02 માર્ચ 2026

સાવકી માં - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

સાવકી માં


        રોહન, તારી સાવકી માં થી ચેતતો રહેજે, હજુ મહિના પહેલા જ તારા પપ્પાએ નવા લગ્ન કરેલા છે. શરૂઆતમાં તો તારી નવી માં તને ખોટું ખોટું વહાલ બતાવશે, પણ પછીથી તેનું પોત પ્રકાશ્યા વગર નહીં રહે, એવું કઈ લાગે તો અહી અમારે ઘેર વડોદરા આવતો રહેજે. રોહના મામાએ સમજાવતા કહ્યું. ફક્ત દશ વરસના રોહનને કઈ સમજાતું નહોતું, પણ એટલી ખબર પડી કે પપ્પા હમણાં લગ્ન કરીને લાવ્યા તે રમીલાબેન મારી સાવકી માં છે અને તેનાથી ચેતતા રહેવું.

        રમણીકભાઈ અને રક્ષાબેનનો તેર વરથી સુખી સંસાર ચાલતો હતો. રમણીકભાઈની સચિવાલયમાં સરસ સરકારી નોકરી હતી. ત્રણ વરસના લગ્નજીવન બાદ પુત્રરત્નનો જન્મ થતાં ઘરમાં ખુશાલી છવાઈ ગઈ અને બાબાનું નામ પાડ્યું રોહન.

        કુદરતને તેમનું સુખ મંજૂર ન હતું. રક્ષાબેન અને રમણીકભાઈ સ્કૂટર ઉપર એસ.જી. હાઇવે પરથી જતાં હતા અને એકદમ પાછળથી ટ્રકે ટક્કર મારી રમણીકભાઈ અનાયાસે દૂર ફેંકાઇ ગયા અને બચી ગયા ફક્ત હાથમાં ફ્રેકચર થયું, પણ રક્ષાબેન ટકકરથી જોરદાર ઊછળ્યા અને ઉંધા માથે પછડાયાં. મગજમાં બ્રેઇન હેમરેજ થતાં સ્થળ ઉપર જ તેમના પ્રાણ નીકળી ગયા.

        ફક્ત દશ વરસનો રોહન હતપ્રભ થઈ ગયો. મારી મમ્મી મને એકલો મૂકીને કેમ ભગવાન પાસે જતી રહી, તેનો જવાબ કોઈ આપતું ન હતું.

        રમણીકભાઈને બધાએ સમજાવ્યા. રોહનને મમ્મીની જરૂર છે અને તમારી ઉંમર પણ ક્યાં વધારે છે ? બીજા લગ્ન કરી રોહન માટે લાવો. રમણીકભાઈ ગડમથલમાં પડી ગયા, નવી માં રોહનનું ધ્યાન રાખશે કે નહીં ??? 

        અંતે બહુ વિચાર કરીને રમણીકભાઈ સંસ્કારી ઘરની રમીલા સાથે લગ્ન કરી ઘરે લઈ આવ્યા.

        રોહન, જો આજથી આ તારી નવી માં છે. તારું ખાવાપીવાનું ભણવાનું ધ્યાન રાખશે. રમણીકભાઈએ રોહનને પ્રેમથી સમજાવવા માંડ્યુ,

        મારી માં છે જ નહીં, તે તો મને કેટલું વહાલ કરતી હતી,” રોહને મનમાં વિચાર્યું.

        રમીલાબેન મહેનત કરીને ધગશથી રોહનનું ભાવતું ખાવાનું બનાવે, સ્કૂલે લેવા મૂકવા જાય, રાત્રે ભણાવવા પણ બેસે, પણ ન જાણે કેમ રોહનને મનમાં તેમના માટે માં ની મમતા જાગી જ નહીં.

        તેનું કારણ હતું, પાડોશીઓ અને સગાવહાલા, તેના ફોઇ પૂછે કે રોહન, તને તારી નવી માં ખાવાનું બરાબર આપે છે કે નહીં ?”

        તો વળી બાજુવાળા વિણાબેન ખાનગીમાં કહી ગયા, રોહન, તને નવી માં કઈ તકલીફ આપે તો અહી મારા ઘેર આવજે.

        આમ રોહનના મનમાં રમીલાબેન પ્રત્યે માતૃપ્રેમ જાગ્યો જ નહીં. લોકોના નકારાત્મક વલણે તેના મનમાં પૂર્વગ્રહ થઈ ગયો. રમીલાબેન ગમે તેટલી મહેનત કરે, પણ રોહનને બધી બનાવટ જ લાગે.

        કેલેન્ડરના પાનાં ફરી રહ્યા હતા. બાર વર્ષના વહાણા વીતી ગયા. એક દિવસ હાર્ટએટેકમાં અચાનક રમણીકભાઈ સ્વર્ગે સીધાવી ગયા. બાવીસ વર્ષનો રોહન એમ.બી.એ.ના છેલ્લા વર્ષમાં હતો . તે નિરાશ થઈ ગયો. તેના મનમાં હજુયે ગડમથલ ચાલ્યા જ કરતી. તેને લાગતું કે મારી સાવકી માં મને કાઢીને પપ્પાનાં બંગલા અને મિલકતની માલિક થઈ જશે .  તેના મામા અને માસી પણ તેને રમીલાબેન વિરુદ્ધ ઉકસાવ્યા કરતાં.

        એક દિવસ અચાનક તેણે રમીલાબેનને કહ્યું, મારા પપ્પાના બંગલમાથી બહાર નીકળો, મારે તમારી સાથે રહેવું નથી. રમીલાબેને બહુ સમજાવ્યો, છેવટે તેમણે ચોખવટ કરી, આ બંગલો તારા પપ્પા મારા નામે કરતાં ગયા છે, મારા મૃત્યુ બાદ જ તને મળશે.

        રોહન ડઘાઈ ગયો, તેના મામા અને માસીની ચડામણીથી તે ગેરમાર્ગે દોરવાઈ ગયો હતો. તેણે સોસાયટીમાં તપાસ કરી, ખરેખર બંગલો તો રમીલાબેનના નામે જ થઈ ગયો હતો.

        ગુસ્સામાં અને ટણીમાં તેણે પોતાનું ઘર છોડ્યું. આખો દિવસ આમતેમ રખડ્યો. અંતે રાત્રે કંટાળીને ઘેર આવ્યો. પોતાની લેચકી થી ધીમેથી બારણું ખોલી અંદર આવ્યો.

        રોહને જોયું તો ડાઈનિંગ ટેબલ પર જમવાનું તૈયાર હતું અને બે થાળી તૈયાર હતી. તેની માં પણ સવારથી જમ્યા વગર રોહનની રાહ જોઈને બેઠી હતી.

        તેની માં રડતાં રડતાં મોબાઈલ પર વાત કરતી હતી, જુઓને આ રોહનને કેટલો સમજાવ્યો, મનાવ્યો પણ હજી તે મને પારકી માં જ માને છે. તેને માટે મેં દિવસ રાત મહેનત કરી ભણાવ્યો પણ તેના મનમાં કઈક ઘૂસી ગયું છે. મેં તેના પપ્પાને ના પાડી, મારા છોકરા ના થવા દીધા, જેથી તેને ભાગ પડાવનારો કોઈ ના હોય. મારા માટે તો રોહન જ મારો દીકરો છે, પણ તે મને સાવકી માં જ ગણીને ઘર છોડી ગયો છે.

        આ સાંભળતા જ રોહન રડી પડ્યો, તેનું હૃદય પરીવર્તન થયું. લોકોના ચડાવવાથી હું ખોટો ચડી ગયો. આ માં તો મારા સારા માટે જ બધુ વિચારે છે. હું નથી તો તે સવારથી જમી નથી, અત્યારે રાત્રે પણ હું પરત આવીશ વિચારીને મારુ જમવાનું અને થાળી તૈયાર છે. મેં ફક્ત મનમાં પારકી માં ખરાબ જ હોય તેવું વિચારીને ભૂલ કરી છે. આ જ મારી માં છે. રડતાં રડતાં તે રમીલાબેન પાસે જઈ નમી પડ્યો, માં મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દે.

        રમીલાબેને કશું જ કહ્યા વગર તેને પ્રેમપૂર્વક આલિંગન આપી તેમનો માતૃપ્રેમ વરસાવી દીધો અને કહ્યું બેટા, તારા વગર તો મારે મન બધુ ધૂળધાણી છે. ચાલ તું સવારનો ભૂખ્યો હોઈશ, જમી લે. એમ કહીને બંને માં દીકરો જમવા બેઠા. આજે રમણીકભાઈના આત્માને શાંતિ થઈ ગઈ.

        રમીલાબેનને તેના બેટાના ખરા હૃદયના પરિવર્તનથી ખૂબ આનંદ થયો. દરેક સાવકીમાં ખરાબ જ હોય તે વાત ખોટી જ છે, તેનું ભાન રોહનને હવે થઈ ગયું હતું.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

સાવકી માં  - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories