09 નવેમ્બર 2023

અકસ્માત - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

 અકસ્માત - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

અકસ્માત - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી


“ડોકટર સાહેબ, અહીં આવવામાં કેટલું મોડું કરી દીધુ, મારો દીકરો સુનિલ સીરીયસ બની રહ્યો છે.” તેના પપ્પા કિરીટભાઈ ઉત્તેજીત અવસ્થામાં બગડી રહ્યા હતા.

શિયાળાની વહેલી સવારે ધુમ્મસ હોવાથી બે મોટરસાયકલ વચ્ચે જબરજસ્ત એક્સિડન્ટ થયો હતો. તેમાં સુનિલ જોદાર ઘવાયો હતો. ચારે તરફથી લોહી નીકળી રહ્યું હતું. પેટની અંદરના ભાગમાં પણ ઈજા થઈ હતી. વહેલી સવારે બંને મોટરસાયકલવાળા ફુલ સ્પીડમાં સામસામે આવી રહ્યા હતા, ત્યારે જ અચાનક સુનિલનો બ્રેક ઉપર કાબૂ જતો રહ્યો, અને જોરદાર ધડાકા સાથે બંને ફંગોળાઈ ગયા. નસીબજોગે સુનિલને ઈજાઓ બહુ હતી, પણ તે બચી ગયો હતો, પણ સામેવાળો તો બિચારો વાંકગુના વગર મગજની નસ ફાટી જતાં તરત જ મૃત્યુ પામ્યો હતો.

સુનિલનો એક્સિડન્ટ થયો સાંભળી તેના પિતા કિરીટભાઈ, માતા રૂપાબેન અને તમામ સગાવહાલાઓ ઈન્કમટેક્ષ ચાર રસ્તા પહોંચી ગયા હતા. તરત જ ગાડીમાં સુનિલને નાખીને ડો.અનિલ દવેના સર્જીકલ નર્સીંગ હોમમાં લઈ આવ્યા હતા.

ડો.અનિલ દવે શહેરના સુપ્રસિધ્ધ સર્જન હતા. તેમના હાથે આવા એક્સિડન્ટના તમામ કેસ બચી જતાં હતા. સુનિલ તેમના હાથે બચી જ જશે. એવી આશા સાથે કિરીટભાઈ અને સહુસગાઓથી ડો.દવેનો વેઈટીંગ રૂમ ભરાઈ ગયો હતો. ‘‘ડો.દવેને જલ્દી બોલાવો’’ તમામ સગાઓ સીસ્ટરને બૂમો પાડી રહ્યા હતા. સુનિલના દરેક ઘામાંથી લોહી વહી રહ્યું હતું, અને હાલત બગડતી જતી હતી.

સીસ્ટરને મોબાઈલમાં જવાબ મળ્યો. ‘‘હમણાં જ ડો. આવી જશે.’’ તેણે તરત જ બધાને આ જ જવાબ આપ્યો.

આમને આમ સમય પસાર થતો જતો હતો ફરીથી સીસ્ટરને ફોન કરવા કહ્યું. સીસ્ટરને દરેક વખતે એક જ જવાબ મળતો.

“ડોકટર અગત્યના કામમાં ફસાયેલ છે. થોડા સમયમાં આવી જશે.” સૌ સગાવહાલા ઊંચાનીચા થઈ રહ્યા  હતા.

ચાલીસ મિનિટ પછી સીસ્ટરે ત્રીજી વખત મોબાઈલ કર્યો, અને જવાબ મળ્યો, ‘‘ડોક્ટર સાહેબનું નું કામ પતી ગયું છે અને રસ્તામાં જ છે, હમણાં આવી જશે.” અંતે ડો.અનિલભાઈને આવતા જોઈ સૌ સગા તૂટી પડયાં.

“ડોકટરે તો આવા સીરીયસ કેસ માટે તૈયાર રહેવું જોઈએ.” સુનિલના કાકા એકદમ ગુસ્સે થઈને બરાડયા.

“ડો.દવે, તમારે ત્યાં ઈમરજન્સી કેસ આવે પછી આટલા મોડા આવો અને દર્દી ખલાસ થઈ જાય તો કોની જવાબદારી ? તમે તમારી ડોક્ટર તરીકેની ફરજ ભૂલી ગયા કે શું ?” સુનિલની મમ્મી રૂપાબેનથી બોલ્યા વગર ના રહેવાયું. બધા સગાઓ ડોક્ટરને મોડા આવવા બદલ જુદાજુદા શબ્દોમાં ઠપકો આપી રહ્યા હતા॰

ડો.અનિલભાઈએ કશું જ કહ્યા વગર શાંતચિતે તરત જ દર્દીને ઓપરેશન થિએટરમાં લીધો. એનેસ્થેટીસ્ટ અને સર્વ ટીમ તૈયાર જ હતી. તરત જ ઓપરેશન ચાલુ કરી લીવરની અંદરથી ટાંકા લઈ લોહી વહેતું બંધ કરી દીધું. બીજા નાના મોટા ઘાવ ઉપર ટાંકા લઈ ડ્રેસીંગ કરી દીધું. લોહી બહુ જ વહી ગયું હોવાથી તરત જ લોહીનો બાટલો ચાલુ કરી દીધો. હવે સુનિલની હાલત ધીરે ધીરે સુધરવા લાગી.

એક કલાકની મહેનત બાદ ડો. દવે ઓપરેશન થિએટરની બહાર આવ્યા, અને કિરીટભાઈને બાજુમાં બોલાવી કહ્યું, “તમારો દીકરો સુનિલ બચી ગયો છે, અત્યારે લોહીનો બાટલો ચાલુ છે, વાંધો નહી આવે.”

સુનિલ બચી તો ગયો, પણ હજુ સગાવ્હાલાંમાં ડોકટરના મોડા આવવા બાબતે ચણભણ ચાલુ જ હતી. એક સગાં તો બોલ્યા “જો આનાથી વહેલા આવ્યા હોત તો પરિસ્થિતિ આટલી ગંભીર ના બની જાત.” બીજા સગા એમાં સૂર પુરાવતાં એમ બોલ્યા, “ઈમરજન્સી ફોન પછી પણ ડોકટર પોણા કલાકે આવે તો શું કરવાનું.”

ડો. દવે શાંતચિતે બધાને સાંભળી જવાબ આપી રહ્યા હતા. સુનિલ આટલી મહેનત પછી બચી ગયાનો આનંદ હતો પણ ડો. દવે ઈમરજન્સી કેસમાં આટલા બધાં મોડા આવ્યા તેનો વસવસો દરેકના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. સુનિલના પપ્પા કિરીટભાઈથી બોલ્યા વગર ન રહેવાયું અને ડોક્ટરને કહ્યું, “ડોકટર સાહેબ, આપ આટલા મોડા આવ્યા છતાં અમારો સુનિલ તો બચી ગયો, પણ આ જગ્યાએ તમારો દીકરો હોત તો ?” અને હવે ડો.દવેની આંખો ભીની થઈ ગઈ. તે કંઈ જ બોલ્યા વગર ધીમા પગલે જતાં રહ્યા.

આ બધું સાંભળી રહેલા સીસ્ટરથી હવે ના રહેવાયું. ધીમેથી એ બધાની તરફ આવીને બોલ્યા. “ડો. અનિલ દવેની કરૂણતા તમે જાણશો તો તમારી બોલતી બંધ થઈ જશે. તમારા દીકરા સુનિલ જોડે જેને અકસ્માત થયો હતો, તે બીજો કોઈ નહી પણ ડોકટરનો એકનો એક દીકરો નીલ દવે હતો. કોઈપણ વાંકગુના વગર સ્થળ ઉપર જ, મગજની નસ ફાટી જતા તેનો દેહાંત થઈ ગયો.” બધાના મોઢા આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલી પડયા, “હેં !!”

મહિલાઓની આંખો ભીની થઈ ગઈ. આગળ બોલતા સીસ્ટરે કહ્યું, “ડોકટર તો એક્સિડન્ટની જગ્યાએ પહોંચી ગયા, અને જોયું કે તેનો દીકરા નીલનું પોસ્ટમોર્ટમ કરવા સિવાય હવે કઈ બાકી નથી. ચાલીસ મિનિટ તો પોલીસની પૂછપરછ ચાલી. એકનો એક દીકરો જતો રહેવાથી ડોકટર સાવ હતાશ થઈ ગયેલા.

“તમારા દીકરા સુનિલ માટે ફોન આવ્યો ત્યારે ડોકટરે વિચાર્યું કે એક જીવ તો ગયો, હવે બીજા જીવને બચાવવા માંડમાંડ હોંસલા અને હિંમત ભેગી કરીને અહીં આવી ગયા. નીલના માતા અને બીજા સગાવહાલાઓ તો સિવિલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર રડી રહ્યા છે.” સિસ્ટરે પણ કહેતાં કહેતાં ભીની આંખ લુછી.

સુનિલના માતા પિતા અને સહું સગાવહાલાની આંખોમાં પાણી આવી ગયા. ડોકટર દવેને આટલું બધુ સંભળાવવા બદલ સહું મનોમન પસ્તાઈ રહ્યા હતા.

ડો.દવે લડખડાતા પગલે પોતાની ઓફિસમાંથી નીકળી, પોતાના દીકરા નીલને કંધો દેવા સિવિલના પોસ્ટમોર્ટમ રૂમ તરફ રવાના થયા.





Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories