આજે તો નક્કી કૉર્ટમાં છૂટાછેડાના કેસનો ચુકાદો આવી જવાનો હતો. ત્રણ વર્ષથી ચાલતો કેસ હવે અંત તરફ આવી ગયો હતો. તેનાથી બંને પક્ષો ડૉ. સમીર અને ડૉ. ફાલ્ગુની માહિતગાર હતાં. મંગળવારે બપોરે ૧૨ વાગે તો કેસનો ચુકાદો આવી જતાં બંનેએ છૂટા પડી જવાનું હતું.
જુવાનીના જોશમાં મેડિકલમાં ભણતાં-ભણતાં ત્રીજા એમ.બી.બી.એસ.માં સમીર ભટ્ટ અને ફાલ્ગુની પુજારાને લવેરિયા થઈ ગયો. બંને ભણવામાં હોશિયાર હતાં તેથી એમ.બી.બી.એસ.માં બંને પ્રથમ ટ્રાયલે જ પાસ થઈ ગયાં.
સમય વીતતો ગયો. ડૉ. સમીરે સર્જરીમાં માસ્ટર્સ કરી કાર્ડિયો સર્જરીમાં સુપર સ્પેશ્યાલિટી ચાલુ કર્યું, તો ડૉ. ફાલ્ગુનીએ ગાયનેકમાં સ્પેશ્યાલિટીની ડિગ્રી મેળવી. બંનેની જ્ઞાતિ જુદી હોવાથી એરેન્જ મૅરેજ તો મુશ્કેલ હતાં તેથી કંટાળીને બંનેએ લવમૅરેજ માટે રજિસ્ટ્રેશન કરાવી લીધું અને બંનેનાં મા-બાપની મંજૂરી મળી જતાં એરેન્જ મૅરેજ ગોઠવાયાં.
શરૂઆતનાં બે વર્ષ તો જુવાનીના નશામાં એકબીજાના પ્રેમથી તરબોળ હોવાથી ખૂબ આનંદદાયક ગયાં. બંને એકબીજા સાથે જનમો જનમના સાથ નિભાવીશુંના વાદાઓમાંથી ઊંચાં જ નહોતાં આવતાં.
બે વર્ષ પછી પુત્ર રાજના આગમન સાથે જ પરિસ્થિતિ બદલાતી ગઈ. બંનેની લાઇન ઇમરજન્સીની એટલે ઘર બહાર દોડાદોડી તો કરવી જ પડે, વળી પ્રાઇવેટ પ્રૅક્ટિસ ચાલુ કરેલી એટલે શરૂઆતમાં તો દોડાદોડી રહેવાની જ. ફાલ્ગુની રાત્રે ડિલિવરીના કેસમાં ગઈ હોય ત્યારે પુત્ર રાજનું ધ્યાન કોણ રાખે ? તેનાં સાસુ ઘરડાં થયાં હતાં તેથી તેનાથી તો રાજને ઊંચકી શકાતો નહીં. ધીમેધીમે સાસુ-વહુ વચ્ચે વિવાદો, વિખવાદો ચાલુ થયા.
ડૉ. સમીર બંનેને સમજાવવા બહુ કોશિશ કરતા પણ વ્યર્થ. રસોઇયા, કામવાળી બધા હાજર છતાં વિવાદ વકરતા ગયા એમાં સમીરની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ.
છેવટે ઘરડાં મા-બાપને છોડી ડૉ. સમીર, ડૉ. ફાલ્ગુની અને પુત્ર રાજ અલગ રહેવા ગયાં. ત્યારે રાજની ઉંમર ફક્ત ત્રણ વર્ષની હતી. શરૂઆત સારી થઈ. કમાણી સારી હતી. એટલે પોતાનો ત્રણ બેડરૂમનો ફ્લૅટ પણ લઈ લીધો.
બંને ડૉક્ટર હોવાથી અને બહાર રહેતાં હોવાથી ઘરનાં કામ અને રાજની સંભાળને લઈને ઝઘડા ચાલુ થવા લાગ્યા. રાજને તૈયાર કરવાનો, સ્કૂલે પહોંચાડવાનો, તેને લેસન કરાવવાનું, આ બધાં નાનાં-મોટાં કામ માટે ડૉ. ફાલ્ગુની પાસે તો સમય જ ન હતો.
ડૉ. સમીર પણ કાર્ડિયો સર્જન હોવાથી શરૂઆતની પ્રૅક્ટિસ હોવાથી ઇમરજન્સી કેસ માટે ગમે ત્યારે ક્લિનિક પર જવું પડતું. એમાં ઘરનાં કામ અટવાઈ જવા લાગ્યાં. ફાલ્ગુનીને પણ અડધી રાતે સિઝેરિયનનો કેસ આવે તો જવું તો પડે જ. તો ઘરે કોણ રહે ? ઘરનાં કામ, ખરીદીનાં લિસ્ટ અને રાજની સંભાળ વગેરે માટે વાદ-વિવાદ વધવા લાગ્યા.
આમ ને આમ રાજ દસ વર્ષનો થઈ ગયો. દિવાળીના તહેવારોમાં કામવાળી રજા લઈને ગામડે જતી રહી. બંનેએ તહેવારોમાં બહારગામ જવાનો પ્રોગ્રામ ગોઠવેલ હતો, પણ ફાલ્ગુનીને ઇમરજન્સી ઑપરેશન આવતાં બહારગામ જવાનું અને ઘરનાં કામ રખડી પડ્યાં.
તૂતૂ મૈંમૈં કરવામાં વિવાદ વકરી ગયો. મતભેદમાંથી મનભેદ થવા લાગ્યા. ડૉ. સમીરને તેનાં ઘરડાં મા-બાપથી છૂટા થવાનો ગુસ્સો તો હતો જ, તેમાં વળી દરરોજના આ ઝઘડા ! અંતે બંનેએ કાયમી છૂટા પડવાનો નિર્ણય કરી લીધો.
ફક્ત દશ વર્ષના રાજને સમજ નહોતી પડતી કે મમ્મી કે પપ્પા વચ્ચે આ બધું શું ચાલી રહ્યું છે ?
કૉર્ટમાં કેસ ચાલુ થઈ ગયો. મુદત પર મુદત વધતી ચાલી. એમ ને એમ બે વર્ષ નીકળી ગયાં. કૉર્ટમાંથી હુકમ થયો, બંનેની મિલકતની વહેંચણી કરો, પછી છૂટાછેડાનો ઑર્ડર થશે. બે મોટર કાર, દાગીના અને ફર્નિચરના બે ભાગ થઈ ગયા. પોતાનો ફ્લૅટ વેચીને તેના અડધા અડધા રૂપિયા વહેંચવાનું નક્કી થઈ ગયું. આજે તો કૉર્ટના ઑર્ડર ઉપર સહી-સિક્કા જ કરવાના હતા.
સવારે કેસ ચાલુ થતાં જજ સાહેબે બંનેના ભાગ વાંચી સંભળાવ્યા. બંને પક્ષના વકીલો, સગાંવહાલાં વગેરે ભાગ સાંભળીને સૂચનો કરતાં ગયાં. તે મુજબ ફેરફારો જજ સાહેબ કરતા ગયા. છેલ્લે વારો આવ્યો પુત્ર રાજનો ! ફક્ત બાર વર્ષના માસૂમ રાજને આ બધી સમજ પડતી ન હતી, બધા વિચારતા હતા કે હવે જજ સાહેબ શો નિર્ણય સંભળાવે છે ?
કાયદા પ્રમાણે તો રાજની ઉંમર અઢાર વર્ષની થાય ત્યાં સુધી માતા પાસે જ તેનો કબજો રહે. છતાં જજ સાહેબે રાજને પૂછ્યું, “બોલ. તારે કોની સાથે રહેવું છે ? મમ્મી કે પપ્પા ?” નાનકડો રાજ રડી પડ્યો હતો. તેને તો બંને છોડવાં ન હતાં. બંનેના હાથ વારાફરતી પકડીને નિર્દોષ બાળક કરગરી રહ્યો હતો. બધા જ સગા જાણે કે મશીનવત્ બની ગયા હતા. રડતાં રડતાં રાજ હીબકે ચડ્યો, અને અચાનક તેની આંખ ખેંચાવા લાગી, મોંમાંથી ફીણ આવી ગયાં અને સીધો ધડામ દઈને નીચે પડ્યો. તેને ખેંચનો આ પહેલો એટેક હતો.
કૉર્ટમાં દોડધામ મચી ગઈ. બંને પક્ષો ખસિયાણાં પડી ગયાં. જજ સાહેબે બે દિવસ પછીની મુદ્દત પાડી દીધી.
તેનાં મમ્મી-પપ્પા બંને ડૉક્ટર હતાં, પણ રાજને લઈને દોડ્યા બાળરોગ નિષ્ણાત પાસે. ડૉ. જોશી પાસે રાજને લાવ્યા, ત્યારે તે બેભાન હતો. ડોક્ટરે તેમને બંનેને કૅબિનમાં બેસાડી શાંતિથી સમજાવ્યાં “જુઓ, આ બાળક તમને વિનવી રહ્યું છે કે, આમ નાની બાબત પર વિવાદ કરી, તેના બે ભાગ કરશો, તો તેની આ જ હાલત થશે. હજુ સાનમાં સમજો તો સારું.”
ડૉ. સમીર અને ડૉ. ફાલ્ગુની બંનેને રાજ તો જીવ કરતાંય વધારે વહાલો હતો, તે કોઈ પણ ભોગે રાજને ગુમાવવા તૈયાર ન હતાં. બંને સમજી ગયાં.
બે દિવસ પછીની મુદત કૉર્ટમાં બંનેએ જજ સાહેબને વિનવણી કરી. છૂટાછેડાની અરજી પરત લઈ ફાડી નાંખી. તમામ ચડવણી કરવાવાળા સગાઓ નીચી મૂંડી કરી કૉર્ટની બહાર નીકળી ગયા. બંને પક્ષના વકીલો હજુ પણ તેમના ડૉક્ટર અસીલોને ઉતાવળ ન કરવા સમજાવી રહ્યા હતા. બે વર્ષથી ચાલતા કેસનો ફેંસલો એક મિનિટમાં આવી જતાં કૉર્ટમાં બધા અવાચક થઈ ગયા.
મમ્મી-પપ્પાને હાથમાં હાથ રાખી સાથે આવતા જોઈ રાજના મોં પર આનંદ પથરાઈ ગયો. હવે પછી તેને ક્યારેય ખેંચ નહીં આવે તેવો વિશ્વાસ તેના ચહેરા પર દેખાઈ રહ્યો હતો.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
છૂટાછેડા - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories