લેબલ રી મેરેજ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ રી મેરેજ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

09 ફેબ્રુઆરી 2026

રી મેરેજ- ગુજરાતી લઘુ બોધ વાર્તા

 રી મેરેજ


અયાન અને આરૂષીના લગ્નને માંડ બે વર્ષ થયા હતા. શરૂઆતના બે વરસ તો એકબીજાના પ્રેમ અને આકર્ષણમાં સરસ રીતે ક્યાય પસાર થઈ ગયા, ખબર જ ના પડી.

      

  લગ્નનાં બે વરસ પછી યાનની બઁક ઓફ ઈન્ડિયામાં ટ્રાન્સફર અમદાવાદથી જુનાગઢ થઈ ગઈ. ટ્રાન્સફર સાથે પ્રમોશનમાં બ્રાન્ચ મેનેજર બનવા મળ્યું હોવાથી અયાનને જવું જ પડે તેમ હતું. બંને માટે નવું જ ગામ અને નવું જ વાતાવરણ હોવાથી આરૂષીએ જુનાગઢ આવવાની ના પાડી દીધી. તેણે અયાનને કહ્યું, હું અહી અમદાવાદ આપણાં ઘેર જ રહું છું, તું વીકએન્ડમાં કે રજાનાં દિવસોમાં આવતો જતો રહેજે.

છેક જુનાગઢથી અમદાવાદ દરેક શનિ રવિ અયાન માટે આવવું અઘરું થઈ ગયું. એકાદ મહિનો તો સરખું ચાલ્યું, પછી અયાને ના પાડી આરૂષીને જુનાગઢ આવી જવા ઓર્ડર કર્યો. આરૂષિને તેના અમદાવાદના સગાવહાલાં, કિટ્ટીપાર્ટી, સખી મંડળ વિગેરે છોડીને સાવ અજાણ્યા જૂનાગઢમાં જવાનું જરા પણ મન ના હતું. તેણે સ્પષ્ટ ના પાડી દીધી. યાન ગુસ્સે ભરાયો. તેણે પણ અમદાવાદનાં આંટાફેરા ઓછા કરી દીધા.

        જુનાગઢની બેંકમાં મેનેજર બન્યા પછી કામ ખૂબ જ વધતું જતું હતું. તેથી અયાનને જરા પણ ટાઈમ રહેતો નહીં. રાતે થાકીને આવે કે તરત જ ઉંધ આવવા લાગે.

        આરૂષિને અમદાવાદમા એકલા સમય વિતાવવો મુશ્કેલ બની ગયો. નવરા બેઠા મન હંમેશા શેતાનનું ઘર બની જાય છે. કિટ્ટી પાર્ટી, શેરસપાટામાં પૈસા વેડફવાના ચાલુ થતાં અયાન ગુસ્સે થયો. તેણે ધીમે ધીમે પૈસા મોકલવાના બંધ કરી દીધા. બંને વચ્ચે અંતર વધતું ગયું.

        દૂર રહયે એકબીજા સાથે બોલાચાલી વધતી ગઈ. પૈસા ના મળવાથી આરૂષિ ગમેતેમ બોલવા લાગી. અયાને સંભળાવી દીધું હું અહી મહેનત કરું અને તું ત્યાં બેઠી પૈસા વેડફે એ હરગીઝ નહીં ચાલે. દિવસે દિવસે બંને વચ્ચે વિવાદ ઉગ્ર બનતો ગયો.

     


  
સામેના બંગલામાં અપરિણીત અશોક સાથે આરૂષિની મુલાકાતો અને સબંધ વધતાં ગયા. કોફી પીવાથી શરૂ થયેલો સબંધ પછી તો ડિનર અને પીકચર સાથે પ્રેમમાં પરિવર્તિત થવા લાગ્યો. છેવટે આરૂષિએ તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું.

            અયાનથી છૂટા પડવા તેણે ફોન પર ઝગડાનું નાટક કરી કહી દીધું એવું હોય તો આપણે પરસ્પર સમજૂતીથી છૂટા પડી જઈએ.

            અયાન છૂટાછેડાની વાતથી ચોંકી ગયો. તેને તો આરૂષિ પર દબાણ લાવી તેને અમદાવાદથી જુનાગઢ લાવવી હતી. આ તો સાવ ઊંધું થઈ ગયું. તેને તો આરૂષિ માટે અંદરખાને પ્રેમ હતો. પત્નીએ સામેથી છૂટાછેડા માંગ્યા પછી શું થાય ? સ્વમાન વગર સાથે રહેવાનો પણ શું અર્થ ? અંતે કંટાળીને તેણે પરસ્પર મંજૂરીથી છૂટાછેડા લઈ લીધા.

        આરૂષિને અશોક સાથે શરૂઆતમાં ત્રણ મહીનાતો આનંદ પ્રમોદમાં પસાર થઈ ગયા, પછી અશોકે પોત પ્રકાશવા માંડ્યુ. તેને રોજ રાત્રે દારૂ અને નવી આઈટમ જોઈએ. તેનો પતંગિયા જેવો મિજાજથી આરૂષિ ગુસ્સે થઈ, પણ હવે થાય શું ? તેણે પોતે જ પોતાના પગ પર કુહાડી મારી હતી.

        અશોકને ધંધાની ઉઘરાણીએ પોરબંદર જવાનું થયું. તેણે કંપની માટે ગાડીમાં આરૂષિને પણ સાથે લીધી. અમદાવાદ પોરબંદર હાઈવે પર રાજકોટ પાસે ડિનર લેતાં રાતના દશ વાગી ગયા હતા. અનાયાસે અશોકને દારૂનો પ્રબંધ થઈ ગયો. ત્રણ ચાર પેગ પીધા પછી ડ્રાઇવિંગ જોખમી હતું, પણ અશોકને સવારે પોરબંદર પહોંચવું પડે તેમ જ હતું.

           

રાતનાં સાડા અગિયારે જુનાગઢ પાસે જ દારૂડિયા અશોકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક સાથે ગાડી અથડાઇ. સ્ટિયરિંગ અશોકની છાતીમાં ઘૂસી ગયું. હાલત ગંભીર હતી. અનાયાસે આરૂષિને કાઇં ઇજા ના થઈ. અહી તો મદદ માટે કોને બોલાવે ? તેને અયાન યાદ આવી ગયો. ગભરાતાં તેણે અયાનને ફોન જોડ્યો.

        અયાન પ્લીઝ મને મદદ કર, મારા પતિને એક્સિડેન્ટમાં ખરાબ ઇજા થઈ છે. જેમ બને તેમ જલ્દી અહીં હાઈવે ઉપર આવી જા. અમદાવાદથી કોઈને બોલાવે તો બહુ વાર થઈ જાય. નજીકમાં જૂનાગઢથી જ ઝડપથી આવી શકાય.

        રાત્રે સાડા બારે આરૂષિનો મોબાઈલ આવતા અયાન ચોંકી ગયો. આરૂષિએ રડતાં રડતાં બનાવ અને જગ્યા બતાવ્યા.

        પહેલાં તો અયાનને થયું, હું તેને બચાવવા શા માટે જઉ ? હવે મારે અને એને શું ? વિચારમાં દશ મિનિટ જતી રહી. પણ આંતરમનમાં આરૂષિ પ્રત્યેના પ્રેમે તેને મદદ માટે જવા મજબૂર કરી દીધો આરૂષિ પ્રત્યે તેને પ્રેમ તો હતો જ, પણ તે જુનાગઢ રહેવા આવવાની ના પાડતી હતી, તેમાં અચાનક છૂટા પડી ગયા હતા.

        રસ્તામાં યાન વિચારતો રહ્યો, આરૂષિ સામેથી મને ફોન કરીને બોલાવેલ છે, એટલે તે મને હજી ભૂલી તો નથી જ. તેને પણ મારા માટે ઊંડે ઊંડે પ્રેમ તો છે જ.

        બેભાન અશોક તેની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. અયાને તરત તેણે ગાડીમાં નાખી જુનાગઢ સિવિલ હોસ્પીટલમાં જરૂરી કાર્યવાહી કરી દાખલ કરી દીધો.

        અફસોસ ! અશોક બચી ન શક્યો. અયાન દુ:ખી થઈ રડી પડ્યો. મને માફ કાર, આરૂષિ, મને આવતા મોડુ થયું, તેમાં તારો પતિ અશોક બચી ન શક્યો.

        આરૂષિ વિચારતી હતી કેટલો સજજન છે, મારો અયાન ! મેં તેણે છોડી દીધો હોવા છતાં મારા પતિના મોત પર આંસુ વહાવે છે. તેણે કહ્યું કહ્યું અયાન તારો કોઈ વાંક નથી, આ તો નસીબનાં ખેલ છે.

        આરૂષિ મનમાં વિચારતી હતી કે અડધી રાત્રે મારા એક જ ફોને યાન આવી ગયો, આટલી મદદ કરી છતાં સામેથી માફી માંગે છે, ખરેખર મેં આવા સજ્જન પતિને છોડીને ભૂલ કરી દીધી.

        એટલું વિચારતા તે રડી પડી અને તેણે અયાનનો હાથ પકડી લીધો. અણીનાં સમયે કોઈ સબંધ ન હોવા છતાં મદદે આવનાર યાનનો ઉપકારનો જવાબ આપતા તે બોલી, અયાન મારી ભૂલ હતી, મેં જ આવેશમાં તને છૂટાછેડા આપી દીધા હતાં, હવે મને પાછી તું અપનાવીશ ?”

        અયાન તેની પૂર્વપત્ની સામે જોઈ રહ્યો. તેને આરૂષિનો પશ્ચાતાપ સ્પર્શી ગયો. તેને વિચાર્યું, આરૂષિએ ઉતાવળમાં આવેશમાં આવી છૂટા થઈ ભૂલ તો કરી જ છે, તેથી મારે પણ તેને એક તક તો આપવી જોઈએ. એમ વિચારી તેણે આરૂષિને પશ્ચાતાપ બદલ બાંહોમાં જકડી લીધી.

        બે મહિના બાદ ફરી બંનેનાં રિમેરેજ થયા. આરૂષિ જુનાગઢ પોતાના પતિ સાથે રહેવા આવી ગઈ. પોતાની ભૂલનો પસ્તાવો ખરા દિલથી થયો એટલે તેને હૃદયપૂર્વક સ્વીકારીને અયાને ખેલદિલી દર્શાવી.

        તમામ સગાવહાલાં અને મિત્રો વિચારમાં પડી ગયા. પોતાની મરજીથી છૂટા પડેલા આરૂષિ અને અયાન પાછા એક કઈ રીતે થઈ ગયા ? ઉતાવળે લીધેલા નિર્ણય બદલ પસ્તાવો થાય તો એક તક તો આપવી જોઈએ કે નહીં.


 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

 રી મેરેજ- ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission