03 માર્ચ 2026

પાનખર ગયો, વસંત આયો - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

પાનખર ગયો, વસંત આયો


        પપ્પા, તમારું લીવર ધીમે ધીમે બગડીને કામ કરતું બંધ થઈ ગયું છે, એમ ડોક્ટર સાહેબે કહ્યું. અશોક બોલતા બોલતા શોકમગ્ન બની ગયો.

        હા, બેટા, મને બે વખત કમળાના એટેક આવી ગયા, તેમાં લિવર નબળું પડી ગયું લાગે છે, પણ હવે કરવાનું છે શું ? વિપુલભાઈ સાવ નિરાશ થઈ બોલ્યા.

        પપ્પા, લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ડોક્ટર કહે છે, તે મુંબઈમાં જ સારું થાય છે. અશોકે કહ્યું.

        પણ તેમાં તો પચીસ ત્રીસ લાખનો ખર્ચ થઈ જાય, એટલા રૂપિયા ક્યાથી લાવવા ? વિપુલભાઇએ નન્નો ભણ્યો.

        શું કરવું શું નહીં તે વિચારતા બંને છૂટા પડ્યા. વિપુલભભાઈ પોતાની રૂમમાં આડા પડ્યા ને વિચારે ચડી ગયા.

        કેટલા બધા વરસો નીકળી ગયા જીવનના, કઇં ખબર જ ના પડી. શાળામાં રમતા રમતા બારમાં ધોરણ સુધી આવી ગયા, ત્યાં અચાનક પિતાજીનું હાર્ટએટેકથી અવસાન થતાં તેમની કટલરી, પ્રોવિઝનની દુકાન સંભાળવાની જવાબદારી આવી પડી. કોલેજમાં ભણવાની મનોકામના અધૂરી રહી ગઈ. ત્રણ વરસ પછી તો રમા સાથે ધામધુમથી લગ્ન થઈ ગયા. રમા શાંત, સમજદાર અને ઘરરખ્ખું સ્ત્રી હતી. જીવન વહેતું ગયું. રોજ સવારે તૈયાર થઈને દુકાન ખોલવાની અને ઘરાકો સાચવવાના.

        કેલેન્ડરના પાનાં ફરતા ગયા, વરસો વિતતા ગયા, પણ ભગવાને સંતાનસુખ ના આપ્યું. રમાની ઘણી જગ્યાએ સારવાર કરવી, માનતા બાધા વિગેરે દરેક ઉપાયો અજમાવી જોયા, પણ પરિણામ કઇં નહીં. અચાનક ચાલીસમા વરસે રમાએ સમાચાર આપ્યા તે પ્રેગ્નેન્ટ હોય તેમ લાગે છે. ભગવાને મોડે મોડે પણ સંતાનસુખમાં પુત્રની દેન કરી.

        બંને ખુશ થઈ ગયા. અશોકને ભણાવવાની જવાબદારી બંનેએ હસતે મુખે નિભાવી લીધી.

વરસો વીતી રહ્યા હતા. એમ કરતાં અશોક પણ ગ્રેજ્યુએટ થઈ ગયો. અશોકને સારી કંપનીમાં નોકરી મળી જતાં અલ્કા નામની છોકરી સાથે લગ્ન ગોઠવી દીધા. કેલેંડરના પાનાં ફરફર ઊડી રહ્યા હતા.

        વિપુલભાઈ પોતાના પલંગ પર સૂતા સૂતા સામેના પીપળા અને લીમડાને બારીમાથી દરરોજ જોયા કરતાં. શિયાળો જાયને બંને ઝાડના પાંદડા આપમેળે પીળા બની ખરી જાય, અને ઝાડ બિલકુલ ઠૂંઠા બની જાય. આ જોઈ વિપુલભાઈ ગમગીન બની જાય. પાછી વસંતઋતુના આગમન સાથે કૂંપળો ફૂટે અને ઝાડ નવપલ્લીત થવા લાગે. આ જોઈ વિપુલભાઈ પાછા ખુશ થઈ જાય.

        તેમને આ કુદરતની લીલાનો ખ્યાલ આવતો ન હતો. એકસાથે આટલા બધા પાંદડા ખેરવી નાખી પાછી તે જ જગ્યાએ નવી કૂંપળો અને પાંદડા આવી જાય તેનો મતલબ શું છે. ? પછી તેમને જીવનચક્રનો ખ્યાલ આવતો ગયો. જૂના પાંદડા જશે તો નવા પાંદડા આવશે ને, પરીવર્તન એ સંસારનો નિયમ છે.

        ગયા વરસે રાત્રે જ રમાએ ઊંઘમાં દેહ સંકેલી લીધો અને વિપુલભાઈ એકલા પડી ગયા. અશોક અને અલ્કા તેમનું ખૂબ ધ્યાન રાખતા. તેમને એકલા ના લાગે તે માટે તમામ પ્રયત્નો કરતાં રહેતા, પણ જીવનસાથીનો સાથ હંમેશ માટે છૂટી જતાં વિપુલભાઈ ઢીલા પડી ગયા. પોતાની અંગત વાતો, તકલીફો શેર કોની જોડે કરવી ? તેમને પોતાની જિંદગી જીવી લીધાનો સંપૂર્ણ સંતોષ હતો.

        તેમને અચાનક તેમના લીવર ફેઇલ થવાનો અણસાર આવી ગયો. તેમને મનમાં મોતનો ડર સતત રહ્યા કરતો હતો, તે આ ખ્યાલ આવતા ઓછો થવા લાગ્યો. મેં તો મારૂ જીવન સુખરૂપ જીવી લીધું છે, હવે મોત આવે તો પણ મને ડર લાગતો નથી. મારે પણ નવા આગંતુક માટે જગ્યા તો કરવી જ પડશે ને ! આ જ તો કુદરતનો ક્રમ છે.

        છેલ્લા ત્રણ મહિનાથી તેમને પેટમાં જમણી બાજુ દૂ:ખાવો રહ્યા કરતો, તે નબળા પડી ગયા અને ભૂખ પણ લાગતી ન હતી. હવે આ શરીરમાં થીંગડા મારીને કેટલું ચલાવવાનું. સિત્તેર તો થયા. લિવર ટ્રાન્સપ્લાન્ટ કરીને ત્રણ ચાર વરસ જીવન મારી મચડીને લંબાવવાનો ફાયદો શું હતો ? તેમાં વળી લગ્નના પાંચ વરસ પછી અલ્કા વહુ પ્રેગ્નેન્ટ બન્યાના સમાચારથી બધા ખુશ થઈ ગયા. દિવસો વિતી રહ્યા હતા. અશોક પપ્પાને મુંબઈ લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે આગ્રહ કરી રહ્યો હતો.

        પપ્પા ખર્ચની ચિંતા ના કરો, અમે ગમે તેમ કરીને મેનેજ કરી લઈશું. અશોકે મક્કમપણે કહ્યું.

        બેટા, તારી વહુને ડિલિવરી તથા નવા આવનાર બાળક માટે બચત તો જોઈશેને. મારે લીવર ટ્રાન્સપ્લાન્ટ નથી કરાવવું, એવા ત્રીસ લાખ ના બગાડાય. વિપુલભાઈ ચિંતામાં બોલ્યા.

            પપ્પા, તમારી જિંદગીથી રૂપિયા વધારે છે ? એવું લાગે તો અમે ઘર ગીરવે મૂકી દઇશું. અમને તમારી કંપનીથી સધિયારો મળે છે, તમારે કરાવવું જ પડશે. ઘરમાં આપણે ત્રણ જણાની વસ્તી લાગે છે. અમે બે જણા એકલા એકલા શું કરીએ ? અશોક પપ્પાને લડતા બોલ્યો.

            બેટા, મારી જરાપણ ઇચ્છા નથી. હવે આવા થાગડથીગડથી કેટલું ચાલશે.?” વિપુલભાઈ નિરાશામાં બોલ્યા.

        એ જ રાત્રે વિપુલભાઈ અચાનક ઘરેથી ગાયબ થઈ ગયા. બહુ શોધખોળમાં બે દિવસ નીકળી ગયા. બધા સગાવ્હાલા, દોસ્તોને ઘેર તપાસ કરી, પણ પરિણામ શૂન્ય !

        બે દિવસ પછી અશોકના મોબાઈલ પર અજાણ્યા ફોનથી મેસેજ આવ્યો.

        બેટા, હું હજાર માઈલ દુર આશ્રમમાં ખાવા પીવાનું છોડી પ્રભુ સ્મરણ કરતો સંથારો લગાવી બેસી ગયો છું. મને શોધવાની કોશિષ ના કરતાં. પપ્પાના આશિષ.

        તમે જલ્દી પાછા આવો અમે તમારા વગર જીવી નહીં શકીએ અશોકે એ જ નંબર પર જવાબ લખ્યો. પણ કોઈ મેસેજ નહીં.

        સાત દિવસ પછી અલકાએ તંદુરસ્ત બાબા આરુષને જન્મ આપ્યો. અલ્કાને આરુષને લઈ હોસ્પિટલમાંથી રજા લઈને ઘેર આવતા હતા, ત્યાં અશોકના મોબાઈલ પર મેસેજ આવ્યો, તમારા પપ્પાનો દેહાંત થઈ ગયો છે, શાંતિપૂર્વક દેહ છોડીને તેમણે શોક ના કરવા સલાહ આપી છે.

        અશોક અને અલ્કા વાંચીને રડી પડ્યા, આરુષને બાથમાં દબાવી રડતાં રડતાં ઘેર આવેલ અશોકને ખ્યાલ આવ્યો , પાછા તે લોકો ત્રણ જણા થઈ ગયા છે.

       દુર ઝાડ પર નજર કરતાં ડાળીઓ પર લીલી કૂંપળો ફૂટી હતી. નીચે પીળા ખરી ગયેલા પાંદડાનો ઢગલો તેને જીવનચક્રનો ખ્યાલ આપી રહ્યા હતા.

        મારુ રચેલું હાઇકુ જાણે કુદરતના ક્રમને ઉજાગર કરી કહી રહ્યું હતું.



પાંદડું ખર્યુ,

કૂંપળ ગભરાઈ,

હું યે જાઈશ ? 

        જેનું જીવન છે, એનું મોત નક્કી છે, ખરતા પાંદડાને જોઈ કૂંપળ ગભરાય તો કેમ ચાલે ?

આ જ જીવનનો ક્રમ છે. પરીવર્તન સંસારનો નિયમ છે, પછી વૃધ્ધવસ્થામાં થાગડથીગડ કરી મોતનો ડર શા કામનો ?

------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

પાનખર ગયો, વસંત આયો  - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories