08 જૂન 2024

ખોટી ઉતાવળ -ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ખોટી ઉતાવળ

        ડિયર રાજન, તારા પ્રેમ માટે તો હું છેલ્લા કેટલા વખતથી તરસતી હતી, આવી જા મારી બાંહોમાં,” યુવાન દેખાવડી રસિલાએ તેની પેઢીના યુવાન હેન્ડસમ મેનેજર રાજનને ખુલ્લુ આમંત્રણ આપતાં કહ્યું.

        ના, ના, રસિલા શેઠાણી, આ તો ખોટું છે, અનૈતિક છે. કહેતા રાજન પાછળ હટી ગયો.

        શું ખોટું અને શું અનૈતિક?” તારા મનમાં ખોટી બીક છે, આવા સુંદર એકાંતમાં બે યુવાન હૈયા, જુવાનીનો આનંદ ઉઠાવે એમાં ખોટું શું છે ?” કહીને રસિલાએ પાછળથી રાજનને બાથ ભીડી દીધી.

      શેઠ ધનસુખલાલની પેઢીનો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો મોટો કારોબાર અમદાવાદમાં ચાલતો હતો. વરસે બસ્સો કરોડથી વધારેનું ટર્નઓવર હતું. સી.જી.રોડના પોશ વિસ્તારમાં મલ્ટિસ્ટોરી બિલ્ડિંગમાં તેમની આલીશાન ઓફિસ હતી. કુલ ચાલીસ માણસનો સ્ટાફ હતો. ત્રણ માસ પહેલા જ તેમણે એમ.બી.એ. વિથ ડીસ્ટીકશન થયેલ યુવાન રાજનને મેનેજર તરીકે સિલેક્ટ કર્યો હતો. કસરતીયલ, માચોમેન જેવુ રાજનનું વ્યક્તિત્વ આકર્ષક હતું. જે કોઈ તેને જુએ કે તેના તરફ ખેંચાઇ જતું હતું.

        રાજન ગરીબ માબાપનો એક જ પુત્ર હતો. કલોલ પાસેના ગામડાંમાથી અમદાવાદ આગળ એમ.બી.એ. કરવા આવ્યો હતો, ત્યારે તેની મહત્વાકાંક્ષાઓ બહુ જ ઊંચી હતી. તેમાં આટલી મોટી પેઢીમાં પહેલા જ ઇન્ટરવ્યુમા તે મેનેજરના પદ માટે પસંદગી પામતા જ રાજીનો રેડ થઈ ગયો. તેણે ધનસુખલાલ શેઠને જોઇન્ટ થઈ પગે લાગતા જ કહ્યું હતું, શેઠ, હું નિષ્ઠાપૂર્વક કામ કરી પેઢીને ઔર ઉપર લઈ જઈશ.

        તારી નિષ્ઠા, કાર્યદક્ષતા અને ચરિત્ર માટે મને કોઈ સંદેહ નથી. તું ચોક્કસ સફળ થઈશ. શેઠે પણ ખુશ થઈ આશીર્વાદ આપતા કહ્યું.

        શેઠની એકની એક જુવાન પુત્રી રસિલા વધારે પડતાં લાડકોડથી જિદ્દી અને સ્વછંદી બની ગઈ હતી.

        અનાયાસે રવિવારે બપોરે રાજન કંપનીના કામે શેઠને મળવા આવ્યો ત્યારે ઘરમાં રસિલા સિવાય કોઈ હતું નહીં. શેઠશેઠાણી અંગત કામે બહાર ગયા હતા અને નોકર કામ પતાવી ઘરે ગયો હતો. આવા એકાંતમાં જુવાન રસિલાનો આવેગ ઉછાળા મારી રહ્યો હતો.

        જો તું ના પાડીશ તો હું પપ્પાને મારા ઉપર જબરદસ્તી કરીની ફરિયાદ કરીશ તો તારી નોકરી જતી રહેશે. રસિલાએ આવેગના ઉન્માદમા બફાટ કર્યો.

        રાજન ગભરાઈ ગયો, આવી સરસ નોકરી તે ગુમાવવા તૈયાર ન હતો, કરવું શું ? 

        વધારે પ્રેમ દર્શાવવા રસિલાએ પૂછ્યું, તું આટલો સુંદર અને યુવાન છે, તો લગ્ન થયા છે કે નહીં ?”

        ના મેડમ, ગયા વર્ષે મુંબઈ ગયો ત્યારે રેડલાઇટ એરિયામાં બે ત્રણ વખત જવાથી હું એચ.આઈ.વી. પોઝિટિવ બની ગયો છું, તેથી સામેવાળી છોકરીની જિંદગી કઈ રીતે બગાડાય ?” રાજને ડરતા ડરતા કહ્યું.

        હેં, એચ.આઈ.વી. પોઝિટિવ છે તું ?” કહેતા રસિલાનો કામાવેગ ઠંડો પડી ગયો, તે કપડાં ઠીક કરીને બાજુના રૂમમાં જતી રહી. રાજન પણ શાંતિથી શેઠના નવરંગપુરાના બંગલામાંથી જતો રહ્યો.

        એક વરસ સુધી રાજન અને રસિલા એકબીજાને કંપની ઓફિસમાં મળે તો જાણે ઓળખતા જ નથી, એવી વર્તણૂક કરી નીચું જોઈ જતાં રહેતા.

        શેઠ ધનસુખલાલ અને તેમના પત્ની રાજનની હોંશિયારી, કાર્યદક્ષતા અને પર્સનાલિટીથી પ્રભાવિત થઇ ગયા હતા, તેમને બંનેને યુવાન દીકરી રસિલાની બહુ જ ચિંતા રહેતી હતી. સાપના ભારાને કેટલા દિવસ ઘરમાં રખાય. તેમણે ધીમેથી દીકરીના મનની વાત જાણવા પ્રયત્ન કર્યો.

        રસિલા બેટા, આપણી કંપનીનો મેનેજર રાજન તને ગમે છે ?

        કેમ પૂછો છો પપ્પા ? રસિલાએ પૂછ્યું. 

        તે આપણી જ્ઞાતિનો જ છે, જો વિચાર હોય તો તારી વાત મૂકીએ, એ ના નહીં પાડે. શેઠે કહ્યું.

        રસિલાને રાજન એચ.આઈ.વી. પોઝિટિવ છે, એ યાદ આવતા ચોખ્ખી ના પાડી દીધી.

        વરસ પછી એક પાર્ટીમાં રાજનને તેની યુવાન પત્ની સાથે જોઈ રસિલા ચિંતામાં પડી ગઈ, આ યુવતીને પણ રાજન પોઝિટિવ બનાવી દેશે, તેણે આ બાબતે યુવતીને અંધારામાં રાખી છે કે શું ?

        તેના વિચારે ચડી જતાં અંતે ના રહેવાતા તેણે રાત્રે જ રાજનને મોબાઈલ જોડ્યો, રાજન, તે તારી પત્નીને અંધારામાં રાખીને લગ્ન કરી લીધા કે શું ? તેના ભવિષ્યનો તો વિચાર કરવો હતો. 

        રાજન ફોન પર હસતાં હસતાં બોલ્યો, રસિલા, એ તો મેં એ વખતે તારી હવસભરી હરકતમાથી છૂટવા નાટક કર્યું હતું, બાકી હું નોર્મલ જ છું, એચ.આઈ.વી.પોઝિટિવ નથી. 

        આ સાંભળતા જ રસિલા છોભીલી પડી ગઈ, તેના હાથમાથી મોબાઈલ પડી ગયો. મેં નકામી ઉતાવળ કરી નાખી, નહિતર મને રાજન જોડે લગ્ન કરીને કાયમ રહેવા મળત. 

        ખરેખર કેટલીક વખત આવેના ઉન્માદમાં કરેલી ખોટી ઉતાવળ જિંદગીભરનો પસ્તાવો આપે છે. તરુણાવસ્થામાં જુવાનીના આવેગ ઉછાળા મારે ત્યારે તેને વશ ના થતાં સમજણપૂર્વક આગળ વધવાથી સફળતા મળવાની જ છે.




If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


ખોટી ઉતાવળ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories