17 એપ્રિલ 2025

સર્જક નો વાયદો - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 સર્જક નો વાયદો

            “ હવે તારી સાથે લગ્ન કરવા કોણ તૈયાર થાય ? એક આંખે કાણી છોકરીને કોણ પરણે ? ભૂલી જા, આવા સુંદર આંખના ડોક્ટર સર્જકને ભૂલી જા" ઘરના બધા ચૈતાલીને ચેતવી રહયા હતા.

            “ ના, ના, તેણે મને વાયદો કરેલ છે, જરૂર મારી સાથે જ લગ્ન કરશેશે જ" ચૈતાલીએ ગભરાતાં ગભરાતાં કહયુ મને સર્જકના વાયદા પર પૂરો ભરોસો છે.

            તાજા એમ.એસ. થયેલા સર્જકના દવાખાને ચૈતાલી તેની આંખો બતાવવા ગઈ, ત્યારે જ તેના રૂપ અને સૌદર્યથી સર્જક તેનો દીવાનો બની ગયો હતો.

            ચૈતાલીને પણ હેન્ડસમ સર્જક ગમી ગયો હતો, પછી તો ચૈતાલી કોઈને કોઈ બહાને સર્જક પાસે પહોચવા લાગી. સાથે બહાર ફરવા જવાનુ ખાવાપીવાનું ,પીકચર જોવાનું હોય પછી પૂછવું જ શું ? બન્ને એકબીજાના આશિક બની ગયા,અને લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યુ .

            બન્નેની જ્ઞાતિ જુદી, આર્થિક પરિસ્થિતિ અલગ, ભણતર પણ જુદું જુદું, પછી બન્નેના ઘરના માણસો હા ક્યાંથી પાડે ? સાર્થક જાની ઉચ્ચ બ્રાહમણ જ્ઞાતિનો ડોક્ટર, તેના પિતા સરકારી ઓફિસર. સર્જકે એમ.બી.બી.એસ. પાસ થઈને આંખના સર્જન તરીકે એમ.એસ. પાસ થયેલ, અને તેમનો ફ્લેટ પણ સેટેલાઈટ અરિયામાં.

            ચૈતાલી સામાન્ય ઘરની ફક્ત બી.એ.પાસ, કાળુપુરની પોળમાં રહેતી અને સામાન્ય નોકરિયાત પિતાની પુત્રી, છતાં બન્નેના મન એટલા મળી ગયેલા કે છૂટા પડવું શક્ય જ નહિ.

            ચૈતાલીને ઘેરથી બધાએ સમજાવી કે આ છોકરો તારા લેવલનો નથી, તેને ભૂલીને, છોડીને તારા લેવલનો જ્ઞાતિનો છોકરો પસંદ કરી લે, પણ ચૈતાલી માને ખરી ? તેણે તો ઘરના બધાને કહી દીધું.   પરણીશ તો સર્જકને જ, નહિતર આજીવન કુંવારી રહીશ”.   

            સર્જકના માતાપિતા અને કુટુંબીઓને નવાઈ લાગતી હતી કે આવી સાવ સામાન્ય ઘરની ફક્ત બી.એ. પાસ ચૈતાલીમાં સર્જકને શું ગમી ગયું છે ?

            પણ સર્જક મક્કમ  હતો, તેણે તો બધાને કહીજ દીધુ મે ચૈતાલીને વાયદો કરેલ છે કે લગ્ન તારી સાથે જ કરીશ.

            “રાજાને ગમી તે રાણી એ ન્યાયે અંતે બધાએ સર્જકની પસંદગી સ્વીકારી લીધી. બન્નેના માબાપ છેવેટે મળ્યા, અને કમુરતા ઉતરતા લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ .લગ્નનો હૉલ અને કેટરર વિગેરે ફિક્સ થઈ ગયુ, કંકોત્રીઓ પણ છપાઈને આવી ગઈ અને વહેંચાવા પણ લાગી.

 

            ચૈતાલીની ખુશાલીનો પાર ન હતો. ઉતરાણ પછીના રવિવારે તો તે લગ્ન પછી ડોક્ટર સર્જકની પત્ની બની જવાની હતી. આનંદના અતિરેકમાં તે પૂરીઓ તળતી હતી, ત્યારે અચાનક એક પૂરી તેના હાથમાંથી પડી ગરમ ગરમ તેલમાં અને તેના છાંટા ઉડયા ચૈતાલીની ડાબી આંખમાં.

            ચૈતાલીથી રાડ પડાઈ ગઈ, ગરમ તેલ આંખમાં પડતાં તેની આંખ કુટી ગઈ, અને ફુલીને ટેટો બની ગઈ. ચારે તરફ દોડાદોડ અને રાડારાડ મચી ગઈ. માંડ માંડ એક કલાકે ચૈતાલીને કળ વળતાં ડાબી આંખ ખોલી તો અંધારુ ધોર. તેની કોર્નિયા બળી જવાથી અપારદર્શક બની જતાં દેખાવાનું તે આંખથી બંધ. ચૈતાલી કાયમ માટે ડાબી આંખે કાણી બની ગઈ. કુટુંબમાં બધે સોંપો પડી ગયો. સાત દિવસ પછી તો તેના લગ્ન હતા, કંકોત્રીઓ પણ વહેચાઇ ગઈ હતી. બધાં વિચારમાં પડ્યા, હવે શું કરવું ? ?

            સર્જકને ખબર પડતાં જ તે રાત્રે ને રાત્રે દોડતો ચૈતાલીને ઘેર આવ્યો તેણે સાંત્વના આપી. આપણા લગ્નનો વાયદો પાકો છે, ગભરાતી નહિ.

            ચૈતાલીની આંખોમાંથી અનરાધાર આંસુઓ નીકળી રહયાં હતા. તે વિચારતી હતી મારા જેવી એક આંખે કાણી છોકરીને કોણ પરણે ? સર્જક નો વાયદો ખરેખર સાચો છે કે ખોટો ?”

            બીજે દિવસે સવારે સર્જકના માબાપ પણ ચૈતાલીને ઘેર ખબર કાઢવા આવ્યા. તેની મમ્મી તો ચૈતાલીની કાણી આંખ જોઈને ઉછળી પડી.

            બહાર નીકળતાં સર્જકના માબાપ મોટેથી વાતચીત કરતાં ચૈતાલીના ઘરનાને સંભળાવતા બોલતા હતા, “આવી બેડોળ, કાણી છોકરીને મારી વહુ ના બનાવાય. આ વિવાહ ફોક કરો.

            સર્જકના પપ્પા બોલ્યા પણ કંકોત્રીઓ વહેચાવા માંડી છે, તેનું શું ?”

            “એતો છાપામાં જાહેરખબર આપી લગ્ન ફોક કરી દઇશુ. આવી કાણી વહુ ઘરે લવાતી હશે ?” સર્જકની મમ્મી મોં બગાડતાં બબડી.

            “સારું સર્જકને વાત કરીને પછીથી બધુ નક્કી કરીએ.તેના પપ્પાએ જવાબ આપ્યો. આખી વાત ચૈતાલીના ઘરે તેના કુટુંબીઓને સંભળાવવા જ કરી હતી. ચૈતાલી ધ્રુજી રહી હતી. તેના માબાપ પણ થથરી ઉઠ્યા. એક વખત લગ્ન ફોક થાય,પછી આવી કાણી કન્યાનો હાથ કોણ પકડે ?”

            બીજા દિવસે સવારે ખબર આવ્યા કે, સર્જક તેના ઘેરથી ગુમ થયો છે, તે ક્યાં ગયો છે, કોઈને ખબર નથી. તેનો મોબાઈલ ઉપર સંપર્ક પણ થતો નથી.

            “ જોયુ, અમે કહેતા હતા ને કે આપણી છોકરી સાથે લગ્ન ન કરવા ભાગી ગયો.ચૈતાલીની મમ્મીએ રડતાં રડતાં કહયુ. તેના પપ્પા પણ ઢીલા પડી ગયા. "મને હતું જ કે આવું જ થશે, હવે શું કરવું ?”

            બધાં સર્જકને અને તેના મમ્મીપપ્પાને ભાંડવા લાગ્યા. પણ ચૈતાલીનું મન માનતું ન હતું. મને વાયદો કરેલ છે, મારો સર્જક ચોક્કસ આવીને મારી સાથે જ લગ્ન કરશે.

            સવારની સાંજ થઈ ગઈ, હવે તો વાસ્તવિકતા સ્વીકારે જ છૂટકો, ચૈતાલીના ઘરના બધાએ નક્કી કર્યું, કે કાલે સવારના છાપમાં જાહેરખબર આપી દઈએ કે લગ્ન મોકૂફ રાખેલ છે, નહિતર સમાજમાં આપણી ઈજ્જતના કાંકરા થઈ જશે.

            ચૈતાલી પણ વિચારે ચડી બસ,મને વાયદો કરીને લગ્ન ન કરવા ભાગી ગયો. બધાં પુરુષો આવા જ હોય છે કે શું ?” પાછો તેનો વિચાર બદલાયો ના, ના, સર્જકે વાયદો કરેલ છે, એ ચોક્કસ આવશે જ.

            ઘરમાં બધાં લગ્ન ફોકની ચિંતામાં હતા, ત્યાં મોડી રાત્રે ચૈતાલીના માબાઈલ ઉપર સર્જકનો ફોન આવ્યો, "ચૈતાલી, રડતી નહિ, કાલે સવારે વહેલો તારી સારવાર માટે આવું છુ.”  કોઈને આ વાતમાં વિશ્વાસ પડે જ નહિ ને ! બધાં કહે, “ચૈતાલી તારી લાચારીની મજાક તો નથી ઉડાવતો, સર્જક !”  ચૈતાલી બધાને વિશ્વાસપૂર્વક કહેતી રહી ના, મારો સર્જક એવો નથી. તે ચોક્કસ આવશે જ."

            વહેલી સવારે સર્જકે પોતાની આંખની હોસ્પીટલમાં ચૈતાલીને બોલાવી લીધી. બે ડોક્ટરોની ટીમ અને ડોનેટ થયેલી કોર્નિયા (આંખ) તૈયાર હતી. કલાકના ઓપરેશન બાદ ચૈતાલી બહાર આવી ગઈ.  

            બધાં વિચારમાં પડી ગયા આ શું થઈ ગયુ ? સર્જક ગઇકાલે આખો દિવસ ક્યાં હતો ? સર્જકે ફોડ પાડ્યો, “ગઇકાલે વહેલી સવારે પંચમહાલના ગામડામાંથી મારા ડોક્ટર મિત્રનો કોલ હતો, તેના પિતાજીનું બ્રેઇન ડેથ થયું હોવાથી તે નેત્રદાન કરવા માગે છે, અને તે મારી ફિયાન્સી ચૈતાલીને જ આપવા માંગતા હતા, તેથી મારે સવારના પહોરમાં નીકળી જવું પડ્યું. તેના પિતાના આઠ કલાક પછી મૃત્યુ બાદ, તરતજ હું આંખની કોર્નિયા લઈને મારતી ગાડીએ અહી આવી ગયો. ત્યાં જંગલના એરિયા હોવાથી મોબાઈલ નેટવર્ક પણ નહિ, તેથી બધાનો સંપર્ક પણ કઈ રીતે કરવો ?”

            શું વાત છે ? આપણે શું ધાર્યું હતું અને નીકળ્યું શું ? આ તો શ્રેષ્ઠ મુરતીયો સાબિત થયો. આ વિચારી ચૈતાલીના માબાપની આંખમાં આંસુ આવી ગયા.

            ચાર કલાક પછી ચૈતાલીની પટ્ટી ખૂલતાં બન્ને આંખો દેખતી ચૈતાલી તેના ફિયાન્સ સર્જકને વળગી રડી પડી. તે બોલી મને વિશ્વાસ હતો કે તે વાયદો કરેલ છે, એટ્લે જરૂરથી આવીશ

            લગ્નરદની જાહેરાત ફાડી નાખતા તેના ઘરના તમામ સભ્યો આનંદમાં આવી ગયા. લગ્નના ફેરા ફરતી ખુશ ખુશાલ ચૈતાલીને જોઈ તેના માબાપ વિચારી રહયા જિંદગી કેવા રંગ બદલે છે ? કભી ખુશી, કભી ગમ“.

If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

 સર્જક નો વાયદો- ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories