07 એપ્રિલ 2025

સત્યમ પ્રિયાનો પ્રેમ જીતી ગયો. - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

સત્યમ પ્રિયાનો પ્રેમ જીતી ગયો.


            હવે આપણે કાયમ માટે લગ્નગ્રંથિથી જોડાઈને એક થઈ જવું જોઈએ.સત્યમે તેની જ બેન્કમાં કામ કરતી પ્રિયાને ઓફર કરી.

            પ્રિયા શરમાઈ ગઈ. તેને પોતાની ચાર વર્ષની બાળકી મુન્નીની ચિંતા સતાવી રહી હતી. ફક્ત બત્રીસ વર્ષની ઉંમરે જ પ્રિયાનો પતિ અચાનક સ્કૂટર એક્સિડેંટમાં ગુજરી ગયો હતો. જુવાનીમાં એકલતા અને સાથે નાની દીકરીની સંભાળ પ્રિયા માટે મુશ્કેલ થઈ ગયું હતું. બંનેના ભરણપોષણ માટે કઈક આવક પણ જરૂરી હતી. તે પોતે ગ્રેજયુએટ હતી એટલે તેના પતિની બેંકમાં કારકુનની નોકરી મળી ગઈ હતી.

            આ જ બેન્કમાં સત્યમ ઓફિસર તરીકે કામ કરતો હતો. તેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી. બે વર્ષ પહેલા તેની પત્ની સાથે વાદવિવાદ વકરી જતાં અંતે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સંતાન હજુ થયા ન હતા, તેથી કોર્ટમાં બંનેની મંજૂરીથી છૂટાછેડા મંજૂર થઈ ગયા હતા.

            બંને યુવાન વયે એકલવાયા જીવનથી કંટાળી ગયા હતા. એક જ બેન્કમાં સાથે કામ કરતાં હોવાથી ધીરે ધીરે એકબીજા પ્રત્યે આકર્ષાઈ રહ્યા હતા. બંનેના સ્વભાવ અને શોખ એકબીજા સાથે મેચ થઈ ગયા હતા. બંનેએ સાથે બેંકમાથી છૂટીને ફરવા જવું, પિક્ચર વગેરેનો આનંદ માણેલો હતો.

            પ્રિયા પણ સત્યમના સ્વભાવ અને દેખાવથી આકર્ષાઈ હતી, પરંતુ તેને મુન્નીની ચિંતા વધારે સતાવતી હતી. કોઈપણ પરાયો પુરુષ મુન્નીને વ્યાવહારિક રીતે દીકરી તરીકે સ્વીકારે, પણ દિલથી તો નહી જ અપનાવે તેવો વહેમ તેના આંતરિક મનમાં ઘુમરાતો રહેતો.

            સત્યમે તો તેના માતાપિતા પાસેથી વિધવા સાથે લગ્નની મંજૂરી પણ મેળવી લીધી. જેવો સત્યમે સામેથી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે તેણે સવિનય અસ્વીકાર કરી દીધો. મુન્નીનું શું થશે ? ભવિષયમ તેને સત્યમ કઈ રીતે અપનાવશે ? અમારા લગ્ન બાદ બંનેના બાળકો થાય તો મુન્નીનું શું થાય ? આ જ ચિંતા તેણે સત્યમ પાસે દિલ ખોલીને કરી દીધી. સત્યમની આશાઓ પર પાણી ફરી વળ્યું. નિરાશ હ્રદયે ઘર તરફ પરત ફર્યો.

            રાત્રે ઘરે નિરાશામાં બેઠાબેઠા તેણે ટીવી ચાલુ કરી નેશનલ જ્યોગ્રાફિક ચેનલ જોવાનું શરૂ કર્યું. આફ્રિકાના જંગલમાં બે સિંહણો તેમના ચાર બચ્ચા અને સિંહ સાથે ઘુમતી હતી. તેની સાથેના વૃદ્ધ સિંહને એક યુવાન સિંહે હુમલો કરી ભગાડી દીધો. હવે આ સિંહણો અને તેના બચ્ચા પર નવા યુવાન સિંહનું રાજ હતું. સત્યમ આ જોઈ અચંબામાં પડી ગયો.  

            સિંહણો સાથે તેમના બચ્ચા હોવાથી તે નવા યુવાન સિંહ સાથે સહવાસ માટે તૈયાર થતી ન હતી. છેવટે યુવાન સિંહે એક પછી એક એમ તમામ બચ્ચાને ખતમ કરી નાખ્યા, પછી જ સિંહણ સહવાસ અને પ્રજનન માટે તૈયાર થઈ. જંગલના કાયદા પણ અજબ છે ને !

            આ જોઈને સત્યમના મનમાં પણ શેતાન પ્રવેશી ગયો. જ્યાં સુધી મુન્ની છે ત્યાં સુધી પ્રિયા મારી સાથે લગ્ન કરવા તૈયાર નહીં જ થાય. કોઈપણ રીતે મુન્નીનો કાંટો કાઢવો જ પડશે. જંગલના કાયદા આપણાં સમાજમાં યોગ્ય કહેવાય છે કે નહીં, તેનો વિચાર જ ન કર્યો.

            બીજા જ દિવસે મુન્નીના છૂટવાના સમયે સત્યમ તેની સ્કૂલે ચોકલેટ લઈને પહોંચી ગયો. તેને મુન્નીને ચોકલેટ આપી બગીચામાં ફરવા લઈ ગયો. મુન્ની પણ સત્યમ અંકલને ઓળખતી હોવાથી ખુશીખુશી બગીચામાં ફરવા પહોંચી ગઈ. બગીચામાં બાંકડે બેસી સત્યમ આ કાંટો કઈ રીતે દૂર કરવો તે વિચારી રહ્યો હતો કે, જેથી ભવિષયમાં પકડાઈ જવાય નહીં. ઊંચા બિલ્ડીંગ પરથી ધક્કો મારી પાડી દેવી, કે નદીના પાણીમાં ફેંકી દેવી.

            માસૂમ કિલકિલ કરતી નિર્દોષ મુન્નીને ખતમ કરવામાં તેનું મન પાછું પડતું હતું. એક તરફ પોતાની પ્રિયા સાથે લગ્નની સ્વાર્થવૃતિ હતી, તો બીજી તરફ નિર્દોષ મુન્નીનો જીવ લેવાનું શેતાની કરતૂત. તે વિચારી રહ્યો હતો શું કરવું અને શું ના કરવું ? પછી પણ પ્રિયા લગ્નની હા પડશે કે નહીં તે ચિંતા તો હતી જ.

            મુન્ની બગીચામાં રમતી રમતી થોડે દૂર નીકળી ગઈ. અચાનક એક દાઢીવાળો ગુંડા જેવો માણસ તેને ઊંચકીને દોડવા લાગ્યો. સત્યમના વિચારોમાં બૂમ સંભળાઈ. અંકલ બચાવો !

            સત્યમને જાણે કે મુન્નીને બચાવવાનું જોશ ચડી ગયું. જંગલનો કાયદો અહી માનવતા સ્વરૂપે વરસી રહ્યો હતો. ગુંડા જેટલી જ ઝડપે દોડતા દોડતા સત્યમે બૂમો પાડવા માંડી. કોઈ મારી મુન્નીને બચાવો, આ ગુંડો તેને ઉપાડીને ભાગી રહ્યો છે.

            લોકોનું ટોળું પણ સત્યમની સાથે ગુંડાની પાછળ ભાગી રહ્યું હતું. વીસ મિનિટની દોડાદોડી, ઝપાઝપી અને મારામારી બાદ ગુંડો સત્યમના હાથમાં આવી ગયો.

સત્યમે જોરદાર ફેંટ મારી મુન્નીને ગુંડાના હાથમાંથી છોડાવી દીધી. અચાનક ગુંડાએ ખિસ્સામાંથી રામપુરી ચપ્પુ કાડી સત્યમ પર હુમલો કરી દીધો. સત્યમ હાથથી છાતી પર થયેલો હુમલો રોકી લીધો, પણ હાથ પર મોટો કાપો પડી લોહી ટપકવા લાગ્યું. લોકોના ટોળાએ ગુંડાને પોલીસને હવાલે કરી દીધો. પોલીસે સત્યમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી દીધો. વીસ ટાંકા આવ્યા અને એક બોટલ લોહીથી સત્યમનો જીવ બચી ગયો.

            પોલીસ પાસેથી સત્યમની બહાદુરી, મુન્ની પ્રત્યેનો પ્રેમ અને પરાક્ર્મો સાંભળી પ્રિયા ખરેખર પ્રભાવિત થઈ ગઈ. હવે તેને વિશ્વાસ થઈ ગયો, કે હવે સત્યમ ખરેખર મુન્નીનો પપ્પા બની શકે તેમ છે.

            હોસ્પિટલ ખબર કાઢવા ગયેલી પ્રિયા અને મુન્ની સત્યમને મળીને અભિભૂત થઈ ગયા. પ્રિયાએ પૂછ્યું, “તમે મુન્નીને સ્કૂલેથી સીધી બગીચામાં કેમ લઈ ગયા હતા ?”

            શું જવાબ આપવો તે સત્યમને તરત સૂઝયું જ નહીં. તેની દુષ્ટ શેતાની નિયત વિશે તો કહેવાય જ નહીં ને ! અચાનક તેને યાદ આવતા બોલ્યો, “મુન્નીને ચોકલેટ ખવડાવી મારી સાથે બગીચામાં ફરવા લઈ ગયો હતો.

            પણ મને તો કહેવું જોઈએ ને !તેની મમ્મીએ કહ્યું.

            સત્યમે જવાબ આપ્યો, “મુન્નીને સરપ્રાઇઝ આપવી હતી.અને પ્રિયા તેની વાતોથી વધારે પ્રભાવિત થતી ગઈ. તેણે પૂછ્યું હવે આપણાં લગ્નની તારીખ ક્યારે નક્કી કરો છો ?” સત્યમ ખુશ થઈ ગયો. પ્રિયાને પામવા તેને મુન્નીનો કાંટો કાઢવા વિચાર કર્યો પણ અનાયાસે જ તેનો જીવ બચાવી આંતરિક આનંદ તો મળ્યો પણ સાથે સામેથી લગ્ન માટેનો ઉપહાર પણ મળી ગયો. વાહ રે કિસ્મત !

            જીવન કેટકેટલા રંગ બતાવે છે, ખરેખર જીવ લેવા કરતાં જીવ બચાવનાર જ સર્વશ્રેષ્ઠ વસ્તુઓ અને સફળતા પામે છે, તેમ નથી લાગતું ?” મુન્નીને નવા પપ્પા મળ્યા તેથી આનંદમાં હોસ્પીટલમાં દોડાદોડ કરી રહી હતી.


If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

 જીવ લેવા કરતાં જીવ બચાવનાર જ શ્રેષ્ઠ - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad

Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories