પાંચેય આંગળા સરખા ના
હોય
રવિવારની સવારે એલ.ડી.એન્જિનીયરિંગ કોલેજની હોસ્ટેલ પર કુમળો સૂર્યપ્રકાશ ઝળહળી રહ્યો
હતો. રૂમમાં બધા વિદ્યાર્થીઓ સવારની મીઠી નીંદરમાં રંગીન સપનાઓ માણી રહ્યા હતા. ફાઇનલ યરમાં
ભણતો અનિકેત રાત્રે મોડે સુધી જાગ્યો હોવાથી સવારના મીઠા સપનામાં પોતાની પ્રેમિકા
અમી સાથેના સંસ્મરણો વાગોળી રહ્યો હતો.
છેલ્લા ત્રણ
મહિનામાં જ તેને અમી સાથે લો ગાર્ડનમાં શનિવારે સાંજે ફરવામાં મુલાકાત થઈ હતી.
એકવીસ વરસની અમી રૂપાળી અને નમણી હોવાથી સાદા કપડામાં પણ આકર્ષક લાગતી હતી. તેના
ડાબા ગાલ ઉપરનો તલ તેને વધુ આકર્ષક બનાવી રહ્યો હતો. અનિકેત તેને જોતાં જ સપનામાં
ખોવાઈ ગયો.
અચાનક ઠોકર
વાગતાં તે છોકરી ગબડી અને પડે તે પહેલા અનિકેતે દોડીને તેને ઝીલી લીધી. તે છોકરી
શરમાઇ ગઈ. આંખો ઝુકાવીને આભારવશ તે અનિકેત સામે જોઈ રહી.
“શું નામ છે, તમારું ?” અનિકેતે પ્રેમથી પૂછ્યું.
“અમી” કહેતા તેના ગાલ
લાલ થઈ ગયા. અનિકેતે પોતાની ઓળખાણ આપતા
કહ્યું, “હું અનિકેત, અહી એન્જિનીયરિંગ કોલેજમાં છેલ્લા
વરસમાં છું, હોસ્ટેલમાં રહું
છું.”
“મારૂ નામ અમી, હું અહી બાજુમાં જ ગુલબાઈ ટેકરાની
ચાલીમાં રહું છું. અમે બહુ ગરીબ છીએ, મારા માબાપ ઘરકામ અને મજૂરી કરે છે.”
“તો શું થયું ? ચાલો આઈસક્રીમ ખાવા.” અનિકેત દાણા નાખતા તેની તરફ ખેંચાઇ રહ્યો હતો.
પછી બંનેએ
એકબીજાના મોબાઈલ નંબર લીધા, અને લાંબી લાંબી વાતો ચાલુ થઈ ગઈ.
અનિકેતને
તેની ગરીબીનો વાંધો ન હતો. પણ અમીનો સ્વભાવ અને દેખાવ તેને ગમી ગયો પછી પૂછવું જ શું ? મારે ક્યાં તેને ઘેર રહેવા જવું છે. પછી
મારે તે ચાલીમાં રહે કે ઝૂપડાંમાં, તે જોવાની શું જરૂર છે ?
પછી તો દરરોજ
સાંજે લો ગાર્ડનમાં અમી અને અનિકેતના મળવાનો ક્રમ થઈ ગયો. અમી જૂના કપડામાં પણ
ગુજરાતી પિક્ચરની હિરોઈન જેવી લાગતી હતી. અનિકેતે તેને ડ્રેસ અને પાકીટ ભેટ કર્યા, પહેલાં તો અમીએ ના પાડી, પણ પછી લગ્ન કરવાનો જ છે તે નક્કી થતાં
તેણે સપ્રેમ સ્વીકાર કર્યો.
સવારના દશ
વાગી ગયા, પણ અનિકેતનો ઊંઘમાં
સપનામાં અમી સાથેનો ડાન્સ ચાલુ જ હતો. રૂમ ખખડ્યો. આ રવિવારે સવારમાં કોણ આવ્યું ? વિચારતા તેણે આંખો ચોળતા બારણું
ખોલ્યું. સામે રૂમ સાફ કરનારાં વસુબેનને જોતાં પૂછ્યું. “રવિવારે કેમ વહેલા
આવી ગયા.”
“સાહેબ, દશ તો વાગ્યા, મારે બધી રૂમો સાફ કરીને ઘરે તો
પહોંચવું જોઈએ ને !”
“સારૂ સારૂ “ અનિકેતે કહ્યું.
રૂમ સાફ કરતાં વસુબેન ચિંતામાં લાગતાં હતા. તેમણે અનિકેત સામે જોઈ પુછ્યું
“સાહેબ, એક હજાર રૂપિયા ઉધાર મળશે. મહિનામાં બધેથી પગાર થતાં પરત કરી દઇશ.”
“આટલા રૂપિયાનું
એકદમ શું કામ પડ્યું ?” અનિકેતને નવાઈ લાગી.
“સાહેબ, જુવાન દીકરીના માબાપની ચિંતા તમને શું
ખબર ? મારી દીકરી
રૂપાળી અને દેખાવડી છે તેથી અમને વધારે ચિંતા રહે છે, પણ હમણાં ત્રણ મહિનાથી તે પણ બહેકીબહેકી
વાતો કરે છે અને નવો ડ્રેસ અને પર્સ તેને કોણ આપે છે એ સમજ નથી પડતી. આવા કોલેજીયન
છોકરાઓ અમારી ગરીબ ઘરની છોકરીઓને બહેકવી ફોસલાવી અને લગ્નની લાલચ આપીને ઉપભોગ
કરીને ભાગી જાય છે. અમારી ઇજ્જતનો સવાલ છે. આવા ભમરાઓ તો રસકસ ચૂસીને ઊડી જાય, પછી અમારી ગરીબ ઘરની છોકરીનો હાથ કોણ
પકડે ?”
“તમને આવો ખરાબ
અનુભવ થયો લાગે છે.” અનિકેતને નવાઈ
લાગી.
“સાહેબ, અમારી ચાલીની બે છોકરીઓ ફસાઈ ગઈ હતી.
પ્રેમના નામે ભોળવી, રસકસ ચૂસી ટાઈમપાસ કરી કોલેજના છોકરાઓ તો ભાગી ગયા, પણ હવે એ છોકરીઓના હાથ કોણ પકડે ? બિચારા માબાપ માથે હાથ દઈને રડી રહ્યા છે.” વસૂબેને રડમસ ચહેરે કહ્યું.
અનિકેત સમજી
ગયો તે કોની વાત કરે છે. તેણે પૂછ્યું, “પણ તેમાં હજાર
રૂપિયાનું શું કામ છે ?”
“સાહેબ, અમારી ચાલીના માથાભારે કલ્લુને એ
છોકરાને મારવાનું કામ સોંપવાનો ઇરાદો છે, પણ એ મફત થોડો કામ કરે ? અત્યારે હજાર અને પછી હજાર રૂપિયા આપવા પડશે.” વસુબેન રડવા જેવા
થઈ ગયા.
અનિકેત વિચારમાં પડ્યો, આ તો મારા રૂપિયાથી મને જ મારવાનો પ્લાન બની રહ્યો છે. પણ હું તો ખરા દિલથી અમીને ચાહું છું. મારે વસુબેનને સમજાવવા પડશે.
અનિકેતે
સમજાવતા કહ્યું, “દરેક છોકરા આવા ન
હોય. સજ્જન છોકરા દગો ના કરે, તમે તપાસ તો કરો. અમીએ પસંદ કરેલો છોકરો સજ્જન હોય તો તમને
શું વાંધો છે ?”
“સાહેબ, બધા તમારા જેવા સારા અને સજ્જન ન પણ
હોય.” વસૂબેને કહ્યું.
વસુબેન
વિચારમાં પડી ગયા. તેમણે છોકરાને મારવાનો વિચાર માંડી વાળ્યો. તેમણે વિચાર્યું, અમીને કહી એકવાર છોકરાને જોઈએ તો ખરા.
સાંજે અમી
સાથે અનિકેત હાથમાં હાથ નાખી આવતા જોઈ વસુબેન ચકિત થતાં બોલ્યા, “સાહેબ, તમે જ.”
અનિકેત પગે
લાગતાં બોલ્યો, “વસુબેન, બધા એક સરખા ના હોય. તમારે એક વખત તો
દીકરીને ચાન્સ આપવો જ જોઈએ ને ! તમારી વાત સાચી છે, ઘણા કોલેજીયનો આવું જ કરે છે, પણ પાંચેય આંગળીઓ સરખી ન હોય. હું અને
અમી આવતા અઠવાડિયે કોર્ટમાં મેરેજ કરવાના છીએ.”
વસુબેન આ
સાંભળી એકદમ નચિંત બની ગયા. તેમની આંખમથી શ્રાવણ ભાદરવો વહી રહ્યા હતા.
તે વિચારી
રહ્યા હતા, “સારૂ થયુને મે
કલ્લુને કામ ન સોંપ્યું, નહિતર રૂપિયા જાત અને છોકરો પણ અમીના હાથમાથી નીકળી જાત. પાંચેય આંગળા સરખા ના હોય એ કહેવત ખરેખર સાચી છે.”
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
પાંચેય આંગળા સરખા ના હોય- ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories