પતિવ્રતા નિર્મળા - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા
ડૉ. અનુપ અને તેની પત્ની નિર્મળાની જોડી બિલકુલ જામતી નહીં અને બંનેની હંમેશા
સરખામણી થયા જ કરતી. ડૉ. અનુપ ઊંચા રૂપાળા દેખાવડા અને સૌને ગમી જાય તેવા એમ.ડી. ફીઝીશ્યન હતા.
જ્યારે નિર્મળ ફક્ત બી.એ. પાસ ઘરરખ્ખું, સાદી, ચહેરા પર દાઝી જવાથી વિકૃત ચહેરાવાળી, એક પગે લંગડાતી સામાન્ય મહિલા હતી. બધા
વિચારતા હતા, આ બંનેનો મેળ કઈ રીતે પડ્યો ? કાગડી દહીંથરું લઈ ગયા જેવો ઘાટ હતો.
નિર્મળા
દેખાવમાં શાંત, શ્યામ, સૌમ્ય અને સાદગીપૂર્ણ હતી. બે વર્ષ
પહેલા તેના ઘરમાં આગ લાગેલી, તેમાં દાઝી જવાથી તેની હાલત બગડી ગઈ હતી. તેમને કોઈ જ
સંતાન થયું ન હતું.
ડૉ.અનુપનાં
પપ્પા જનકભાઈના પત્ની લતાબેનનું ત્રણ વર્ષ પહેલા ઝેરી કમળાથી મોત થવાથી એકલા પડી
ગયા હતા. જનકભાઈને અનુપ એક જ પુત્ર હોવાથી લાડકોડથી ઉછેરી ભણાવી, ગણાવી ડોક્ટર બનાવ્યો હતો. તેમની ઈચ્છા
અનુપનાં લગ્ન ખાનદાન કુટુંબની ગુણિયલ કન્યા સાથે કરવાની હતી. ડોક્ટર નહિ પણ
ઘરરખ્ખું પત્ની જ ઘર સારી રીતે ચલાવશે તેવી તેમની ગણતરી હતી.
ડૉ. અનુપને
પણ નોન મેડિકલ પત્ની પસંદ કરવાનો વાંધો નહોતો. પાંચ વરસ પહેલા છોકરી પસંદ કરવા ગયો
ત્યારે જ જનકભાઈને નિર્મળાની ખાનદાની અને કુટુંબભાવના ગમી ગયા હતા. તેમણે સામેથી
પોતાના દીકરા અનુપને નિર્મળાનું નામ સૂચવ્યું હતું.
ડૉ. અનુપને
તે વખતનો તેમનો અંગત ઇન્ટરવ્યૂ યાદ આવી ગયો. તેણે પૂછ્યું, “જીન્સ કે ફેશનનો શોખ છે ?”
તો નિર્મળાનો
જવાબ હતો, “કોઈપણ પ્રકારની
ફેશનનો શોખ નથી. જીન્સના કપડાં ગમતાં નથી. ભારતીય સંસ્કૃતિને શોભે તેવો કોઈપણ ડ્રેસ તેને ગમતાં હતા.
પતિ અને કુટુંબની સેવા એ જ તેનો
ધર્મ હતો.
અનુપને આવી બોચિયણ પત્નીમાં જરાપણ રસ પડ્યો ન હતો, પણ માતાપિતાનું
માન રાખવા તેણે મંજૂરી આપી દીધેલી. નિર્મળા તો ખરેખર પતિવ્રતા નારી હતી. ઘરમાં
આવતાવેંત તેણે જનકભાઇ અને લતાબેનનો પ્રેમ અને આદર જીતી લીધા હતા. ઘરનું તમામ
કામકાજ સંભાળીને પારકાંને
પોતાના બનાવી લીધા હતા.
અચાનક ઝેરી
કમળાની ટૂંકી બીમારીમાં લતાબેનનું અવસાન થવાથી જનકભાઇ એકલાં પડી ગયા. નિર્મળાએ સગી
દીકરી કરતાય વધારે સેવા કરી, પ્રેમ આપી જનકભાઈનું દિલ જીતી લીધું હતું.
નિર્મળાનો
દેખાવ સામાન્ય હોવાથી ડૉ.અનુપને તેના પ્રત્યે પ્રેમભાવ ઓછો હતો. તેને કોઈ પણ ડોક્ટરોની
પાર્ટીમાં, પ્રસંગોમાં
નિર્મળાને સાથે લઈ જવી ગમતું નહીં. તેથી તે એકલો જ બધે ફર્યા કરતો. નિર્મળા તો
ઘરના કામકાજ અને પતિસેવામાં એટલી વ્યસ્ત રહેતી કે તેને ફરવાનો અને ફેશનનો ટાઈમ જ
નહતો મળતો, પણ તેનું તેને
જરાપણ દુ:ખ ન હતું.
શિયાળામાં
અખિલ ભારતીય ફિઝીશીયનની કોન્ફરન્સમાં આખા દેશનાં અગ્રણી ફિઝીશીયનો આવેલ હતા. ડૉ.
અનુપે તેમાથી તેના અંગત છ ફિઝીશીયન મિત્રોને રાત્રે ડિનર ઉપર તેમના પત્ની સાથે
નિમંત્રિત કરેલ હતા. એક પછી એક ડોક્ટરો પોતાની ખૂબસૂરત તૈયાર થયેલી પત્નીઓ સાથે
ડૉ. અનુપને ઘેર આવતા ગયા. તેમતેમ અનુપ બધાને પોતાનો બંગલો બતાવી તેના પિતા જનકભાઇની
ઓળખાણ કરાવતો હતો. બધા આવી ગયા પછી પૂછવા
લાગ્યા, “ડૉ. અનુપ તમારા
પત્ની કેમ દેખાતા નથી ?”
અનુપે શું જવાબ
આપવો એ સૂઝયું જ નથી, કારણ કે તેની કદરૂપી અને બદસુરત પત્નીની શરમ આવતી હતી. તેથી તેણે જવાબ આપ્યો, “એ તો એના ભાઈને ઘેર અમેરિકા ગઈ છે.”
નિર્મળાને તો
તેમને ઘેર મહેમાનો જમવા આવવાના છે, તે જ વાત થઈ હતી, પણ બધા ડોક્ટરો છે અને તૈયાર થઈને રહેવાનુ છે, તેની ખબર જ ન હતી, તેથી તે તો સાવ સાદા કપડાંમાં ઘરકામ કરતી હતી, તેણે ડાઈનીંગ ટેબલ ઉપર બધાની ડીશ ગોઠવતા આ બધુ સાંભળ્યુ, તેને મનમાં બહુ જ લાગી આવ્યું. તેનો
ચહેરો ઉતરી ગયો, આંખોમાં ઝળઝળિયા
આવી ગયા. તેમાં ને તેમાં ધ્રુજતાં હાથે તેના હાથમાંથી કિંમતી કાચની ડીશ નીચે પડીને
તૂટી ગઈ. એક ડોક્ટરની પત્ની બરાડી ઉઠી, “અરે ! આ કામવાળીએ
ડીશ ફોડી નાખી.”
જનકભાઇ આ
સાંભળી સમસમી ગયા. તેનાં ઉપર જાણે મીઠું ભભરાવતો હોય તેમ અનુપે પણ નિષ્ઠુર થઈને
બધાને સારું લગાડવા કહ્યું, “એ કામવાળી, કેમ બેદરકારીથી કામ કરે છે ? જો કામ બરાબર ના થતું હોય તો જતી રહે, પછી
આવીને પગાર લઈ જજે.”
નિર્મળાના
રોકી રાખેલા આંસુ બહાર રેલાઈ ગયા. તે કામ પડતું મૂકી, જનકભાઈને પગે લાગી ધીમે પગલે બહાર જતી
રહી. બધાં ડોક્ટરોને પણ લાગ્યું કે અનુપે કામવાળી જોડે જરા વધારે કડકાઇ વાપરી છે.
બધાનો મુડ જતો રહ્યો, શાંત ચિત્તે જમીને એક પછી એક ડોક્ટર તેનાં પત્ની સાથે જતાં રહ્યા.
બધાના ગયા
પછી જનકભાઇથી રહેવાયું નથી, તેમણે ગરમ થઈને કહ્યું, “અનુપ, તે આ શું કર્યું ? તારી પત્નીને કામવાળી બનાવી કાઢી મૂકી.” અનુપે બેફિકરાઈથી
જવાબ વાળ્યો, “પપ્પા, આવી દાઝેલી અને લંગડી પત્નીને બીજું શું
કરું ?
જનકભાઇએ રડમસ
ચહેરે કહ્યું, “અરે બેટા ! તને
હું અત્યાર સુધી દબાવી રાખેલી સાચી વાત કહીશ તો તને ખરેખર પસ્તાવો થશે.” અનુપે કહ્યું, “શું વાત છે ?”
જનકભાઇએ
કહ્યું, “બે વરસ પહેલા
આપણાં ઘરે આગ લાગી ત્યારે તમે બંને બેડરૂમમાં સૂતા હતા. ત્યાંથી જ શોર્ટસર્કિટ
થવાથી આગ ચારે તરફ ફેલાઈ હતી. નિર્મળાતો જાગી ગઈ તેથી બહાર આવી ગઈ, પણ તું ઊંઘમાં હતો અને પછી તો ઝેરી
ગેસથી બેભાન થઈ ગયો હતો. આજુબાજુના પાડોશીઓ ભેગા થઈ ગયા હતા. તારો જીવ જોખમમાં હતો, અંદર જઈ શકાય તેમ શકય જ ન હતું. પરંતુ પતિવ્રતા નિર્મળાથી
રહેવાયું નહીં. બધાએ પકડી રાખી પણ તે તો ગોદડું લઈને અંદર દોડી અને તારી આજુબાજુ
ગોદડું વીંટાળી તને બહાર ખેંચી લાવી, આમાને આમા તેનાં ચહેરા પર સળગતું લાકડું પડ્યું અને તેનો
ચહેરો દાઝી ગયો. બહાર આવતા તેનાં પગ ઉપર જોરથી ઉપરનું ઝુમ્મર પડ્યું અને પગ લંગડાઈ
ગયો. તું બચી ગયો, પણ તે દાઝી અને
પગે ખોડ આવી.”
“હેં શું વાત કરો
છો ? તમે તો હજુ સુધી આ વાત મને કરી જ ન હતી.” અનુપ આશ્ચર્યથી
શરમાઇ ગયો.
“બેટા, નિર્મળાએ જ અમને ના પાડી હતી, તે વિચારતી હતી કે તેણે તો પત્ની ધર્મ
નિભાવ્યો છે, પણ તેનો પતિ અહેસાન હેઠે દબાવો ના જોઈએ.
તેથી આજ સુધી હું ચૂપ હતો. પણ આજે મારાથી તેની કસમ તોડ્યા વગર રહેવાયું જ નહીં. એ ના હોત તો તું અહી જીવતો ક્યાંથી
હોત ?” જનકભાઇએ રડતાં
સ્વરે કહ્યું. “અરે પપ્પા !
મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દો.” કહીને અનુપ તેની પત્નીને લેવા દોડ્યો. ડૉ. અનુપ આખા શહેરમાં દોડાદોડ કરી નિર્મળા, નિર્મળાના નામની બુમો પાડી પણ વ્યર્થ !
તેને હતાશા જ સાંપડી. સીતામાતા જેમ
ધરતીમાં સમાઈ ગયા હતા, તેમ જાણે જે નિર્મળા શહેરમાંથી અદ્રશ્ય થઈ ગઈ. તેની યાદમાં પાગલ જેવો અનુપ
હજુ બધાને પૂછી રહ્યો છે, “મારી દાઝેલા
ચહેરાવાળી પત્નીને કોઈએ જોઈ છે ?”
બાહ્ય દેખાવ કરતાં આંતરિક સૌંદર્ય વધારે મહત્વનુ છે, તે ડૉ. અનુપને મોડું મોડું સમજાઈ ગયું હતું, પણ હવે તેનો કોઈ અર્થ ન હતો.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
પતિવ્રતા નિર્મળા - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories