07 નવેમ્બર 2025

ભૂત આવ્યું રે ભૂત - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ભૂત આવ્યું રે ભૂત

            જૂના કપડાં આપીને સ્ટીલના નવાં વાસણ લ્યો, વાસણ.મધયંવર્ગની સોસાયટીમાં ફેરિયાબાઈ કમુબહેન અને તેની દીકરી કાળી ફરી રહ્યા હતાં. એક પછી એક ઘેરથી તેમને બોલાવવામાં આવતા હતાં.

            બપોરનો સમય હતો. બાપુનગરની સોસાયટીના વિસ્તારમાં પુરુષો જમીને નોકરીએ ગયા હતા. સ્ત્રીઓ આડી પડી હતી. ગરમી વધારે હોવાથી રસ્તાઓ સૂમસામ બની ગયા હતા.

ફેરિયાબાઈનો અવાજ સાંભળી દરેક બહેનો ઘરમાંથી ડોકા બહાર કાઢી ભાવતાલ કરતાં હતાં. જુનાં કપડાં અને સાડી આપીને નવા નકોર સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો લેવાનાં. આવો સોદો કોને ના ગમે ?

            દર્શનાબહેન અને દેવાંગભાઈ બંને સરકારી નોકરી કરતાં હતાં. તેમની એક જ દીકરી દિશા કોમર્સ કોલેજના બીજા વર્ષમાં હતી. તેની સવારની કોલેજ હોવાથી બપોરે ઘેર આવીને, મમ્મીએ બનાવીને ઢાંકી રાખેલી, રસોઈ જામી લેતી.

            બે દિવસ પછી શનિવારે સાંજે લગ્નમાં જવાનું હોવાથી દર્શનાબહેને બપોરે અડધી રજા મૂકી, બેંકના લોકરમાંથી દાગીના લઈ ઘેર આવ્યા હતાં. હજુ ઘર ખોલતા હતાં, ત્યાં તેના પાડોશી લતાબહેન કહ્યું, “ચાલો સ્ટીલનાં વાસણ લેવા, જુનાં કપડાના બદલામાં આપે છે.

            આ તો સારું કહેવાય, આપના જુનાં કપડાનો નિકાલ થઈ જાય અને નવું સ્ટીલનું વાસણ વસી જાય, મારે એક તપેલીની જરૂર છે.દર્શનાબહેને લતાબહેનને કહ્યું.

            કમુબહેને બંને બહેનોને બોલાવ્યાં, એક પછી એક વાસણ બતાવવા લાગ્યા. ત્યાં દર્શનાબહેન બોલ્યા:

            લતાબહેન, તમે વાસણ જુઓ. હું જરા બેંકના લોકરમાંથી લાવેલા દાગીના ઘેર કબાટમાં મૂકીને આવું છુ

            લતાબહેને બધાં વાસણો જોયા. તેમને જોઈતું વાસણ હતું નહિ એટલે તે ઘેર જતાં રહ્યાં.

            દર્શનાબહેન તેમના ઘરમાંથી બહાર આવ્યા ત્યારે લતાબહેન અને કમુબહેન હાજર ન હતાં. તેની બેબી કાળી બીજા બે બહેનોને વાસણ બતાવતી હતી.

            દર્શનાબહેને પુછ્યું, “કેમ તારી માં ક્યાં ગઈ ?”

            મારી માને ઘેરથી મોબાઈલ ફોન આવ્યો હતો, મારા બાપાની તબિયત અચાનક બગડતાં હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા, એટલે મારી માં ઘેર જવા નીકળી ગઈ.કાળીએ જવાબ આપ્યો.

            કઈ નહિ,” દર્શનાબહેન બોલ્યા:

            જૂની સાડીઓ અને કપડાને બદલે એક સારું તપેલું બતાવ.



            જૂની સાડીઓ અને કપડાને બદલે એક મજાના સ્ટીલના તપેલાનો સોદો કરી ખુશ થતાં દર્શનાબહેન ઘેર ગયાં.

            બીજા દિવસે સવારે રસોઈ બનાવી ડાઈનિંગ ટેબલ ઉપર થાળી ઢાંકીને દર્શનાબહેન નોકરી કરવા જતાં રહ્યાં. બપોરે કોલેજથી છૂટી તેની દીકરી દિશા ઘેર આવીને જમવા બેઠી તો બધાં વાસણો થાળી બધું ખાલીખમ ! તેણે તરત મમ્મીને ફોન જોડ્યો, “મમ્મી, મારૂ જમવાનું ક્યાં છે ?”

            બેટા ઢાંકેલું છે ને !મમ્મીએ જવાબ આપ્યો. દિશા ચિડાઇ. અહી તો બધું ખાલી છે.તેને બહુ ભૂખ લાગી હતી. એટલે ભૂખ્યા પેટે માંડ ખીચડી બનાવીને ખાધી.

            રાત્રે મા-દીકરીને આ બાબતે ઉગ્ર ચર્ચા, વિવાદ અને ઝઘડો થઈ ગયો. તેના પપ્પા દેવાંગભાઈ વિચારમાં પડી ગયા. દરરોજ દિશા કોલેજથી આવીને જામે છે અને આજે બધું જમવાનું ગયું ક્યાં ?

            બીજા દિવસે દર્શનાબહેને બરાબર ચોકસાઇ કરી. દિશાનું જમવાનું થાળીમાં ઢાંક્યું અને સાડા દશ વાગે ઓફિસે ગયાં.

            બપોરે એક વાગે દિશા કોલેજથી ઘેર આવી ત્યારે કકડીને ભૂખ લાગી હતી. તે ડાઈનિંગ ટેબલ ઉપર જમવા બેઠી અને જોયું તો થાળી અને વાટકો બધું ખાલીખમ !

            ભૂખ્યા પેટે તે ગુસ્સે થઈ ગઈ. તરત મમ્મીને ઓફિસે મોબાઈલ જોડ્યો. દર્શનાબહેને પોતાની દીકરીનો મોબાઈલ નંબર જોઈ પુછ્યું, “કેમ બેટા, આજે તો ખાવાનું ભાવ્યું ને. મેં બધું ચોક્ક્સાઈપૂર્વક તારા જેટલું ઢાંક્યું છે.

            મમ્મી,પાછી ખોટું બોલે છે, મારૂ જમવાનું તો છે જ નહી.

            હે,શું વાત કરે છે ?”દર્શનાબહેન ચિંતામાં પડી ગયાં. તરત જ તે અડધી રજા મૂકી ઘેર આવ્યાં. બે દિવસથી જમવાનું ખાલી થઈ જવાની વાત ધીમે ધીમે આખી સોસાયટીમાં પ્રસરી ગઈ.

            આખી સોસાયટીના બૈરાંઓ ભેગાં થઈ ગયાં. જાતજાતની અને ભાતભાતની વાતો ચાલુ થઈ ગઈ. બાજુવાળા લતાબહેન બોલ્યાં, “દર્શનાબહેન, તમારે ઘેર ભૂત છે કે શું ?”

            બીજા બહેન બોલ્યાં, “ મને તો લાગે છે તમારે ઘેર માતાજી જમવા આવે છે.

            તો વળી ત્રીજા માજી બોલ્યાં, “મને તો આ ઘરમાં ડાકણનો કે પ્રેતાત્માનો વાસ લાગે છે.

            દર્શનાબહેન આ બધું સાંભળીને ફફડી ગયાં, તેમણે તરત જ ફોન કરીને દેવાંગભાઈને ઘેર બોલાવી લીધા. મા-દીકરીએ  તેમને બધી વાત કરી અને હવે શું કરવું તેના વિચારમાં પડી ગયાં.

            ભૂત અને ડાકણની વાતોથી દેવાંગભાઈ પણ ચિંતામાં પડી ગયાં.ત્યાં તો બાજુવાળા બહેન બોલ્યાં, “ચાલો, અમારા ઓળખીતા ભુવાને ઘેર, ભલભલા ભૂતને કે આત્માને તે ખેંચી કાઢે છે.

            દેવાંગભાઈ અને દર્શનાબહેન ભુવાને મળવા ગયાં. બધી વાત સાંભળી ભુવાએ આંખો બંધ કરી, બે મિનિટ ઊંડો શ્વાસ લીધો અને ગંભીર અવાજમાં કહ્યું, “ તમારા ઘરના ભૂતને ભગાડવા માટે મારે પૂજાવિધિ કરવા પડશે, સામાન સાથે કુલ ખર્ચ વીસ હજાર રૂપિયા થશે.આંકડો સાંભળી દેવાંગભાઈ દંગ થઈ ઘેર પાછા આવ્યા.

            રાત્રે તેમના ફોઇ ઘેર આવી સમજાવવા લાગ્યા, “અમારા એક જાણીતા તાંત્રિક્ને ઘેર ચાલો, ગમે તેવા ભૂત, ડાકણ કે પિશાચમાંથી તે તમને છોડાવશે.

            તાંત્રિક્ને ઘેર રાત્રે દશ વાગે દેવાંગભાઈ, દર્શનાબહેન અને તેમના ફોઇ પહોંચ્યા ત્યારે તે સમાધિમાં બેઠા હતા. બાજુમાં બે હાડકાં, ખોપરી અને લીંબુ-મરચાં પડેલાં હતાં. ત્રાટક કરીને આંખો ખોલીને તે બોલ્યો, “કેમ આવવું પડ્યું છે ?” દેવાંગભાઇએ બધી વાત કરી. તાંત્રિકે ઊંડા વિચારમાં  પડી ગયાનો દેખાવ કરીને કહ્યું, “કુલ ખર્ચ ત્રીસ થી પાંત્રીસ હજાર જેટલું સમજી લેવાનું.

            દેવાંગભાઈ અને દર્શનાબહેન ઠંડા પડી ચિંતિત ચેહેરે બહાર નીકળી ગયાં, શું કરવું, ભુવાને બોલાવવો કે તાંત્રિક્ને ?

            બીજે દિવસે સવારે દેવાંગભાઈને એક આઇડિયા  સૂઝયો. સવારે બધાને ઓફિસે જવાનું કહીને તે ઘરની બહારની નીકળી પાછલે બારણેથી અંદરના બેડરૂમમાં સંતાઈ ગયાં. ડાઈનિંગરૂમના અરિસામાં આખા રૂમનું દેશ્ય પાછળ બેડરૂમમાં જોઈ શકાતું હતું. દેવાંગભાઈના દિલની ધડકનો વધી ગઈ, ભૂત આવશે તો શું થશે, તેના વિચારમાં ગભરાઈ રહ્યા હતા.

            બપોરે સાડા બાર વાગે દેવાંગભાઈના આશ્ચર્ય વચ્ચે ડાઈનિંગરૂમમાં એક લધરવધર સ્ત્રીને ફરતી જોઈ, અને પછી તે ડાઈનિંગ ટેબલ પર બેસી જમવા લાગી. કોણ છે આ સ્ત્રી ? દેવાંગભાઇએ તરત જ રૂમ બંધ કરી પોલીસ બોલાવી.

            કલાકમાં પોલીસના હાથે બાઈ ઝડપાઇ જતાં સોસાયટીના માણસો ભેગાં થઈ ગયાં. દર્શનાબહેન પણ ખબર પડતાં તરત ઘેર આવ્યાં અને સ્ત્રીને જોતવેત બોલ્યાં, “ અરે આ તો આપણે ઘેરઘેર ફરતી ફેરિયાબાઈ કમુબહેન છે !

            પોલીસના મેથીપાક, એ લોકોની મારપીટ પછી કમુએ કબૂલ્યું કે, તે દર્શનાબહેનના ડાઈનિંગરૂમના માળીયે બે દિવસ પહેલા ચડી જઈને છુપાઈ ગઈ હતી. તે દાગીના મૂકેલા કબાટની ચાવી મળી જાય તો ચોરીને ભાગી છૂટવાની ફીરાકમાં હતી, પરંતુ બે દિવસથી ચાવી મળતી ન હતી.

            દર્શનાબહેનને યાદ આવ્યું કે કમુ અચાનક ગાયબ થઈ ગઈ હતી અને બે દિવસ પહેલાં બધાની હાજરીમાં પોતે બેંકના લોકરમાંથી દાગીના લાવેલ છે તેમ તે બોલ્યાં હતાં.

            સોસાયટીમાં આ વાત રખડતા ફેરિયાઓથી ચેતવા અને બધાની હાજરીમાં અંગત વાતો નહી કહેવાનો પાઠ ભણી સૌ ત્યાંથી વિખરાઈ ગયાં.

------------------------------x--------------------------------x---------------------------------x-------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


 

ભૂત આવ્યું રે ભૂત  - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories