23 સપ્ટેમ્બર 2026

લક્ષ્મી ચીટ ફંડ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 


લક્ષ્મી ચીટ ફંડ

-----------------------------------------------------------------------------------------------------------------------------

"કિરણ, તારે સવીતાબાને સમજાવી આપણા લક્ષ્મી ચીટ ફંડમાં રોકાણ કરાવવાનું છે. તેને આપણે મહીને ત્રણ ટકા એટલે કે વરસે છત્રીસ ટકા વ્યાજ આપીશું." કેતન તેના મિત્ર અને એજન્ટ કિરણને સમજાવી રહ્યો હતો.

"પણ, કેતન એ તો તારા મામી જ છે, તો તુ જ સમજાવને " કિરણ સવિતાબાનો પાડોશી જ હતો.

"જો, હું તેનો ભાણેજ છું, પણ મારૂ એ માનતા જ નથી. એને ખબર ના પડવી જોઈએ કે આ ફંડનો માલિક હું જ છું." કેતને જવાબ આપ્યો.

"પણ તેની આગળ વધારાના રૂપિયા હશે, કે ચીટફંડમાં રોકે?" કિરણે શંકાથી પૂછ્યું.

"મારા મામા ગુજરી ગયા પછી ચાર રૂમ રસોડાનું મોટું મકાન તેના નામે થઇ ગયું છે. તેને આટલા મોટા ઘરની શું જરૂર છે ? તેને વ્યાજની લાલચ આપી મકાન વેચાવી દે." કેતને આઈડિયા આપ્યો.

"સારૂં, હું કોશિશ કરું છું." કિરણે કહ્યું. તેણે મહેનત કરીને સવીતાબાને સમજાવીને મકાન દશ લાખ રૂપિયામાં વેચાવી દીધું. તે રૂપિયા લક્ષ્મી ચીટ ફંડમાં રોકતાં પહેલા મહિનાનું વ્યાજ ત્રીસ હજાર પણ આવતાં તેમને આપી દીધું. સવીતાબા ખુશ થઇ ગયા. તેમણે એક્ર રૂમ રસોડાનું ઘર દોઢ હજાર ભાડેથી લઇ, વ્યાજમાંથી ખાવાપીવા, દવાદારૂનો ખર્ચ નીકળી જશે, એમ વિચારી ખુશ થઇ ગયા. આખા વિસનગર તાલુકાના બધાં ગામોમાંથી લોકો લક્ષ્મી ચીટફંડમાં નાણા રોકવા લાગ્યા. કેતન કામાણી પાસે લોકોના નાણાનું સવા કરોડ ભંડોળ થઇ ગયું.  આખા તાલુકાના લોકો ખુશ હતા. આટલું સારું વ્યાજ કોણ આપે?

મહિના પછી એકાએક લક્ષ્મી ચીટફંડની ઓફીસના પાટિયા ઉઠી ગયા. ઓફિસે તાળું લાગી ગયું. કેતન બધાના રૂપિયા ઉસેડી રાતોરાત ગુમ થઇ ગયો.

આખા તાલુકામાં ખબર પડતા રાડ બોલી ગઈ. લોકોએ પોતાની જીવનભરની કમાણીના પૈસા રોકેલા, તે ડૂબી ગયા. બધાએ ખુબ જ શોધખોળ કરી, આખા મહેસાણા જીલ્લામાં તપાસ કરી પણ તેના માલિક કેતનનો કોઈ અતોપતો જ નહોતો. ગણપતપુરા ગામમાં સૌથી વધારે રોકાણ સવીતાબાનું હતું. તેમની પાસેના પૈસા ખૂટી ગયા, પણ નવા મહિનાનું વ્યાજ ના આવતાં તેમની હાલત કફોડી થઇ ગઈ. તેમને બને આંખે મોતિયા આવતા હતા, વ્યાજમાંથી ઓપરેશન કરાવવાનું હતું, પણ રૂપિયા વગર કરવું શું? તેમને બન્ને આંખે ધીમેધીમે દેખાવાનું ઓછું થવા લાગ્યું. ખાવાપીવાનાં ય સાંસા પડવા લાગ્યા. તે લાકડીને ટેકે ચાલતા પાડોશી કિરણ પટેલને ઘરે ગયા.

"બેટા, કિરણ, મારા તો બધા રૂપિયા અને ઘર બન્ને જતા રહયા. વ્યાજ પણ આવતું બંધ થઇ ગયું, હવે હું જીવીશ કઈ રીતે ?" માજીએ રડતાં રડતાં કહ્યું.

કિરણ તેમની આ હાલત જોઈ દુઃખી થઇ ગયો. તેણે આશ્વાસન આપતા કહ્યું, "માજી, હું તમારૂં વ્યાજ અને પૈસા પરત લાવવા પુરતી મહેનત કરીશ. લક્ષ્મી ચીટફંડનો માલિક બીમાર થયો છે, એટલે અમદાવાદની મોટી હોસ્પીટલમાં દાખલ થયો છે." કિરણે મનમાં આવે તે ફેંકી.

માજીના ગયા પછી તેણે કેતનનો બીજો છૂપો નંબર લગાડ્યો, " કેતન ક્યાં છુપાયો છે ? અહીં ગામમાં હાલત ગંભીર છે, બધા તને જ શોધી રહયા છે. તારા મામી સવીતાબાની હાલત ગંભીર છે."

"જો કિરણ ધંધામાં તો આવું જ ચાલે, બધા મને બે ત્રણ મહિના શોધશે પછી વાત ભુલાઈ જશે. સવિતામામી તો ખોટા રોદણાં રડે છે. તેણે હવે નેવું વરસથી વધારે જીવીને શું કરવું છે?" કેતને કુટીલાથી કહ્યું.

"તને તારા મામીની દયા નથી આવતી ? મેં તેમને આ મહિનાના વ્યાજના પૈસા લાવી દેવાનું કહ્યું છે. એટલા રૂપિયા તો મોકલ."

"જો મારી પાસે વધારે પૈસા નથી. તારા કમિશનના ત્રીસ હજાર બાકી છે, એ ગુગલ-પે થી મોકલી આપું છું." કેતન છેલ્લે પાટલે બેસી ગયો. કિરણે બધા રૂપિયા સવીતાબાને આપતાં કહ્યું. "લો, બા, તમારૂં વ્યાજ આવી ગયું છે."

"જીવતો રહે બેટા, મને તે સારો ટેકો કરી આપ્યો." માજી ખુશ થતા બોલ્યા.

કેતને સાંજે કિરણને ફોન જોડ્યો, મેં મારું આખું કમીશન સવિતાબાને આપી દીધું છે, બિચારાએ ખુશ થઇ મને આશિર્વાદ આપ્યા."

"તું સાવ મુરખ છે, ધંધાની આવક તું લુંટાવતો ફરીશ તો ખાઈશ શું ? આવા ડોશી ડોશા તો રડ્યા કરે. આપણે તેની સામે જોવાનું જ નહીં." કેતને ધંધાની ફિલોસોફી સમજાવી. કિરણે ગુસ્સે થઇ ફોન કાપી કાઢ્યો.

એ જ દિવસે રાત્રે સીઆઈડી ક્રાઇમના સિનીયર ઇન્સ્પેક્ટર ચુડાસમા સાહેબ, બાતમીના આધારે કેતનને બાપુનગરના ગેસ્ટહાઉસમાંથી પકડી પાડ્યો. સૌથી વધારે ઠગાઈ ગણેશપુરા ગામના સવિતાબાના દશ લાખ રૂપિયાની થઇ હતી. એટલે ચુડાસમા સાહેબ તેને બાંધીને સવિતાબા પાસે લઇ આવ્યા. સવિતાબાને માંડ દેખાતું હતું, તે કેતનને જોઈ સહેમી ગયા.

"અરે સાહેબ આ તો મારો ભાણો કેતન છે, એ આવું ઠગાઈનું કામ કરે જ નહીં." માજી બોલ્યા.

કેતન અને કિરણ મનમાં વિચારવા લાગ્યા વાહ મામી વાહ ! પોતે ઠગાઈને પણ ભાણાને બચાવી રહયા છે.

"પણ આ માણસ તમારા અને ગામ લોકોના રૂપિયા લઈને ફરાર થયેલો છે, અમદાવાદમાં છુપાયેલો પકડેલ છે." ચુડાસમા સાહેબે કહ્યું.

"સાહેબ મારા ભાણાની તબિયત બગડી હતી એટલે અમદાવાદ સારવાર માટે આવ્યો હતો." માજી બોલ્યા.

"સાહેબ, હું બધાના રૂપિયા લઈને ભાગ્યો નથી. મહિનાથી તબિયત ખરાબ હોવાથી અમદાવાદ સારવાર માટે આવેલ હતો." કેતને પોતાના બચાવમાં કહ્યું.

"પણ અહીં બધું બંધ કરીને કેમ ભાગ્યો?" સાહેબે પુછ્યું..

"એ તો મારા સ્ટાફનો કલાર્ક રજા પર ગયો અને એજન્ટ કિરણ આ રહ્યો. અમારું કામ ચાલુ જ છે."

હવે ચુડાસમા સાહેબ અને જમાદાર પથુભા વિચારમાં પડ્યા. ફરીયાદી જ તહોમતદારનો બચાવ કરે છે, તો કરવું શું? ત્યાં તો સવિતાબા ઘરમાં ગયા, અને બટવો લઈને બહાર આવ્યા.

"લ્યો ભાણાભાઈ, મને વ્યાજના કિરણે ત્રીસ હજાર આપ્યા હતાં, તેમાંથી વીસ હજાર બચેલ છે. મારૂ મોતિયાનું ઓપેરશન બે મહિના પછી કરાવીશ, તોય ચાલશે. તમારે અમદાવાદ સારવાર માટે જોઇશે."

કેતન શરૂઆતમાં શરમમાં ના પાડતો રહ્યો. પણ તેને પસ્તાવો થયો. આ મામીના મેં દશ લાખ રૂપિયા પડાવી લેવા પેંતરો કર્યો છતાં તે સામેથી મને મદદ કરી રહયા છે. મેં તેના વિષે કેવું ખરાબ વિચાર્યું હતું. ચુડાસમા સાહેબ અને પથુભાએ આ જોઈ કેતનને છોડી દીધો, અને જીપમાં બેસી ગયા. કેતન શરમ અને પસ્તાવાથી સવિતાબાના ચરણોમાં ઝુકી ગયો.

"બેટા, મને ખબર પડી ગઈ હતી કે તે ઉતાવળ અને નાદાનીમાં ભૂલ કરી છે. પણ અંતે તો તું મારો ભાણો જ છે ને ! આ પોલીસવાળા પકડીને મારીમારીને તને અધમુઓ કરી નાખત. એટલે જ મેં તને બચાવવા નાટક કર્યું હતું." સવિતાબા બોલ્યા.

કેતનનું હૃદય પરિવર્તન થયું અને તેણે પરત આવી ઓફીસ ખોલી, બધાના રૂપિયા પરત કર્યાં.

લાસ્ટ સ્ટ્રોક : સજ્જન માણસમાં રહેલી ક્ષમાવૃતિ ગમે તેવા દુર્જન માણસને ઝુકાવી દે છે. વધારે વ્યાજની લાલચમાં આવા દેશી ચીટફંડમાં પડતા પહેલા સો વાર વિચાર કરવો.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

લક્ષ્મી ચીટ ફંડ - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories