09 નવેમ્બર 2023

હરાજી - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

 હરાજી - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી


ઉસ્માનપુરામાં આવેલી સેવનસ્ટાર હોટલ રવિવારે ઉતરતી સાંજે લાઈટો થી ઝગમગી રહી હતી. બહાર આશ્રમરોડ ઉપર લકઝરી ગાડીઓથી ટ્રાફીક જામ થઈ ગયો હતો. બહાર સ્વીમીંગપુલ પાસેના ખુલ્લા ગાર્ડનમાં કલારસીકોની ભીડ જામી હતી. ચારે તરફ ખુલ્લા ગાર્ડનમાં ગોઠવેલાં ભવ્ય ટેબલખુરશી ઉપર કલારસિકો ગોઠવાઈ ગયા હતા. દુર સ્ટેજ ઉપર જુદાજુદા પેઈન્ટીંગ પડદાથી ઢાંકેલાં ગોઠવાયેલા હતા. ત્યાં ગોઠવાયેલાં મોટા ટેબલની બાજુમાં બે ત્રણ ખુરશીઓ ગોઠવી હતી. તેની ઉપર સૂટ પહેરીને હોટલના મેનેજર પેઈન્ટીંગની હરાજી કરવાના હતા. આજે જ સાંજે મુંબઈના પ્રખ્યાત ચિત્રકાર અકબરહુસેન પણ બાજુની ખુરસી ઉપર બેઠાં હતા. સફેદવાળ, દાઢી,પીઢ ચહેરો અને ટ્રેડીશનલ ડ્રેસ તેના સફળ ચિત્રકારત્વની ચાડી ખાતાં હતા. તેના ચિત્રો એટલાં મશહુર હતાં કે વિશ્વ માં કોઈ પણ જગ્યાએ તેના લાખો રૂપિયા આસાનીથી ઉપજી  જતા. 

બરાબર સાંજે સાડા છ વાગે ચિત્રોની  હરાજી  ચાલુ થઈ. પહેલું ચિત્ર હતું કુદરતી લેન્ડસ્કેપનું લીલાછમ વૃક્ષોની વચ્ચે પહાડમાંથી પસાર થતી નદીનું ચિત્ર સુંદર દીપી રહયું હતું. મેનેજરે બોલી ચાલુ કરી. શરૂઆત થઈ ત્રીસ લાખથી અને ધીમેધીમે વધતાં વધતાં ચાલીસ લાખમાં ચિત્ર વેચાઈ ગયું. 

બીજુ ચિત્ર હતું એક નવયુવાન  સુંદરીનું તેના હોઠ, આંખો અને ડ્રેસના કલર તથા આકાર એટલાં કુદરતી હતાં કે જાણે હમણાં સુંદરી બોલી ઉઠશે. હરાજી કરનાર મેનેજર ઉભા થયા અને બોલ્યા કલાના કદરદાનો, જુઓ આ પેઈન્ટીંગમાં રહેલી કલા નીરખો, અને બોલી ચાલુ કરો, તેનો તળિયાનો ભાવ છે પચાસ લાખ રૂપિયા. નવયુવાન લાખોપતિ શેઠિયાઓ આ ચિત્રને લેવા તલપાપડ હતા, એક બોલ્યો સાઈઠ લાખ રૂપિયા. અંતે એ ચિત્ર વેચાઈ ગયું. એક પછી એક પાંચ પેઈન્ટીંગ વેચાઈ ગયા. 

હવે એક જ છેલ્લું પેઈન્ટીંગ બાકી રહી ગયું હતું પેઈન્ટર અકબરહુસેને ને પોતે ઉભા  થઈ જાહેરાત કરી. કદરદાનો આ મારૂં છેલ્લું સર્વશ્રેષ્ઠ પેઈન્ટીંગ છે, જે મે અહીં અમદાવાદ આવીને બે દિવસ પહેલાં જ દોરેલું છે. તેનું નામ છે ’’દરિદ્રનારાયણ.’’ 

ચિત્ર પરથી પડદો ઉઠાવતાં બધાના મોંમાંથી આહ નીકળી ગયું. બધા બોલી ઉઠયા ’’શું સુંદર અને નેચરલ પેઇન્ટિંગ  છે?’’ 

ત્રણ વરસનું ફાટેલા કપડાંવાળું બાળક જમીન ઉપર બેઠેલું., તેના ચહેરા પર નિર્દોષ માસુમિયત ટપકતી હતી. મોં દયામણું જાણે ત્રણ દિવસથી ભૂખ્યું હોય, હોઠ સુકાયેંલાં વાળ ઝાંખા પાતળા પણ એકદમ નેચરલ, આંખો અંદર ઉતરી ગયેલી, પાસે એક ખાલી વાટકી. જાણે કે તેની ભૂખની અને દરિદ્રતાની ચાડી ખાતી હતી. બાળક એટલું નેચરલ લાગતું હતું કે જાણે હમણાં બોલી ઉઠશે. ’’બાબા એક રૂપિયા દે દો, તીન દિન સે કુછ નહીં ખાયા.’’

બધા કલા પ્રેમીઓ આ ચિત્ર લેવા ઉત્સુક બની ગયા. પેઈન્ટર અકબરભાઈ પણ તેની બનાવટ યાદ કરતાં વિચારમાં ડુબી ગયા. બે દિવસ પહેલાં જ તે વાડજની ઝુંપડપટીમાં ફરી રહયાં હતાં. છેલ્લા ઝુંપડા પાસે તે અટકી ગયા. બહાર ફળિયામાં ત્રણ વરસનો રિકું ખાલી વાટકા સાથે ભૂખ સાથે બેસીને તેના બાપની રાહ જોઈ રહયો હતો. તેના બાપા રાજુભાઈ મજુરીએથી હજુ આવ્યાં ન હતા. 

ઉતરતી બપોરનું વાતાવરણ શાંત હતું, શાંત બેઠેલા રિકુંને જોઈ પેઈન્ટરે એકદમ તેનું ચિત્ર દરિદ્રનારાયણ બનાવવાનું નકકી કરીનાખ્યું. ફકત ત્રણ કલાક બેસી રહયો, અને સર્જન થયું સુંદર કલાત્મક પેઈન્ટીંગનું. 

ચિત્ર પુરૂ થયું ત્યાં સાંજના સાત વાગે તેના પપ્પા રાજુભાઈ મજુરીએથી આવી ગયા. પોતાના દિકરાનું સુંદર ચિત્ર જોઈ તે આફિ્રન થઈ ગયા, અને બોલ્યા. પેઈન્ટર સાહેબ, તમે તો કમાલ કરી નાખી, ખુબ જ સરસ ચિત્ર દોરાયું છે. એ વખતે રાજુભાઈ ને ખબર  પણ ન હતી કે તે ભારતનો મશહુર  ચિત્રકાર સામે ઉભો છે. ચિત્રકારે તેના બાળકના સહકાર અને કામના વળતર પેટે પાકીટ કાઢયું તો રાજુભાઈ બોલી ઉઠયા. સાહેબ, તમે મારા રિકું ને આટલો સુંદર ચિતર્યો એ જ મારે મન વળતર છે, અમે મહેનત વગરનું કંઈ જ લેતા નથી. એમણે મનમાં વિચાર્યું કે વળતરના ત્રીસ ચાલીસ રૂપિયામાં શું લેવાનું ? ભારતના  ઉતમ ચિત્રકારની કલાની કિંમત આ છુટક મજુરી કરનારો શું જાણે ??

ચિત્રકાર અકબર હુસેન તેના જવાબથી ફિદા થઈ ગયા. અત્યારે પણ તે વિચારતા હતા. એક મજુર બાપનું મન કેટલું મહાન છે. ? 

ઉમટી પડેલા તમામ કલારસિકો આ ચિત્ર લેવા તલપાપડ બની ગયા. બોલી ચાલુ થઈ સાઈઠ લાખથી અને એકસઠ લાખ વધતાં વધતાં બાસઠ લાખ અને છેવટે પાંસઠ લાખે પહોંચી. 

કરોડપતિ ધનલક્ષમીબેન તેમની ચેરીટી ટ્રસ્ટની ઓફિસમાં આવું જ ચિત્ર લગાડવા માંગતા હતા, જેને જોઈને દાતાઓ દાનનો પ્રવાહ વહેવડાવી દે. તેમનો કુતરો ટોમી કુદાકુદ કરીરહયો હતો. એ શાંત રહે એટલે ધનલક્ષમીબેને મોઘા ભાવનાં બિસ્કીટ કાઢીને રકાબીમાં મુકયા, કે જેથી બોલી સરખી રીતે બોલી શકાય. આ ચિત્ર કોઈ પણ ભોગે તેમણે લેવું હતું. 

હરાજી પુરી થાય, પછીથી હોટલ તરફથી પાર્ટીનું આયોજન હતું. બહાર ખુલ્લામાં જ ટેબલો ઉપર પકવાનો ગોઠવાતાં જતાં હતાં. તાજા પુલાવ,સમોસા અને મિઠાઈની સુગંધથી બહાર દરવાજે ભિખારીઓ ડોકાઈ રહયાં હતા. પણ મેઈન ગેટ બંધ હોવાથી ભુખ્યાં છોકરાઓ બહાર રાહ જોઈને ઉભા હતાં.

એક ગાડી બહાર જવા આવી,  એટલે વોચમેને દરવાજો ખોલ્યો, અને એક ભૂખ્યો બાળક અંદર દોડી ગયો અને ટોમીનું બીસ્કીટ ઉપાડી લીધુ. પાછળ વોચમેન દોડયો.

’એય બચ્ચા, કહા દોડતાં હૈ?’’  પણ બાળક હાથમાં આવે તો ને !

ધનલક્ષમીબેન ચિડાયા અને બરાડો પાડયો એય મારા કુતરાનું બિસ્કીટ કેમ લીધું? પાછળ આવેલા વોચમેન ને ધમકાવ્યો. ’’તુમ કયા ધ્યાન રખતા હૈ, અંદર ભિખારી ઘુસતે હૈ.’’

વોચમેન ગુસ્સે થઈ ગયો અને હાથમાં રહેલો ડંડો છુટો ફેકયો તે બાળક ઉપર. બાળકના માથા ઉપર જોરથી ડંડો વાગતા, ભુખ અને નબળાઈથી નબળું બાળક તમ્મર ખાઈને નીચે પડયું. તેને કુપોષણ વધારે હોવાથી એક ડચકું ખાધું અને એક જ મિનિટમાં તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું. 

એ જ વખતે ધનલક્ષમીબેન સૈાથી વધારે બોલી બોલ્યા સિત્તેર લાખ રૂપિયા. મેનજર ખુશ થઈ ગયા, અને ત્રણ વખત સિત્તેર લાખ બોલ્યા, ચિત્ર સિત્તેર લાખ માં વેચાઈ ગયું. 

બહાર દરવાજામાંથી આ દ્રશ્ય જોઈ રાજુભાઈ અંદર દોડયા, અને મૃત બાળકને જોઈ હેબતાઈ ગયા. તેમણે ચિત્રકાર અકબરહુસેનને જોઈને કહયું ’’પેઈન્ટર સાહેબ , મેરે બાબા કે નસીબમેં બિસ્કીટ ભી નહીં હૈ??’’ પેઈન્ટર પણ છોકરાંને જોઈ અજાયબ અને ક્ષોભિત થઈ ગયા. તે વિચારમાં પડયા ’’આ તો એ જ બાળક છે, જેના ચિત્રના અત્યારે સિત્તેર લાખ ઉપજી રહયા છે.’’

ચારે તરફ સોપો પડી ગયો. મૃત બાળકનો ચહેરો જોતાં તમામ કલારસિકો અને ધનલક્ષમીબેન ક્ષોભિત થઈ  ભોઠા પડી ગયા. આ તો એ જ  ચિત્રવાળો છોકરો છે.

રાજુભાઈ રડતી આંખે બધા સામે જોઈ બોલી ઉઠયા. જીવતાં બાળકને ખાવા નસીબમાં કુતરાનું બિસ્કીટ પણ નહી, અને તેના ચિત્રના સિતેર લાખ રૂપિયા !

વાહ રે દુનિયા વાહ ! તમામ કલારસિકો નજરો ઝુકાવી, ગમગીન બની ઉભા હતા. ચિત્રમાં રહેલા બાળકની આંખો જાણે કે રડીને કહી રહી હતી. 

યે દુનિયા અગર, મિલ ભી જાયે તો કયા હે ? જહા આદમી કી કીંમત કુછ ભી નહી હૈ?

જલા દો, જલા દો, ફુંક ડાલો યે દુનિયા ??. તુમ્હારી હે તુમ્હી સંભાલો યે દુનિયા”





If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


હરાજી - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories