29 ઑક્ટોબર 2023

સેંથીનું સિંદૂર - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા

 સેંથીનું સિંદૂર - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા



ઇન્સ્પેક્ટર બહાદુરસિંહ જાડેજા એટલે કર્તવ્યનિષ્ઠ, પ્રામાણિક, સાહસિક અને કડપવાળા ઑફિસર, એવી આખા શહેરમાં છાપ હતી. જેના નામ માત્રથી ગુંડાઓ, ટપોરીઓ અને અંધારી આલમના મવાલીઓ ધ્રૂજતા. આજે સવારથી દોડાદોડ કરતાં જાડેજા થાકીને પોલીસ સ્ટેશને આવીને તેમની ચેમ્બરમાં બેસી ગયા. શહેરમાં મોંઘવારી અને ભ્રષ્ટાચાર વિરોધી તોફાનો ચારે તરફ ફેલાઈ ગયાં હતાં. ગરીબોને ખાવાનાંય ફાંફાં હતાં અને પ્રધાનો વિદેશની મોજમાણી રહ્યા હતા. ભ્રષ્ટાચારના ભોરિંગથી પ્રજા ત્રાસી ગઈ હતી. શાળા-કૉલેજો બંધ કરવાનું એલાન આપી દીધું હતું. બજારો બંધ થઈ ગયા હતા. કડક પોલીસ બંદોબસ્ત હોવાથી જાડેજા સાહેબ સવારથી દોડાદોડ કરવાથી થાકી ગયા હતા. ખુરશી પર બેસી. કમ્મર પરથી રિવૉલ્વર કાઢી, ટોપી ટેબલ પર મૂકીને આંખો બંધ કરી ભૂતકાળમાં સરી પડ્યા.
એકની એક છોકરી આશાને કેટલા લાડકોડથી પાળીપોષીને મોટી કરી હતી. ભણવામાં હોશિયાર આશા ધીરેધીરે શાળા છોડીને કૉલેજમાં આવી ગઈ. જાડેજા- સાહેબની ઇચ્છા હવે તેને માટે યોગ્ય પાત્ર શોધીને સાસરે વળાવવાની હતી; પરંતુ આશાની દલીલ કૉલેજ કરીને, ગ્રેજ્યુએટ થવાની હતી.
“આપણે ભણીગણીને નોકરી ક્યાં કરવી છે ?” પપ્પાએ પોતાની પ્યારી દીકરી આશાને કહ્યું. “ના પપ્પા, હું તો હજી કૉલેજ કરીને ગ્રેજ્યુએટ થવા માગું છું” આશાએ જવાબ આપ્યો. તેનાં મમ્મી રમાબહેન પણ સાથ પુરાવતાં બોલ્યાં. “કંઈ વાંધો નહીં, આગળ ભણવા દોને, આપણે લગ્નની ક્યાં ઉતાવળ છે ?”
જાડેજાસાહેબ ઢીલા પડ્યા. “સારું ત્યારે” કહીને શહેરની સારામાં સારી કૉલેજમાં ઍડ્‌મિશન કરાવી દીધું. આશાની કૉલેજના બીજા જ વર્ષે તેનાં મમ્મી રમાબહેનનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. જાડેજાસાહેબ એકલા પડી ગયા. 
બધાએ સમજાવ્યા, “સાહેબ, બીજાં લગ્ન કરી લો, હજી તો જિંદગી લાંબી પડી છે.”
“ના રે ના, હવે તો મારી આશા પરણાવવા જેવડી થઈ ત્યારે હું તેને માટે નવી મા ક્યાંથી લાવું ?” જાડેજાસાહેબે ચોખ્ખી ના પાડી દીધી. 
આશા માટે હવે જાડેજાસાહેબ મા અને બાપ બંને બની ગયા. આશાની દરેક બાબતનું જાડેજાસાહેબ પૂરેપૂરું ધ્યાન રાખવામાં કચાશ ન કરતા.
સમય જતાં જાડેજાસાહેબ સેકન્ડ પી.આઈ.માંથી ફર્સ્ટ પી. આઈ. બની ગયા. જવાબદારી વધતી ગઈ. તેમને હવે આશાનાં લગ્નની ચિંતા કોરી ખાતી હતી. મા વગરની આટલી દેખાવડી અને હોશિયાર છોકરી માટે જ્ઞાતિમાંથી સારો મુરતિયો શોધી કાઢવું સરળ ન હતું. આશા પરણીને સાસરે જતી રહેશે, પછી “હું એકલો પડી જઈશ,” ના વિચારો કાયમ સાહેબને સતાવતા. અચાનક કૉન્સ્ટેબલ યાદવના અવાજથી સાહેબ જાગી ગયા. “સાહેબ, ત્રણ દિવસની રજા લેવી છે, મારી વાઇફનું કાલે ઑપરેશન છે.” યાદવે વિનંતી કરી.
“શહેરની પરિસ્થિતિનો તમને ખ્યાલ નથી આવતો ? સરકારે રજાઓ કેન્સલ કરવાની નોટિસ જારી કરી છે અને તમારે આટલી બધી રજાઓ લેવી છે ?” જાડેજાસાહેબ બગડ્યા.

“સાહેબ, બે દિવસથી તાવ અને પેટનો દુખાવો હતો, ડૉક્ટરે એપેન્ડિક્સનું નિદાન કરેલ છે. તત્કાલ ઑપરેશન જરૂરી છે.” ફરી યાદવે વિનંતી કરી.

“સરકારનો ઑર્ડર છે. હું રજા મંજૂર નહીં કરું.” જાડેજાસાહેબે ચોખ્ખી ના પાડી દીધી.

યાદવ નિરાશ થઈ રડમસ ચહેરે કૅબિનની બહાર નીકળી ગયા. જમાદાર જશુભા સાહેબનો મૂડ પારખી ગયા. “સાહેબ હમણાં હું મસાલાવાળી સ્પેશ્યલ ચા લાવું છું.” ચા પીતાંપીતાં જાડેજાસાહેબનું મગજ શાંત થયું. ઑપરેશન વગર તો યાદવની પત્નીની હાલત બગડશે તેનું ભાન થતાં જશુભાને કહ્યું, “યાદવને બોલાવો.”

ધીમે પગલે આવેલા યાદવને જાડેજાસાહેબે સમજાવતાં કહ્યું, “ત્રણ રજા લઈ લો, કોઈને કહેતા નહીં. તમારાં વાઇફનું ઑપરેશન બરાબર કરાવજો, બીજી કોઈ મદદની જરૂર હોય તો કહેજો.” યાદવ ગળગળા થઈ ગયા. “સાહેબ, આપનું ભલું થાજો.” જાડેજાસાહેબ ફરી વિચારમાં પડી ગયા. ગયા મહિને જ આશા સાથેની વાતચીત મગજમાંથી ખસતી નહોતી.

“પપ્પા, મને મારો જીવનસાથી મળી ગયો છે. તેનું નામ છે અમર. ખૂબ જ નીડર અને ખમીરવંતો સાહસિક યુવાન છે. મારી સાથે જ કૉલેજમાં ભણે છે.”

“તેની નાતજાત શી છે ?” જાડેજાએ પૂછ્યું. “હવે નાતજાત જેવું રહ્યું છે જ શું ? તે ભણેલો-ગણેલો યુવાન છે, પછાત જ્ઞાતિનો હોય તો શો વાંધો છે ?” અને જાડેજાસાહેબનું મગજ ફાટી ગયું. “શી વાત કરે છે ? મારી એકની એક છોકરીની પસંદગી સાવ પછાત જ્ઞાતિના યુવાનની.”

ગરમ થઈને તેમણે આશાની કૉલેજ બંધ કરાવી લીધી.

બીજા દિવસે આશાની રૂમમાંથી મળેલી ચિઠ્ઠી વાંચતાં જાડેજાસાહેબ ભાંગી પડ્યા. 

“પપ્પા, મેં ભાગી જઈને અમર સાથે લગ્ન કરી લીધાં છે. મારી ભૂલચૂક માફ કરશો. જો અમને સ્વીકારીને આપ બોલાવશો, તો જરૂરથી આવીશું.” જાડેજાસાહેબ અચાનક જાગી ગયા. તેમને તો અમરને જોવાની કે મળવાની તક પણ ન મળી. મનોમન બબડ્યા. 

“છોકરો સારો હોય તો બોલાવી લેવામાં વાંધો નથી. આજે સાંજે જ બંનેને ઘેર જમવા બોલાવીશ.” સાહેબ મનમાં બબડ્યા. 

જમાદાર જશુભા દોડતાં સમાચાર આપવા આવ્યા, “સાહેબ, જલદી નીકળવું પડશે, મંત્રીશ્રીના ભાષણના કાર્યક્રમને લોકોએ ઘેરી લીધો છે.”

જાડેજાસાહેબે રિવૉલ્વર કમ્મરપટ્ટામાં લટકાવી, ટોપી પહેરી અને ડ્રાઇવરને બૂમ પાડી.

“જલદી જીપ કાઢો બંદોબસ્તમાં જવું પડશે.”

ગાંધીચોકમાં મંત્રીશ્રીના રસાલાને લોકોએ ઘેરી લીધો હતો. કૉલેજિયન યુવાનો સૂત્રો ઉચ્ચારી રહ્યા હતા. “ભ્રષ્ટાચાર દૂર કરો. મહેંગાઈ કમ કરો.” જાડેજાસાહેબ સમયસર પહોંચી ગયા. મંત્રીશ્રીએ તેમના તરફ ઇશારો કરી મદદ માંગી. જાડેજા રિવૉલ્વર કાઢીને મંત્રીની મદદે દોડીગયા.

જાડેજા નિષ્ઠાપૂર્વક ફરજ તો બજાવી રહ્યા હતા, પણ અંદરખાનેથી ખુશ હતા. “આવી ભ્રષ્ટાચારી સરકાર તો ના જ ચાલે, આવા પ્રધાનોના આ જ હાલ થવા જોઈએ.” તેઓ બબડતા હતા.
જાડેજાએ હવામાં ગોળીબાર કરીને ટોળાને વીખરાઈ જવાની બૂમો પાડી; પરંતુ યુવાનો ખસતા જ ન હતા. જાડેજાનો ગુસ્સો હાથમાં ન રહ્યો. મંત્રીશ્રી ગભરાઈ ગયા હતા. યુવાનો પોલીસને ગાંઠે જ નહિ તો કરવું શું ?
સાહેબે બૂમ પાડી. “બધા વીખરાઈ જાવ. નહીંતર આ રિવૉલ્વર કોઈને નહીં છોડે.”
બધા યુવકો સહમી ગયા; પરંતુ એક તરવરિયો યુવાન મંત્રીને આવેદન આપવા મક્કમ રીતે આગળ વધી રહ્યો હતો.
‘એ છોકરા, મંત્રીથી દૂર રહેજે નહીંતર ઉડાવી દઈશ.’
પણ યુવાન મક્કમ રીતે ધીમેધીમે આગળ વધી રહ્યો હતો. જાડેજાસાહેબનો ગુસ્સો કાબૂમાં ન રહ્યો. ધ્રૂજતા હાથે રિવૉલ્વરનું ટ્રીગર દાબી દીધું.
‘ભ્રષ્ટાચાર ભગાવો, ભારત માતાકી જય !’
બોલતાં-બોલતાં એ યુવાન ઢળી પડ્યો. ઇન્સ્પેક્ટર સાહેબનો ગુસ્સો ઓગળી ગયો. મંત્રીશ્રી પણ અવાચક બની ગયા. ટોળામાં ભાગદોડ મચી ગઈ.
‘પપ્પા, તમે આ શું કર્યું ? અમરને કાંઈ પણ વાંક ગુના વગર ઉડાવી દીધો !! બોલતાં-બોલતાં આશા ઢળી પડી. 
‘હેં ? આ જ અમર છે ? જેને હું સાંજે જમવા બોલાવવાનો હતો તે મારો જમાઈ ?’ કહેતા જાડેજાસાહેબ રિવૉલ્વર સાથે ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા. અમરની છાતીમાંથી નીકળતો લાલ ચટ્ટા કરેલો, આશાની સેંથીના સિંદુર સાથે ભળીને વહી રહ્યો હતો.
જાડેજાસાહેબની રિવૉલ્વરનો ધુમાડો લાડકી આશાની તૂટી ગયેલી બંગડીઓ સામે હસીને ઉપર ઊઠી રહ્યો હતો.





If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


 સેંથીનું સિંદૂર - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories