25 જૂન 2026

કીંમતી રોલેક્ષ ઘડિયાળ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

કીંમતી રોલેક્ષ ઘડિયાળ

-----------------------------------------------------------------------------------------------------

"અરે, મારું કીંમતી રોલેક્ષ ઘડિયાળ ક્યાં ગઈ ? હું તમારે ત્યાં આવ્યો ત્યારથી ટેબલના ખાનામાં જ સાચવીને મુકતો હતો. પછી આજે અચાનક ક્યાં ગાયબ થઇ ગઈ?" અમરસિંહ ભલ્લા ચિંતામાં સવારના નાસ્તાનાં ટેબલ પર આવતા તેમના મિત્ર અનુપમને કહ્યું.

"એટલામાંજ હશે, બરાબર જુઓ અમરસિંહ" અનુપમે વિશ્વાસથી કહ્યું.

"હું બધું જોઈ ચુક્યો, ટેબલના તમામ ખાના, કબાટના ખાના, મારો સામાન, મારા કપડાં વગેરે બધું ફંફોળીને જોયું પણ ઘડિયાળ દેખાતી જ નથી. તમારા ઘરેથી જ ચોરાયું લાગે છે. બીજું કોઈ તો ઘરે આવ્યું જ નથી." અમરસિંહ ગુસ્સે થવા લાગ્યો.

"શું વાત કરે છે? મારે ઘરેથી ચોરી થાય જ નહિ," અનુપમ પણ હવે ગરમ થઇ ગયો.

પંદર વરસ પહેલા જી. કે. કોમર્સ કોલેજ માં અનુપમ પટેલ અને અમરસિંહ ભલ્લાની દોસ્તી આખી કોલેજમાં જાણીતી હતી. બન્ને હોસ્ટેલની રૂમના પાર્ટનર હતા, અને ભણવામાં પણ એકજ વર્ગમાં. બન્ને એકબીજાના પુસ્તકો, કપડા અને ખાવાનું પણ વાપરતાં. ગ્રેજ્યુએટ થઇ ગયા પછી અનુપમને અહી અમદાવાદમાં જ બેન્કમાં નોકરી મળી ગઈ. શાંતિથી નોકરી કરતા તેણે નારણપુરામાં ત્રણ બેડરૂમનો ફ્લેટ લઇ લીધો. લગ્નને ચૌદ વરસ થઇ ગયા પણ બાળક ના થતાં બન્ને મીયાબીબીએ મન મનાવી લીધું.

અમરસિંહ ભલ્લાના પંજાબી કાકાએ તેને કેનેડા બોલાવી બિઝનેસમાં લગાવી દીધો. કેનેડામાં તેણે બીઝનેસમાં ખુબ કમાણી કરી, પોતાનું હાઉસ, ફેક્ટરી, ફાર્મહાઉસ, કંપની વિગેરે ઉભું કરી અબજપતિ બની ગયા. તેને રિસ્ટવોચ પહેરવાનો ખુબ શોખ હતો. જુદી જુદી બ્રાન્ડેડ કંપનીઓની ગોલ્ડન કીંમતી ચાર રિસ્ટવોચ તેણે વસાવી હતી. તેમાં પણ રોલેક્ષ કંપનીની ગોલ્ડન રિસ્ટવોચ ની કીમત રૂપિયામાં દોઢ કરોડ જેટલી હતી, તેમાં અંદર રીયલ ડાયમન્ડ જડેલા અને પટ્ટો આખો પ્યોર ગોલ્ડનો હતો.

અચાનક તેને બિઝનેસના કામે અમદાવાદ જવાનું થયું. અને તેનો કોલેજનો મિત્ર અનુપમ યાદ આવી ગયો. તેણે મોબાઈલ જોડ્યો, અને સામેથી અનુપમનો આગ્રહ કરતો ફોન આવ્યો.

"જો અમરસિંહ અમદાવાદમાં તો તારે મારા ઘરે જ ઉતરવું પડશે."

"ના ના, હુંતો આશ્રમ રોડની સેવનસ્ટાર હોટેલમાં સ્યુટ બુક કરાવવાનું જ વિચારું છું. મારે તો ફક્ત ચાર દિવસ જ કામ છે." અમરસિંહે જવાબ આપ્યો.

"જો તું હોટેલમાં ઉતરીશ તો મને ખોટું લાગશે. મારા ફ્લેટમાં જ આવું પડશે." અનુપમે દબાવીને આગ્રહ કર્યો.

"ઠીક છે, તારું સરનામું મોકલ" અંતે અમરસિંહ માની ગયો.

કરોડપતિ અમરસિંહને ત્રણ બેડરૂમના ફ્લેટમાં થોડું અજુગતું લાગ્યું, પણ મિત્ર આગળ તે ખુશ થતા બોલ્યો, "જો તારે માટે કેનેડાથી સુંદર મોબાઈલ લાવેલ છું."

વાતવાતમાં તેણે પોતાનું માનીતું  દોઢ કરોડની ગોલ્ડન રિસ્ટવોચ બતાવીને તેની કિમત પણ કહી. અનુપમ અને તેની પત્ની આશા જોતા જ રહી ગયા. ઓહો ! આપણા બે ફ્લેટની કિમત જેટલું એક રિસ્ટવોચ !

બીજે દિવસે સવારે વરસાદી વાતવરણ હોવા છતાં અમરસિંહ બીઝનેસના કામે જઈ આવ્યો, અને સાંજે બન્ને મિત્રો પોતાની કોલેજ લાઈફને અને મિત્રોને યાદ કરી આંનદ કરતા સુઈ ગયા.

બીજે દિવસે સવારે અમરસિંહને બ્રશ કરીને નાસ્તા નાં ટેબલ પર જતા પહેલા પોતાનું પ્રિય રિસ્ટવોચ યાદ આવ્યું, અને તેણે ઘરમાં દોડધામ કરી દીધી. ક્યાયથી ન મળતાં અમરસિંહ ક્રોધે  ભરાયો,"જો અનુપમ, તારે ઘરે થી જાય ક્યાં ? જો આશાભાભીએ લીધું હોય તો સમજીને પરત કરી દો."

"શું વાત કરે છે? અમે કાઈ ચોરતા હોઈશું."અનુપમ હજી તેની દોસ્તીના શરમમાં હતો.

"જવા દેને, આવું કિમતી વોચ જોતા જ તારી નિયત બગડી હતી, તેવું મને લાગ્યું હતું. જો ચોર્યું હોય તો આપી દે "અમરસિંહ ગુસ્સામાં બરાડ્યો.

"આપણી દોસ્તીની કસમ, મેં કે આશાએ લીધું જ નથી." અનુપમ નરમાઈ થી બોલ્યો.

"જો તમે ગુજરાતીઓ છો જ વેપારી વૃતિના. સારી કિમતી વસ્તુ ચોરી લેતા શરમ નથી આવતી." અમરસિંહ ક્રોધમાં આખી ગુજરાતી જમાતને ભાંડી રહ્યો હતો.

"જો ખોટું આળના મુકીશ, અમે નથી જ લીધું."અનુપમ કરગર્યો.

"મને એટલે જ ઇન્ડિયા આવું ગમતું નથી. બધા ઈન્ડિયનો આવા જ ચોર અને ખોટી દાનતવાળા છો! મારે પોલીસ ફરિયાદ કરવી પડશે." કહેતા અમરસિંહ પોતે પણ ઇન્ડિયાનો જ છે, તે ભૂલી ગયો, અને પોતાને કેનેડીયન સીટીઝન માનવા લાગ્યો. તેને શું કરવું અને શું નહિ તે ખબરના પડતાં બહાર નીકળી ગયો. અનુપમ અને આશા રડવા જેવા થઇ નિરાશ થઇ બેસી પડ્યા.

ગુસ્સામાં ને ગુસ્સામાં અમરસિંહએ કાફે કોફી પહોચી કોફી પીધી, બે ઈમ્પોર્ટેડ સિગારેટ પીધી, પણ તેને કાઈ સૂઝતું ન હોતું. ગુસ્સો શાંત પડતા તે બે કલાકે ઘેર પાછો ફર્યો. તેને લાગ્યું ગુસ્સામાં જરા વધારે બોલાઈ ગયું છે.

"અનુપમ ક્યાં છે ? આજે તો રવિવારે રજા હશે ને !" તેણે આશાને પુછ્યું .

"અમરભાઈ તમે દોસ્તીની જરાય પણ શરમ નાં રાખી, અને ગુજરાતી પ્રજા અને ઇન્ડિયન માટે જેમતેમ બોલ્યા એટલે તેને બહુ લાગી આવેલ છે. આટલા મહેનતુ અને ઈમાનદાર ગુજરાતીઓ ને તમે ચોર કહયા, અને દેશવાસીઓને માટે પણ એલફેલ બોલ્યા તે કેમ ચાલવી લેવાય! અમે આ ફ્લેટ વેચી અમારા પોળના જુના એક રૂમના ઘરમાં જવાનું નક્કી કરેલ છે. બાકીના પૈસા અમે કાર વેચી, લોન લઇ પુરા કરીશું અને તમારી દોઢ કરોડની રિસ્ટવોચ નવી લઈને આપવાનું નક્કી કરેલ છે. તેની વ્યવસ્થા કરવા અનુપમ ગયો છે. હવે તમારે પોલીસ ફરિયાદ કરવાની જરૂર નથી." આશા જવાબ આપતાં રડવાં જેવી થઇ ગઈ.

"અરેરે ! હું ગુસ્સામાં વધારે બોલી ગયો. હું પોલીસ પાસે ગયો જ નથી. શું કરવું એ સમજાતું જ નથી." અમરસિંહ પણ પસ્તાવા સાથે બોલ્યો.

ત્યાંતો તેનો મોબાઈલ રણક્યો. સામેથી તેની કંપનીના મેનેજરનો ફોન હતો. "સાહેબ તમારી કેનેડાની ફ્લાઈટ ક્યારે છે ? કાલે વરસાદ જેવું હોવાથી તમે તમારું રિસ્ટવોચ મારા પાઉચમાં મુકવા આપેલ, એ ક્યારે આપી જાઉં ?"

"ઓ બાપરે ! ભૂલી જ ગયો." કહેતા અમરસિંહ ભલ્લા બેસી પડ્યો. આશાને આ સાંભળતા જ હર્ષના આંસુ આવી ગયા. "હાશ ! કેટલી મોટી ચોરીના આળમાંથી બચી ગયા.

ફાઈનલ સ્ટ્રોક : ગુસ્સો અને ક્રોધ મગજ પર સવાર થઇ જાય ત્યારે એલફેલ બોલવાથી વર્ષોના સંબંધો તૂટી જાય છે. કોઈ પણ પ્રજા કે દેશ માટે ખરાબ બોલવાથી સામેવાળાને કેટલું દુઃખ થાય, તેનો વિચાર કર્યો છે કદી ??


   ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

કીંમતી રોલેક્ષ ઘડિયાળ - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission