25 ડિસેમ્બર 2025

કરોડપતિ કરોડીમલ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

કરોડપતિ કરોડીમલ


લક્ઝરી બીએમડબલ્યુ ગાડી ઘર શોધતા શોધતા રાયપુરની મોટી પોળ માંડ શોધી કાઢી કરોડીમલ શેઠે અંદર નજર નાખી તો કચરાના ઢગલા, ગટરના પાણીના ખાબોચિયા ભરેલા હતા. સાંકડી પોળમાં ગાડી તો અંદર જઈ શકે તેમ જ ન હતી. તેથી ગાડી બહાર ચોકમાં જ મૂકવાનો ડ્રાઇવરને ઓર્ડર કરી, તેમના પત્ની કુમુદબેન અને યુવાન પુત્ર કેતન સાથે નીચે ઉતર્યા.

        સામે બેઠેલા કાકાને પૂછ્યું, નીરજ નાસ્તાવાલાનું ઘર ક્યાં છે ?”

        કાકા તેમને તાકીને જોઈ રહ્યા. આ પૈસાદાર ત્રિપુટીને નિરજને ઘેર કેમ જવું છે ? વિચારતા બોલ્યા, સીધા ચાલ્યા જાવ, છેલ્લેથી ત્રીજું ઘર.

        કરોડીમલ શેઠે વાસથી બચવા નાક ઉપર રૂમાલ ઢાંક્યો. કચરાથી બચતા ત્રણેય જણા  નીરજભાઈને ઘેર પહોચ્યા, ત્યારે નીરજભાઈ અને તેમના પત્ની નમ્રતાબેન બહાર ઊભા તેમની રાહ જોતાં હતા.

        પધારો, કરોડીમલ શેઠ પધારો, રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને ?”નમ્રતાથી આવકાર આપતા નીરભાઈ બોલ્યા.

         અમારી પંદર લાખની ગાડી તો બહાર મૂકીને અહી સુધી ચાલતા આવવું પડ્યું. પત્ની કુમુદબેને ગર્વથી કહ્યું, પણ તેમાં ગાડીની કિંમત બોલવાની ક્યાં જરૂર હતી, નીરજભાઈ મનમાં વિચારતા મલકયા.

        ના, ના, અહી અંદર તો ગાડી લવાય તેવું જ નથી. નીરજભાઈના પત્ની નમ્રતાબેને કહ્યું.

            નીરજભાઈને નોકરી ધંધો જેવી કાયમી કોઈ આવક નહોતી, છૂટક વસ્તુઓ લાવીને બે પૈસા કમાઈ લેતા. કોરોનામાં દોઢ વરસ તો તેમનો ધંધો સાવ પડી ભાંગ્યો હતો. ખાવા પીવાનાય ફાંફા પડી ગયા હતા. હમણાં છ મહિનાથી જ ઘેર નાસ્તા બનાવી વેચવાનું ચાલુ કરેલ હતું. તેથી તેમને બધા નીરજભાઇ નાસ્તાવાળાને નામે જ ઓળખાતા. તેમને દર મહિને સો-દોઢસો રૂપિયાની લોટરીની ટિકિટ લેવાનો ચસ્કો લાગ્યો હતો. તેમના પત્ની જોડે આ બાબતે તેમને નોકઝોક પણ થતી. અનાયાસે પ્રભુકૃપાથી તેમને ઘેર પુત્રી રત્ન અવતર્યું હતું,, જે સૌંદર્યવાન, રૂપવાન અને ગુણોનો ભંડાર હતી નામ નિરાલી.

        નિરાલી જુવાન થતાં તેના માંબાપ લગ્નની ચિંતામાં દોડાદોડ કરતાં હતા. ગરીબ ઘરની દીકરીને સારા પૈસાદાર ઘરનો મુરતિયો મળે તે માટે વચેટીયાએ તેનું કરોડીમલના દીકરા કેતન માટે ગોઠવવા સૂચવ્યું હતું.

        કેતન પૈસાદાર બાપનો એકનો એક વારસદાર હોવાથી વ્યભિચારી, વ્યસની અને બેજવાબદાર બની ગયો હતો. દેખાવ પણ સાવ સામાન્ય, ચીબુનાક, જાડા હોઠ અને કાળો રંગ તેને જોવોય ના ગમે તેવો બનાવી રહ્યા હતા.

        આ બધી ખબર હોવા છતાં દીકરીને સારું ઠેકાણું મળી જાય તે માટે માંબાપ હવાતિયાં મારી રહ્યા હતા.

        બેસો, બેસો, કરોડીમલ શેઠ, કેતનકુમાર બેસો. નીરજભાઈએ વિનંતી તો કરી પણ બે ખુરશીઓ તુટેલાં હાથાની જૂની પુરાણી જોતાં બંનેએ મોં મચકોડયું.

        તમારે ત્યાં ગરમી બહુ છે, એ.સી.વગર તો પંખો ય ગરમ હાવા ફેંકે છે. કેતનના મમ્મી કુમુદબેને બળાપો કાઢ્યો.


        ત્યાં તો નમ્રતાબેન પાણી લઈને આવી પહોંચ્યા. કુમુદબેને મોં બગાડતાં કહ્યું, આ પાણીમાં તો કચરો લાગે છે, તમારે ત્યાં આર. ઑ. સિસ્ટમ નથી ? પાછું લઈ જાવ.

        અંદર રહેલી નિરાલી પોતાના માતપિતાનું સ્વમાન ઘવાતું જોઈને ગુસ્સે થઈ રહી હતી. નીરજભાઈએ ગરીબાઈથી કહ્યું, શેઠ ચ્હા તો પીશો ને.

        અમારો કેતન તો સ્ટારબક્ષ સિવાય બહારની ચ્હા કોફી પીતો જ નથી. કહેતા કરોડીમલ હસવા લાગ્યા, તો પણ નિરજ્ભઈએ કરગરીને ચ્હા મૂકવા દીકરીને ઓર્ડર કર્યો.

        તમારો કારોબાર કેવો ચાલે છે.?” કરોડીમલે વટ પાડવા ગર્વથી પૂછ્યું.

        ઠીક ઠીક ચાલે છે, ઘેર બનાવેલા નાસ્તામાં થોડું મળી રહે છે. નીરજભાઈએ દબાતા સ્વરે કહ્યું.

        આવા ઘરઘરાઉ નાસ્તા તો અમારા નોકરો ય ખાતા નથી.કુમુદબેને અભિમાન દેખાડતા કહ્યું.

        નિરાલીને બહુ ગુસ્સો આવી ગયો, પણ દૂરથી નિરજભાઈએ શાંત રહેવા કહ્યું. પોતાની દીકરીને પૈસાદાર ઘર મળે તે માટે નીરજભાઇ અને નમ્રતાબેન ગુસ્સો અને અપમાન ગળી રહ્યા હતા.

        જુઓ, અમારો જામેલો ધંધો, બંગલો, ગાડી, એફ.ડી. વગેરે ચાર કરોડની તો હશે જ,” કરોડીમલે પૂછ્યા વગર પોતાની મિલકતોનો પાવર છોડ્યો.

        નિરાલી ચ્હા લઈને આવી, તેને જોતાં જ ત્રણેયને કન્યા ગમી ગઈ, છતાં કેતન અને નિરાલીને વાતચીત કરવા માટે અંદર રૂમમાં મોકલ્યા.

        તમારી પાસે કયો મોબાઈલ છે?” કેતને શરૂમાં રોલો પાડવા પ્રશ્ન પૂછ્યો.  

        મારે તો દર વરસે નવાજ મોડલનો એપલ મોબાઈલ જ જોઈએ. મારી કાર ફરારીમાં બેસવું તને બહુ ગમશે. મને તો બ્રાંડેડ કપડાં જ જોઈએ, જ્યારે હું યુ.એસ. જાઉં ત્યારે ત્યાથી નવા નવા લેતો જ આવું. કેતન પોતાની મોટાઈમાંથી ઊંચો જ નહોતો આવતો.

        નિરાલી કંટાળી, આવા અભિમાની અને દંભી પતિ સાથે જીવનભર રહેવાય કઈ રીતે ?

        કરોડીમલ વાતથી નીરજભાઈને કહેતા હતા, અમને તમારી દીકરી પસંદ છે, પણ એક શરત છે, લગ્ન પછી એ કે મારો દીકરો અહીં ક્યારેય નહીં આવે, અમારી સમાજમાં ઈજ્જતનું શું ? તમને મળવાનું મન થાય તો બે ત્રણ મહિને કલાક માટે અમારે બંગલે આવી શકશો.

        નિરાલી અને તેના માંબાપ ચિંતામાં પડી ગયા, દીકરીને પરણાવ્યા પછી પિયરમાં આવવાની છૂટ જ નહીં. દીકરીને ભણાવી ગણાવી મોટી કર્યા પછી માબાપ પાસે આવવાની પણ છૂટ નહીં ?

        નીરજભાઇ અને નમ્રતાબેન ગડમથલમાં પડી ગયા. આટલું પૈસાદાર ઘર હા પાડવી કે ના ?

        આટલું અપમાન, સ્વમાન ગળી ગયા પછી પણ આવી આકરી શરત ? નિરાલી તો નન્નો જ ધુણાવતી હતી.

        ત્યાં તો મોબાઇલમા રીંગ વાગી, નીરજભાઇ, તમારા ઈંદોરવાળા ગટુકાકા અચાનક ગુજરી જતાં, તેમને કોઈ વારસ ના હોવાથી તમને બધી મિલકતના વારસદાર બનાવેલ છે. અંદાજે ચાર કરોડ જેટલી મિલકત છે, અહી આવીને કબ્જો સાંભળી લો.

        ખરેખર ! નિરજભાઈ ખુશ થઈ ગયા, મારી મિલકત કરોડીમલ જેટલી થઈ ગઈ.

        માફ કરો, શેઠ અમારી આ સબંધ બાંધવાની ઈચ્છા નથી. નીરજભાઇએ શાંતિથી જવાબ આપ્યો.

        બહાર નીકળતા ત્રણે જણા વિચારતા હતા, આ મોબાઇલમા અચાનક શું સમાચાર આવ્યા કે નીરજભા એકદમ બદલાઈ ગયા.

        ખરેખર સંપતિનું અભિમાન કરવાને બદલે સહજીકતા જાળવી રાખવી જરૂરી છે. સ્વાભિમાનના ભોગે લગ્ન જેવા જીવનભરના સબંધો બંધાય જ નહીં.

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

કરોડપતિ કરોડીમલ - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories