06 ફેબ્રુઆરી 2026

ચોર બન્યો શરિફ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

ચોર બન્યો શરિફ


આખી બી.કે.આર્ટ્સ કોલેજમાં સૌથી દેખાવડી, આકર્ષક અને ફેશનેબલ છોકરીને જો યાદ કરવામાં આવે તો તે બીજી કોઈ નહીં સપના દલાલ. મોટી આકર્ષક આંખો, લંબગોળ ચહેરો, સફેદ સંગેમરમર જેવુ રૂપ, અને રતુમડા હોઠ જાણે ઈશ્વરે બધું જ સૌંદર્ય સપનામાં ઠાલવી દીધું હતું.

બધા યુવકોને રાત્રે સપનામાં પણ સપના જ હેરાન કરતી. કોઈને કોઇ બહાનું કાઢીને બધા છોકરાં સપના સાથે વાત કરીને સબંધ વધારવા કોશિશ કરતાં. સપનાના મનનો રાજકુમાર હજુ સુધી કોઈ બની શક્યું નહોતું. તે તો પોતાની બે સખીઓ સાથે જ કેન્ટીનમાં કે વર્ગમાં જોવા મળતી.

ગુરવારની સાંજે સપના પોતાના એક્ટિવા પર સી.જી.રોડ પરથી સડસડાટ જઇ રહી હતી, અચાનક નવરંગપુરા માર્કેટ પાસે તેનું એક્ટિવા એક આંચકા સાથે બંધ થઈ ગયું. સુંદર યુવતીને જોઈ ચારે તરફથી બધા જુવાનિયા ભેગા થઈ ગયા. એક હેન્ડસમ યુવકે તો તરત જ તેનું એક્ટિવા ખોલીને અંદર પ્લગ સાફ કરી કીક મારતા એક્ટિવા ચાલુ થઈ ગયું. સપના ખુશ થઈ ગઈ.  તેના ચહેરાની ખુશી જોઈ, યુવકે કહ્યું, હાય ! હું આશિક છું, અહી બાજુમાં ગુલબાઈ ટેકરા પર જ મારો બંગલો છે, આવો કોફી પીએ.

સપના જાણે તેના વ્યક્તિત્વથી આકર્ષાઈ ગઈ. તેણે શરમાતા કહ્યું, ના, ના, તમારે ઘેર નહીં, અહી બાજુમાં જ કોફી શોપમાં જઈએ


કોફી પીતાપીતા બંને જાણે વર્ષોથી એકબીજાને ઓળખતા હોય તેમ અલકમલક ની વાતોએ વળગ્યાં. સપનાને તો જાણે મનગમતો દોસ્ત મળી ગયો જેની તેને વરસોથી તલાશ હતી
. આશિકને તો બગાસું ખાતા પતાસું મળી ગયું.

 પછી તો આ રોજનો ક્રમ થઈ ગયો. કોઈ વખત એસ. જી. હાઈવેના કોઈ ધાબા પર તો કોઈક વખત ગાંધીનગરના કોઈ ગાર્ડનમાં બંનેની મુલાકાતો વધતી ગઈ.

આશિક તો ઉત્તરભારત સાઇડનો મસ્ત મિજાજનો ટપોરી હતો. રૂપ અને દેખાવ માં-બાપ તરફથી મળેલા, પણ ભણવામાં ઝીરો. તે દશ ધોરણ ફેઇલ, નોકરીની તલાશમાં નાની મોટી ચોરી કરીને પેટ ભરતો. રાયખડની ચાલીની નાની ખોલીમાં એકલો પડ્યો રહેતો.  યુવતીઓ જુવાનીના આવેશમાં યુવકના દેખાવ અને રૂપરંગથી જ ખેંચાઈ જાય છે. આ જ સપનાની મોટી ભૂલ હતી.

રવિવારની સાંજે બંને વિજય ચાર રસ્તાની કોફી બારમાં કોફી પીતા પીતા વાતોએ વળગ્યાં.

સપના, તું મને દિવસ રાત મારા સપનામાં આવે છે, હવે જુદાઇ સહન નથી થતી. આશિકે દાણો ચાપી જોયો.

મારા પણ આ જ હાલ છે, પણ મારા માં બાપ તને જમાઈ તરીકે ક્યારેય નહીં સ્વીકારે. સપનાએ રડમસ અવાજે કહ્યું.

તો શું કરીશું ? ભાગી જઈને લગ્ન કરી લઈએ આશિકે છેલ્લો પાસો ફેંક્યો.

સપના સંમત થઈ ગઈ. રાત્રે સૂતી વખતે આશિક વિચારે ચડ્યો. સપના સાથે લગ્ન કરીને રાખીશ ક્યાં ? મારે કોઈ મોટો હાથ મારવો જ પડશે.

 પછી છ મહિના સુધી આશિક ગુમ થઈ ગયો. તેનો મોબાઇલ પણ બંધ. સપના ચિંતામાં પડી ગઈ. આશિક ક્યાં જતો રહ્યો ? તે આશિકને ભૂલી શક્તી નહોતી.

છ મહીને અચાનક આશિકનો મોબાઇલ આવતા સપના ચોંકી ગઈ, આટલા લાંબા સમયથી ક્યાં હતો આશિક ?” તેણે ગુસ્સામાં કહ્યું.


જો સપના, હું સાચું કહું પણ એક શરતે કે તું ગુસ્સે નહીં થાય. હું આપણાં લગ્ન બાદ એક સારા અને સુખી જીવનની શરૂઆત માટે ચોરી કરતાં પકડાઈને જેલમાં હતો. ઝવેરીની દુકાને ચોરી કરતાં પકડાઈ જતાં મને છ માસની જેલ થઈ હતી. પણ હવે મારી પાસે પૂરતા રૂપિયા છે. આપણે સુખ ચેનથી રહીશું.

સપના આ સાંભળી અચંબામાં પડી ગઈ, તે ગુસ્સે થઈ બોલી તું ચોર છે, મને તો ખબર જ નહીં, હવે તારો અને મારો સબંધ પૂરો સમજ.

 સપના મે આપણાં સારા ભવિષ્ય માટે ચોરી કરી હતી. હવે આપણે સુખચેનથી રહી શકીશું. આશિકે બચાવમાં કહ્યું.

મે તને ક્યાં ચોરી કરી આપણું ભવિષ્ય સુખી કરવાનું કહ્યું હતું. મને ખોટી રીતે તારા ખોટા કામમાં ન સંડોવીશ. હવે તું મને ક્યારેય ફોન ના કરતો. સપના હવે ખરેખર ગુસ્સે થઈ ગઈ. તેણે કાયમ માટે આશિક સાથેનો સબંધ પૂરો કરી દીધો.


કલિયુગ નો વલિયો લૂંટારો હવે ખરેખર દ્વિઘામાં પડી ગયો.
મેં ચોરી તો બંનેના સારા ભવિષ્ય માટે કરી હતી, પણ સપના તો ચોખ્ખી ના પડે છે. વાલિયા લૂંટારાના ઘરવાળાઓએ પણ તેના ખોટા પાપી કામોમાં પોતાની મંજૂરીની ના જ પાડી હતી ને !

 સારા કામોમાં સહુની સંમતિ હોય છે, પરંતુ ઘરના બધાની સુખ સગવડ માટે ચોરી, લૂંટફાટ કરીએ તો કોઈનો સાથ નહીં, ખાવા, પીવા, રહેવા તો બધાને જોઈએ છે, આ તે કેવો ન્યાય ? દુ:ખી આશિક આખી રાત વિચારતો રહી અને તેનું હૃદય પરીવર્તન થયું.

આશિકે ચોરી ચપાટીના કામ બંધ કરી, પડી રહેલા રૂપિયાનું અન્નદાન કેન્દ્ર શરૂ કર્યું. તેણે નામ આપી દીધું મફત દાળ રોટી કેન્દ્ર, ભૂખ્યા લોકોને મફત રોટી અને દાળ આપી પરોપકારનો સેવાયજ્ઞ ચાલુ કરી દીધો. સારા કામમાં દાનનો પ્રવાહ વહેવા લાગ્યો. ચારે તરફ ભૂખ્યાને અન્નક્ષેત્રની ખ્યાતિ ફેલાઈ ગઈ.

બે વર્ષમાં સપનાના પપ્પાનું કોરોનાની મંદીમાં શેરબજારમાં ધોવાણ થઈ ગયું. ઘર, મોટર, ફર્નિચર બધુ વેચાઈ ગયું. ખવાપીવાના પણ ફાંફા પડી ગયા. સપનાના પપ્પાનું કોરોનામાં મોત થઈ ગયું. આ આઘાત તેની મમ્મી સહન ના કરી શકી, અને તેનું પણ મોત થઈ ગયું. આ દુનિયામાં સપના હવે એકલી પડી ગઈ. તેણે નોકરી મેળવવા ચારે તરફ બહુ જ કોશિષ કરી જોઈ, પણ કોરોનાકાળની કટોકટીમાં જે નોકરીમાં હતા, તે લોકોને પણ છુટા કરવામાં આવતા હતા, ત્યાં નવા ને તો નોકરી કોણ આપે ?

ધીમે ધીમે સપના પાસેના બધા નાણાં ખતમ થઈ ગયાં.

 


સપનાએ રાયખડના ભૂખ્યાને અન્નક્ષેત્ર ની બહુ જ પ્રસંશા  સાંભળી હતી. મફત દાળરોટી કેન્દ્રમાં ખાવાનું બધુ મફત છે, અને તેના ટ્રસ્ટી જરૂરિયાતમંદ લોકોને આર્થિક મદદ પણ કરે છે, તે સાંભળી સપના શરમાતા તેના ટ્રસ્ટીને મળવા રાયખડ પહોંચી.

અનેક ગરીબો ભૂખ્યા પેટે ખુશ થઈ દાળ રોટી ખાઈને ટ્રસ્ટીને આશીર્વાદ આપી રહ્યા હતા. સપનાને આશા બંધાઈ, તે શરમાતી ચાલે ટ્રસ્ટીની ઓફિસમાં પ્રવેશી. અંદર આશિકને જોતાં તે અચંબિત થઈ, નિરાશ થઈ ગઈ, આશિક મદદ નહીં કરે, પાછી જવા દે.

તેને પાછી વળતાં જોઈ, આશિક ઊભો થઈ ગયો અને ઉભા થઈ તેની માફી માંગતા કહ્યું, સપના તારી વથી મારૂ દિલ શુદ્ધ થઈ ગયું છે, મે તમામ બુરા ધંધા છોડી આ પરોપકારનું કામ ચાલુ કરેલ છે, તેનો બધો યશ તને જ જાય છે.

 સપના રડી પડી અને તેનો હાથ પકડી લીધો. સુધરી ગયેલા આશિકને તે વળગી પડી.

આશિકને ખ્યાલ આવી ગયો. બીજાનું સારું કરનારા હંમેશા પ્રભુના દરબારમાં, અભિવાદન જ પામે છે, જાણે તે અર્વાચિન વાલ્મીકિ બની ગયો, ભલેને તેણે રામાયણ ના લખી હોય ..!!!

 

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ચોર બન્યો શરિફ- ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories