સારા કર્મો જ કરો ને !
-----------------------------------------------------------------------------------------------------------------------------
“વાહ, મીનાબેન, તમારી દિકરી તો રૂપરૂપના અંબાર જેવી છે. તે જુવાન થશે તો આખા મહોલ્લાને
નચાવશે.” આજુબાજુના પાડોશી, સગાવહાલા,
મિત્રમંડળ વિગેરે સહુ મીનાબેન અને મધુકરભાઈની મધુરિમાના રૂપના અને દેખાવના વખાણ
કરતાં થાકતા જ નહીં.
જોતજોતમાં
તો મધુરિમા શાળામાંથી કોલેજમાં આવી ગઈ. તેના શરીરમાં યૌવન પ્રવેશતા રૂપ ઔર ખીલી
ઉઠ્યું. છાતીના ઊભાર, રતુમડા
હોઠ, લાંબા કાળા વાળ, લંબગોળ આકર્ષક
ચહેરો કોઈને પણ આકર્ષવા પૂરતાં હતા. તે કોલેજમાં સ્કૂટી લઈને પ્રવેશે અને ચારે
તરફથી છોકરાઓની લાઇન લાગી જતી. મધુરિમાની એક ઝલક મેળવવા આજુબાજુથી પણ છોકરાઓ ઉમટવા
લાગ્યા. તેને નાટક અને સ્ટેજ શોનો ભારે શોખ હતો. એન્યુઅલ ડે પર ભજવાયેલ રોમિયો
જુલીયટ નાટકમાં તે જુલીયટના રોલમાં બાજી મારી ગઈ. મિસ કોલેજ સ્પર્ધામાં પણ તે મિસ
કોલેજનું ટાઇટલ જીતી ગઈ. એક જ મહિના પછી મિસ ગુજરાત યુનિવર્સિટી સ્પર્ધામાં પણ
મધુરિમા બક્ષી જ મેડલ જીતી ગઈ. ચારે તરફથી ગુજરાતી પિક્ચરના નિર્માતા, એડ ફિલ્મ
બનાવવાવાળાઓ તેની આજુબાજુ આંટા મારવા લાગ્યા. તેના પહેલા બે ગુજરાતી પિક્ચરો હીટ
જતાં મધુરિમાનું નામ ખ્યાતનામ હિરોઈન તરીકે ગાજવા લાગ્યું. બી.એ. થઈને તેણે
ભણવાનું છોડી દીધું. કમાણી લાખોમાં થતી હોવાથી તેને હવે વધારે કમાવાની લગની લાગી, કરોડોના સપના જોવા તેને માટે સામાન્ય હતા.
આગળ ભણવાનો તો વિચાર જ ક્યાંથી આવે?
તેનાથી
ત્રણ વરસ નાની બહેન મનીષા રૂપાળી અને દેખાવડી નહોતી પણ ઠીક હતી. ભણવામાં તે
હોશિયાર હતી. તેની મહત્વકાંક્ષાઓ પણ ઊચી હતી, પોસ્ટ ગ્રેજયુએટ થઈને તેણે એમ. બી. એ પણ સુંદર માર્ક સાથે પાસ કર્યું.
તેની મહેનત અને ધગશને લીધે કોર્પોરેટ બેંકમાં મેનેજરની નોકરી મળી ગઈ.
મધુરીમાની
મહત્વકાંક્ષા હિન્દી ફિલ્મની હિરોઇન બનવાની હતી. સમગ્ર ભારતમાં હિરોઈન તરીકે ડંકો
જમાવવો હતો. મુંબઈના જાણીતા નિર્માતાઓ સાથે સંપર્ક ચાલુ કરતાં અંતે એક બે સામાજીક
પિક્ચરમાં માંડમાંડ કામ મળ્યું. વરસને અંતે પીકચર રીલીઝ થતાં એક અઠવાડિયામાં તો
બધેથી ઉતરવા લાગી.
મધુરિમા
વિચારમાં પડી "આમ કેમ થયું ?" મારો આટલો સુંદર દેખાવ, મજાની એકટીંગ, છતાં પિકચરો કેમ ચાલતા નથી ?" તેણે હિન્દી
પિકચરના એક્સપર્ટ નિર્માતા દુબેજીને ફોન જોડ્યો.
"જો
મધુરિમા, સાચી વાત કહું, તું સુંદર દેખાવડી યુવતી છે, પણ પબ્લીકને તેનો લાભ ના મળે
તો શું કામનું?
"એટલે
શું ?"
"મધુરિમા,
આ ચેનલ, મોબાઈલ અને મિડીયાના ફાસ્ટ જમાનામાં યુવાજગતને કાંઇક ઉત્તેજક, ગરમ થાય તેવું
જોવું વધારે ગમે છે. ઇરોટીક અને ગ્લેમર ફિલ્મો જ અત્યારે વધારે ચાલે છે. તારે પણ એ જ રીતે ઇરોટીક અને ગ્લેમર ફિલ્મો
આપવી પડશે." દુબેએ સમજાવ્યું.
મધુરિમાને
ચાલુ જમાનાનો ખ્યાલ આવી ગયો અને જમાના સાથે ચાલતા આવડી ગયું.
ગ્લેમર
મધુરિમાની ઇરોટીક ફિલ્મો હવે આખા ઇન્ડિયામાં ધૂમ મચાવવા લાગી. તેનું નામ ઇરોટીક
અને ગ્લેમરસ હિરોઈન તરીકે ગાજવા લાગ્યું. અમદાવાદમાં તેના મમ્મી પપ્પાને આ વાત
જાણતાં દુઃખ થયું. મધુરિમા આવા ગંદા રોલ કેમ કરે છે.
હવે
મધુરિમા કરોડોમાં આળોટવા લાગી. તેના પપ્પા મધુકરભાઈ સરકારી ઓફિસમાં ક્લાર્ક હતા.
સાવ મધ્યમ વર્ગનું કુટુંબ રાયપુરની પોળમાં બે રૂમના મકાનમાં ભાડેથી રહેતા હતા.
પણ
મુંબઈથી મધુરિમાએ સેટેલાઈટમાં બંગલો, અને બે લક્ઝુરીયસ ગાડી ખરીદી માબાપને ત્યાં
શિફટ કરી દીધા. ત્રણે જણ મધુરિમાની પૈસાની સહાયથી ખુશ હતા, તેમની રહેણીકરણી પણ
વૈભવી બની ગઈ.
મનિષા
માટે જ્ઞાતિમાંથી સુંદર મુરતિયો મયંક મળી ગયો. તે પણ બેંકમાં મેનેજર હતો. તેનું
કુટુંબ થોડું ઓર્થોડોગ્સ અને જૂની વિચારધારા વાળું હતું. તેથી તેની મોટી બહેન ગ્લેમર
સેક્સી મધુરિમા વિષે કોઈએ કહયું જ નહીં. આ વાત જાણતા મધુરિમા દુઃખી થઇ ગઈ, મારા જ
પૈસાથી આ લોકો બંગલો, ગાડી પામ્યા અને મારો જ ઉલ્લેખ નહીં.
તેને
લગ્નના દિવસે મીનાબેન અને મધુકરભાઈએ મુંબઈથી અમદાવાદ આવવાની સ્પષ્ટ મનાઈ ફરમાવી
હતી, પણ નાની બહેનના લગ્નમાં મહાલવાનું કોને મન ન હોય !
વહેલી
સવારની ફ્લાઈટમાં અમદાવાદ આવી તે સીધી એસ. જી. હાઈવેના પ્લોટ પર પહોચી ગઈ. તેને
જોઈ મીનાબેન ચમક્યા, "તને અહીં આવવાની ના પાડી હતી ને, કેમ આવી? પાછી જતી
રહે." તેના મમ્મીપપ્પા બન્ને ગુસ્સે હતા.
"મમ્મી,
મને પણ મારી બહેનના લગ્ન જોવાનું મન તો થાય ને ! ના, હું નહીં જાઉં." મધુરિમા
મક્કમ હતી.
"કહું
છું, જતી રહે, બદચલન, કુલ્ટા, તારા લીધે મનીષાનાં લગ્ન તૂટી જશે." મીનાબેને
ગરમ થઇ લાફો ઠોકી દીધો.
મધુરિમાને
ચક્કર આવી ગયા. મારા જ પૈસાથી આ વૈભવશાળી લગ્ન, બંગલો અને ગાડી આ લોકો ભોગવી રહ્યા
છે, પણ મને જ કુલ્ટા કહી કાઢી મુકે છે. મારા પૈસામાં સહુ ભાગીદાર પણ કાર્યમાં હું
કુલ્ટા અને બદચલન ??
વાલીયો
લુટારો પણ ઘેર પૂછવા ગયો કે, હું તમારા માટે ચોરી અને લુટ કરીને પૈસા લાવું છું,
તો મારા પાપમાં પણ તમે ભાગીદાર તો ખરાને ! બધાએ સ્પષ્ટ ના પાડી દીધી વાલીયો લુટારો અકળાયો. મારી જ લુંટની કમાણીથી આ લોકો
લહેર કરે છે, પણ મારા ખરાબ કર્મોમાં કોઈ ભાગીદાર નહીં! અંતે તેના મનનું શુદ્ધિકરણ
થતાં વાલ્મિકી ઋષિ બની ગયો અને રામાયણનું લેખન કરીને પ્રભુના આશીર્વાદ મેળવ્યા.
કાંઈપણ
કહ્યા વગર મધુરિમા મુંબઈ પરત ફરી ગઈ, અને પછી એક પણ રૂપિયો મોકલ્યો નહીં. તેણે
ગ્લેમરસ લુક અને સેક્સી ચેનચાળા છોડી દીધા. પછી તેને કોણ કામ આપે ? તેના મનનું બહુ
વિચાર બાદ શુદ્ધિકરણ થયું. તેની પાસે પૈસા તો પૂરતાં હતા.
અંતે
તેણે અમદાવાદમાં અનુદાન કરી મહિલાના ઉત્થાન માટે સુંદર ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી, બાકીનું જીવન
ચેરીટેબલ કાર્ય અને ભક્તિમાં વિતાવ્યું.
લાસ્ટ સ્ટ્રોક
: ખરાબ કર્મો, બિનચરિત્રના કામો અને ચોરી લુંટફાટના કામથી કમાયેલો પૈસો સૌને
વાપરવા ગમશે, પણ તેના પાપમાં કોઈ ભાગીદાર નહીં થાય, તો પછી પહેલેથી જ સારા કર્મો
કરો ને !!
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
સારા કર્મો જ કરો ને !- ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories