11 ફેબ્રુઆરી 2026

જિંદગીની કિંમત - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

જિંદગીની કિંમત

શહેરના પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડૉ. હરીશ સુતરીયા ઝડપથી સિઝેરીયન ઓપેરેશન પતાવી રહ્યા હતા. ઉતાવળ અને ટેન્શનમાં તેમના હાથની કાતર અચાનક મોટી ધમનીને લાગી ગઈ. તરત જ ધમની ફાટી અને લોહીનો ફૂવારો છૂટ્યો. ડૉ. હરીશ એક્દમ ગભરાઈ ગયા. ગભરાટમાં પરસેવાના રેલા ઉતારવા લાગ્યા. રાતના આઠ વાગી ગયા હતા, પાર્ટીનો ટાઈમ થઈ ગયો હતો. હોટેલ રોયલ મહેલમાં ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.

            ડૉ. સુતરીયા અને તેમની ખૂબસૂરત પત્ની હેતલની આજે છઠ્ઠી મેરેજ એનિવર્સરી હતી. તેમના દોસ્તો અને સગાવહાલાંને આ નિમિત્તે આમંત્રણ આપીને ડિનર પાર્ટી ગોઠવી હતી. બહુ જ મહેનત કરીને હેતલે પાર્ટીનું મેનૂ અને ડેકોરેશન તૈયાર કર્યા હતા.

        બધા મહેમાનો અને હેતલ કાગડોળે ડૉ. હરિશની રાહ જોઈ રહ્યા હતા. બે વખત મોબાઈલ કર્યા, પણ સામે છેડે સિસ્ટરનો એક જ જવાબ સાહેબ ઓપરેશન થિયેટરમાં છે, પેશન્ટ સિરિયસ છે.

        ડૉ. હરીશ સાડા સાતે પાર્ટીમાં જવા નીકળવાના હતા, ત્યાં જ સિઝેરીયન કરવું પડે તેવો કેસ આવી ગયો. ડોક્ટરને એમ કે અર્ધા કલાકમાં ઓપરેશન પતાવીને તરત પહોંચી જઈશ. માતા અને બાળકની જીંદગીનો સવાલ હતો. તેથી ઝડપથી ઓપરેશન ચાલુ કરી દીધું.

        પણ....આ તો બધુ ઊલટું થતું જતું હતું. બ્લીડિંગ બંધ કરવામાં, નવું બ્લડ ચડાવવામાં અને પ્રસૂતા દર્દીને બચાવામાં એક કલાક નીકળી ગયો. હરીશ જેમ ઉતાવળ કરે તેમ વધારે ને વધારે ગુંચવાતો જતો હતો.

               


સાડાઆઠ સુધી યજમાન ડૉ.હરીશ જ ન દેખાતા બધા મહેમાનો ખાધાપીધા વગર વિખરાવા લાગ્યા. હેતલના મગજનો પારો ઊંચે જવા લાગ્યો, પણ કરે શું ? બધા આગળ તેમની બહુ જ નાલેશી થઈ. બધા બોલતા જાય એકલા ડૉ. હરીશ જ કામ કરે છે, તો પછી બધાને બોલાવ્યા કેમ ? અમારા બધાનો ટાઈમ ખોટો બગાડયો.

        હેતલ આગળ આનો કોઈ જવાબ ન હતો. અંતે રાત્રે સાડાનવ વાગે ડૉ. હરીશ હાંફળાફાંફળા અને ગભરાતાં આવ્યા ત્યારે હેતલ ડોળા કાઢતી બેઠી હતી. મહેમાનો બધા જતાં રહ્યા હતા. રાંધ્યા ધાન રઝળી પડ્યા, તો પણ ઓર્ડર મુજબ બિલ તો ચૂકવવું જ પડે ને ! હેતલનો ગુસ્સો હાથમાં ન રહ્યો.

        કેમ આટલું મોડુ ? સમયનું ભાન તો રાખો. હેતલ બગડી.


        હેતલ, હું એક મોટા પ્રોબ્લેમમાં ફસાઈ ગયો હતો. શું કરું ? એક પ્રસૂતા મહિલા અને બાળકની જિંદગીનો સવાલ હતો. ડૉ. હરીશે નરમ આવજે કહ્યું.

        તમે એકલા જ આ ગામમાં ડોક્ટર છો કે શું ? ઓપરેશનના પૈસા કરતાં તો અહીં વગર ખાધે અને પાર્ટીએ વધારે રૂપિયા જોડવા પડ્યા, તેનું ભાન છે કાઇં ! હેતલનો પિત્તો ગયો.

        હેતલ સમજવા પ્રયત્ન કર. ઓપેરેશનમાં બહુ બ્લીડિંગ થવાથી માતાનો જીવ જોખમમાં હતો. ડોક્ટરે સમજાવતા કહ્યું. પરંતુ હેતલના મગજમાં વાત ઉતરી નહીં. આવું તો હરીશે બહુ વખત કર્યું હતું, પણ આજે તો હદ વટાવી દીધી.

        હેતલે તરત જ તેની માતા હંસાબેનને મોબાઈલ જોડ્યો. આખી વાત સાંભળી હંસાબેન પણ ઉકળી ગયા. બેટા, રહેવા દે, તું તેમને છોડીને અહી વડોદરા આવતી રહે. આવું ચલાવાય જ નહીં. દર વખતે તારે જ સહન કરવાનું, આ તે કઈ રીત છે ? પાર્ટી માટેની તારી મહેનતની એમને કોઈ કિંમત જ નથી. દરેક વખતે સમય સાચવે નહીં, એવા બેદરકાર માણસ સાથે રહેવાય નહીં.

હેતલે તરત જ ઘેર જઇ કપડાંની બેગ ભરી પિયરની વાટ પકડી. ડૉ. હરીશે બહુ જ વિનંતી કરી, કાલાવાલા કર્યા, પણ હેતલ માની જ નહીં. તેને મનમાં વિચાર્યું, મારે મક્કમ બનીને તેમને સીધા તો કરવા જ પડશે.

        પિયરમાં હંસાબેને તેને ચડાવતાં કહ્યું આવ બેટા, આવા બેફિકરા માણસને તો સીધા કરવા જ પડે. એકલા રહેશે એટલે થોડા દિવસમાં કંટાળીને તને લેવા આવશે, નહીં તો આપણે ભરણપોષણનો દાવો માંડી દઇશું.

        બંને મહિલાઓ અભિમાની અને પતિઓને પોતાની આંગળીઓ પર નચાવવામાં માનનારી હતી. હંસાબેને પણ ફોન પર જમાઈને તડકાવતા કહ્યું કોઈ દિવસ તમે સમયસર આવતા જ નથી. તમે એકલા જ સેવાનું વાજુ વગાડયા કરો છો, ખાલી દેખાવ કરવાનું છોડી દો. ડૉ. હરીશ આ સાંભળી નિરાશ થઈ ગયા.

      

  બે દિવસ પછી રવિવારે સાંજે અચાનક હંસાબેનને છાતીમાં સખત દુખાવો ઉપડયો. એમ્બ્યુલન્સ બોલાવી તત્કાળ ડૉ. પૂજારાસાહેબની પ્રાઈવેટ હોસ્પીટલમાં દાખલ કરી દીધા. બહુ ગંભીર હાર્ટએટેકનો હુમલો હતો.

        ડૉ. પૂજારા હોંશિયાર કાર્ડિયોલોજિસ્ટ હતા, તેમની સારવારથી હંસાબેનને આરામ પડતો લાગ્યો, પણ છાતીનો દુખાવો ઓછો થતો ન હતો. રાતના આઠ વાગ્યાને ડૉ. પૂજારાએ નાઈટ ડોક્ટરને ચાર્જ આપી જવાની તૈયારી કરી.

        હેતલ અને હંસાબેન ચિંતામાં પડી ગયા. સાહેબ, હજી મારી મમ્મીને છાતીમાં દુખાવો ઓછો થતો નથી, તમે ન જાવ તો સારું.

        બહેન, મારી પત્નીની બર્થ ડે પાર્ટી અમે હોટેલમાં ગોઠવી છે, મારે જવું જ પડશે. ડોક્ટરે બેફિકરાઈથી કહ્યું.

        પણ ડોક્ટર, મારી મમ્મીનું શું ?” હેતલ ચિંતામાં બોલી.

            આવા કેસ તો અમારે રોજ આવે ને જાય. તેમાં કઈ પાર્ટી ન બગાડાય. ડોક્ટર પુજારાએ શાંતિથી જવાબ આપ્યો. અહી નાઇટના ડોક્ટર છે ને !

        પણ તે તો સાદા એમ.બી.બી.એસ. જ છે. કાર્ડિયોલોજિસ્ટ નથી. હેતલે રડમસ થઈને કહ્યું.

        પણ.... પુજારા સાહેબ તો કાઇપણ સાંભળ્યા વગર નીકળી ગયા. હેતલ અને હંસાબેન વિચારમાં પડી ગયા. માણસની જિંદગી કરતાં આ ડોક્ટરને પાર્ટીમાં વધારે રસ છે, શું કરવું ?”

            હેતલે બીજી હોસ્પીટલમાં શિફ્ટ થવા બધે ફોન કર્યા. આખા શહેરમાં રવિવારે રાત્રે કોઈ જ આવો સિરિયસ કેસ લેવા જ તૈયાર ના થયા.

        અચાનક હેતલને ટ્યૂબલાઇટ થઈ. હું ડૉ. હરીશને છોડીને ખોટી આવી ગઈ. ડોક્ટરની ફરજ અને માણસની જિંદગી આગળ પાર્ટી અને પૈસાની શું વિસાત છે ?

        અંતે કંટાળીને ડૉ. હરીશને અમદાવાદ ફોન જોડ્યો અને રડી પડી. ડૉ. હરીશ ગંભીર પરિસ્થિતી પામી ગયો અને તરત જ બે કલાકમાં વડોદરા પહોંચી તેમના કાર્ડિયોમિત્ર ડૉ. ઠાકરને ઊંઘમાથી જગાડી સાથે લેતા આવ્યા.

        બંને મા-દિકરી શરમથી નજર પણ મિલાવી શકતા ન હતા. ડૉ. ઠાકર અને ડૉ. પૂજારા મિત્રો હતા. તેથી વાંધો ન આવ્યો અને ડૉ. ઠાકર આખી રાત ત્યાં રોકાઈને સારવાર આપતા રહ્યા, આખરે સવારે હંસાબેનને દુખાવો ઓછો થયો અને આરામ લાગ્યો.

        અણીના સમયે ડોક્ટરની જરૂરિયાત, સમયસૂચકતા અને ફરજપણાનો ખ્યાલ હેતલને આવી ગયો. તેણે રડતાં રડતાં પતિની માફી માંગી અને કહ્યું હરીશ, મને માફ કરી દે. હેતલને ખૂબ પસ્તાવો થઈ રહ્યો હતો.

        ડોક્ટરની હાજરી અને મદદ આગળ પાર્ટી, પૈસા અને મજાનું કોઈ જ મહત્વ નથી. માનવીની જિંદગી કરતાં વિશેષ શું હો શકે ? એનો હેતલને અહેસાસ થઈ ગયો.


 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

 જિંદગીની કિંમત- ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories