13 મે 2026

ઘર બાળીને ગામમાં અજવાળું ન ફેલાવાય - ગુજરતી લઘુ બોધ વાર્તા

 

ઘર બાળીને ગામમાં અજવાળું ન ફેલાવાય

 ----------------------------------------------------------------------------------------------------------------------------

         એશિયાની સૌથી મોટી હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. હરીશભાઈ સવારમાં વહેલા આવીને દોડાદોડ કરી રહ્યા હતા. આજે સવારે ૧૦ વાગે રાજ્યના આરોગ્યમંત્રી મનસુખભાઈ ત્રિવેદીનાં હસ્તે નવા જ આવેલા બે એમ.આર.આઈ. મશીનનું લોકાર્પણનો કાર્યક્રમ સાથે સાથે સુપ્રિન્ટેન્ડન્ટ હરીશભાઈનું બહુમાનનો પણ પ્રોગ્રામ હતો.

        છેલ્લા બે વર્ષમાં હરીશભાઈ સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા પછી સિવિલમાં વહીવટ ખુબ સુધરી ગયો હતો. દરેક ડીપાર્ટમેન્ટની સેવામાં ધરખમ સુધારો હતો. લોકો સારી સેવાની કદરરૂપે હરીશભાઈના વખાણ કરતા થાકતા જ નહી. આખી હોસ્પીટલની સ્વચ્છતા પણ ખુબ જ સુધારી હતી. સેનીટરી ઇન્સ્પેક્ટરો પણ હરીશભાઈની સાથે રાઉન્ડમાં પૂરી ચોકસાઈથી સૂચનો કરતા હોવાથી હોસ્પીટલનો ખૂણેખૂણો અને વોર્ડના તમામ બેડ સ્વચ્છ રહેતા હતા. દરરોજ હજારોની સંખ્યામાં પુરા ગુજરાતમાંથી અને મધ્યપ્રદેશ તથા રાજ્સ્થાનનાં પણ દર્દીઓ લાભ લઇ રહ્યા હતા. બહારગામના દર્દીઓના સગાને રહેવા અને જમવા માટે હરિશભાઈએ મહેનત કરીને ખસ જોગવાઈ કરી હતી. દાતાઓ પાસેથી દસ કરોડનું અનુદાન મેળવીને બે નવા જ એમ.આર.આઈ. મશીન વસાવી આજે લોકાર્પણ કરવાનો સમય આવી ગયો.

        સવારના પોણાદશ વાગે તો પોલીસની ગાડીઓની પાછળ આરોગ્યમંત્રી કાફલા સાથે આવી પહોંચ્યા. તેમની સાથે હેલ્થ ડીપાર્ટમેન્ટનાં સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી તથા ઓફિસ સ્ટાફ પણ જોડાયા હતા. સુપ્રિન્ટેન્ડન્ટ હરેશભાઈ મુખ્ય દરવાજે તેમના સત્કાર માટે દોડ્યા. મંત્રીશ્રીને હરીશભાઈ માટે અંગત માન હતું. તેમની નિયમિતતા, કડપ, વહીવટી કુશળતાનાં વખાણ સાંભળેલા હતા.

        "પધારો, મંત્રી શ્રી, સિવિલ હોસ્પિટલમાં આપનું સ્વાગત છે." હરીશભાઈએ આવકાર્યા. .

        "ચાલો, પહેલા રાઉન્ડ લઇ લઈએ , પછી ઉદ્ઘાટનની કામગીરી પતાવીએ." મંત્રીશ્રીએ કહ્યું.

        સિવિલના રાઉન્ડમાં ચારેતરફ હરીશભાઈની વાહ વાહ સાંભળીને મંત્રીશ્રીએ એમ.આર.આઈ. લોકાર્પણનાં પ્રવચનમાં પણ હરીશભાઈને કામગીરી બિરદાવી અને કહ્યું કે, હજુ બે વર્ષનો કાર્યકાળ પૂરો કરે તો હોસ્પીટલની સિકલ જ ફરી જશે. છેવટે ચા-નાસ્તાને ન્યાય આપતા હરીશભાઈએ મંત્રીશ્રીને વિનંતીપૂર્વક સ્વૈચ્છિક રીટાયરમેન્ટ માટે રાજીનામું આપવાનો કાગળ આપ્યો. મંત્રીશ્રી અજાયબ થતા બોલ્યા, "હરીશભાઈ, તમારા તો આટલા બધા વખાણ થયા અને તમે વી,આર.એસ. લેવાની વાત કરો છો?"

        "સાહેબ, વાત એમ છે કે મારા પત્નીને બે વરસથી આંખોની નસ સુકાતા દેખાવાનું બંધ થઇ ગયું છે, મારી એકની એક છોકરીના બે મહિના પહેલા જ લગ્ન થઇ ગયા જતાં મારા પત્ની ઘેર એકલા જ હોય છે." હરીશભાઈ દુ:ખી થતા પોતાની વ્યથા કહી.   "પણ તમારે ઘેર નોકરચાકર તો હશે ને !" મંત્રીશ્રીને નવાઈ લાગી.

        "હા, આયા અને નોકર છે, પણ તે કેટલું ધ્યાન રાખે ? મારી હાજરી ઘેર જરૂરી છે." હરિશભાઈ વિનંતી કરતા બોલ્યા.

        "સારું, તમારી મરજી, આટલી સારી પોસ્ટ અને પગાર છોડતા પહેલા ફેરવિચારણા કરશો."
 મંત્રીએ કહ્યું.

        "ના, મેં નક્કી જ કરેલ છે. હું આવતા મહીને છુટો જ થવા માંગુ છું." હરીશભાઈ મક્કમ હતા. આરોગ્યમંત્રીને ગાડીમાં બેસતા લાગ્યું કે હરીશભાઈ ખોટી ઉતાવળ કરીને રાજીનામું આપી રહ્યા છે,પણ શું થાય ?

        અચાનક તેમને તેમના પત્ની માલતીબેન યાદ આવી ગયા. પંદર દિવસ પહેલા જ તેમને લકવાનો એટેક આવતા પથારીવશ થયા હતા. તેના પણ આવા જ હાલ થશે કે શું ? વિચારે ચડ્યા, મારો દીકરો પણ કેનેડામાં જ છે ને !!!!

        ના, ના, મેં તો બે સિસ્ટર, બે આયાઓ, એક અટેન્ડન્ટ અને એક નોકર એમ છ માણસોનો સ્ટાફ રાખેલ છે, એટલે વાંધો નથી. ત્યાં તેમના સબ્કોન્સીયસ મને લપડાક મારી, "મુરખ, માણસો પર કેટલો ભરોસો કરાય ? એક વખત રૂબરૂ તપાસ તો કર." સાંજના સાત વાગ્યે પોતાના બંગલેથી આગળ મંત્રી ઉતરી ગયા. ધીમા પગલે ચાલતા પહોંચી પોતાની ચાવીથી દરવાજો ખોલી અંદર આવ્યા.

        બહાર ડ્રોઈંગરૂમમાં તેમના છ માણસોનાં સ્ટાફના અવાજ આવી રહ્યા હતા. પાછળનાં ભાગમાં ધીમેથી ડ્રોઈંગરૂમમાં જોયું તો બે સિસ્ટર અને બે આયા પત્તા રમી રહ્યા હતા. નોકર અને અટેન્ડન્ટ ટીવીમાં મેચની હાઈલાઈટ જોતા હતા. એક સિસ્ટર બોલી, "આપણાં ત્રિવેદી સાહેબ અચાનક આવી જશે તો ?"

        ત્યાં બીજી સિસ્ટરે તાલી મારતા કહ્યું, "જવા દે ને ! એને ટાઈમ ક્યા છે ? રાતનાં દશ પહેલા એ આવે જ નહીં !" આરોગ્યમંત્રીશ્રીની હાલત કાપો તો લોહી ના નીકળે !

        ધીમેથી તેમના બાજુના બેડરૂમમાં ગયા, લકવાગ્રસ્ત માલતીબેન ખુલ્લા પડ્યા હતા. તેનાથી ઝાડા, પેશાબ થઇ ગયા હોવાથી, માખીઓ બણબણતી હતી, શરીર પર બે મંકોડા ચડી ગયા હતા, પણ માલતીબેન હાલીચાલી કે બોલી શકતા ન હતા. પણ સામે પતિને જોતા તેમની આંખોમાંથી અશ્રુઓની ધાર છૂટી.

        આરોગ્યમંત્રી હબક ખાઈ ગયા. સમગ્ર ગુજરાતના આરોગ્યની ચિંતા કરનારની પત્નીના આરોગ્યના આવા હાલ !!!  તરત જ તેમણે મુખ્યમંત્રીને ફોન દોડ્યો, "સાહેબ, આજે આ ઘડીથી જ મારું મંત્રી તરીકેનું રાજીનામું સ્વીકારી મને ફરજમાંથી મુક્ત કરો."

        "અરે મનસુખભાઈ, તમે તો આખા ગુજરાતનું આરોગ્ય આરોગ્ય સુધારી રહ્યા છો, આમ એકાએક રાજીનામું કેમ ? "સાહેબ, મારી પત્ની માલતીને લકવો થયા પછી હાલત ગંભીર છે, મારે તેની પાસે રહેવું પડશે." મનસુખભાઈએ જવાબ વાળ્યો.

        "પણ એકદમ કેમ ? તમારી પાસે તો પુરતો સ્ટાફ છે, હજી વધારે મૂકી આપું. તમે તો પ્રદેશમાં આરોગ્યનો ઉજાસ ફેલાવ્યો છે, તમારા થકી તો રાજ્યમાં આરોગ્યસેવાઓ ઉત્તમ બની રહી છે અને હજી વધારે સારી બનશે એવો રાજ્યને અને પાર્ટીને વિશ્વાસ છે." મુખ્યમંત્રી ચિંતિત સ્વરે બોલ્યાં.

        "સાહેબ, માણસો એ અંતે માણસો જ છે. ઘરના માણસની ચાકરી તેના અંગત સગા કરે તો જ સારું. મારી પત્ની ને લકવો છે તેથી તે હાલી ચાલી શકતી નથી તેથી મારે જ તેની પાસે રહેવું જરૂરી છે." કહેતા મનસુખભાઈ રડવા જેવા થઇ ગયા. "સાહેબ, ઘર બાળીને ગામમાં ઉજાસ ના ફેલાવાય, ટૂંકાણમાં એટલું સમજીને મારું રાજીનામું મંજુર કરો." કહેતા મનસુખભાઈ રડી પડ્યા.

        લાસ્ટ સ્ટ્રોક : - તમે ગમે તેટલી સંપતિ અને સત્તાવાળા હોય, પણ કુટુંબના માણસોની આરોગ્ય માવજત માટે પગારદાર માણસો પર ભરોસો ક્યારેય ન કરાય. તમારી અંગત હાજરી જ જરૂરી છે.

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ઘર બાળીને ગામમાં અજવાળું ન ફેલાવાય - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories