રૂડી ભિખારણ
આમીનાબેન સવારના નવ વાગે ઓફિસે જતાં જતાં તેમના
ચોવીસ કલાકના કામવાળી રશીદાબેનને છેલ્લી સુચના આપી રહયા હતા.”જો મુન્નાને ખાવા માટે સેરેલેક અને દૂધ
તૈયાર રાખેલ છે, તેને જરાપણ રડાવતાં નહી. હમેશા તેડીને
ફરજો, બપોરે બહુ ગરમીમાં એસી રૂમમાંજ
સુવડાવજો.”
“હા,મેડમ, તમારે કોઈ ચિંતાની જરૂર નથી, હું એને મારા દીકરાની જેમજ રાખીશ.” રશીદાબાનુએ જવાબ આપ્યો.
અમીનાબેન અને વસિમભાઈનો જુહાપુરામાં મોટો સુંદર
બંગલો હતો.લગ્નના સાત વરસ પછી મુન્નાનો જન્મ થયો હોવાથી બન્ને તેના માટે વધારે
પડતા ચિંતિત અને ઉત્તેજીત હતા.તેની દેખરેખ અને ખવડાવવા પીવડાવવા માટે તેમણે ચોવીસ
કલાક માટે રશીદાબાનુને રાખી લીધા હતા.
અમીનાબેનને એમ.બી.એ.ની ડીગ્રી ઉપર કોર્પોરેટ
બેંકમાં ડાયરેક્ટ ઓફિસરની નોકરી મળી ગઈ હતી. પગાર ખુબ સારો ,પણ સવારે નવ વાગે નીકળી જાય તો સાંજે
આઠ વાગે ઘેર આવતા.તેમના પતિ વસીમભાઈ પણ ગાંધીનગર સચિવાલયમાં ઉચ્ચ હોદ્દા ઉપર
હોવાથી સવારે નવ વાગે નીકળી જાય તો સાંજે સાત આઠ વાગે ઘેર આવતા.
અમીનાબેન રોજ સવારે પોતાની ગાડીમાં જાતે ડ્રાઈવ
કરીને બેંકમાં નોકરી પર જતા.
મંગળવારે બપોરે તેમને બેંકના કામે અંજલિ ચાર
રસ્તા જવાનું થયુ. ટ્રાફિકમાં તે ગાડીમાં બેઠા હતાં, ત્યાં રૂડી ભિખારણ અને મંગો ભિખારી દશ માસના છોકરાને કપડામાં લપેટીને
ભીખ માંગી રહી હતી. બાળકે ગંદુ ફાટેલું ઝબલું પહેર્યું હતુ.
“બચ્ચાને દૂધ માટે પૈસા આપો. માઈબાપ, અલ્લાહ તમારું ભલું કરશે.” આવું બોલીને ભિખારણ છોકરાને તડકામાં બહાર કાઢી, કરુણા પ્રગટાવતી હતી, તેથી જે જુએ તે પાંચ દશ રૂપિયા તો આપીને જ જાય.
અમીનાબેન તેને જોતાવેત વિચારમાં પડ્યા.”અરે ! આ તો મારા મુન્ના જેવો જ દેખાય
છે, પણ આણે તો ગંદુ ઝબલું. પહેરેલું છે, જ્યારે મારો મુન્નો તો નવા સુંદર
કપડામાં સોહામણો લાગેછે.”
ફરી પાછો તેના મનમાં વિચાર આવ્યો. “આ ભિખારણ પણ કેવી છે? આટલા નાના બાળકને તડકામાં ફેરવાય કેવી
રીતે?” ત્યાં તો બાળક ભૂખથી રડવા લાગ્યુ.
ભિખારણે ગંદી બાટલીમાંથી ડહોળું પાણી પીવડાવીને તેને ચુપ કરી દીધુ. અમીનાબેન તેને
વીસ રૂપિયા ભીખમાં આપ્યા.
અમીનાબેન વિચારે ચડ્યા,આ ભિખારીઓના બાળકો બિચારા તડકામાં
ફરીને દુધને બદલે પાણી પીવે પછી શું હાલ થાય?
રાત્રે છૂટીને તે ઘેર આવ્યા અને મુન્નાને એસી
રૂમમાં સુતો હતો, તે જોઈ લીધુ અને તેમને હાશ થઇ.
બે દિવસ પાછી મુન્નાને એકદમ તાવ રહેવા લાગ્યો,સાથે ઝાડા ઉલ્ટી પણ થયા.તેની દવા ડૉ.
ભટ્ટ પાસે જ ચાલુ હતી, તેથી તે બન્ને મુન્નાને બતાવી ગયા. દવા
ચાલુ કરી અને બે દિવસમાં ઓલરાઈટ !
ત્રણ દિવસ પછી પાછો મુન્નાને તાવ અને ઝાડા
ઉલ્ટી ફરીથી દવા ચાલુ, આમને આમ ત્રણ વખત થયું.
અમીનાબેન અને વસીમભાઈ બન્ને ચિંતામાં ત્રીજી
વખત એકજ તકલીફ માટે ડૉ.ભટ્ટ પાસે લાવ્યા. તેમણે તપાસીને ફરી સુચના આપી. “તમે બન્ને જણા સર્વિસ કરો છો, પણ મુન્નાને તડકામાં બહાર ફેરવો છો? તેના ખાવાપીવામાં કોઈ કચાશ છે?”
“ના ડોક્ટર,અમે બન્ને તેના ખોરાક પાણીનું ખુબ ધ્યાન રાખીએ છીએ. તેની મમ્મી દરરોજ ચોખ્ખું પાણી,અને તાજું ખાવાનું કાઢીને, બાઈને આપીને જાય છે. બપોરે તેને એસી રૂમમાં સુવડાવવાનું કહીએ છીએ, તેથી તેને તડકામાં ફેરવવાનો તો સવાલ જ નથી.” તેના પપ્પા વસીમભાઈ એ વિચારીને જવાબ આપ્યો.
ડોક્ટરે ફરી પૂછ્યું “તમારી બાઈ વિશ્વાસુ તો છે ને ? તે એને લઈને બપોરે બહાર રખડવા નીકળી
પડતી હોય તેવું તો નથી ને ?”
બન્ને વિચારમાં પડી ગયા. અમીનાબેન બોલ્યા, “અમારા બન્નેની નોકરી આઠ નવ કલાકની છે
એટલે અમારે મુન્નાને બાઈને ભરોસે છોડવો જ પડે ને !”
“એક કામ કરો,
હવે તો બધા જ સીસીટીવી કેમેરા લગાડતા
થઇ ગયા છે, તેનું દૃશ્ય તમે બન્ને તમારા મોબાઈલમાં
સેટ કરીને જોઈ શકશો.” ડોક્ટરે આઈડીયા આપ્યો.
સાચી વાત છે ખર્ચો થશે પણ આ તો મુન્નાના
આરોગ્યનો અને જિંદગીનો સવાલ છે. એટલે ખર્ચો તો કરવો જ પડે.” વસીમભાઈ બોલ્યા.
બે દિવસમાં તેમના દરેક રૂમમાં અને બહારના મેઈન
દરવાજે સીસીટીવી કેમેરા લાગી ગયા.તેનું દૃશ્ય બન્નેના મોબાઈલમાં જોઈ શકાય તેવી
રીતે ગોઠવી દીધુ. રશીદાબેનને ખબર ના પડી કે આ બધું શું છે? તેને ખબર પાડવાની જરૂર જ ક્યાં હતી?
બીજા દિવસે બેંક પર પહોંચી દશવાગે અમીનાબેનને
યાદ આવ્યુ, તેમણે કેમેરા ઓન કરી બહારના મેઈન
ડોરનું દૃશ્ય જોયું, તો દરવાજા ઉપર રૂડી ભિખારણ અને ભિખારી
બેલ મારી ઉભા હતા. અમીનાબેન નવાઈ પામ્યા” ઘેર ભિખારી કેમ આવ્યા હશે?”
ત્યાં તો રશીદાબેન અંદરથી દરવાજો ખોલી મુન્નાને
લઇ આવ્યા, અને તેને ભિખારણને સોંપી દીધો. ભિખારણે
તેના નવા કપડા કાઢી ગંદુ ઝબલું પહેરાવી દીધુ. અમીનાબેન આ જોઇને સમસમી ગયા,અને વિચાર્યું “ અરર !! આ શું ?”
રૂડી ભિખારણ અને રશીદાબેન જોર જોરથી કાંઈ વાતો
કરતા હોઈ તેમ લાગ્યુ. અમીનાબેન બેંકમાં પોતાના ટેબલ ઉપરથી ઉભા થઇ અંદર કેબીનમાં
ગયા અને વોઈસ ચાલુ કર્યો. તેમની વાતચીત સાંભળીને સુન્ન થઇ ગયા.
રશીદાબેન ભિખારણને ધમકાવી રહયા હતા, “તમને મુન્નો ભાડે આપતાં મહિનો થઇ ગયો.
તેને લીધે તમને મળતી ભીખની આવક પણ કેટલી બધી વધી ગઈ. હવે મને મહિનાનું સાત હજાર
ભાડું તો આપો.”
અમીનાબેન કાંપી ગયા.” અરેરે ! આ બાઈ તો ભિખારણને મુન્નો ભાડે
આપે છે “
રૂડી ભિખારણ રશીદાબેનને સમજાવતાં બોલી, “તમારી વાત સાચી છે, પણ અમે હમણા જ સાત હજાર ભેગા થયે આપી
દઈશું”.
અમીનાબેન ગુસ્સે થઇ કમકમી ગયા. તેમને યાદ આવી
ગયુ, તે દિવસે રૂડી ભિખારણ જ તડકામાં મારા
મુન્નાને ફેરવીને ભીખ માંગી રહી હતી. એ વખતે જ મેં વિચાર્યું હતુ કે આતો મારા
મુન્ના જેવોજ છે, પણ તેણે ફાટેલો અને ગંદા કપડાં
પહેરાવેલા એટલે હું ભૂલ ખાઈ ગઈ.”
અમીનાબેને બેંકનાં મેનેજરને અને તમામ સ્ટાફને આ
વાત કરતાં તમામ સ્ટાફ આશ્ચર્યચકિત થઇ ગયો.
તેમણે તરતજ વસીમભાઈ ને ગાંધીનગર મોબાઈલ જોડયો.
ગુસ્સામાં વાત કરતાં તે ગળગળા થઇ ગયા. “અરે ! આ રશીદા તો મુન્નાને ભાડે ફેરવી રૂપિયા બનાવે છે.”
“શું વાત કરે છે?” વસીમભાઈનો
ગુસ્સો હાથમાં ના રહયો. “ચાલ, જલ્દી ઘેર ચાલ રશીદા નો ફેંસલો આજ જ કરી દેઈએ.” વસીમભાઈ બરાડ્યા.
બન્ને જલ્દી જલ્દી ઘેર આવ્યા અચાનક બન્નેને ઘેર
આવીને મુન્નાની પૂછપરછ કરતાં રશીદાબેન ગભરાઈ ગયા,અને ગારા ચાવવા માંડ્યા.” એ તો મારી બહેન તેને રમાડવા લઇ ગઈ છે, હમણાં પરત આવી જશે.”
“ખોટું બોલે છે.” અમીનાબેન
ગુસ્સે થઇ બોલ્યા.વસીમભાઈએ તરતજ પોલીસને ફોન કરી રૂડી ભિખારણ, ભિખારી અને મુન્નાને ઝડપી લઇ મુન્નાને તેના માબાપને સોંપી, બધાને જેલ ભેગા કરી દીધા.
લાસ્ટ સ્ટ્રોક : પોતાના વહાલસોયા બાળકોને નોકરો અને આયાને ભરોસે છોડી, નોકરી કરતાં માબાપની આંખ ઉધાડનાર સત્ય
ઘટના અત્રે પ્રસ્તુત કરેલ છે.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
રૂડી ભિખારણ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories