21 ફેબ્રુઆરી 2025

તખુભા જમાદાર - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

તખુભા જમાદાર



        આખી રાતના ઉજાગરા અને ચિંતાથી તખુભા જમાદાર આજ સવારથી બેચેન હતા. તેના એકના એક ચાર વરસના મુન્નાને પાંચ દિવસથી તાવ ઉતરતો જ ન હતો. હસતો રમતો મુન્નો પાંચ દિવસના તાવથી સાવ લેવાઈ ગયો હતો. છેલ્લા બે દિવસથી તો તેણે ખાવા,પીવાનું પણ બંધ કરી દીધું હતુ. તખુભા અને તેમના પત્ની રમાબા આખી આખી રાત મુન્નાને લઈને બેસી રહેતા હતા.

        પાંચ દિવસ પહેલા શરદી,કફ અને તાવ ચાલુ થયા,એટ્લે તેમના ફેમિલી ડોક્ટરે સાદો શરદીનો તાવ કહી દવા ચાલુ કરી હતી. પરંતુ તાવે મચક ના આપતાં બે દિવસ પહેલાજ બાળકોના ડોક્ટરને કન્સલ્ટ કરવા લઈ ગયા.લોહીની તપાસ, છાતીનો એકસરે, વિગેરે રિપોર્ટ કરાવીને દવાઓ ચાલુ કરી,છતાં તાવ મચક આપતો ન હતો.

        આગલી રાતે તખુભાએ કન્સલ્ટિંગ ડોક્ટરને ફોન કરતાં,તેમણે હવે સ્વાઇન ફ્લ્યુ, ડેન્ગ્યુ વિગેરે ગંભીર રોગ પણ હોઇ શકેની શક્યતા દર્શાવી જરૂર પડે દાખલ થઈ, સારવાર અને વધારાની તપાસ પણ કરાવવી પડશે એમ સલાહ આપી.તખુભા અને તેમના પત્ની રમાબા આ સાંભળી ઢીલાઢફ થઈ ગયા.તખુભા મનમાં બબડ્યા પણ ખરા,” કેવા નવા નવા રોગો વધતાજ જાય છે!

        રમાબાએ તેમના પતિને કહયુ તમારે હજુ બીજી રજા લેવી પડશે.

તખુભા તેમના પોલીસ સ્ટેશન પર ગયા,અને ઈન્સ્પેકટર સાહેબ પાસે વધારાની રજા માગી.હજુ ચાર રજાતો હમણા જ લીધી, હજુ કેટલી રજા આપું?” કહીને સાહેબે જમાદારને ખખડાવી નાખ્યા.

        સાહેબ બાબાને તાવ હજુ ઉતરતો જ નથી. રજા આપો તો સારૂજમાદાર કરગરતા બોલ્યા.જુઓ, એક વાર ના પાડીને ! શહેરની હાલત તો જુઓ .ચારેતરફ અકસ્માતો અને આંધાધૂંધી ફેલાયેલા છે,એમાં તમારી રજા મંજૂર ક્યાંથી કરૂ ?”હવે સાહેબ બરાબરના બગડયા હતા.

        જમાદાર લાચારીથી સાહેબ સામે જોઈ રહયા.પરાણે ફરજ પર હાજર તો થયા પણ તેમનું ધ્યાન તો મુન્નાની બીમારીમાં જ હતું.ગઇકાલેજ તેમની માતાના કહેલા શબ્દો તેમણે યાદ આવ્યા.

        તખુભા બેટા,તમે પોલીસવાળા આખો દી મારામારી,બળાત્કાર અને ચોરીનીજ વાતો કરો છો,એમાય પાછા ગરીબ હોય કે પૈસાદાર પૈસાતો લેવાના જ,પછી ક્યાંથી તારો છોકરો સારો થાય? કોઈક તો માનવતાનું, ભલાઈનું કામ કરો.

        તખુભા મનમાં ગરમ થયા.મારી માને તો ધરમ કરમ સિવાય કઇં સૂઝતુ જ નથી. પોલીસવાળાને  બન્ને પાર્ટી સામેથી રૂપિયા આપે તો ના થોડી પડાય ? તેને કાઇં સમજ તો પડતી નથી. આમાં હું શું માનવતાનું કામ કરૂ ??”

        વિચારોના વમળમાં અને ચિંતાના ઉદ્વેગમાં જમાદાર ચોકીમાંથી ડંડો લઈને ફરજ ઉપર બહાર નીકળ્યા. મુન્નાની બીમારીની ચિંતામાં તેમણે કાઇં સુઝ્તુ નહતું. જો મોટી હોસ્પીટલમાં દાખલ કરવો પડેતો બીજા પૈસા ક્યાંથી આવશે, પગાર તો આ બીમારીમાં ખલાસ થઈ ગયો હતો.કોઈ સારો કેસ હાથમાં આવી જાય તો સારા પૈસા મળશે, તેની લાલચ અને ચિંતામાં તે ચાલી રહયાં હતા.થોડુક ચાલ્યા હશે,અને દુરથી બૂમ સંભળાઇ, “ ચોર ચોર,પકડો,પકડો.

        દુરથી એક આધેડ સ્ત્રી દોડતી આવતી હતી. તેના થીંગડા મારેલા કપડાં,તૂટલા ચંપલ, લધરવધર દેખાવ તેની ગરીબીની ચાડી ખાતાં હતા,તે હાથમાં મેલી થેલીમાં કઇંક દબાવીને ભાગતી હતી.

        જમાદારે તેને જોતાજ તેને પકડવા ડંડો લઈને દોડ્યા.તેણે વિચાર્યું આ ભિખારણ કોઈક નો દાગીનો ચોરીને ભાગતી લાગે છે.

        જમાદારે દોડતા દોડતા બૂમ મારી એય ઊભી રહે, નહિતર આ દંડો તારા સગો નહિ થાય.

        પણ બાઈતો દોડતી જ રહી.હવે જમાદારના મનમાં ખુન્નસ ચડી ગયું.તેણે વિચાર્યું આ દાગીના ચોરને હું પકડી પાડું તો સાહેબ ખુશ થશે,અને મારી રજા મંજૂર કરશે.” વાત તે સાચી હતી,આ ઉપરાંત પૈસા પણ મળે તેમ હતું.

        ગુસ્સામાં તેમણે દંડો જોરથી તેના પગ ઉપર ફેંકયો. ભિખારણને વાગતાજ આહ બોલીને તમ્મર ખાઈને પડી જમીન ઉપર.

        તેના હાથ ખૂલી ગયા. થેલીમાંથી એક દવાની બાટલી બહાર ફેંકાઇ ને તુટી ગઈ. અંદરથી દવાનો રેલો આલ્યો રસ્તા ઉપર!

        જમાદારે ભિખારણને પકડી જોરથી દંડો પછાડ્યો.શું ચોરીને જતી હતી?”

        ભિખારણ હાથ જોડીને રડી પડી સાહેબ,મારો ત્રણ વરસનો લાલો ચાર દિવસથી તાવમાં વલવલી રહ્યો છે. તેને માટે આ તાવની દવા સામેની દુકાનથી ચોરીને ભાગતી હતી.

         તો વેચાતી ના લેવાય?’ જમાદાર ગુસ્સામાં બરાડયા.

        સાહેબ મારા લાલાથી વધારે શું છે? પણ ફક્ત ચાલીસ રૂપિયાની દવા જેટલાય રૂપિયા મારી પાસે હોત તો ચોરી શું કામ કરત ?” ભિખારાણે રડતાં રડતાં ખુલાસો કર્યો. 

        જમાદારને તેની લાચારી અને ગરીબીનો ખ્યાલ આવી ગયો.તેમણે પસ્તાવો થવા લાગ્યો.  અરે !આટલી નાની ચોરી માટે મે તેને દંડાથી ફટકારી આટલી મોટી સજા કરી?”

        રડતાં રડતાં ભિખારણ જમાદાર સામે કરગરી પડી.સાહેબ,હવે મારાથી તો ઊભા થવાય તેમ નથી.પણ મારૂ એક કામ કરશો?”

        શું છે?ચોરી કરીને પાછું કામ કરાવવું છે?” જમાદારને નવાઈ લાગી.

        સાહેબ સામેની ચાલીમાં ત્રીજું ઝપડુ મારૂ છે.તેમાં મારો લાલો તાવથી ફફડી રહયા છે.આ તાવની દવા લઈને એક ચમચી તેને પીવડાવી આવોને, ભગવાન તમારું ભલું કરશે.

        જમાદારને એકદમ માતાના શબ્દો યાદ આવી ગયા.કઇંક તો માનવતાનું કામ કરો.

        જમાદારને પણ તાવમાં ફફડતો તેમનો મુન્નો યાદ આવી ગયો.તેમણે  ભેગા થયેલા ટોળાને વિખેરી સામેની દવાની દુકાને ગયા.તાવની દવા બિસ્કિટ અને ચા લાવીને ભિખારણના ઝૂપડામાં પહોંચી ગયો. ઝૂપડાની હાલત જોઈ તે પણ ચકિત થઈ ગયો.એક બે વાસણ અને ફાટેલા બે કપડાં સિવાય ત્યાં કાઇં નહતુ. ફાટેલી શતરંજી ઉપર લાલો તાવમાં ફફડી રહ્યો હતો. તેનું શરીર તાવથી ધંગધગી રહ્યું હતું,આંખો ખૂલતી નહતી,બિલકુલ નબળે પડી અર્ધ બેભાન જેવો થઈ ગયો હતો.તખુભાએ શાંતિથી લાલાને બેઠો કરી ચા  બિસ્કિટ ખવડાવ્યા, અને એક ચમચી તાવની દવા પીવડાવી. મુન્નાના જીવમાં જીવ આવ્યો.પાંચ મિનિટમાં તેને તાવમાં આરામ પડવા લાગ્યો.ચા અને બિસ્કિટ ખાવાથી તેનામાં તાકાત આવી.

        આજે પહેલી વખત તખુભા જમાદારને પણ દિલમાં ટાઢક વળી.તેણે મનમાં વિચાર્યું,”વાહ ! આજે એક સારૂ માનવતાનું કામ મારા હાથે થયું.રોજ લોકો પાસેથી પૈસા પડાવતા જમાદાર આજે પોતાના સારા કામથી ખુશ હતા.  

        જિંદગીમાં પહેલી વખત તેમણે પોતાના પૈસે તહોમતદારના બાળકને મદદ કરી હતી ,તેનો આનંદ અને ચમક તેમના ચહેરા પર સ્પટ  દેખાતા હતા. તેમણે મનમાં વિચાર્યું આજે હું વટથી માને કહીશ કે મે એક માનવતાનું કામ કરેલ છે.તેનો આનંદ કઇંક જુદો આવે છે.આમ વિચારતાં વિચારતાં જમાદાર ઝૂપડાની બહાર નીકળ્યા ત્યાં તો તેમનો મોબાઈલ રણકયો ,તેમની પત્ની રમાબા નો અવાજ હતો. સાંભળો, હમણાં પાંચ મિનિટથી  જ આપણા મુન્નાનો તાવ ઉતરીને નોર્મલ થઈ ગયા છે. અને હવે તે ખાવા બેઠો છે?”

        શું વાત કરે છે ??” જમાદાર ઉછળી પડ્યા. ખરેખર તેને તેની માની વાતમાં તથ્ય જણાયુ.

        બહાર દુર ઊભી રહેલી માનવભીડ પહેલી વખત પોલીસનું આવું માનવતા ભર્યું કામ જોઈ ચકિત થઈ રહી હતી.બધા વિચારતા હતા,આ જમાદાર સાવ નરમ કેમ થઈ ગયા ?

દુર પડેલી લંગડી ભિખારણ જમાદાર ઉપર મનથી આશીર્વાદ વરસાવી રહી હતી.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

તખુભા જમાદાર  - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories