દાનેશ્વરી કરણ
ડૉ. કરણ
જલદી આવો, તમારા
મિત્રે ઊંઘની વીસ ગોળીઓ ખાઈ લીધી છે.” જયાબહેને ફોન પર ચિંતાગ્રસ્ત અવાજે કહ્યું. “હું તરત જ આવું છું, જયાભાભી !” ડૉ. કરણે કહ્યું
અને તરત જ સ્કૂટર તેના સ્કૂલ મિત્ર અજિતના ઘર
તરફ દોડાવ્યું.
ડૉ. કરણ અને અજિત
શાળામાં પહેલા ધોરણથી સાથે હતા. કરણ હોશિયાર હતો, તે આગળ ભણીને ડૉક્ટર બની ફૅમિલી ફિઝિશિયન
બન્યો, જ્યારે
અજિતે બી.કૉમ. અભ્યાસ કરી બે-ત્રણ કંપનીઓમાં ટ્રાય કરી નોકરી લીધી પણ ક્યાંય ન
ફાવતાં છેવટે
તેણે
પોતાનો શૅર ટ્રેડિંગનો વ્યવસાય સ્વીકારી લીધો.
ડૉ. કરણ ખરેખર
દાનવીર અને વિશાળ હૃદયના હતા. તેમની પોતાની પ્રૅક્ટિસ સારી હતી, પણ જેને જરૂર હોય
તેને મદદ કરવા હંમેશાં તૈયાર ! કોઈ પણ મિત્ર, કામવાળી કે પછી
કંપાઉંડર જરાપણ તકલીફ લઈને કોઈ આવે એટલે બસો, પાંચસો તે તરત આપી દે, એટલે જ તેમના મિત્રમંડળમાં તેમનું નામ દાનવીર કરણ પડી
ગયેલું. તેમનાં પત્ની ડૉ. કૃતિબહેન પણ ડૉક્ટર હતાં અને સરકારી હૉસ્પિટલમાં નોકરી
કરતાં. પગાર સારો પણ જીવ ટૂંકો. તેમને ડૉ. કરણ બધાને મદદ કરતા ફરે એ જરાપણ ન ગમે. બંને વચ્ચે આ બાબતે કાયમ
વિવાદ અને પછી અંટસ થઈ જતી. કૃતિબેન કહેતા આપણે
મહેનત કરીને કમાઈએ, એ બધાને લૂંટાવી ન
દેવાય, પણ કરણ માને તો ને !
ડૉ. કરણના
કંપાઉંડરના પિતાજીને એક દિવસ અચાનક હાર્ટઍટેક આવ્યો. તરત જ ડૉ. કરણે તેમને
પ્રાઇવેટ હૉસ્પિટલમાં દાખલ કરાવી દીધા. કંપાઉંડર રાવજીભાઈ હાથ જોડીને ખર્ચાનું
પૂછતા રહ્યા, તો ડૉક્ટરે
કહ્યું એક વખત તારા પિતાજીને સરસ મજાના સાજા થઈ જવા
દે, પછી બિલનું જોઈ લઈશંુ. સાત દિવસની મહેનત પછી પિતાજી તો સાજા
થઈ ગયા, પણ બિલ આવ્યું ત્રીસ હજાર રૂપિયા. ડૉ. કરણ વિચારમાં પડી ગયા. આટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી ? અને વિચાર
કરીને તેમણે કૃતિબહેન માટે નવી સાડી લાવવાના ભેગા કરેલા રૂપિયા આપી દીધા. ડૉ.
કૃતિબહેન ઊકળી ઊઠ્યાં, “હું
નોકરીમાં આટલી બધી મહેનત કરું અને માંડમાંડ બચત કરેલા રૂપિયા ઉડાવી દીધા.” ડૉ. કરણે શાંતિથી
જવાબ આપ્યો “કૃતિ, એક માણસનો જીવ બચતો
હોય તો સાડીની શી ઉતાવળ છે ? પછીથી ખરીદશું.”
બંને વચ્ચે ભારી
વિવાદ પછી અબોલા થઈ ગયા. ત્રણ મહિને ડૉ. કરણે ભારે મહેનત કરી રૂપિયા બચાવી, નવી સાડી અપાવી પછી
માંડ ગાડી પાટે ચડી. બંનેના સ્વભાવમાં આસમાન જમીનનો તફાવત હતો.
વિચારો ચાલુ હતા, ત્યાં ડૉ. કરણનું
સ્કૂટર અજિતના ઘર આગળ આવી ગયું. અજીત બેભાન હતો, તેણે ઊંઘવાની ગોળી ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાબત શી
છે, તે પૂછતાં
તેમનાં પત્ની જયાબહેને ફોડ પાડ્યો. “ડૉક્ટર સાહેબ, તમે તો જાણો છો જ, અત્યારે શૅર બજાર ભારે મંદીમાં છે. અજિતે મોટા ખેલો
કરીને ખૂબ જ નુકસાન
કરેલ
છે. બધું જ વેચી દેતાં હજી પચાસ હજાર ખૂટે છે. તેમાં એને જેલની સજા થાય તેમ છે, તેથી
આવેગમાં આવી આવું પગલું ભર્યું છે.” ડૉક્ટર કરણ પણ
પોતાના શાળામિત્રની આવી હાલત જોઈ ગમગીન બની ગયા. પોતાના ખર્ચે તેમણે
પોતાના ગોઠિયા અજીતને સારી પ્રાઈવેટ હોસ્પીટલમાં દાખલ કરાવી દીધો.
ભારે મહેનત પછી
પાંચ દિવસે ડૉક્ટરે અજિતને બચાવી લીધો, પણ તેનું પચાસ હજારનું દેવું તો ઊભું જ હતું. અજિત અને
જયાબહેન મદદ માટે હાથ જોડીને ઊભાં હતાં.
દાનવીર કરણે જરા પણ
વિચાર કર્યા વગર, જેમ સવારના પહોરમાં
માગવાવાળા ભગવાન ઇન્દ્રને પોતાનાં કવચ અને કુંડળ આપી દીધાં હતાં, તેમ ડૉ. કરણે
પોતાની જૂની ગાડી વેચી મારી, અને તેમાંથી પચાસ હજાર અજિતને આપી દીધા.
કૃતિબહેનને ખબર
પડતાં લાંબો ઝઘડો થઈ ગયો અને તેનો અંત ન આવતાં છેવટે તે રિસાઈને પોતાને પિયર જતાં
રહ્યાં. માંડમાંડ વડીલોએ મહેનત કરી ત્રણ મહિને સમાધાન કરાવી દીધું. છેવટે એકની એક દીકરીના
હિત માટે કૃતિબહેન
પોતાને
ઘેર પરત આવ્યાં.
અજિત અને તેના પત્ની
જયાબેન દેવું ભરપાઈ કરીને ક્યાં જતાં રહ્યા તે ખબર જ ન પડી. કરણને તેના પત્ની કૃતિબેન દરરોજ મહેણાં મારતા જોયું, “તમારા મિત્ર પચાસ હજાર લઈને છુ થઈ ગયા, તમે ખોટી તેમને માટે આપણી ગાડી વેચી મારી.” પણ ડૉ. કરણ શાંતિથી બોલ્યા, “જરૂર કોઈ મુશ્કેલીમાં
હશે, આપણું ઉધાર એ ચોક્કસ ચૂકવશે.”
સમયના પંખીને ઊડતાં
ક્યાં વાર લાગે છે, જોતજોતામાં પંદર વર્ષ પસાર થઈ ગયાં, તેમની
દીકરીના લગ્નનો સમય પણ આવી ગયો, પણ તેમના મિત્ર અજિતભાઈ અને જયાભાભીના કોઈ જ
સમાચાર ન હતા.
અચાનક એક રવિવારે
સવારે અજિત અને જયાબહેન તેમના ઘેર આવ્યાં. કૃતિબહેન તેમને જોઈ છંછેડાઈ ગયાં. ડૉ.
કરણ બંનેને જોઈ અચંબામાં પડી બોલ્યા, “આવો, આવો, આટલાં બધાં
વર્ષો ક્યાં હતાં ?” તેમણે કૃતિબહેનને બંને માટે ચા મૂકવા
જણાવ્યું. કૃતિબહેન રસોડામાં ચા મૂકવા જતાં બબડ્યાં, “આવા લુખ્ખાઓને શું
ચા પીવડાવવાની
જરૂર છે ?”
અજિતે પોતાની વિગત
રજૂ કરી, “ડૉક્ટર કરણ, આપની મદદથી મારો
જીવ બચી ગયો અને દેવું ઊતરી ગયું પછી અમે મારા કઝીનની સાથે ધંધો કરવા મુંબઈ જતાં
રહ્યાં તેથી કોઈ જ સંપર્ક ન થયો તે બદલ ક્ષમાયાચના.”
કૃતિબહેને ચાનો
ટેસ્ટ કરવા ડૉ. કરણને રસોડામાં બોલાવ્યા અને કહ્યું, “જો આ વખતે કોઈ પણ મદદ કરી છે, તો મારા જેવી ભૂંડી
કોઈ નથી. હજુ આપણી દીકરીનાં લગ્ન માટે દાગીના અને ગાડી લેવાની જોગવાઈ તો થતી નથી.” ડૉ. કરણે ધીમેથી
કહ્યું, “જોવા તો દે, મને મળવા જ આવ્યા
લાગે છે.”
ડૉ. કરણ બહાર આવતાં
અજિતે નમ્રતાપૂર્વક કહ્યું,
“તમે લોકો તો જાણો જ છો, શૅર બજાર તો રોલર કોસ્ટર જેવું છે, જે ક્યારેક ઉપર તો
ક્યારેક નીચે જાય છે. એ વખતે મારો સમય ખરાબ હતો, પણ પછીની તેજીમાં
સિતારો ચમકી ગયો. મેં એ જ વખતે તમારા દેવાના પચાસ હજાર પરત કરવાનો નિર્ણય કર્યો
હતો, પછી થયું હું પણ મારી હોશિયારીથી આપને મદદ કરું. મેં એ જ વખતે
પચાસ હજાર રૂપિયાના ઇન્ફોસીસના શૅર તારા નામે લઈ લીધા.”
ત્યાં તો અંદરથી
કૃતિબહેન તાડૂક્યા, “હવે તમને
કોઈ મદદ નહીં મળે, અમારે ઘેર
પણ દીકરીનાં લગ્ન આવે છે.” અજિતે ફરી
નમ્રતાપૂર્વક કહ્યું, “લો આ પચાસ
હજાર આપના રોકડા.”
ડૉ. કરણે કહ્યું “અરે, અજિત દોસ્તીમાં
એવું હોય જ નહીં, મેં ક્યાં
રૂપિયા પરત માંગ્યા છે ?”
“પણ અમારી વાત આગળ
તો સાંભળો” એમ કહી
બંને જણા ધીમેથી ઊભા થયા,
અને
બોલ્યા, “ડૉક્ટર
સાહેબ આપના શૅરોની પંદર વર્ષ પછી કિંમત થઈ છે પંદર લાખ રૂપિયા, જેમાંથી
પચાસ હજાર આપના રોકડા અને...’
બંને ડૉક્ટર દંપતી
એકીટશે અચંબાપૂર્વક સાંભળતાં હતાં. ત્યાં ફરી અજિતભાઈ બોલ્યા, “મને ખાતરી જ હતી કે
વધારાના રૂપિયા તું નહીં જ સ્વીકારે, પણ શૅરો તો તારા નામે જ લીધા હતા. તેથી અમે આપના માટે
બાકીના રૂપિયાની સ્વિફ્ટ ડીઝાયર લક્ઝરી ગાડી અને આપની દીકરી માટે બે સોનાના અને એક
હીરાનો સેટ લાવ્યા છીએ, આપ આનો સ્વીકાર કરી, અમને ઉપકૃત
કરશોજી.”
“અરે, આટલું બધું ના હોય.” ડૉ. કરણે કહ્યું.
કૃતિબહેન શરમાઈને
નીચું જોઈ ગયાં. અજિતે નમ્રતાથી કહ્યું, “ડૉક્ટર સાહેબ, આ આપના જ રોકાણના પૈસાની ખરીદી છે. મેં તો ફક્ત આપના
નામે રોકાણ જ કરેલ હતું.”
ડૉ. કરણ હર્ષનાં
આંસુ સાથે પોતાના દોસ્ત અજિતને ભેટી પડ્યા.
દાગીનાનાં બૉક્સ
અને ગાડીની ચાવી ડૉ. કરણને સોંપી બંને હાથ જોડી ધીમે પગલે ઘરની બહાર નીકળી ગયાં.
સોના અને હીરાના દાગીનાની ચમકથી કૃતિબહેનની આંખોનાં ઝળઝળિયાં ચમકી રહ્યાં હતાં.
દાનવીર
કરણની દાનવીરતા હવે રંગ લાવી રહી હતી. બહાર સૂર્યપ્રકાશમાં નવી નક્કોર લક્ઝરી ગાડી
ઝગારા મારતી હતી.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
દાનેશ્વરી કરણ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories