પ્રશ્ર્ન ઔકાત માટે સંગતતાથી સોર્ટ કરેલી પોસ્ટ્સ બતાવે છે. તારીખથી સોર્ટ કરો તમામ પોસ્ટ્સ બતાવો
પ્રશ્ર્ન ઔકાત માટે સંગતતાથી સોર્ટ કરેલી પોસ્ટ્સ બતાવે છે. તારીખથી સોર્ટ કરો તમામ પોસ્ટ્સ બતાવો

16 ફેબ્રુઆરી 2026

ઔકાત- ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ઔકાત



દુલારી, તને કેટલી વખત ના પાડી છે, પણ પાછી તું તારા છોકરાને અહી લઈને આવી. કલાક મોડી પણ આવી છે. શેઠાણી દામિનીબેન ગુસ્સે થઈને વાત કરી.

        શેઠાણી, હું દિપકને સ્કૂલેથી સીધી અહી લાવી છું. મારો દિપક ભણવામાં સારો છે, આટલો નાનો આઠ વરસનો છોકરો હું ઘરે મૂકીને કઈ રીતે આવું ?” દુલારી કામવાળીએ રજૂઆત કરી.

        પણ એ મારી દીકરી દિશા જોડે જ રમે છે, શેઠાણી અને કામવાળીના છોકરાં સાથે રમે એ કઈ શેઠાણીને ગમે ? મારી દીકરી દિશામાં પણ તેના જેવા જ સંસ્કાર પડશે, તેનું તને ભાન છે કાઇં ? શેઠાણી હવે વધારે ગુસ્સે થયા.

  બેન સાહેબ, બંને બાળકો હજુ નાના છે, બંનેને સાથે રમવાનું ગમે છે તો રમવા દો ને. દુલારીએ નમ્ર ભાવે સૂચન કર્યું.

        તમારી ઔકા ક્યાં અને અમારી ઔકાત ક્યાં ? તમે લોકો ચાલીના એક ઓરડામાં રહો છો, તેનાથી તો અમારું બાથરૂમ મોટું છે. તને કાઇં ભાન પડે છે કે નહીં. શેઠાણી અભિમાનપૂર્વક ગર્જી ઉઠ્યા.

        બેન સાહેબ, પોતાના પૈસાનું અભિમાન સારું નહીં. આજે તમારી આગળ પૈસા છે, શેઠનો વેપાર જોરદાર ચાલે છે. અમારો પણ એક જમાનામાં સુંદર બંગલો હતો. ત્રણ વરસ પહેલા અચાનક દીપકના પપ્પાનું મોત થતાં અમારી માઠી દશા બેસી ગઈ.  ખોટા ખોટા લેદારોએ આવીને અમારી બધી મૂડી લઈ લીધી. છેવટે ગાડી અને બંગલો વેચાઈ જતાં અમે રોડ પર આવી ગયા. બેન, અત્યારે અમારો આધાર આ દિપક જ છે, હું આવા નાના મોટા કામ કરીને ગુજરાન ચાલવું છું. કહેતા કહેતા દુલારીબેન રડવા જેવા થઈ ગયા.

        સારું, સારું. દામિનીબેનને દયા આવી પણ તમે તમારા દીકરાને બહાર ગાર્ડનમાં બેસાડો. તેમને દુલારીબેન જેવી સારી કામવાળી મળવી મુશ્કેલ હતી.

        બહાર બગીચામાં એકલા રમતા દિપક આગળ સાત વરની દિશા પહોંચી ગઈ. તેને દિપક સાથે રમવું બહુ ગમતું હતું. 

તેની મમ્મી કાજુકરીનું બટકું આપે તો તે હંમેશા અડધું દીપકને આપી જ દે. બંને સાથે બધા જ રમકડાં રમ્યા કરતાં. દામિનીબેનને આ જરાપણ ના ગમે. પણ કરે શું ? દુલારી તેને સાથે લઈને જ કામ કરવા આવતી.

        સમયનું પંખી ઉડતું રહ્યું. ધીમે ધીમે કરતાં કેલેંડરમાં વીસ વરસ ઊડી ગયા.

        દુલારીનો દિપક ભણીગણીને ડોક્ટર બની આગળ ભણતો રહી એક સારો કાર્ડિઓલોજિસ્ટ બની ગયો હતો. તેને માટે સારી છોકરીઓના માગાં આવતા, પણ તે હજી નાનપણની ખાસ મિત્ર દિશાને ભૂલ્યો ન હતો.

        વરસો વીતી ગયા, પછી તે દિશાને શોધવા તેના બંગલે ગયો, પણ તેને જાણ થઈ કે શેઠના અવસાન પછી બંગલો વેચાઈ ગયો હતો. દામિનીબેન અને દિશા ક્યાં જતાં રહ્યા તેની કોઈને જાણ નહોતી. તે બંગલાના ગાર્ડનમાં આંટો મારી આવ્યો.  

જે આંબાના ઝાડ નીચે બંને રમતા તે હજુ અકબંધ હતો. નાનાનાના ફૂલછોડના ઝાડ બદલાઈ ગયા હતા. તે વિચારમાં પડી ગયો, દિશા અત્યારે ક્યાં હશે ? તેના લગ્ન થઈ ગયા હશે કે નહીં, તે પણ ખબર નથી.

        અઠવાડીયા પછી તે વોર્ડમાં રાઉન્ડમાં હતો અને એક હાર્ટએટેકનો ઈમરજન્સી કેસ આવ્યો.

        સાહેબ, અમે ગરીબ છીએ, પણ મારી મમ્મીની સારવારમાં કોઈ કમી ન રાખતા અમારી પાસે હાલ બીપીએલ કાર્ડ નથી પણ બે દિવસમાં આવી જશે. અચાનક ચક્કર આવીને મારી મમ્મી પડી ગઈ અને બેભાન બની ગઈ છે. કહેતા સુંદર દેખાતી યુવતી રડી પડી.

        અરે આ તો દિશા જ લાગે છે. જેને હું કેટલા વખતથી શોધી રહ્યો છું. વિચારતા દીપકે કેસ પેપરમાં દર્દીનુ નામ દામિનીબેન દેવજીભાઇ દામાણી વાંચી લીધું. તેણે મન દઈને સારવાર ચાલુ કરી દીધી. દિશાને પણ બધી જ મદદ કરતો રહ્યો.

        ચાર દિવસમાં તો દામિનીબેન સાજા સારા થઈ ગયા. દિપક તેના મમ્મી દુલારીબેનને પોતે પસંદ કરેલી છોકરી જોવા વોર્ડમાં લઈ ગયો. દુલારીબેન પોતાના જૂના શેઠાણીને જોઈ ખુશ થઈ ગયા. તેમણે દિશા માટે પોતાના દીકરા દીપકની વાત કરી. દામિનીબેન ક્ષોભિત થતાં બોલ્યા, અમારી શું ઔકાત છે, તમારો દીકરો આટલો મોટો ડોક્ટર છે.

     બહેન, ઓળખાણ પડી, હું તમારે ત્યાં કામ કરતી તે દુલારી અને આ મારો દીકરો દિપક. કહેતા દુલારીબેન તેમને પગે લાગ્યા.

        મારો દિપક તમારી દીકરી દિશા માટે હજુ સુધી કુંવારો રહ્યો છે. બંનેને નાનપણથી જ સારો મનમેળ હતો. દુલારીબેને ફોડ પાડ્યો. દિશા શરમાઈને નીચું જોઈ ગઈ.

        બહેન, હવે મને ખબર પડી કે માણસની ઔકાત તેના પૈસા અને ગાડી બંગલાથી નહીં, પણ તેના ભણતર, ચરિત્ર અને સંસ્કારથી જ મપાવી જોઈએ. કહેતા દામિનીબેન રડી પડ્યા.

        દીપકે ખુશ થઈ કાજુકતરીના ખોખામાથી એક પીસ કાઢી અડધો પીસ દિશાને આપતા કહ્યું, યાદ આવે છે કાઇં ?” દિશાએ શરમાતા અડધો પીસ મોં માં મૂકીને રડી પડી. બંનેની ઔકાત બદલાઈ ગઈ હતી, પણ પ્રેમ અકબંધ હતો.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ઔકાત- ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


28 મે 2026

પ્યુન પપ્પા - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

પ્યુન પપ્પા

-----------------------------------------------------------------------------------------------------------------------------

"બેટા, તારા માટે ચાહ લઇ આવું, થાકી ગયો લાગે છે. ચાર કલાકથી કામ કરે છે." ગુણવતભાઈએ ગૌરાંગને પ્રેમથી કહ્યું.

"જો પપ્પા, ઓફીસ છે. અહીં તમારે મને સર કહેવાનું, બેટા, બેટા, નહીં, સમજી ગયા ને !" ગૌરાંગે બગડેલા મુડમાં કહ્યું.

"સારુ બેટા, તને ગમે તે ખરું." કહેતાં ગુણવંતભાઈ રડવા જેવા થઇ ગયા.

"ફરી બેટા કહ્યું, તમને ના પાડીને! આટલી મોટી ઓફીસના સો માણસના સ્ટાફનો હું જનરલ મેનેજર તરીકે ઇન્ટરવ્યુંમાં સિલેક્ટ થઈને આવ્યો છું, અને તમારા જેવા પટાવાળા મને બેટા બેટા કહે તો મારી શું ઈજ્જત રહે. તમારી ઔકાત ભૂલવાની નહીં, મારી ઓફિસમાં આવતા પહેલા નોક કરીને હું આવું સાહેબ કહીને આવવાનું." ગૌરાંગ હવે અભિમાનથી તોછડાઈ પર આવી ગયો હતો.

ગુણવંતભાઈ રડમસ ચહેરે બહાર જઈ આંસુ લુછતાં હતા, ત્યારે બહાર ધનસુખભાઈ શેઠને જોતા શરમાઈ ગયા. ધનસુખભાઈ શેઠે તમામ વાતો સાંભળી લીધી હતી. તે પણ દુઃખી થઇ ગયા. આટલું બધું ભણાવીને દિકરાને MBA ફર્સ્ટક્લાસથી પાસ કરાવી, બધું સાંભળવાનું ?

ગુણવંતભાઈ ચાલીસ વરસથી શેઠ ધનસુખલાલની પેઢીમાં પટાવાળાનું કામ કરતાં હતા. તેમની નિયમિતતા, વફાદારી અને કાર્યનિષ્ઠાથી શેઠ ખુશ હતાં. એક્સપોર્ટ, ઈમ્પોર્ટનો મોટો વેપાર હતો. ચાલીસ માણસનો સ્ટાફમાં ધીમે ધીમે વધારો થતાં સો માણસોનો સ્ટાફ થઇ ગયો.

ગુણવંતભાઈ તો વફાદારીથી શેઠનું કામ કરે જતાં હતા. તેમને એક દિકરો ગૌરાંગ ભણવામાં હોશિયાર નીકળ્યો. શાળામાં અવ્વલ નંબરે પાસ થતાં તેને MBA માં એડમીશન મળી ગયું. પણ ફીના રૂપિયા લાવવા ક્યાંથી?

"શેઠ સાહેબ, મારો ગૌરાંગ આગળ ભણવા માગે છે, મદદ કરશો?"  ગુણવંતભાઈએ નમ્રતાથી રજૂઆત કરી."કેટલી મદદ જોઈએ છે ?" શેઠે પુછ્યું.

દર વરસે લાખ રૂપિયા, પાંચ વરસ સુધી. ફીના અને ચોપડાના સાહેબ."

"લોન પરત કઈ રીતે કરશો?" શેઠને હજી વિશ્વાસ નહોતો પડતો.

"શેઠ, મારો ગૌરાંગ ભણવામાં ખુબ હોંશિયાર છે. MBA થઇ જાય પછી આપને ત્યાં નોકરીએ રાખીને લોન ભરપાઈ કરી લેજો."

"સારૂ," ગુણવંતભાઈની નિષ્ઠા અને નિયત ઉપર વિશ્વાસ કરી શેઠે પાંચ લાખની વગર વ્યાજની લોન ગૌરાંગને માટે આપી. જનરલ મેનેજરના ઇન્ટરવ્યુંમાં પોતાની હોંશિયારીથી ગૌરાંગ ખરેખર સિલેક્ટ થઇ ગયો. હજુ અઠવાડિયા પહેલા જોઈન થઇ ગયો. શેઠ કે ગુણવંતભાઈએ કોઈને જણાવ્યું નહીં, કે તે પટાવાળાનો છોકરો છે.

સ્ટાફના કર્મચારીઓમાં સહુને ગૌરાંગની ઈર્ષા થવા લાગી. આસીસ્ટન્ટ મનેજર નિનાદ અને રોહિત પણ અદેખાઈથી જલવા લાગ્યા. ખરેખર તે બેમાંથી કોઈ એકને મેનેજરનું પદ મળવાનું હતું. પણ તો હજુ નવો લબરમૂછિયો છોકરો તેમનો સાહેબ થઈને આવી ગયો. બધાં અંદરોઅંદર તેની બુરાઈ કરતા, અને શેઠની નજરમાંથી તેને ઉતારી પાડવા અંગત બાબતોની ખણખોદ પણ ચાલુ કરી દીધી. બધાને ખબર પડી જાય કે ગૌરાંગ તેમની ઓફીસના પટાવાળા ગુણવંતભાઈનો દિકરો છે, તો કેટલી બધી ફજેતી થાય ?

ગૌરાંગ વાતનું ધ્યાન રાખતો તેની ઓફિસમાં પપ્પાથી દૂરી બનાવી રાખતો. ઘરેથી પણ બન્ને જુદા આવતાં, કંપનીની ગાડી ગૌરાંગને લેવા આવતી, પણ ગુણવંતભાઈ તો પોતાની સાઈકલ પર આવતાં. બન્નેના ટીફીન અને ખાવાના પણ અલગ, કોઈને જરાપણ શંકા ના જાય, એટલે નાની બાબતોમાં તે પટાવાળાને ખખડાવી નાખતો. ગુણવંતભાઈ શું બોલે ? પોતાનો દિકરો, અભિમાનથી છકી જઈ બાપને બાપ કહેતા શરમાતો હોય તો કરવું શું ? શેઠ ધનસુખભાઈને બધી ખબર પડતાં દુઃખી થઇ ગયા. તેમણે ગૌરાંગને પોતાની ઓફિસમાં બોલાવી કહ્યું "તારે તારા પિતાની પાંચ લાખની લોન ભરપાઈ કરવાની છે."

"હું શા માટે ભરપાઈ કરું ?" ગૌરાંગે પુછ્યું. "તારા પપ્પાએ તારા ભણવા માટે લોન લીધી'તી." શેઠે ફોડ પડતાં કહ્યું.

" તો દરેક માબાપની ફરજ છે કે પોતાના સંતાનોને ભણાવવા." હવે ગૌરાંગ નફફટ બની ગયો.

ધનસુખભાઈ સાંભળી રડી પડ્યા. હું એકલે હાથે આટલી મોટી રકમ ભરીશ કઈ રીતે ?

રોહિત અને નિનાદ કોઇપણ રીતે ગૌરાંગને ફસાવવાની ફિરાકમાં હતા. લાખની રોકડ પેમેન્ટ રૂપે મેનેજર ગૌરાંગની પાસે આવી. તરત નિનાદે ફોનથી મવાલીને જાણ કરી દીધી. દશ મિનિટમાં બબન બાંડો હાથમાં રામપુરી ચક્કું લઇ ઓફિસમાં ઘસી આવ્યો. "મેનેજર પેલી રોકડની બેગ સોપી દે, નહીતર છરી તારી સગી નહીં થાય." તે બરાડ્યો.

ઓફિસનો સ્ટાફ છક્કડ ખાઈ ગયો. બધા નીચું જોઈ બેસી રહયા. નિનાદ નીચું જોઈ ખંધુ હસી રહ્યો હતો. ગૌરાંગે બધા સામે જોયું. સામેથી મોતને ગળે લગાડવવા કોણ તૈયાર થાય ?

બબન ખુલ્લી છરી સાથે ગૌરાંગની ઓફીસ તરફ ઘસી ગયો. ગુણવંતભાઈએ જોયું તેનાથી ઝાલ્યા રહેવાય ? મેનેજરની ઓફીસ તરફ દોડ્યો અને ગુંડાને પાછળથી પકડી લીધો. પાછળથી હુમલો થતાં બબન ચમકી ગયો. છરીની ધાર ગુણવંતભાઈના હાથને ઘસરકો કરતાં છરી નીચે પડી. હવે ગૌરાંગ દોડ્યો, અને છરી ઉપાડી લીધી. હથિયાર વગરના બબનને ભાગ્યા સિવાય છુટકારો હતો.



ગુણવંતભાઈના હાથમાંથી લોહીની ધાર છૂટી અને તે પડ્યા. "પપ્પા, તમે મારો જીવ બચાવવા શું કર્યું? કહી તેણે પોતાનો રૂમાલ તેમના હાથે બાંધી લોહી બંધ કરી દીધું. હૈ પપ્પા ? આખી ઓફિસનો સ્ટાફ મેનેજરના પપ્પા તેમનો જુનો પટાવાળો છે, જાણી છક્કડ ખાઈ ગયો. નિનાદ અને રોહિત ખુશ થઇ તાલી દેતા સ્ટાફ સામે જોઈ બોલ્યાં, "જોયું આપણા મેનેજર તો પટાવાળાનો દિકરો છે, હા,હા,હા..." "હા છે, તે મારા પપ્પા છે. બોલો શું કરવું છે ?" સ્ટાફ સામે પટાવાળા પપ્પાને પપ્પા કહેતા શરમાતાં અભિમાની દિકરાની આંખો ઉઘડી ગઈ. ઓફીસ સ્ટાફમાં સોંપો પડી ગયો. સઘળો ખેલ જોઈ રહેલા શેઠ ધનસુખભાઈ પોતાની ઓફિસમાંથી બહાર આવ્યા.

"પટાવાળાનો છોકરો પોતાની અક્કલ, મહેનત અને યોગ્યતાથી મેનેજર થઇ શકે. માણસ પોતાના કર્મ અને યોગ્યતાથી ઉપર ઉઠે છે, તે કોનો દિકરો છે, કયા કુળનો કે જાતિનો છે, તેની સાથે શું નિસ્બત છે?"

આખો સ્ટાફ સાંભળીને ચુપ થઇ ગયો. રોહિત અને નિનાદ નીચી મૂંડીએ ઓફિસમાંથી ભાગી ગયા. ગૌરાંગ રડમસ ચહેરે શેઠની ઓફિસમાં આવી બોલ્યો, "શેઠ, મારા ભણતર માટે લીધેલી તમામ લોન મારા પગારમાંથી ભરીશ. મારા પપ્પાએ ચાલીસ વરસ નોકરી કરેલ છે, હવે તેમને આરામની જરૂર છે."

બહાર ઉભેલ પટાવાળા ગુણવંતની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી રહયા હતા.

લાસ્ટ સ્ટ્રોક : સર, સર, સાંભળતા ગૌરાંગને ખ્યાલ આવી ગયો કે, આફતના સમયે પોતાના સગા કામમાં આવે છે, પછી ભલેને તે પટાવાળા હોય!!  

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

પ્યુન પપ્પા - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission