05 જાન્યુઆરી 2026

માસૂમ બાળકો - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

માસૂમ બાળકો

        વર્ષોથી પહેલાની વાત છે, મહેશભાઈની બાજુમાં હરેશ શાહ અને તેમના પત્ની સીમા બહેન બે બાળકો રીમી અને આરવ સાથે રહેતા હતા. ઉપરના ફ્લેટમાં કાપડના જથ્થાબંધ વેપારી સુરેશભાઇ તેમના પત્ની શાંતાબેન અને તેમના બે છોકરાં પિન્કી અને રીંકું સાથે રહેતા હતા. આ ચારેય બાળકો છથી દસ વર્ષની ઉમરના હતા. ફ્લેટની બહાર ખુલ્લા કમ્પાઉન્ડમાં આ ચારેય બાળકો રમીને તોફાન કર્યા કરતાં. ફ્લેટમાં રહેનારા બીજા મેમ્બરોના છોકરા હજુ નાના હતા. બધાને અંદરોઅંદર સંપ સારો હતો અને કોઈના પણ સારા અથવા નરસા પ્રસંગે એકબીજાને મદદરૂપ થતાં.

        સુરેશભાઈને ઘરે કઈ સારૂ બન્યું હોય તે મહેશભાઈને ઘરે ચાખવા આવે, તો વળી બાજુવાળા હરેશભાઈના ઘરે, નવી વાનગી બને તો બધાને તેનો લાભ મળતો. દિવાળી, ઉતરાયણ, હોળી વિગેરે તમામ તહેવારો બધા સાથે જ ઉજવણી કરતાં. વેકેશનના સમય દરમ્યાન શાળાઓ બંધ હોય એટલે બાળકો ઘરેના ઘરે. આખો દિવસ બહાર કમ્પાઉન્ડમાં રમ્યા કરે. સવારે દોડાદોની રમત હોય તો સાંજે લંગડી રમતા હોય, પણ રમતાં રમતાં ચારેય બાળકો ક્યારે લડવા માંડે તે કહી શકાય નહીં!

        દિવાળીના દિવસોમાં રવિવારની સવાર હતી. બધાં પુરૂષો પણ ઘરે હતા. છોકરાઓ બહાર લંગડી રમી રહ્યા હતા. લંગડી કરતાં કરતાં રીમીએ પિન્કીને આઉટ થઈ ગઈ, આઉટ થઈ ગઈ" ની બૂમરાણ મચાવી દીધી. પિન્કી "નોટ આઉટ"ની બૂમો પાડવા લાગી. સામે પક્ષે પિન્કીનો ભાઈ રિંકું તેનો પક્ષ લઈને "નોટ આઉટ, નોટ આઉટ" ની બૂમ પાડવા લાગ્યો. વાત વધી ગઈ, એકબીજાને ઘક્કામુક્કી અને મારામારી પર ઉતરી આવ્યા.

        વિવાદમાં પિન્કીએ રીમીને ઘક્કો મારી દીધો. રીમી પડી ગઈ અને તેને હાથમાં અને પગમાં છોલાયું. આ જોઈને રીમીની મમ્મી સીમાબહેન દોડતા બહાર આવી પિન્કીને ધમકાવવા લાગ્યા. તરત જ ફ્લેટમાંથી જોઈ રહેલા પિન્કીના મમ્મી શાંતાબેન પણ બહાર આવી ગયા. શાંતબેને જોરથી સીમાબેનને નખ મારી દીધા. તેનાથી શાંતાબેનના હાથમાંથી લોહી નીકળવા માંડયું.

        ફ્લેટમાંથી જોઈ રહેલા હરેશભાઈ અને સુરેશભાઇ પણ જોરજોરથી એકબીજાને ભાંડતા બહાર આવી ગયા. હરેશભાઈના હાથમાં હોકી હતી તો સુરેશભાઈના બેટ આવા હથિયારો સાથે ઉશ્કેરાટ ઉમેરાય પછી પુછવું જ શું?

        સુરેશભાઈએ આવતા વેત કાઇપણ જાણ્યા વગર હરેશભાઈના પગ ઉપર બેટ માર્યું, તો સામે હરેશભાઈએ ઉગામેલ હોકી સીધી સુરેશભાઈના ખભા ઉપર.

        હરેશભાઈ પગમાં વાગતા પડી ગયા અને પગમાથી લોહી નીકળતા લાગ્યું, તેથી તેનાથી ઉભા રહેવાયું નહી ને બાજુમાં પડ્યા. સુરેશભાઈના જમણા ખભા ઉપર હોકી વાગતા જોરદાર ધડાકો થયો. હાથમાં ફ્રેકચર થયું કે શું? તે આઘાત સાથે પડ્યા.

        આ બધું જોઈ બીજા બધા ફલેટના રહીશો બહાર દોડી આવ્યા. માંડ માંડ સમજાવટથી બધાને છૂટા પાડ્યા. હરેશભાઈ અને સુરેશભાઈને ભારે ઇજાઓ હોવાથી સારવાર માટે ઓર્થોપેડિક સર્જન પાસ લઈ જવા મહેશભાઈએ ગાડી કાઢી. બંનેના પત્ની પણ દવાખાને સારવાર માટે આવવા ગાડીમાં બેસી ગયા.

        ગાડીમાં પડ્યા પડ્યા બંને એકબીજાને જોર જોરથી ભાંડી રહ્યા હતા.

        હરેશ્યા, તને છોડીશ જ નહીં, સોસાયટીમાંથી કઢાવીને જ રહીશ સુરેશભાઇ બરાડ્યા.

            સુરેશ્યા, તારી ઉપર પોલીસ કેસ ન ઠોકું તો કહેજે. જો ફ્રેકચર હશે તો જેલમાં મોકલ્યા વગર ના રહું.

હરેશભાઈ પણ છોડે તેમ ન હતા.

        મહેશભાઈએ બન્નેને શાંત રહેવા જણાવ્યું વર્ષોથી સાથે સંપીને રહેતાં આ કુટુંબોને શું થઈ ગયું?” એ જ ખબર નહોતી પડતી.

        મહેશભાઈએ ઓર્થોપેડિક સર્જન ડો.અમીનને ફોન કરીને તત્કાલ બોલાવી લીધા હતા. બંનેના એક્સરે પાડતા હરીશભાઈને જમણા પગે અને સુરેશભાઈને ડાબા હાથના હાડકામાં  ફ્રેકચર આવ્યું. સદનસીબે હાડકાં છૂટા પડી ગયા નહોતા. તેથી ડો.અમીને પ્લાસ્ટર,દવાઓ અને દસ દિવસના સંપૂર્ણ આરામની સલાહ સાથે બંન્નેના પત્નીઓને નખથી અને મારમારીથી નાનીમોટી ઇજાઓ હતી. છતાં પાટાપીંડી કરીને  જવા દીધા.

        ડૉ.અમીનના બીલના પૈસા કોણ ભરે? બંને એકબીજા ઉપર આક્ષેપબાજી કરીને ઠાગાઠૈયા કરી રહ્યા હતા. માંડ માંડ સમજાવટથી મહેશભાઈએ કુલ બિલના બે ભાગ કરી બંને પાસે અડધા અડધા રૂપિયા ચુકવી દીધા.

        બહાર નીકળતા જ બંને દંપતીઓએ પોલીસ ફરિયાદ કરવા એલીસબ્રિજ પોલીસ સ્ટેશન ગાડી લેવા ધમાલ કરી. મહેશભાઈએ બંને યુગલોને સમજાવ્યા.હાલ આટલી બધી ઇજા છે. આરામની જરૂર છે, ઘરે જઈ ભોજન કરી આરામ કરજો પછી સાંજે પોલીસ ફરિયાદ કરજો.

        ગાડીમાં શાંતાબેન બરાડ્યા જો સીમાડી, તારા વરને જેલમાં ના ઘાલું તો મારૂ નામ નહીં.

        સામે સીમાબેન ગુસ્સામાં બોલ્યા શાંતાડી, તારા વરને પોલીસ પકડીને મેથીપાક આપશે ત્યારે ખબર પડશે.

        મહેશભાઈ ગાડી ડ્રાઈવ કરતા વિચારી રહ્યો હતો, નાની બાબતે બંને કુટુંબોને કેટલા દુશ્મન બનાવી દીધા?”

        ઘેર પહોચતાવેંત બધા શોધવા માંડ્યા બાળકો ક્યાં છે? ત્યાં દૂર મહેશભાઈની નજર ગઈ. નવા બંધાતા બંગલાની બહાર રેતીના ઢગલામાં ચારે બાળકો શાંતિથી ઘર બનાવી રહ્યા હતા. સૌ ધીમે પગલે ત્યાં પહોચી ગયા, જેને માટે આટલા મોટા ઝગડા થયા હતા તે વિવાદ ભૂલીને કેટલા પ્રેમથી ઘરઘર રમી રહ્યા હતા? બધા વિચારમાં પડી ગયા.

        બધાને રમતા જોઈ શાંતાબેન સામે જોઈને પિંકીએ કહ્યું આન્ટી જોયું અમારું ઘર? તમે અહી રહેવા આવશો?”

        શેનો ઝગડો હતો? મારામારી કેમ કરી હતી તે પૂછવા આવેલા વડીલો આ બધું જોઈ શું બોલે?

        ત્યાં તો નાનકડો આરવ તેની કાલીઘેલી ભાષામાં સુરેશભાઇ સામે જોઈ બોલ્યોઅંકલ અમારા આ નવા ઘેર આજે લાડુ બનવાના છે, ખાવા આવશો?”

        અને... બાળકોની નિર્દોષતા અને માસુમિયત જોઈને ચારે જણા શરમાઈ ગયા. સુરેશભાઇ ધીમેથી બોલ્યા હા બેટા, જરૂર આવીશ હો! બધાની આંખોમાં ઝઝળીયા આવી ગયા.

        મહેશભાઈને પણ થયું કે હમ ભી અગર બચ્ચે હોતે, ખાને કો મિલતે લડ્ડુ.

        સાંજે પોલીસ ફરિયાદનું માંડી વાળી બધા મહેશભાઈને ઘેર ટીવીમાં પિકચર જોવા આવી ગયા.

        ગણત્રીપૂર્વક મારામારી કરતાં અને દાઢમાં રાખતા મોટેરાઓ પોલીસ, કોર્ટ, કચેરી વિગેરે બધું ભૂલી જઈ નિર્દોષ બાળકોની જેમ વર્તે, તો દુનિયાની કોર્ટોના લાખો કેસોનો નિકાલ આપોઆપ આવી જાય, તેમ નથી લાગતું???

લાસ્ટ સ્ટ્રોક : સુખી થવું હોય તો બાળક બની જાવ.

  ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

માસૂમ બાળકો - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission     

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories