પ્રેમની સચ્ચાઈ- ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી
“પપ્પા, મારે તમને એક વાત કરવી છે, શાંતિથી બેસો.” અમોલ પોતાના પપ્પાની ઓફફિસે આવી, પપ્પાનો હાથ પકડીને બેસાડતાં બોલ્યો.
“શું કહેવું છે, બેટા”, મનસુખભાઇને આજે પુત્ર અમોલ વધારે ગંભીર અને મજબૂર જણાતો હતો.
“પપ્પા, મારી સાથે જ કોલેજમાં ભણતી અમી સાથે પ્રેમ થઈ ગયો છે. અમે બંને લગ્ન કરવાના કોલ આપેલ છે.” અમોલે ગંભીર સ્વરે કહ્યું.
“હેં !” મનસુખભાઇ ચમકી ગયા, તેમની હીરા ઝવેરાતની કરોડોની પેઢીનો એકનો એક વારસદાર અમોલ જ હતો. “છોકરીના પપ્પા શું કરે છે ?” તરત જ તેમણે સામેવાળાની ઔકાતનો કસ કાઢવા પ્રશ્ન કર્યો.
“પપ્પા, એ લોકો ખુબ જ સામાન્ય માણસો છે. તેના પપ્પા પાલડી ચાર રસ્તા પર ભેળપુરીની લારી લગાવે છે અને બાજુમાં પાલડીગામની ચાલીમાં રહે છે. કુટુંબ બહુ જ ખાનદાન અને આપણી જ જ્ઞાતીના છે. મને અમીનો સ્વભાવ ખૂબ જ મેચ થઈ ગયો છે, જો હું લગ્ન કરીશ તો તેની સાથે જ, નહિતર નહીં.” અમોલ બધી તૈયારી કરીને જ આવ્યો હતો.
“હેં, ભેળપુરીની લારીવાળાની છોકરીને વહુ બનાવવાની ! બેટા લગ્ન જેવા કામમાં ઉતાવળ ના કરાય. મને બધી તપાસ કરી લેવા દે, પછી હું જવાબ આપીશ.” કહીને મનસુખભાઇએ મુદત પાડી દીધી.
દૂર બેઠો તેમનો મુનિમ આ સાંભળતો હતો, તે જમાનાનો ખાધેલ, દૂરંદેશી વિચારવાળો અનુભવી હતો.
અમોલના ગયા પછી મનસુખભાઇ ઊંડી ચિંતામાં ડૂબી ગયા. હમણાંના બે ત્રણ કેસમાં આવી સામાન્ય ગરીબ ઘરની છોકરીઓ કરોડપતિ છોકરાઓને ફસાવી છ મહિના, વરસમાં છૂટાછેડાનો કેસ કરી
અર્ધી મિલકત અને તગડું ભરણપોષણ લઈ છૂટી ગયાના બે ત્રણ દાખલા તેમને યાદ આવી ગયા. શું કરવું, તેના વિચારમાં ખોવાઈ ગયા.
મુનિમ જીવણલાલે શેઠના મનને પારખી સીધો જ સવાલ કર્યો, “શું ચિંતામાં છો શેઠ ?”
“આ બધુ તો તમે સાંભળ્યું જ ને” અમોલ સાવ ગરીબ ઘરની છોકરીને પરણવા માંગે છે, પણ પછી શું થાય તેની દહેશત તેમને મુનિમને વિગતવાર જણાવી. જીવણલાલ પણ વિચારમાં પડી ગયા.
“મને એક આઇડિયા સૂઝે છે. આપણે અત્યારે જ ભવિષ્યમાં છૂટા પાડવાનું થાય તો તેને કોઈ મિલકત કે ભરણપોષણ મળશે નહીં, તેવા કરાર પર સહી કરાવી લઈએ.”જીવણલાલે શેઠને સમજાવ્યા.
“પણ એ સહી કરશે કે નહીં ? આ કામ હું તમને જ સોંપું છું.” મનસુખલાલે આ જવાબદારી જીવણલાલને જ સોંપી.
બીજે દિવસે જીવણલાલે કોલેજમાથી અમીને શોધી કાઢી. પોતાની ઓળખાણ આપી. અમીને નવાઈ લાગી. અમોલની પેઢીનો મુનિમ મને મળવા કેમ આવ્યો હશે ?
જીવણલાલે અમીને પ્રેમથી સમજાવતા કહ્યું, “બેટા આમાં સહી કરવાની છે.”
ભવિષ્યમાં છૂટા પડવાનું સાંભળીને અમી ચોંકી ગઈ. અમારો પ્રેમ મજબૂત છે, એમાં છૂટા પડવાની વાત ક્યાં આવી ? અત્યારથી આવા છૂટા પડવાના દસ્તાવેજનો વિચાર અમોલને આવ્યો કઈ રીતે ?
જો કે તેના મનમાં કરોડોની મિલકત અને ભરણપોષણ તો આવ્યા જ નહોતા. તેણે સહી કરવાની ચોખ્ખી ના પાડી, કોલેજમાં જતી રહી.
અમોલને તો આ વાતની ખબર જ નહોતી. સાંજે એ લોકો કોફી કાફેમાં મળ્યા ત્યારે અવનીનું ઉતરી ગયેલું મોં અને રડતી આંખો જોઈ અમોલ ડઘાઈ ગયો.
“શું અમોલ, હજુ તો લગ્ન થયા નથી અને તે પહેલા છૂટા પડવાની વાતો કરે છે ? આમાં તારો પ્રેમ ક્યાં આવ્યો ?
“શું વાત કરે છે અમી ? મને તો આ દસ્તાવેજ અંગે કઇં ખબર જ નથી. આ જરૂર મારા પપ્પા અને મુનીમનું કારસ્તાન લાગે છે.” કહેતા અમોલ ઊભો થઈ ગયો.
જીવણલાલે આવીને મનસુખભાઈને બધી વાત કરી. બંને નિરાશ થઈ ચિંતામાં પડી ગયા.
ઘેર મનસુખભાઇ અને ભારતીબેન જોડે રાત્રે જમતાં અમોલે જવાબ માંગ્યો. મનસુખલાલે આખી વાત સમજાવતા કહ્યું, “ જો તેને તારી મિલકત અને ભરણપોષણમાં જ રસ છે. એટ્લે જ સહી ના કરી.”
“પપ્પા, કેવી વાત કરો છો? હજુ લગ્ન પહેલા જ છૂટા પડવાની વાત કરતાં શરમ નથી આવતી.” કહી અમોલ ઊભો થઈ પોતાના રૂમમાં જતો રહ્યો.
તેણે નિરાશા અને હતાશામાં છેવટે ખાવાપીવાનું બંધ કરી દીધું. એક, બે ત્રણ અને ચાર દિવસ થઈ ગયા. કમજોરીથી બેહાલ થઈ અમોલ ચક્કર ખાઈ પડ્યો. ભારતીબેન દોડ્યા. “બેટા, કઈક તો ખાઈ લે.” પણ અમોલ અર્ધભાન અવસ્થામાં પણ અડીખમ, એક દાણો મોંમાં નહીં.
અમોલ ચાર દિવસથી કોલેજ ન આવતા અમી ચિંતામાં, તેના દોસ્તો પાસેથી સમાચાર જાણી તેના નવરંગપુરાના બંગલે પહોંચી.
આખી વાત જાણી તે રડી પડી. “લાવો તે કરાર, હું સહી કરી આપું છું, નથી જોઈતું મારે કઈં તમારી પાસેથી. મને મારો અમોલ મળી જાય તો અમે એક રૂમની ચાલીમાં મહેનત કરીને ગુજરાન ચલાવી લઈશું.” કહેતા તેને દસ્તાવેજ વાંચ્યા વગર સહી કરી આપી. તેના મનમાં મિલકતના કોઈ વિચાર જ ન હતા.
દૂર ઊભા મનસુખલાલ અને જીવણલાલ પસ્તાઈ રહ્યા હતા.
“આ છોકરી જ મારા અમોલ માટે શ્રેષ્ઠ છે. તેણે કઈંપણ વાંચ્યા વગર ફક્ત અમોલના પ્યાર અને જિંદગી માટે જ સહી કરી નાખી. હું જ ખોટું વિચારતો હતો.” એક વખત મન કોઈ ખરાબ ઉદાહરણથી ખોટા રવાડે ચડી જાય તો ઊંધું જ વિચારે છે, એ વાત તેમને હવે સમજાઈ ગઈ હતી.
બે અઠવાડીયા પછી બંનેના વિવાહ સંપન્ન થયા. બંને ગ્રેજ્યુએટ થઈ જતાં ધામધૂમથી લગ્ન થયા.
લાસ્ટ સ્ટ્રોક : પ્રેમ સાચો હોય તો તેની સામે દુનિયાની સઘળી મિલકત તુચ્છ જ હોય છે. એટલે જ તો કહેવાય છે કે પ્રેમની શક્તિ નફરતની તાકાત કરતાં હજારોગણી પ્રભાવશાળી હોય છે.
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission



.png)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories