માસૂમ મુન્નો
ઉન્માદ અને આશિતા લબોરેટરીનો પ્રેગ્નન્સી નો રીપોર્ટ પોઝીટીવ વાંચી ખુશ થઈ ગયા. હજુ લગ્નને બે જ વરસ થયા હતા, ત્યાં તો તેમના પ્રેમના પરિણામ સ્વરૂપ નવાંગતુકનું આગમન થઈ રહ્યું હતું. ઉન્માદને મનમાં બાબાનો ઉન્માદ હતો, તો આશિતાને મનમાં સુંદર ઢીંગલી જેવી બેબીની મનોકામના હતી. પરિણામ શું આવશે એ તો ઉપરવાળો જાણે ?
અંતે તેમની આતુરતાનો અંત આવ્યો. બરોબર નવ મહિના અને દશ દિવસે આશિતાને પ્રસુતિનું દર્દ ઉપડયું, સુંદર બાબાનું આગમન બંનેને આનંદિત કરી ગયું.
“સાગર પ્રસૂતિગૃહ” નાં સ્પેશ્યલ રૂમમાં આશીતાના બાબાને રમાડવા તેના દાદા દાદી અને કાકા કાકી આવી પહોંચ્યા.
રૂ નાં પોચા પોચા મલમલ જેવા લાલચટ્ટાક મુન્નાને રમાડવા બધા હરીફાઈમાં ઉતરી ગયા. તેની દાદીએ રમાડવા લેતા જ બોલ્યા, “આની માંજરી આંખો સુંદર લાગે છે, પણ તમને બંનેને તો કાળી આંખો છે, આ મુન્નાને માંજરી આંખો કેમ છે ?”
તો વળી ફોઈએ તેને લેતા વેંત જ કહ્યું, “આના વાળ તો વાંકડિયા અને બરછટ છે, આવા વાળ તો તમારા બેમાં કોઈના નથી.”
ઉન્માદ વિચારમાં પડી ગયો. મુન્નાનો ગોળમટોળ ચહેરો પણ તેમની સાથે મેળ ખાતો ન હતો. આવા લક્ષણોવાળો મુન્નો મારા કે આશીતાના કરતાં અલગ જ છે, નક્કી કઇં લોચો છે. તેને શંકા થવા લાગી, મુન્નાની માટીમાં મારૂ જ બિયારણ છે કે પછી બીજો કોઈ મોરલો કળા કરી ગયો છે ? મનમાં એકવાર શંકા જાય પછી મન દિવસ રાત તેના જ વિચારમાં રચ્યુંપચ્યું રહે છે. મનમાં ઉદભવેલી શંકા અંતે કુશંકા બની જાય છે. સારા વિચારો ઉપર ખોટા વિચારો હાવી થઈ જાય છે, અને મનની વિવેકબુદ્ધિ નાશ પામે છે.
ઉન્માદ આનો ઉકેલ શોધી રહ્યો હતો, અને તેને ભૂતકાળ યાદ આવવા લાગ્યો. આશિતાનાં ગામનો તેના પિયરની બાજુમાં જ રહેતો પ્રિયેશ તેને યાદ આવી ગયો. પ્રિયેશનો ગોળમટોળ ચહેરો, વાંકડિયા બરછટ વાળ, અને માંજરી આંખો તેને યાદ આવી ગયા, જે કોઈ પણ છોકરીને આકર્ષવા પુરતા હતા. વળી આશિતાએ પણ તેની ઓળખાણ તેના પિયરના બચપણનાં ખાસ મિત્ર તરીકે કરાવી હતી. બંને કોલેજમાં પણ સાથે જ હતા, તેથી નક્કી પ્રેમમાં હશે, આ ઉંમરે વિજાતીય આકર્ષણ ગમે તેવા યુવક યુવતીને પાગલ બનાવી મુકે છે. તેને ધીમે ધીમે બધું યાદ આવ્યું, પ્રિયેશ અઠવાડિયે એકાદ બે વખત કઈ આપવા લેવા પોતાની ગેરહાજરીમાં બપોરે આવતો જતો હતો, તેવું તેનાં પાડોશી મિત્રએ કહ્યું હતું, તેને યાદ આવવાં માંડ્યુ. તે દિવસે અચાનક તેને પેટમાં દુખવાથી બપોરે રજા લઈને ઘેર આવ્યો ત્યારે પ્રિયેશ આશિતા સાથે ગપ્પાં મારતો ચ્હા પી રહ્યો હતો. આશિતાએ કહ્યું, “ઉન્માદ, જો મારે પિયરથી મમ્મીએ મારા માટે આ સુંદર સાડી પ્રિયેશ સાથે મોકલી છે.”
ત્યારે ઉન્માદને કશું અજુગતું ન લાગ્યું, પણ હવે તેનાં મનમાં શંકા મજબૂત બનતી ગઈ, નક્કી આ પ્રિયેશનું જ પરાક્રમ છે. તે રાત્રે જ તેણે આશીતાને પુછ્યું, “આ પ્રિયેશ આપણાં ઘેર દર વખતે મારી ગેરહાજરીમાં જ કેમ આવતો હતો ?”
આશિતા ચોંકી ગઈ અને ગુસ્સે થઈ જવાબ આપ્યો, “ ઉન્માદ, તું શું પૂછે છે ? પ્રિયેશને પાછું વહેલાસર પોતાને ગામ ઘરે પહોંચવાનું હોય, એટલે સવારે નીકળી, બપોરે શહેરનું કામ પતાવી મને મળી જતો રહેતો હતો, આ પુછી તું કહેવા શું માંગે છે ?”
ઉન્માદ પણ મનમાં ઘુઘવાઈને બેસી રહ્યો, તેના મનમાં રહેલી શંકા તે જણાવી ના શક્યો અને પહોંચ્યો પોતાના ખાસ મિત્ર ડો. અશોક સુતરીયાના દવાખાને. ડો. અશોક દર્દીને તપસીને ઉન્માદને જોતાં જ ખુશ થતાં બોલ્યા. “કોંગ્રેટ્સ ઉન્માદ, સુંદર બાબાના પપ્પા બનવા બદલ.”
પણ ઉન્માદનું દિવેલિયું મોઢું જોઇ તે ગૂંચવાયો, અને પુછ્યું “શું થયું ? કઇં લોચો છે ?” અને ઉન્માદે નિરાશ મને આખી વાત કરી. ડો. અશોક પણ વિચારમાં પડી ગયો. તેણે પણ શંકા કરી, “મને આશિતા સાવ આવી ચરિત્રહીન નથી લાગતી, પણ હકીકત છે, તે વિચારવા લાયક છે.
હવે તો ઉન્માદની શંકા વધારે પ્રબળ અને દ્રઢ બની ગઈ. તેને મુન્નો હવે જોવોય નહોતો ગમતો. આશિતા બિચારી વિચારતી આ ઉન્માદને થયું છે શું ? તે મુન્નાને રમાડવાનું તો શું, સામે પણ જોતો નથી. માસૂમ મુન્નાનો આમાં શું વાંક ?
તક મળે ઉન્માદ હવે મુનનને જુદા જુદા બહાને હેરાન કરવા લાગ્યો. આશિતા નહાવા ગઈ હોય ત્યારે તે મુન્નાને લાફા ચોડી દેતો, ટપલીઓ મારતો, તેના રમકડાં લાવવાના તો એક બાજુએ, પણ તે તેના નવા કપડાં લાવવામાં પણ કતરાતો રહેતો.
સમય વિતતો ગયો. મુન્નો હવે એક વરસનો થઈ ચાલવા લાગ્યો હતો. તે પપ્પા સામે સ્મિત આપે તો પણ પપ્પાનો લાલઘૂમ ચહેરો તેને નિરાશ કરી દેતો. ઉન્માદ તેની માંજરી આંખો પ્રિતેશ સાથે સરખાવીને ગુસ્સે ભરાતો. તેના જેવો જ ગોળમટોળ ચહેરો અને વાંકડિયા બરછટ વાળ. તેણે બે ત્રણ વખત આશિતાને ફેરવી ફેરવીને પુછી લીધુ કે પ્રિતેશ બપોરે હું ન હોઉ ત્યારે તમે શું કરતાં ? તે કેટલું રોકતો ? હવે આશીતાને પણ ખ્યાલ આવી ગયો કે ઉન્માદના આ સવાલો શા માટે પુછાઇ રહ્યા છે.
મુન્નાની પહેલી બર્થ ડે પર કુટુંબના બધા સભ્યો ભેગા થયા, ત્યારે પણ આજ વાત કે મુન્નો ગયો છે, કોના પર ? તેના મમ્મી અને પપ્પા ઉપર તો જરા પણ ગયો લાગતો નથી અને ઉન્માદનો ગુસ્સો આસમાને પહોંચી ગયો.
આશીતાની નોકરી ચાલુ થઈ ગઈ હતી. તે મુન્નાને ઘોડિયાઘરમાં મૂકી જોબ પર જતી હતી. ઉન્માદનું શંકાશીલ મન આજે પૂરો ફેંસલો કરી લેવા ઉત્સુક હતું. તેણે પેટમાં દુખવાનું બહાનું કાઢી રજા લઈ લીધી. આશીતાએ કહ્યું “ તમે ઘેર છો તો આજે મુન્નાને પણ ઘેર મૂકીને જાઉં છું, બરાબર ધ્યાન રાખજો.”
“સારું તેનું દૂધ અને ખાવાનું આપીને જા” ઉન્માદે કહ્યું. આશિતા પણ નોકરી પર જવા નીકળીને ઉન્માદે મુન્નાને તેના મિત્રનાં ફાર્મ હાઉસ પર લઈ જય તેના બાથરૂમમાં પૂરી દીધો. એક બે દિવસમાં ભૂખે તરસે મુન્નો મરી જશે, પછી જ મારા મનને શાંતિ થશે.
ઘરે આવીને તેણે આશીતાને ફોન જોડ્યો, “આશિતા, ગજબ થઈ ગયો, હું નહાવા ગયો હતો અને દરવાજો ખુલ્લો રહી જતાં કોઈ મુન્નાને લઈ ગયું.”
“ શું વાત કરે છે ?” આશિતાને ફાળ પડી, તે રિક્ષા લઈ દોડતી આવી અને ઉન્માદને ગુસ્સે થઈને ઝગડો ચાલુ કરી દીધો.
ઉન્માદ ખરેખર કોઈ મુન્નાને ઉપાડી ગયું છે નો ડોળ કરીને સામે જવાબ આપવા લાગ્યો.
ત્રણ કલાક વીતી ગયા, પણ મુન્નાના કોઈ ખબર ન આવ્યા, આશિતા રડી રડીને બેહાલ થઈ ગઈ. કરવું શું ? પોલિસને જાણ કરવી કે નહીં ? તેના મમ્મી પપ્પા પણ આવી ગયા.
ત્યાં તો ઉન્માદના મિત્ર ડો. સુતરીયાનો ફોન આવ્યો, “ઉન્માદ, મને હમણાં યાદ આવ્યું, બાળકોમાં તેના દાદા દાદી કે નાના નાની ના જીન્સ ડોમિનેટિંગ હોય તો તેના લક્ષણો માં બાપ થી જુદા હોઇ શકે છે. મેં ગૂગલમાં પણ સર્ચ કરી આ બાબત સાચી છે.”
“ હેં, શું વાત કરે છે ?” ઉન્માદની સામે જ મુન્નાના નાના બેઠા હતા, તેની માંજરી આંખો, વાંકડિયા વાળ અને ગોળમટોળ ચહેરો મુન્નાને મળતાં આવતાં હતાં.
એકદમ તેને પસ્તાવો થયો, અરે રે ! મેં આ શું કરી નાખ્યું . મુન્નો તો મારો જ દીકરો છે, અને તે રડી પડ્યો, તેણે ખુલ્લા હૃદયે આશિતાને બધી વાત ટૂંકમાં કરી અને પસ્તાવો કર્યો.
આશીતાએ કહ્યું આ રડવાનો વખત નથી, ચાલો જલ્દી મુન્ના પાસે.
ઉન્માદ ઝડપથી ફાર્મ હાઉસ પહોંચી બાથરૂમ ખોલતાં, મુન્નો ભૂખ અને તરસથી બેભાન થવાની તૈયારીમાં જ હતો, તરત જ તેને દાખલ કરી સારવાર કરતાં બે દિવસ ની મહેનતથી બચી ગયો.
ઉન્માદ હવે મુન્નાને રમાડતાં થાકતો ન હતો, ખરા દિલના પસ્તાવા અને શંકાના નિવારણથી માસૂમ મુન્નો પણ બચી ગયો અને માં બાપ ના પ્યારદુલાર થી ખુશખુશાલ થઈ ગયો.
મનમાં ઉદભવેલ કુશંકાનું સમાધાન થઈ જવાથી ઉન્માદ અને આશિતાનો પ્રેમ ફરી પાછો સોળે કળાએ ખીલી ઉઠ્યો. બંને મુન્નાને રમાડતા રમાડતા ખુશખુશાલ થઈ ગયા.
લાસ્ટ સ્ટ્રોક : એક વખત મનમાં શંકા કે કુશંકા જાગે પછી મન બેચેન બની જાય છે, અને ન કરવાના કામ વિચારે છે. એક વખત શંકાનું સમાધાન થઇ જાય પછી જ મન શાંત થાય છે.
------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
માસૂમ મુન્નો- ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories