પ્રાર્થનાનું ફળ
“ચાલો ચાલો, જલ્દી કરો, હવે માળા અને ભક્તિ પૂરી કરો પછી હોટલ પર જઈ તૈયાર થઈને કાઠમંડુ ફરવા જવાનું છે.” હરિભાઇએ તેમના પત્ની હરિપ્રિયાબહેનને પશુપતિનાથના મંદિરમાં પુજા કરતાં હતા ત્યારે તાકીદ કરી. તેમનો પુત્ર સોહમ પણ મમ્મીને ઉતાવળ કરાવવા લાગ્યો.
હરિપ્રિયાબહેન શાંતિથી ભક્તિપૂજા અને માળા કરી રહ્યા હતા. તેમણે સોહમની બારમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં સારું પરિણામ આવે તો પશુપતિનાથના દર્શન અને પૂજાની માનતા રાખી હતી. ખરેખર સોહમનું પરિણામ સુંદર આવેલું, તેથી તેઓ ત્રણે જણા દિવાળીના વેકેશનમાં ફ્લાઇટમાં કાઠમંડુ આવ્યા હતા. એરપોર્ટની બહાર નીકળીને તરત જ તેમણે સામે આવેલી પેલેસ ઇન હોટલમાં ચોથા માળે રૂમ બૂક કરી.
તેમની સાથે તેમના પાડોશી ભાવિકભાઈ, તેમના પત્ની અને પુત્ર પણ નેપાળ ફરવા આવ્યા હતા. તેમણે તો તૈયાર થઈને કાઠમંડુમાં ફરવા જવાની તાલાવેલી હતી, પણ હરિભાઇના પત્નીની પશુપતિનાથની માનતા સૌ પ્રથમ પૂરી કરવી પડે તેમ હોય તે લોકો તૈયાર થયા વગર સીધા સામાન મૂકીને મંદિરે દર્શન કરવા ઉપડી ગયાં.
સોહમ પણ પહેલી વખત નેપાળ પહોંચીને જેમ બને તેમ વધારે ફરી શકાય તે માટે મમ્મીને ઉતાવળ કરાવી રહ્યો હતો. સવારના સાડા દશ વાગી ગયા હતા. સોહમે કહ્યું, “ મમ્મી, જલ્દી કરને, હજુ નેપાળમાં બહુ ફરવાનું બાકી છે.”
હરિપ્રિયાબહેન શાંતિપૂર્વક તેમની માનતા પૂરી કરી માળા કરવા બેસી ગયા હતાં. આમ ને આમ બીજો અર્ધો કલાક નીકળી ગયો. સવારના અગિયાર વાગી ગયા. દૂર ઉભેલા હરિભાઈએ ફરી બુમ પાડી, “ઓ ભક્તાણી, તમે એકલા જ પુજા કરીને સ્વર્ગમાં જવાના કે શું ? અમે તો ભગવાનના લાડલા છીએ જ નહીં ને ! હા, હા, હા…” જોક મારીને તે જોરથી હસવા લાગ્યા.
માળા પૂરી કરી હરિપ્રિયાબહેન ધીમેથી આંખ ખોલી મનમાં કઇંક ગણગણવા લાગ્યા ત્યારે સાડા અગિયાર વાગી ગયા હતાં. બંને બાપ દીકરો નીકળવા માટે ઉતાવળ કરી જુદી જુદી જોક મારી રહ્યા હતાં.
હરિપ્રિયાબહેને કહ્યું, “મેં ભગવાન પાસે આપણાં ત્રણે જણા માટે સમૃદ્ધિ અને લાંબી ઉમર માંગી છે.”
સોહમ હસવા લાગ્યો, “મમ્મી, શું તું પણ આવી રીતે ભગવાન પાસે લાંબી જિંદગી માંગવાથી તો મળતી હશે, તો તો બધા એ જ માંગી લે ને. ! ભગવાન બધાને ક્યાથી આપશે. ? હાહાહા....”
“બેટા, આવી મજાક ન કરાય, સાચા દિલથી કરેલી દરેક પ્રાર્થના પ્રભુ હંમેશા સ્વીકારે જ છે.” મમ્મીએ દીકરાને જવાબ આપ્યો.
પાછા બાપ દીકરો હસવા લાગ્યા.
“તો તો મમ્મી હું ભગવાન પાસે કરોડો રૂપિયા, ચાર લક્ઝુરિયસ બંગલા અને ગાડીઓ જ માંગી લઉં ને.” દીકરાએ મમ્મીને ક્રોસ સવાલ કર્યો.
“બેટા, મહેનત વગરનું કઈં જ ભગવાન પણ આપી શકે નહીં.” મમ્મીએ દીકરાને પુરુષાર્થનું મહત્વ સમજાવતા જવાબ આપ્યો.
મમ્મી પોતાના દીકરાને ઉપરવાળાની શક્તિ અને શ્રદ્ધાનું મહત્વ સમજાવી રહ્યા હતા.
ત્રણે જણા મંદિરની બહાર નીકળ્યા ત્યારે બાર વાગવાની તૈયારી હતી. તેમની ગણતરી સાડા દશે પાછા ફરવાની હતી એટ્લે કે બરાબર દોઢ કલાક મોડુ થયું હતું. સાડા આગિયારનો લંચ ટાઈમ હોવાથી કોઈ જ વાહન હોટલ તરફ આવવા તૈયાર ન હતું.
વળી પાછા સોહમે મશ્કરી કરતાં કહ્યું, “મમ્મી, તે આપણી બધાની લાંબી જિંદગી તો માંગી, પણ અત્યારે તો હોટલે પહોંચતા લાંબા થઈ જવાય તેમ છે.” પછી તે હસવા લાગ્યો.
બેટા, ભગવાનની શ્રદ્ધા અને માનતાની આવી મજાક સારી નહીં.” મમ્મીએ કોચવાતા મને કહ્યું.
માંડ માંડ એક રિક્ષાએ ડબલ ભાડા સાથે લઈ જવા તૈયારી બતાવી. હરિભાઇ રિક્ષાના ભાડાના રૂપિયા ચૂકવતા હતા, ત્યાં જોરદાર આંચકો આવ્યો, જાણે બધુ ડોલવા લાગ્યું. ધરતી બે સેકન્ડ ધ્રુજી અને ત્રણે જણાં રિક્ષાથી દૂર ફેંકાઇ ગયાં.
બે સેકન્ડ પછી પાછો એક જોરદાર આંચકો આવ્યો અને સામેની હોટેલના ચારેચાર માળ પત્તાનાં મહેલની માફક તૂટી પડ્યા. ત્રણે જણાં સમજી શકતા નહોતા કે આ બધુ શું બની રહ્યું છે. હોટેલના કાટમાળની નીચે અનેક પ્રવાસીઓ દટાઇને બૂમો પાડી રહ્યા હતા, “બચાવો, બચાવો.” પણ અહીં તો કોણ કોને બચાવે ?
હરિભાઇ તેમના પત્ની અને પુત્ર દૂર હોવાથી બચી ગયાં હતા, તેમણે મનમાં વિચાર્યું, “જો થોડા વહેલા પહોંચી હોટેલના ચોથે માળે હોત તો અમારું શું થાત ?”
સોહમ આ બધુ જોઈને ભયથી કંપી રહ્યો હતો. ચારે તરફ મકાનોનો કાટમાળ, મરણચીસો પાડતાં પ્રવાસીઓ, પડી ગયેલા વૃક્ષો, ખેદાન મેદાન થયેલ ધરતી વચ્ચેથી જતી મોટી તિરાડ, દૂર હિમાલયના પર્વતો પરથી પડી રહેલો બરફ વગેરે જોઈ ધરતીકંપની ભયાનકતા અને ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો.
હરિભાઇ માંડ માંડ ઊભા થયા. તેમને અચાનક તેમના પાડોશી ભાવિકભાઈ અને તેમના કુટુંબીજનો યાદ આવ્યા. ચારે તરફ તપાસ કરતાં છેવટે ચોથા માળનાં કાટમાળ વચ્ચે ત્રણેના નિશ્ચેત મૃતદેહો ફાટેલી આંખે, લોચે લોચા નીકળેલી હાલતમાં જોઈ ત્રણે કંપી ગયાં. તેમના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું.
હવે બાપ દીકરા બંનેને હરિપ્રિયાબહેનનું માળા અને પુજા કરવું સારા લાગવા લાગ્યા હતા. તેને લીધે જ તેઓ નસીબજોગે મોડા પડ્યાં હતા અને ભયાનક મોતથી બચી ગયાં હતા.
હરિભાઇ અને સોહમ પ્રભુનો આભાર માનવા લાગ્યા, “હે પ્રભુ, અમે જો અહીં થોડા વહેલા આવ્યા હોત તો ?”
તેના મમ્મીએ ખરા દિલથી કરેલી પ્રાર્થના અને લાંબી જિંદગીની માનતા જ જાણે કે તેઓને મદદરૂપ બની ગયાં હતા.
“ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે ?” આ વાત તો બિલકુલ સાચી જ છે. પરંતુ માનવી ગમે તેટલા ફાંફા કે ફાંકા માર્યા કરે, પણ ઉપરવાળાની કૃપા વગર કશું જ શક્ય નથી. આ વાત હરિભાઇ અને તેમનો પુત્ર સોહમ બરાબર સમજી ગયાં અને હવે તેઓ હરિપ્રિયાબહેનની પ્રાર્થના અને પૂજાની ક્યારેય ઠેકડી ઉડાડતાં નથી. ઊલટું હવે તે બંને પણ પ્રભુદર્શન અને પ્રાર્થનાની ઉપાસના કરવા લાગ્યા છે.
ચાંદ ઉપર જઇ કોલોની બનાવવાનું વિચારનાર, સેકન્ડમાં હજારો માઈલ દૂર નેટ અને મોબાઈલથી સંદેશા મોકલનાર માનવી ઉપરવાળા ભગવાનનાં અદ્રશ્ય શક્તિ અને સ્વરૂપ સમજી, પારખી તેની પ્રાર્થના, પુજા અને ભક્તિ કરે તેમાં જ સહુનું હિત છે.
ભગવાન
જેને ચાહે તેને ગમે તેમ રક્ષા કરીને બચાવી જ લે છે. તેથી જ કહ્યું છે ને કે –
“ફાનુસ બનકે જીનકી, હિફાજત ખુદા કરે,
વો શમા ક્યાં બુઝે, જિસે રોશન ખુદા કરે !”
------------------------------x--------------------------------x---------------------------------x-------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
પ્રાર્થનાનું ફળ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories