લાલચ - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા
યોગેશનાં પિતાજીનાં અવસાન પછી અડસઠ વરસનાં સવિતામા સાવ એકલા પડી ગયા. મહેસાણા જિલ્લાના નાના ગામ ગેરતપુરમાં તેમનું જુનું ઘર ખખડી ગયું હતું. તેમનો એકનો એક દીકરો યોગેશ હજુ બે વરસ પહેલાં જ ગ્રેજયુએટ થઈને અમેરિકા પહોંચી ગયો હતો. ગામનાં આગેવાનોએ ભેગા થઈને યોગેશને પિતાના મૃત્યુ પર આવેલ, ત્યારે સમજાવેલ, “હવે આ બુઢા સવિતામા ને તારે ત્યાં અમેરિકા બોલાવી લે. અહી એમનું સાજે માંદે કોણ ધ્યાન રાખશે.?”
યોગેશ વિચારમાં પડી ગયો, હજુ તેને સારી જોબ માંડ મળી હતી. તેની ડોલર બચાવીને પોતાની કાર અને મોટું હાઉસ વસાવવાની લાલસા હતી. તેમાં આ માજીનો વધારાનો ખર્ચ ક્યાંથી કાઢવો ?
પણ તેના વડીલ કાકાઓ અને અન્ય ગામ લોકોની સમજાવટ અને હઠ આગળ તેનું કાંઇ ના ચાલ્યું.
સવિતાબા અમેરિકા જવા મળશે ના વિચારે ખુશ થઈ ગયા. હવે ત્યાં દીકરા જોડે રહેવાશે અને ત્યાંની જ કોઈ છોડી જોડે તેનું ગોઠવી દેવાશે નાં વિચારે તે ખુશ હતા.
પહેલું અઠવાડિયું તો યોગેશે માને ઘેર સાચવીને રાખ્યા, પણ પછી તેણે માને કામ પર લગાડી દેવાનું વિચાર્યું. તેણે સવિતાબા ને શાંતિથી સમજાવ્યું. “મા, તને અહી એકલા બેઠા રહેવું નહીં ગમે, તેથી સ્ટોરમાં કામે લગાડી દઉં છુ.” તેના મનમાં કલાકનાં દશ ડોલર તો આવશે એની ગણતરી પણ હતી.
“પણ બેટા હવે આ ઉંમરે મને સંભળાય છે ઓછું અને મોતિયો વળવાથી દેખવાનું પણ ઓછું થઈ ગયું છે. વળી મને અહી અંગ્રેજી બોલતા પણ ન ફાવે”. મા કરગરી ઉઠતાં બોલ્યા.
“મા, હું તને મારા મિત્રના ભવાની ગ્રોસરી સ્ટોરમાં જ નોકરી પર રાખીશ, ત્યાં તારે બોલવાનું નથી, શેઠ કહે તે માલ સાફ કરીને ગોઠવવાનો જ છે.” યોગેશે કડક ભાષામાં કહ્યું. લાલચથી તે મા ની ઉંમર ભૂલી રહ્યો હતો.
સવિતાબા એ કચવાતે હૈયે હા પાડી. યોગેશ તેને ભવાની ગ્રોસરી સ્ટોરમાં મુકવા ગયો. શેઠે તેમની ઉંમર જોઈ યોગેશને માજીને ઘેર જ આરામ કરાવવાની સલાહ આપી. પણ યોગેશ માને તો ને ! તેણે તો મા ને મજૂરીનાં કામે લગાડી દીધા. માજીને દરરોજ આઠ કલાકની ડ્યુટી આપી દીધી. સાડીને બદલે પેન્ટ શર્ટનો ડ્રેસકોડ માજી માટે સાવ નવો હતો. માંડ એડજસ્ટ થયાં, સવારના દશ થી સાંજના છ ની ડ્યુટી હોવાથી સવારે વહેલાં ટિફિન બનાવવાનું, તૈયાર થઈ દશ વાગે તો ફરજ પર પહોંચી જવાનું, માજીને અઘરું પડતું હતું, પણ યોગેશને મનમાં માજીના કમાયેલા ડોલર દેખાતા હતાં, એટ્લે શું થાય ?
બિચારાં સવિતામા ! દેખાય ઓછું તોય જે સામાન ગોઠવવાનો હોય તે ગોડાઉનમાંથી લાવી સાફ કરી ગોઠવવાનું કામ કરવા લાગ્યા. દિવસનાં એંશી ડોલર યોગેશ સીધાં શેઠ પાસેથી લઈ લેતો. યોગેશ વધારાની આવકથી ખુશ હતો. મનમાં તે સુંદર હાઉસ અને લેક્સસ ગાડીના સપના જોવા લાગ્યો. ડોલરની લાલચ માણસને કેટલો હલકો બનાવી દે છે ??
યોગેશ મોટી ગુજરાતી મોટેલમાં મેનેજરનું કામ કરતો હતો. તેના શેઠની રૂપાળી દીકરી રીટાને ફસાવવા તે રોજ લાઇન માર્યા કરતો. કોઈને કોઈ બહાને તે રીટાની ચમચાગીરી કરતો રહેતો.
રીટાને પણ હવે તેની ચમચાગીરી પસંદ પડી ગઈ હતી, તે પણ ધીમે ધીમે યોગેશ તરફ ખેંચાવા લાગી. જો શેઠના જમાઈ બની જવાય તો લીલા લહેર છે, તેમ વિચારી યોગેશે તેની ચમચાગીરી વધારી દીધી.
શનિવારે સાંજે બંને ગાડીમાં ફરીને ઘરે આવી રહ્યા હતા અને રીટાને ઇંડિયન ભવાની ગ્રોસરી સ્ટોર જોઈ, ઘર માટે ગ્રોસરી લેવાનું યાદ આવ્યું.
“ડિયર, અહી ભવાની ગ્રોસરી સ્ટોર પર પાંચ મિનિટ ગાડી રોકજે, મારે ગ્રોસરી લેવી છે.” રીટાએ પ્રેમ થી કહ્યું.
યોગેશને સવિતામા યાદ આવતા કહ્યું, “ના, ના, મારે ઉતાવળ છે, ફરી કોઈ વખત લેજે.”
પણ રીટા મક્કમ હતી, “મારે તો આજે રાત્રે જ આ ગ્રોસરીનું કામ છે. પાંચ મિનિટ ગાડી રોક.”
હવે યોગેશને છુટકારો જ ન હતો. ભવાની ગ્રોસરી સ્ટોરમાં સવિતામા સાંજના કચરા-પોતાં વેક્યુમથી કરતાં હતા. શેઠ બહાર ગયા હતા. રીટાએ ઓર્ડર કર્યો “એય બુઢી, મને સારી ક્વોલીટીના ઇન્ડિયન ટી અને બેસન બતાવ.” તેણે ગુજરાતી બુઢીને જોઈ ગુજરાતીમાં જ ઓર્ડર કર્યો.
યોગેશે જાણે માને જોયા જ ના હોય, તેમ મોં ફેરવી લીધું. સવિતામા સમજી ગયા કે પોતાની ગર્લફ્રેન્ડ સાથે હોવાથી દીકરો મોં છુપાવી રહ્યો છે.
લાલચું યોગેશને આવી સામાન્ય આયા જેવી નોકરી કરતી માં ની પોતાની પૈસાદાર ગર્લફ્રેન્ડ રીટા જોડે ઓળખાણ કરાવતા શરમ આવતી હતી. રીટાને યાદ આવતા બોલી “માજી, મને ઇન્ડિયન ચીલી અને ટર્મરેટનું પેકેટ આપ.”
સવિતાબા ને અંગ્રેજી ક્યાં આવડે ? તેમણે પૂછ્યું “શું આપું ?”
રીટાનો મિજાજ ગયો, તે બગડી “ બુઢી, તને ચીલી અને ટર્મરેટનું ગુજરાતી આવડતું નથી, તો નોકરી શા માટે કરે છે ?”
“આવાં ને આવાં ડોસલા શું નોકરીએ આવતા હશે” કહીને યોગેશે રીટાની ચમચાગીરી કરવા આડું જોઈને કહ્યું. સવિતાબા વિચારમાં પડ્યા. “આ મારો દીકરો થઈને મને જ ભાંડે છે, તેણે તો મને પરાણે નોકરીએ રાખી છે.” પણ શું થાય ?
મરચાંનું પેકેટ લાવતા તેમના ધ્રુજતાં હાથમાંથી પડ્યું રીટાનાં કિમતી ડ્રેસ ઉપર. માજી ગભરાઈને ધ્રૂજવા લાગ્યા.
રીટાએ ગુસ્સે થઈને ધક્કો મારતાં કહ્યું, “ડોસલી, દેખતી નથી.” અને સવિતાબા સામે પડેલા સ્ટુલના ખૂણા સાથે અથડાયા, માથામાં લોહીની ધાર સાથે પડ્યા જમીન ઉપર.
પહેલા તો યોગેશ આ જોઈને ગુંચવાયો. અચાનક તેના અંતરાત્માએ ઠપકાર્યો. “અલ્યા, તારી બુઢીમાં નું આવું અપમાન થાય અને તું જોયા કરે, માએ તને કેટલું દુ:ખ વેઠી ભણાવી ગણાવીને મોટો કર્યો, તેના આવા હાલ ??” અને લાલચું યોગેશની બનાવટ અને લાલચ હવામાં ઊડી ગયા, તે દોડ્યો, માજીને બેઠા કરી માથાના લોહીને શુદ્ધ કપડાથી દબાવતા ગુસ્સે થઈને બોલ્યો, “રીટા, સિનિયર સિટીઝન સાથે વર્તન કરતાંય નથી આવડતું, આ મારી માં છે” અને તેણે હાથથી માં ને ઉભી કરી. સવિતામાંની આંખોમાંથી આંસુની ધાર ચાલી.
“આવી નોકરાણી તારી માં, પહેલેથી કહેવું જોઈએ ને ?” બોલીને રીટા ગુસ્સે થઈ જતી રહી.
યોગેશને હવે તેના ગુસ્સાનો ડર નહોતો, બહુ તો લવમાં બ્રેકઅપ થશે, બીજું શું “ માં નું આવું અપમાન દીકરાથી સહન કઈ રીતે થાય ?? તે તરત જ સવિતામા ને પોતાની ગાડીમાં ડોક્ટર પાસે લઈ ગયો. સારવાર ચાલુ કરી પાટાપીંડીથી લોહી બંધ થઈ ગયું. સવિતામા આંસુભરી નજરે પોતાના દીકરાને નિરખી રહ્યા.
બીજા દિવસે રીટાનો નરમ અવાજે ફોન આવ્યો, “યોગેશ, પ્લીઝ, ફરગીવ મી. બુઢી માં નાં સ્વમાન માટે લડનાર દીકરા માટે મને પ્રેમ થયો છે. મને આવા લાગણીસભર પુરુષની જ તલાશ હતી, શું હું તને પ્રપોઝ કરવા આવી શકું ?”
યોગેશનાં ચહેરા પર માતૃપ્રેમનાં સંતોષનો આનંદ સ્પષ્ટ ઝબકી રહ્યો હતો, મનોમન તે આ પ્રોપોઝલને માં નાં આશીર્વાદ સમજવા લાગ્યો.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
લાલચ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories