકરા ચકાના ભણતર અને ગુજરાનો ભાર આવી પડ્યો. રસ્તાની સાફસફાઇ અને લોકોના કપડાં વાસણ કરી માંડમાંડ દિવાળીબેન ગુજારો કરતા. તેના દિકરાનું નામ હતું ચતુરભાઈ ચીમનભાઈ ડામોર પણ ગામમાં બધા તેને ચકોજ કહેતા હતા.
ચકાભાઇ ભણવામાં હોશિયાર હતા. બારમાં ધોરણમાં બોર્ડમાં બાણુ ટકા સાથે સમગ્ર જીલ્લામાં પ્રથમ હતા. પણ હવે દિવાળીબેનથી કામ થતું નહિ, તેથી તે ચકાને ભણવાનું બંધ કરી પોતાના કામમાં જોતરાઈ જવાનો આગ્રહ કરતાં હતા.
ચકાભાઈ તેની શાળામાં તમામ શિક્ષકોના પ્રિય હતા,પણ કૃપાશંકર ત્રિવેદીની કૃપા તેની ઉપર સૌથી વધારે હતી. ચકાને મેરીટ લિસ્ટ પ્રમાણે બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળતું હતું, પણ માતાના આગ્રહથી તે દ્વિધામાં પડી ગયો. ત્રિવેદી સાહેબને ખબર પડતાં તે પોતે ચકાને ઘેર દિવાળીબેનને મનાવવા આવ્યા.
આદિવાસી વિસ્તારમાં બ્રાહમણ સાહેબને આવેલા જોઈ તમામ વસ્તી ટોળેવળી ચકાને ઘેર આવ્યા. “બેન,તમે ચકાને મેડિકલમાં ભણાવી ડોક્ટર બનાવો “ ત્રિવેદી સાહેબ કહયુ.
“સાહેબ, હવે મારાથી કામ થતું નથી .તેથી ચકાને મેડિકલ ભણાવવાના પૈસા લાવું ક્યાંથી?” દિવાળીબેને પોતાની વ્યથા ઠાલવી.
“બેન,તેની ચિંતાના કરો. હું બનતી મદદ કરતો રહીશ, અને ચકાને તેની મેરીટ ઉપર સ્કોલરશીપ અપાવી દઇશ.” ત્રિવેદી સાહેબે વિશ્વાસપૂર્વક કહયુ. સાચેજ ત્રિવેદીસાહેબે ચકાને સ્કોલરશીપ અપાવી, તેના રહેવા, ખાવા પીવાનો પ્રબંધ કરી આપ્યો. વચ્ચે વચ્ચે દિવાળીબેનને પણ મદદ કરતાં રહયા.
ચકાભાઈ ભણીગણીને એમ.ડી. થઈ બીજે મેડિકલ કોલેજમા જ આસી.પ્રોફેસર બ્ન્યાને બીજે જ વર્ષે દિવાળીબેને અંતિમ વિદાય લીધી ત્યારે કહેતા ગયા. “બેટા, ત્રિવેદીસાહેબને લીધે જ તું આટલો મોટો સાહેબ થયો છે, નહિતર તુ પણ રોડ સાફ કરતો હોત. તેનું ઋણ ભૂલતો નહિ.”
વર્ષોના વહાણાવાયાને ચકાભાઈ બની ગયા ડો. સી.સી.ડામોરસાહેબ, પ્રોફેસર ઓફ મેડિસિન. સમય પણ કેવા ખેલ ખેલે છે ? આજે વર્ષો પછી ત્રિવેદીસાહેબ મળ્યા પણ કેવી હાલતમાં ? ડામોરસાહેબથી હાયકારો નીકળી ગયો.
અચાનક રેસીડેન્ટ્ ડોક્ટરના જવાબથી સાહેબ પાછા વર્તમાનમાં આવી ગયા.
“સાહેબ આમના પત્નીનું ગયા વર્ષ અવસાન થવાથી એકલા જ છે. એક દીકરો હતો. તે ભણીગણી ડોક્ટર બનીને અમેરિકા ગયોને ત્યાંની ગોરી મેડમને પરણી ઈન્ડિયા અને માબાપને સાવ ભૂલી જ ગયો. ઘરનું ભાડું છ મહિના સુધી ન ભરવાથી તેમને ફૂટપાથ પર લાવી દીધા.” રેસીડેન્ટે જાણકારી આપી.
“સારુ સારુ, તેની સારામાં સારી સારવાર કરજો, તેમને ખાવાપીવામાં તકલીફ ના પડવી જોઈએ. કપડાં પણ ફાટેલો છે, લો હજાર રૂપિયા , બે જોડી કપડાં અને બીજી કોઈ જરૂરિયાત માટે” કહીને ડામોરસાહેબે રૂપિયા તેના રેસીડેન્ટ્ને આપ્યા. બધાને નવાઈ લાગતી હતી, સાહેબને આ બ્રાહમણ સાથે શું સંબંધ હશે? “કેટલાક સંબોધને બધા ક્યાં સમજી શકે છે?”
સાંજે પાંચ વાગે સાહેબનો વોર્ડમાં ફોન આવ્યો. “ ત્રીજી ખાટલાના દર્દીને કેમ છે?” સિસ્ટર ગભરાઈ ગયા. તેણે બધા રેસીડેન્ટ્ ડોક્ટરોને કોલ કરી બોલાવી લીધા. બધા સમજી ગયા,સાહેબ આ દર્દી માટે ગમે ત્યારે આવી શકે છે, તેથી ખુબજ ચીવટ થી ઘનિષ્ઠ સારવારમાં લાગી ગયા.
ડામોરસાહેબની મેહનત અને સ્ટાફની ઘનિષ્ઠ સારવારથી ત્રિવેદીકાકા છ દિવસમાં સારા થઈ ગયા. ત્રિવેદીકાકાએ સાંભળ્યુ હતું કે ડોક્ટરો બહુ સેવાભાવી અને માયાળું હોય છે, પણ આ ડામોરસાહેબ આટલી બધી માયા કેમ રાખે છે, તે સમજાતુ ન હતુ.
“સાહેબ આ ત્રિવેદીકાકાને રજા આપીશું તો તે જશે ક્યાં ? તેને તો કુટુંબ કે ઘર કઇં જ નથી.” રેસીડેન્ટે મુઝવણ બતાવી. ડામોર સાહેબે બીજા દિવસે સવારે રજા આપવાનું કહયુ.
બીજા દિવસે સવારે ડામોર સાહેબના પત્ની, ગાડી અને ડ્રાઈવર સાથે અગ્યાર વાગે સિવિલમાં આવી ગયા. ત્રિવેદીકાકાને રજા આપી ડામોરસાહેબે પોતે હાથ પકડી બહાર લઈ જવા લાગ્યા. તેની પાછળ આખો સ્ટાફ મદદ કરવા દોડ્યો. ત્રિવેદીકાકા શરમથી પાણી પાણી થઈ ગયા. આખો વોર્ડ વિચારી રહયો હતો આ ગરીબ બ્રાહમણ નસીબદાર છે, પણ તેમણે ક્યાં ખબર હતી, ડામોરસાહેબ તેમનું ઋણ ઉતારી રહયા છે.ત્રિવેદીકાકા વિચારી રહયા, આવડા મોટા અમદાવાદમા હું કઈ ફૂટપાથ પર રહીશ, ભીખ માંગવા ક્યાં બેસીસ, અહી તો પોલીસ બહુ હેરાન કરે છે. કદાચ એટલેજ સાહેબ વૃદ્ધાશ્રમમાં વ્યવસ્થા કરતાં લાગે છે.
નીચે ગાડીમાં બેસતા ત્રિવેદીકાકા હજુ ક્યાં જવાનું છે, તે સમજી શકતા ન હતા. તેમણે પુછ્યુ “ડોક્ટર સાહેબ, આપની ગાડીમાં મારે ક્યાં જવાનું છે?”
અત્યાર સુધી રોકી રાખેલું રહસ્ય હવે ડામોરસાહેબે ધીમેથી ખૂલુ કર્યું” માસ્તર સાહેબ, આપને યાદ છે, ત્રીસ વરસ પહેલા ચકાનામના આદિવાસી છોકરાને તમે મદદ કરી ડોક્ટર બનાવ્યો હતો. હવે તેને આ ઋણનો ભાર ઉતારવાની તક તો આપો. તમારે હવે મને સાહેબ નહિ, ચકો જ કહેવાનું છે. તમારે હવે અમારે ઘેરજ રહેવાનુ છે.” ચકાને યાદ કરતાં ત્રિવેદી સાહેવ રડી પડ્યા. અરે,ચકા તું. આટલો મોટો સાહેબ બની ગયો છે?” તેમ કહી ગળે લગાડી દીધો.
ઋણનો ભાર ઉતરતા ડામોરસાહેબ હલકાફૂલ થઈ ગયા. એકલવ્યએ તેનો અંગુઠો ગુરૂ દ્રોણને અર્પણ કર્યો, તેના કરતાં પણ તે વધારે આનંદ અનુભવતાં હતા.
ઉપર વોર્ડમાંથી ડોક્ટરો, સિસ્ટર્સ અને દર્દીઓ ગુરૂશિસ્યનું અજોડ મિલન જોઈ રહયા. એશિયાની સૌથી મોટી હોસ્પિટલના પ્રાફેસર પહેલી વખત ભિખારી દર્દીને પોતાની ગાડીમાં બેસાડી ઘેર લઈ જતાં હતા.
********************************************************************************
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




.jpeg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories