28 નવેમ્બર 2023

પીડ પરાઈ જાણે રે - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

 પીડ પરાઈ જાણે રે - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી


  મોહન ટી સેન્ટરની ચાની સુગંધ અને સ્વાદ એટલા સરસ હતા કે આખા બારડોલપુરામાં અને માધુપુરામાં તેનું નામ હતું. ત્યાંથી નીકળેલા કોઈ પણ રાહદારીને મોહનની ચા પીવાનું મન થઈ જ જતુ. 

એક નાની લારીમાથી મોહનભાઇએ પોતાની મહેનત અને કુનેહથી મોહન ટી સેન્ટરનો ગલ્લો જમાવી દીધો હતો. બે કારીગર અને ત્રણ ઓર્ડર લેવાવાળા માણસો એમ કુલ પાંચ માણસોનો સ્ટાફ હતો. તે હમેશા ગુણવત્તા અને સ્વછતાના આગ્રહી હતાં. તેથી સહુ કોઈ ચા પીવા આવે તેમાં નવાઈ ન હતી. બાજુમાં જ   મહોલ્લામાં સાદું મકાન હતું. કમાણી સારી હતી,

સંતાનમાં એક જ દીકરો પાર્થ ધીમે ધીમે ભણતાં સૉફ્ટવેર એન્જિનિયર બનીને આગળ ભણવા અમેરિકા પહોચી ગયો. મોહનભાઇએ તેની ફી અને ખર્ચની વ્યવસ્થા કરી રાખી હતી. બે વર્ષમાં તો પાર્થે માસ્ટરની ડિગ્રી મેળવીને તરત જ કેલિફોર્નિયામાં પાર્થે સાનઉઝે નગરમાં નામચીન કંપનીમાં સોફ્ટવેર એંજિનયરની જોબ પણ મેળવી લીધી. તેની મહેનત અને ખંતથી આગળ વધતો ગયો, તેનું વાર્ષિક પેકેજ હતુ બે લાખ ડોલર હવે તેને સારી અને વૈભવી રીતે રહેવા છતાં ડોલર બચવા લાગ્યા.

તેની ઓફિસમાં ઘણાં ગુજરાતી ભાઈ-બહેનો કામ કરતાં તેની આસિસ્ટન્ટ એંજિનિયર કૃપા દેખવાડી અને વાચાળ હતી. બંને ગુજરાતી હોવાથી જમવાનું અને કોફી ઓફિસમાં સાથે જ થતાં ધીમે ધીમે જુવાન હૈયાઓ નજીક આવતા ગયા, અને ફરવાનું પણ સાથે જ થવા લાગ્યું.

કૃપાના પપ્પા મુબાઈમાં જથ્થાબંધ ચાના મોટા વેપારી હતા. કરોડોની ચ્હા એક્સપોર્ટ કરતા. વાલ્કેશ્વરમાં મોટો ફ્લૅટ, ત્રણ ડ્રાઇવર સાથેની ગાડીઓ તેમની અમીરીની ચાડી ખાતાં બિલકુલ નજદીક આવી ગયેલા પાર્થ અને કૃપાએ છેવટે એક થવાનું નક્કી કરી દીધું.

કૃપાએ તેના પપ્પા ધનસુખરાયને ફોન કર્યો. “પપ્પા મે તમારી ચિંતા ઓછી કરી નાખી છે. મારી ઓફિસના પાર્થ સાથે જ મન મળી ગયું છે. છોકરો સ્વભાવે શાંત અને સારો છે, મારી ઓફિસમાં જ સાથે કામ કરે છે. હમણાં હું તેના ફોટા વ્હ્યોટસેપ  ઉપર મોકલું છુ.”

“બહું સરસ શું કરે છે પાર્થના પપ્પા?” ધનસુખરાયે ફોટા જોઈ સવાલ કર્યો.

“તેના પપ્પાની અમદાવાદમા ચાની લારી છે.” કૃપાએ શાંતિથી જવાબ આપ્યો.

“હે સાવ ચાની લારીવાળાનો છોકરો?” ધનસુખરાય ચિંતામાં બોલ્યા.

“તેમાં શું થઈ ગયું પપ્પા. તમે પણ જથ્થાબંધ ચા જ વેચો છો ને, તે ચા  બનાવીને વેચે છે, શું ફરક પડે છે?” કૃપાએ કહ્યું.

“અહી મારા સર્કલમાં અને ક્લબમાં બધાને મારા વેવાઈ કહેતા શરમ આવે.” ધનસુખરાયે ચિંતામાં કહ્યું.

“કઈ નહીં, શરૂઆતમાં એવું લાગે પછી તો અમે ડોલર મોકલીને તેમને મદદ કરીશું ને?” કૃપાએ પપ્પાને સમજાવતા કહ્યું.

છેવટે દીકરીના માં-બાપને તેની પોતાની પસંદગી આગળ ઝુકવું જ પડે છે. છોકરો સારૂ કમાતો અને ભણેલો હતો, તેથી મંજુરીની મહોર મારી લીધી.

પાર્થને તેના પપ્પા હવે ચાની લારી ચલાવે તે ગમતું નહોતુ તે કાયમ મોહનભાઈને કહ્યા કરતો, “પપ્પા, હવે તમે ચાની લારી અને સ્કૂટર ચલાવવાનું બંધ કરો.”

મોહનભાઈનો હસતા હસતા એક જ જવાબ રહેતો. “બેટા કોઈ પણ કામ નાનું કે મોટું નથી હતું. અહીના ટ્રાફિકમાં મને સ્કૂટર ચલાવવું ગમે છે. અને અહી બરડોલપુરાના મકાનમાં રહીએ કે સેટેલાઇટના બંગલામાં રહીએ, શું ફરક પડે છે?”

બે વરસ પહેલાં પાર્થ અનેક કૃપાએ તેમને નવી ગાડી માટે દશ હજાર ડોલરો મોકલી દીધા. પછીથી દર મહિને તે લોકો મહિને પાંચસો કે હજાર ડોલર મોકલતા જેથી તેના મમ્મી –પપ્પા સારી અને વૈભવી રીતે રહી શકે. મોહનભાઇને તો ડોલરની જરૂર જ ન હતી, છતાં પુત્રને ના ના પાડી શક્યા. બે વરસ પછી પાર્થ અને કૃપા બંનેને ઈન્ડિયા જવા બે મહિનાની રજા મળી ગઈ બનેના દિલમાં ઉત્સાહ સમાતો ન હતો. પાર્થ તો તેના મમ્મી-પપ્પા અને મિત્રમંડળને મળવા ખુબ ઉત્સુક હતો.

એરપોર્ટ પર ઉતરી ટેક્ષીમાં બધા બરડોલપુરાના મકાનમાં આવી ગયા. પાર્થ અને કૃપા વિચારે કે નવી ગાડીના ડોલર તો મોકલ્યા હતા. તે ક્યાં છે?

ઘરે પહોચીને પાર્થે પપ્પાને પુછ્યું “પપ્પા નવી ગાડી લીધી હતીને?”

“હા, બેટા કાલે સવારે આવી જશે” મોહનભાઇએ જવાબ આપ્યો. પાર્થને એમકે ગાડી ગેરેજમાં રીપેરિંગમાં ગઈ લાગે છે. કાલે સવારે જોઈ લઈશું. તેમના મકાનમાં પણ બધું તેમનું તેમજ હતું. તેના મમ્મી-પપ્પા પણ એજ જૂની સાદગીથી રહેતા હતા, નહોતું કોઈ નવું ફર્નિચર કે સામાન રાત્રે બેડરૂમમાં કૃપાએ પાર્થને પુછ્યું “આપણને આટલા બધા ડોલર મોકલીએ છીએ એ જાય છે ક્યાં?”

પાર્થને પણ નવાઈ લાગતી હતી બોલ્યો”હું પપ્પાને કઈ રીતે પુછું કે તમે રૂપિયા ક્યાં વાપરો છો?”

કૃપાને શંકા ગઈ કે તેના સસરા બધા રૂપિયા જુગાર રમતા તો નહીં ઉડાડતા હોય! પણ તે આ વાત પાર્થને કહેતા ગભરાતી હતી.

બીજા દિવસે સવારે મોટી સફેદવાન તેમના ઘરે આવીને ઊભી રહી ગઈ. અંદરથી ડોક્ટર અને કમ્પાઉંડર નીકળી રિપોર્ટ કરતા બોલ્યા “મોહનભાઇ, દેહગામથી આગળના ગામડામાં ટાયફોઈડના ખૂબ કેસ છે. કુલ બાવન ગરીબ દર્દીઓને મફત દવા અને સારવાર આપેલ છે.” આ સાંભળી મોહનભાઇ ખુશ થઈ બોલ્યા. “બહું સારૂ કર્યું.” પાર્થ અને કૃપા પપ્પાની નવી ગાડી જોતાં જ રહી ગયા.

મોહનભાઇ તો તેમનો નિત્યક્રમ પતાવી સાદા કપડાં પહેરી સ્કૂટર ઉપર ચાના ગલ્લે જતાં રહ્યાં. પાર્થ અને કૃપા તૈયાર થઈને મહોલ્લામાં પડોશી અને મિત્રોને મળવા તૈયાર થયા. કૃપાએ રોલો પાડવા ખાસ અમેરિકાનું મોઘું પરફૂયમ છાટયું.

સામેના ઘરમાં પાર્થનો મિત્ર વિપુલ હજુ મજુરી કરીને જ ગુજરાન ચલાવતો હતો. તેના મા દયાબેન પાર્થને યાદ આવી ગયા. તે નાનો હતો ત્યારે દરરોજ તેને પ્રેમપૂર્વક ચોકલેટ અને ખાવાનું આપતાં હતા તે યાદ આવ્યું. પાર્થને જોતાં જ વિપુલ ખુશ ખુશાલ થઈ ગયો. પાર્થે જતાવેત તેની માને યાદ કર્યા. વિપુલે ગંભીર બની જવાબ આપ્યો “મારી માને બંને આખે મોતિયા આવ્યા હતા તેથી દેખાવાનું બિલકુલ બંધ હતું. અહી મોતિયા ઓપરેશન તો નજીવા દરે થાય છે. પણ લેન્સના ત્રીસ હજાર લાવવા ક્યાથી? પાર્થ વિચારમાં પડી ગયો. ત્યાં તો વિપુલ આગળ બોલ્યો “આતો સારૂ થયું તારા પપ્પાએ લેન્સના બધા રૂપિયા આપ્યાને મારી માં દેખતી થઈ ગઈ.” પાર્થ દયામાને જોતો જ રહી ગયો તેમના કરચીલાવાળા ચહેરામાંથી આંસુ તગતગી રહ્યાં હતા. ધ્રૂજતા હાથે આર્શિવાદ આપતા બોલ્યા “બેટા તારા પપ્પાનું માતાજી ભલું કરે.” પાર્થ પણ આ સાભાળી ગળગળો થઈ ગયો. કોઈએ કૃપાના મોંઘા પરફૂમની તો નોધ પણ ન લીધી. તે અકળાઇ ગઈ.

રવિવારે સવારે તેમની જ્ઞાતિની મિટિંગ બરડોલપુરાના હોલમાં જ હતી. કૃપાએ પોતાની અમીરી બતાવવા અમેરિકના મોંઘા ભાવના ડાયમંડના દાગીના અને ડ્રેસ પહેર્યા. પાર્થને જોતાં જ બધા જ્ઞાતિજનો ઊભા થઈ તેને સ્ટેજ પર બેસાડયા કૃપા વિચારતી હતી આજે અમારા વિદેશી કપડાં અને દાગીનાનો વટ પડી રહ્યો લાગે છે. ત્યાં તો જ્ઞાતીના પ્રમુખે બોલવાનું ચાલું કર્યું.” ભાઈઓ અને બહેનો છેલ્લાં બે વરસથી મોહનભાઇ જ્ઞાતીના દરેક વિધાર્થીને ફ્રી ચોપડા અને નોટબુક જરૂર પ્રમાણે મફત આપી રહ્યાં છે. તેના જેવા દાનેશ્વરીને લીધે જ આપણી જ્ઞાતિની યુવા પેઢી ભણીગણીને આગળ આવશે. આજે આપણી વચ્ચે તેમનો દીકરો અને વહુ પરદેશથી આવેલ છે. આજે આપણે તેમનું બંનેનું બહુમાન કરતાં આનંદ અનુભવીએ છીએ. તમામ જ્ઞાતિજનો પોતાની ખુરશી ઉપરથી ઊભા થઈ તાળીઓના ગડગડાટ વચ્ચે બંનેને વધાવી લીધા. પાછળ બેઠા બેઠા મોહનભાઇ મંદ સ્મિત વેરતા આર્શિવાદ આપી રહ્યા હતા. આનંદ અને ઉશ્કેરાઈથી પાર્થનું લોહી ઉછાળા મારી રહ્યું હતું. કૃપાના અમેરિકના ભારે દાગીના અને કપડાં ઝાખા પડી ગયા હતા. કોઈએ તેની નોધ સુધ્ધાં લીધી ન હતી.

પાર્થ અને કૃપા સમજી ગયા કે ફક્ત પોતાના સ્વાર્થ માટે ખરચેલા નાણાં કરતાં પરાયાની  પીડા ઓછી કરનારા નાણાંની જ લોકો નોધ લે છે. ખોટો દેખાડાથી કોઈ ફાયદો જ નથી. વાલ્કેશ્વરમાં ફ્લૅટ હોય કે બરડોલપુરમાં સાદું મકાન, શું ફરક પડે છે? હવે તેમને ડોલર ક્યાં જાય છે ક્યાં એ પૂછવાની જરૂર જ ન હતી.

પાછા વળતાં પાર્થ ઉપર અમેરિકાથી મની ટ્રાન્સફર કંપનીમાથી મોબાઈલ પર ફોન આવ્યો. “સર, આ મહિને ઈન્ડિયામાં કેટલા ડોલર ટ્રાન્સફર કરૂ? પાંચસો કે એક હજાર?”

પાર્થ જવાબ આપતા કહ્યું “હવેથી દર મહિને દોઢ હજાર ડોલર મોકલવાના છે.” મોહનભાઇ અને કૃપા તેની સામે જોતાં રહી ગયા.






Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories