07 માર્ચ 2025

વાહ દોસ્ત વાહ ! - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

વાહ દોસ્ત વાહ !


        તમે કોશિશ તો કરી જુઓ, તમારો ખાસ મિત્ર અને પાર્ટનર આ નવા પ્રધાનમંડળમાં આરોગ્યમંત્રી બની ગયો છે, તો કોઈક નોકરી અપાવવામાં મદદ કરશે ને.સુનિતાબેને નિરાશા સાથે પોતાના પતિ ડૉ. કિશોર દામાણીને કહ્યું.

        એ મને ઓળખશે કે નહીં તે જ સવાલ છે, હવે તો કેબિનેટમંત્રી થયો એટ્લે મને મળવાનો સમય પણ નહીં આપે ને ! મારા જેવા પચાસ વર્ષના બેકાર સર્જનને કોણ નોકરી આપશે.હતાશ થયેલા ડૉ. દામાણીએ નિસાસો નાખ્યો. ડૉ. કિશોર દામાણી અને ડૉ. અજય દવે એમ.બી.બી.એસ. ની એક જ બેચના અને એક જ રૂમના બે જિગરી પાર્ટનરો. કિશોર ખૂબ જ મહેનતુ, ખંતીલો અને નિષ્ઠાવાન વિદ્યાર્થી, જ્યારે અજય રખડું, રમતિયાળ અને રાજકારણી. બંનેમાં દોસ્તી અતૂટ પણ સ્વભાવમાં આસમાન જમીનનો ફરક.

        કિશોર મેડિકલ કોલેજમાં ક્લાસ પૂરા થાય પછી લગભગ લાઈબ્રેરીમાં વાંચતો જ હોય ત્યારે અજયને રખડવા સિવાય કઈ સૂઝે જ નહીં. હસતાં હસતાં તે કહેતો પણ ખરો, “બોચિયા, તું મહેનત કરીને તૂટી જઈશ તો પણ જીંદગીની બાજી તો હું જ જીતી જવાનો.

        પરીક્ષાના સમયે કિશોર મહેનત કરીને લખેલી નોટ્સ અજય વાંચી જાય. પરીક્ષામાં પણ બંનેની  સરનેમ ડીથી શરૂ થતી હોવાથી બેઠક નંબર પણ નજીક નજીક આવે તો અજય તેના પાર્ટનરમાંથી કોપી કરવાનો ચાંસ પણ લઈ લે. કિશોરને ઘેરથી ડબ્બામાં મોહનથાળ આવે ત્યારે અજય અચૂક તેમાથી અડધા કરતાં પણ વધારે મોહનથાળ તફડાવી લે. કિશોર હસતાં હસતાં પોતાનો નાસ્તો અને મીઠાઇ પોતાના પાર્ટનરને આપી દે. આમ એમ.બી.બી.એસ. પાસ થવા સુધી બંનેની દોસ્તી નિર્દોષ પણ અતૂટ હતી. આખી મેડિકલ કોલેજમાં બંનેની દોસ્તી મશહૂર હતી.

        અંતે ડોક્ટર થઈને અજયે પોતાનું જનરલ પ્રેક્ટિસનું દવાખાનું અમદાવાદમા જ ચાલુ કરી દીધું. પૈસાદાર બાપનો એકનો એક દીકરો હોવાથી પૈસા કમાવાની કે ઘર ચલાવવાની કોઈ જ ચિંતા ન હતી. તેથી તેણે તો સાથે સાથે રાજકારણમાં પણ ઝુકાવી દીધું. છેલ્લી ત્રણ ટર્મથી તે ધારાસભ્ય તરીકે ચૂંટાતો હોવાથી, અને ડોક્ટર હોવાથી મુખ્યમંત્રીએ તેને આરોગ્યમંત્રી જ બનાવી દીધો.

        ડૉ. કિશોર દામાણીએ તો મહેનત કરી આગળ ભણીને એમ.એસ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને જનરલ સર્જન બની ગયો. પોતાના ગામની બાજુમાં ધોરાજી ગામમાં પોતાનું નાનું સર્જીકલ નર્સિંગહોમ ચાલુ કરી દીધું. શરૂઆતમાં એક જ સર્જન હોવાથી તેમનું નર્સિંગહોમ સારું ચાલતું હતું. પણ પછીથી ધીમે ધીમે બીજા ત્રણ સર્જનો નવા આવતા હરીફાઈ વધવા લાગી.

        અચાનક એક દિવસ તેમનો એકનો એક દીકરો ભણવા અમેરિકા ગયો હતો તે એક્સિડેંટમાં ગુજરી ગયો. અને ડૉ. દામાણી અને સુનિતાબેન ઊંડી હતાશામાં ધકેલાઇ ગયા. હવે તેમના હાથ ઓપરેશન કરતાં ધ્રુજી જતાં હતા, તેમાંને તેમાં બે કેસ બગડી ગયા. હવે કોઈ દર્દી તેમની પાસે ઓપરેશન કરાવવા આવતાં જ નહીં. ધીમે ધીમે તે બેકાર બની ગયા. નર્સિંગહોમનો સ્ટાફ પણ ધીમે ધીમે છૂટો થઇ ગયો. પચાસ વરસની ઉંમરને પ્રેકટિસમાં બિલકુલ બેકારી. આ ઉંમરે નવી નોકરી મળે નહીં અને નિવૃત થાય તો ઘર ચલાવવું કરી રીતે ? અંતે તેમણે બંગલો વેચી દીધો અને ભાડાના નાના મકાનમાં રહેવા આવી ગયા, કરવું શું ? ડૉ. કિશોર મનમાં મૂંઝાઇ રહ્યા હતા. આટલા નાના ગામમાં એમ.એસ. ડોક્ટરને બીજી કોઈ નોકરી તો મળે નહીં. તેમાં વળી તેમના પત્નીએ તેમના ખાસ મિત્ર ડૉ. અજય દવેને મળી મદદ માંગવા કહ્યું, તેથી વિચારમાં પડી ગયા હતા. અંતે માંડમાંડ મન મનાવી ધોરાજીથી ગાંધીનગરની બસમાં બેસી ગયા. સાથે ડોક્ટરે પોતાની ડિગ્રીઓ અને અનુભવની બાયોડેટા સાથેની ફાઇલ લઈ લીધી. કદાચ વળી તેના ખાસ મિત્ર તેને કોઈ નાની મોટી ડોક્ટરની નોકરી અપાવી દે એ આશામાં જ વળી.

        તેના પત્નીએ મંત્રીશ્રીને ખાસ મોહનથાળ ભાવતો હોવાથી એક ડબ્બામાં ખાસ ભરીને આપ્યો.

        સવારના સાડા અગિયાર વાગ્યે માંડમાંડ સચિવાલયમાં પ્રવેશ મળ્યો. આરોગ્યમંત્રીની ઓફિસની બહાર મુલાકાતીઓનો જમેલો હતો. કોઈ ટ્રાન્સફર માટે તો કોઈ વળી પોતાના પ્રોજેકટ માટે આરોગ્યમંત્રીને મળવા લાઇનમાં બેઠા હતા. ડૉ. દામાણી વિઝિટર સ્લીપ ભરવા બેઠા, તેમાં કૉલમ હતી શું કામ છે ?” તો ડૉ. દામાણીને કઈ સૂઝયું નહીં તેથી લખ્યું ખાલી મળવા માટે”.        સાહેબના પી.એ. એ સ્લીપ વાંચી બોલાવી અને ધમકાવ્યા, “ખાલી મળવા શું હાલ્યા આવ્યો છો ?, સાહેબને અગત્યની મિટિંગ ચાલે છે, સમજ નથી પડતી !

        ડોક્ટરે વિનંતી કરી કે ખાલી જઈને કહો કે તારો કોલેજ ફ્રેન્ડ ડૉ. કિશોર દામાણી મળવા આવેલ છે, તો બોલાવશે.” “સારું બેસો, સાહેબને ટાઈમ રહેશે તો મોકલીશુ.પી.એ.સાહેબે રુઆબથી જવાબ આપ્યો. ત્રણ કલાકને અંતે પટાવાળાને દયા આવી, તેને ચિઠ્ઠી લઈને સાહેબને સંદેશો આપ્યો.

        તરત જ મંત્રીશ્રી એ પોતાના મિત્રને અંદર બોલાવ્યો. અંદર મિટિંગ ચાલુ હતી. ગુજરાતનાં આરોગ્ય સચિવ, ડાયરેક્ટર વિગેરે ફાઇલ સાથે બેઠા હતા. મંત્રીએ તરત જ ઊભા થઈ આવકાર આપ્યો, “આવ, આવ કિશોર કેમ આવવું પડ્યું ?” ડૉ. કિશોરે ગભરાઈને શરમાતા શરમાતા કહ્યું, “ખાલી તને મળવા આવ્યો છું.

        ડૉ. દવે તેનો ઈશારો સમજી ગયા. તેણે બધાને કહ્યું, “તમે મિટિંગ ચાલુ રાખો, હું મારા મિત્રને પાંચ દશ મિનિટ મળીને વાતો કરીને આવું છું.બંને જણાએ બાજુમાં નાની રૂમમાં બેસી વાતો ચાલુ કરી. ડૉ. કિશોર રડમસ ચહેરે તમામ હકીકતો જણાવી. દોસ્ત,આ ડિપ્રેશન પછી પ્રેક્ટિસ જરાપણ ચાલતી નથી અને આ ઉંમરે નોકરી કોણ આપે?”

        ડૉ. અજય તેનો મતલબ સમજી ગયા તેણે કહ્યું, “સારું, તારો બાયોડેટા અને સર્ટિફિકેટની ફાઇલ મને આપ, જે કઈ થશે તે જોઈ લઈશું.

        ડૉ. કિશોર થેલીમાં ડબ્બો છુપાવતો હતો, તે જોઈ ડૉ. દવેએ કહ્યું, “અરે વાહ ! શું લાવ્યો છે મારા માટે ?” ડૉ. કિશોર શરમાતા શરમાતા મોહનથાળ કાઢ્યો. મંત્રીશ્રી ખુશ થઈ મોહનથાળ ખાતા કહ્યું, “વાહ ! ભાભીએ સરસ બનાવેલ છે, તેમને મારી યાદ આપજે. હજી તને યાદ છે કે મને મોહનથાળ બહુ ભાવે છે. બધા અધિકારીઓએ અવાક બની બંનેની દોસ્તી જોઈ રહ્યા.

        પાંચ દશ મિનિટ સુખદુ:ખની વાતો કરી બંને મિત્રો છુટા પડ્યા.

        ડૉ. કિશોટ સાંજે ભારે હૈયે ગાંધીનગરથી ધોરાજીની બસમાં બેસી ગયા. બેઠા બેઠા વિચારમાં પડી ગયા. નસીબ અને સમય કેટલા બળવાન છે. મારો બેટો રખડું દવે અત્યારે આખા ગુજરાતનાં આરોગ્યખાતા ઉપર રાજ કરે છે. મારી જોડે વાતો કરી, મોહનથાળ ખાઈ ગયો,  પણ નોકરી માટે તો કઈ બોલ્યો જ નહીં. હવે હું સુનિતાને શું જવાબ આપીશ ?

        વિચારમાં ને વિચારમાં સવારે આઠ વાગે ધોરાજી આવી ગયું. તેના ઘર આગળ એક મોટી ગાડી ડ્રાઇવર સાથે ઊભી હતી. કોના માટે ગાડી છે ?

        અંદર જતાં સુનિતાબેન ખુશખુશાલ થઈ ઉછળતા હતા. અરે ! તમારો પાર્ટનર તો જબરો કહેવાય, સવારે તમે મળ્યા અને સાંજે તો આ તમારો ઓર્ડર લઈને ડ્રાઇવર ગાડી સાથે આવી ગયો.

        ડૉ. દામાણીને નવાઈ લાગી, “હેં ! શેનો ઓર્ડર છે ?”

        તમને ખબર નથી.સુનીતબેન નવાઈ પામ્યા. તમારો ઓર્ડર તો વાંચો. ઓર્ડર મુજબ તાત્કાલિક અસરથી ડૉ. કિશોરને ગુજરાત હોસ્પિટલ ટુરીઝમ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના ચેરમેનપદે નિયુક્ત કરેલ હતા. માનદ વેતન હતું બે લાખ પ્રતિમાસ અને સાથે સાથે ગાંધીનગરમાં બંગલો, નોકર, ડ્રાઇવર સાથે ગાડી વિગેરે તદ્દન ફ્રી માં વાપરવા માટે. ડૉ. દામાણી ખુશખુશાલ થઈ ગયા. કોલેજના પાર્ટનરે રંગ રાખી દીધો હતો. તરત જ તેણે ડૉ. દવેને ફોન કર્યો. આભાર મંત્રીજી.

        અરે ! એમાં આભાર શાનો ? તું આવ્યો ત્યારે આ નવી જગ્યા માટે બધા અધિકારીઓ, સિનિયર, મહેનતુ અને નિષ્ઠાવાન માસ્ટરડિગ્રી વાળા ડોક્ટરની જ શોધ કરી રહ્યા હતા, મે તરત જ તારા નામની ભલામણ કરી ઓર્ડર કરાવી દીધો.મંત્રીજી બોલ્યા, આમાં મેં શું ઉપકાર કર્યો, તે આભાર માને છે ?”

        કળિયુગના સુદામાની આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ગઈ. મનમાં બબડ્યો. વાહ રે દોસ્ત વાહ !સુનિતાબેન ધોરાજીના ભાડાના જૂના ઘરમાંથી ગાંધીનગરના બંગલામાં રહેવા જવાની તૈયારી કરવા લાગ્યા.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

વાહ દોસ્ત વાહ !  - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories