10 ફેબ્રુઆરી 2026

આરવની દિલેરી- ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

આરવની દિલેરી

તમને તો મારે માટે સમય નથી. આખો દિવસ દર્દીઓ અને કામ. કહેતા કહેતા પૂર્વી ગરમ થઈ ગઈ. રવિવારે રજાના દિવસે પણ દવાખાનેથી ફોન આવ્યા કરે, તો મારી કંપનીનું શું, મારી જરૂરિયાતોનું શું ? એક પછી એક પ્રશ્નો ડૉ. આરવને મૂંઝવી રહ્યા હતા.

     ડિયર, મારે દર્દીઓની સારવાર તો દિવસ રાત જોયા વગર કરવી પડે ને, તો ડોક્ટરનો ધર્મ છે, મારો શોખ છે, અને મને તેનાથી સંતોષ મળે છે. આરવે જવાબ આપતા કહ્યું.

        ડૉ. આરવ જાની આખા શહેરનું સર્જનોની દુનિયામાં મોટું માથું ગણાતું. હજુ તો તેમને એમ.એસ. થયાને પાંચ જ વરસ થયા હતા, પણ તેમની સર્જરી અને પરિણામો એટલા સરસ હતા કે આખા ઇલાકામાં તેમનું નામ થઈ ગયું હતું. ગમે તેવો અકસ્માત અને ઈજાનો ગંભીર કેસ હોય, પણ તે દર્દીને જીવાડીને સાજો કરી દેતાં.

        ચાર વરસ પહેલા જ તેના લગ્ન પૂર્વી ત્રિવેદી સાથે થયા હતા. રૂપાળી પૂર્વી દેખાવમાં અતિ સુંદર હતી. તેને જોંતાવેત જ કોઈપણ તેના ઉપર મોહી પડે તેમાં કોઇ નવાઈ ન હતી. તે કોલેજમાં હતી ત્યારથી જ અનેક યુવાનો તેને જોઈ ઘાયલ થઈ જતાં, પણ પૂર્વી કોઈ સામે નજર જ નાખતી નહીં. તેને તેના રૂપનો, દેખાવનો અહંકાર હતો. તેના માબાપની ઈચ્છા સારું કમાતા ડોક્ટર સાથે લગ્ન કરાવવાની હતી.

       

કોલેજના છેલ્લા વરસમાં તેની આંખ ગરીબ આશિષ સોલંકી સાથે મળી ગઈ. આશિષના માબાપ મજૂરી કરી પોતાના દીકરાને કોલેજમાં ભણાવી રહ્યા હતા. માધુપુરાની ચાલીમાં એક રૂમની ખોલીમાં રહેતા, પણ ભગવાને આશિષને બુદ્ધિ અને દેખાવ દિલ દઈને આપેલા હતા. ખડતલ અને સ્નાયુબદ્ધ શરીર હોવાથી તે મેચોમેન જેવો લાગતો હતો.

        પૂર્વી અને આશિષ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પાગલ હતા, પણ બંને જાણતા હતાં કે તેમના લગ્ન શક્ય જ નથી. પ્રેમ જાતિ, જ્ઞાતિ અને પૈસાની તાકાત ક્યાં જુએ છે ? એક વરસ તેમનો પ્રેમ ચાલ્યો, પણ પૂર્વીના માબાપને ખબર પડતાં જ જ્ઞાતિમાં મુરતિયા જોવાના ચાલુ કરી દીધા.

        તાજો જ સર્જન થયેલ આરવ જાની તેમની જ જ્ઞાતિનો ફૂટડો જુવાન હતો. બંને એક જ જ્ઞાતિના હોવાથી માબાપ દ્વારા પૂર્વીને જોવા આરવના માબાપ સાથે ગોઠવાઈ ગયું. પૂર્વીતો આશિષ પાછળ પાગલ હતી. મન મારીને છેવટે પૂર્વીએ આરવ માટે લગ્નની હા પાડવી જ પડી. તેના માબાપની ગણત્રી હતી કે ભવિષ્યમાં ડોક્ટર છોકરો સારું કમાઈને તેની દીકરીને સુખી કરશે.

        શરૂના બે વરસ તો લગ્નના બંનેએ સુખેથી પસાર કરી નાખ્યા. પણ જેમ જેમ આરવની પ્રેક્ટીસ  વધતી ગઈ, નામ જામતું ગયું તેમ તે આખો સમય હોસ્પિટલમાં જ રહેતો થઈ ગયો. ઘરે તેની રાહ જોઈને પૂર્વી કંટાળી જતી. રાત્રે જમવામાં પણ સમયના ઠેકાણા જ નહીં.


અંતે પૂર્વી રાહ જોઈને એકલી જમીને સૂઈ જાય. નવી જુવાન પરણેતરના આરમાનો લગ્નનાં ત્રીજા જ વરસે ભાંગીને ભુક્કો થવા લાગ્યા.

        એમાય આરવે તેની લગ્નતિથિમાં હોટલમાં સાંજે પૂર્વી સાથે ડિનર લેવા જવાનું નક્કી કર્યું હતું, પરંતુ એપેન્ડીક્ષના દર્દીના ઈમરજન્સી ઓપરેશનમાંથી નીકળી જ ન શક્યા. તેથી પૂર્વી ખૂબ ગુસ્સે થઈ, અને આરવ સાથે સાત દિવસ વાત જ ના કરી.

        લાખો કમાતો માણસ પોતાની પત્નીને સમય જ ન આપે તો શું હાલ થાય ? પૂર્વી ગરમ થઈ અકળાઇ ગઈ અને છેવટે તેણે જૂના પ્રેમી આશિષનો મોબાઈલ જોડી મળવાનું નક્કી કર્યું. ધીમે ધીમે મુલાકાતો વધતી ગઈ. હોટલમાંથી થીયેટરમાં અને છેવટે બેડરૂમ, સુધી મુલાકાતો વધતી ગઈ. આરવને તો પોતાની પ્રેકટિસમાંથી ટાઈમ જ ક્યાં હતો ? છેવટે આશિષ અને પૂર્વીએ ભાગી જ સાથે રહેવાનુ નક્કી કર્યું.

        પૂર્વી જતાં જતાં ચિઠ્ઠી મુકી ગઈ, આરવ, તું સમય ન આપતો હોવાથી મારાં જૂના પ્રેમી આશિષ સાથે ઘર માંડવા જાઉં છું, મારી રાહ ન જોતો – પૂર્વી.

        આ વાંચીને આરવ ગુસ્સે થયો અને હતાશ થઈ ગયો. મનમાં આશિષ સોલંકીનો કચ્ચરઘાણ વાળી દેવાના જ વિચારો દિવસ રાત ચાલુ થઈ ગયા. તેને વિચાર્યું, હું અમારા બંનેના સુખી ભવિષ્ય માટે જ મહેનત કરું છું ને પણ વર્તમાનનું શું ?

       

બીજા જ અઠવાડિયે ગાંધીનગર હાઈવે પરથી આશિષની બાઇકને બસ સાથે જોરદાર અકસ્માત થયો. આશિષ બેભાન થઈને ઢળી પડ્યો. તેને અંદર લિવર અને કિડની ડેમેજ થવાથી બ્લીડિંગ ચાલુ હતું, તેને નજીકની કોર્પોરેટ હોસ્પિટલમાં દાખલ કરી ઈમરજન્સી ઓપરેશન માટે સર્જનને કોલ કર્યો. આવા ગંભીર કેસ માટે ડૉ.આરવ જાનીની જ સુપ્રિટેન્ડન્ટ સાહેબે પસંદગી કરી.

        પૂર્વી સામે આરવને જોઇ ઠંડી પડી ગઈ. રડતાં રડતાં એટલું જ બોલી, મારાં આશિષને બચાવજે, આરવ.

      આરવ વિચારતો હતો, મારી પત્નીને ભગાડી જનાર આશિષને હું છોડીશ નહીં, તેનું મન દુષ્ટ વિચારો પર ચડી ગયું. મન એક વખત દુષ્ટ વિચારમાં ચડી જાય પછી તેમાં જ રમ્યા કરે છે. મારી પત્નીને ભગાડી જનાર લબાડ માણસને મારે ખતમ કરવો જ પડશે.

        અંદર દર્દીની હાલત જોતાં, તેના આંતરમને લપડાક મારી, અરે ! તું આ શું વિચારી રહ્યો છે. ડોક્ટરનો ધર્મ તો દર્દીને બચાવવાનો છે, મારવાનો નહીં.

            પૂર્વી બહાર વિચારી રહી હતી, અહી ડૉ.આરવ પાસે જ ક્યાં લાવ્યા ? હવે આરવ નહીં છોડે. પણ હોસ્પિટલના ચીફ સામેથી આરવને જ બોલાવે, તો કરવું શું ?

        બે કલાકની સખત મહેનત પછી આરવે ઇન્ટરનલ બ્લીડિંગ બંધ કરી દર્દીનો જીવ બચાવી લીધો અને બહાર આવી પૂર્વીને ખુશખબર આપ્યા. પૂર્વી મેં મહેનત કરીને તારા પતિને બચાવી લીધો છે, હવે ગભરાવા જેવુ નથી.

       

પૂર્વી આનંદથી ઊછળી પડી, વાહ રે આરવ, તે દાક્તરી ધર્મની બરાબર પુષ્ટિ કરી અને તે આરવને ભેટી પડી.

        ડૉ. આરવને પોતાની પત્નીના આલિંગનથી કરંટ લાગ્યો, પણ પરિસ્થિતીનું ભાન થતાં શાંત ચિત્તે પોતાની ઓફિસમાં જતો રહ્યો. પૂર્વી પણ વિચારી રહી કે મે આરવ જેવા આદર્શ અને નિષ્ઠાવાન ડોક્ટરને છોડી સારું કર્યું કે ખરાબ ?? તમારું શું માનવું છે ?


 




------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

 આરવની દિલેરી- ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories