03 એપ્રિલ 2026

સ્વાભિમાન - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

સ્વાભિમાન

       શિયાળાની સાંજ ઢળી રહી હતી. શિયાળો હોવાથી અંધારું વહેલું થઇ ગયું હતું. ઠંડી હવાની લહેરોથી યુનિવર્સીટી રોડ સુમસામ બની ગયા હતા. અવરજવર પાંખી હતી.

       રીક્ષામાં તેજ એક મુસાફરને ઉતારી ભાડું લઇ રહ્યો હતો, ત્યાં એક સુંદર યુવતી દોડી આવી, "મને બચાવી લો, મારી પાછળ બે ગુંડા પડેલા છે." તેજે તરત પોતાની રીક્ષામાં તે યુવતીને બેસાડી પાછળ નજર કરી, મોટરબાઈક પર બે મવાલી જેવા ગુંડા તેની પાછળ આવી રહ્યા હતા.

       તેજે રીક્ષા ભગાવી, ત્યાં તો મોટરબાઈકે આગળ આવી તેનો રસ્તો રોકી લીધો. એક મવાલીએ નીચે ઉતરી પડકાર્યો, " તે યુવતી, અમને સોંપી દે."

       તેજે પાછળ જોયું, યુવતી થરથર કાંપી રહી હતી. તરત તે નીચે ઉતરી મવાલીને જોરદાર ફેંટ મારી, તેનું માચોમેન જેવું કસરતીયલ શરીર યુવતી જોઈ રહી.

       ફેંટ વાગતા જ મવાલી પછડાયો. બીજા માંવાલીએ રામપુરી ચાકુ કાઢતા તેજે એક છલાંગ મારી ચાકુ પાડી દીધું અને મવાલીને લાત મારી પાડી દીધો. બંને ગુંડાઓને પડેલા છોડી તેણે રીક્ષા ભગાવી દીધી. સ્વસ્તિક ચાર રસ્તા આવતા થોડી વાહનોની અવરજવર દેખાવા લાગી. તેણે યુવતીને પુછ્યું, "શું નામ છે ? આમ રાત્રે એકલી ક્યાં ગઈ હતી ?"

       "મારું નામ તાઝગી છે, હું મારી સખીને ઘેરથી અટીરા પાછળથી આવતી હતી, ત્યાંથી જ આ ગુંડાઓ મારી પાછળ પડી ગયા હતા. તમે જીવના જોખમે મારી જિંદગી બચાવી, આભાર."

       "મારું નામ તેજ છે, બી.એ. પાસ છું, પણ ઢંગની નોકરી ના મળતાં રીક્ષા ચલાવું છું. તારે ક્યાં જવું છે ?" હવે તેને પણ તાઝગી ગમવા લાગી હતી.    

       "મારું ઘર ચાંદખેડા હાઈવે પર છે, મારા પિતાજી આ વિસ્તારના ધારાસભ્ય અને પ્રવાસ નિગમના ચેરમેન છે, હરિભાઈ પટેલ." તાઝગીને પણ હવે આ હેન્ડસમ યુવાન ગમવા લાગ્યો હતો. તેજે તેના ઘેર ઉતારી, બંનેએ એકબીજાના નંબર લીધા.

       વાતચીત અને રોજની મુલાકાતે બંને પ્રેમમાં પડી ગયા અને લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું.

       એક રીક્ષાવાળા સાથે પોતાની એકની એક દીકરીનાં લગ્નની વાત સાંભળી હરિભાઈ ઉશ્કેરાઈ  ગયા. "તાઝગી, શું વાત કરે છે ? એક રીક્ષાવાળા સાથે તારા લગ્ન ? બેટા, એની બાપુનગરની એક રૂમની ચાલીમાં તું રહીશ કઈ રીતે?"

       "પપ્પા, એ બધું મારા પર છોડી દો, સાચો પ્રેમ હોય તો રોટીશાક અને ભોંય પર પથારીમાં સુવામાં શું વાંધો છે ? હું લગ્ન કરીશ તો તેજ સાથે જ."

       અંતે હરિભાઈએ નમતું જોખવું પડ્યું. તેજના આગ્રહથી સાદાઈથી લગ્ન કરી દીકરીને વિદાય કરી. અઠવાડિયા પછી તેમણે બંનેને બોલાવી કહ્યું, "તેજકુમાર, તમે બંને અહી આ બંગલામાં રહેવા આવી જાવ."

       તેજે વિનમ્રપણે નન્નો ભણતા કહ્યું, "પપ્પા, મારે કોઈપણ સંજોગોમાં ઘરજમાઈ થવું નથી. મારી સાથે મારી વિધવા માતા પણ છે, તેને એકલી છોડીને હું બંગલામાં ના રહી શકું."

       હરિભાઈ અને તાઝગી બને તેની ખુદ્દારી જોઈ રહ્યા. ઉનાળો શરુ થતા ગરમીમાં ઠંડા પાણી માટે તેજ નાનું ફ્રીઝ જોવા ગયો, ત્યાં બીજા દિવસે તાઝગીને ઘેરથી મોટું LG નું ફ્રીઝ આવી ગયું. ખુદ્દાર તેજે સવિનય પરત મોકલ્યું.

       હરિભાઈ આ ખુદ્દાર જમાઈ અને દીકરીને કઈરીતે સુખી કરવા તેનું પ્લાનિંગ વિચારી રહ્યા.



        તેજ દરેક જગ્યાએ ઈન્ટરવ્યું માટે અરજી કરતો હતો. ત્યાં રેડ ડાયમંડ નામની સેવન સ્ટાર હોટલમાં જનરલ મેનેજરનો ઈન્ટરવ્યું આવ્યો. તેજને નવાઈ લાગી. મારા જેવા બી.એ.પાસને બે લાખ રૂપિયાની નોકરીનો કોલ આવે કઈ રીતે ?

       ચાલીસ ઉમેદવારોમાંથી તેજને એપોઇન્ટમેન્ટ લેટર આવી ગયો. તેને નવાઈ લાગી, ઈન્ટરવ્યુંમાં પણ માલિકોએ સાવ સરળ સવાલો પૂછ્યા હતા.    

       બીજા દિવસે સવારે તેજ નોકરી જોઈન કરવા જતો હતો ને સસરાનો ફોન આવ્યો.

       "કુમાર, અભિનંદન, સરસ પગારવાળી નોકરી બદલ."

       તેજે થેંક યુ કહ્યું, ત્યાં તો તાઝગીએ આવીને શુકન કરાવતા કહ્યું, "વાહ તેજ, ચાલીસ ઉમેદવારોમાંથી સિલેક્ટ થવા બદલ કોન્ગ્રેટ્સ."

       તેજને જાણે આ અજુગતું લાગતું હતું. ઓફીસ જઈ જોઈનીંગ લેટર આપી મળવા ગયો. બારણું અધખુલ્લું હતું, અંદરથી શેઠની વાતચીત સ્પષ્ટ સંભળાતી હતી.

       "જુઓ, હરિભાઈ, તમારા કહેવાથી તમારા જમાઈને નોકરી તો આપી દીધી, પણ હવે તમારા સરકારી પર્યટન નિગમનાં તમામ પ્રવાસીઓ અમારી હોટલમાં જ બુકિંગ કરાવે તેવા ઓર્ડર કરી દો."

       "શું કહ્યું ? વિચારો છો, તો અમે પણ તમારા જમાઈને કાઢી મુકીશું, તે યાદ રાખજો." માલિકે મોટા અવાજે કહ્યું.

       તેજ આ સાંભળી ચકરાઈ ગયો. નથી જોઈતો મારે સસરાનો અહેસાન, કહેતા તરત જ તેને જોઈનીંગ લેટર ફાડી ઓફિસની બહાર નીકળી ગયો. માલિક તેને મનાવવા પાછળ દોડ્યા, પણ તેજે કંઈ સાંભળ્યું જ નહીં.

       ઘરે તાઝગીને ગરમ જોઇ તે સમજી ગયો. "મેં જોઈન કરેલ નથી, તારા પપ્પાની ભલામણ કરેલ નોકરી મારે ન જોઈએ."

       તાઝગીએ ગરમ થતા કહ્યું, "શું ખુદ્દારી અને આત્મસન્માનની રટ લગાવી છે, આમ ટણીમાં ને ટણીમાં કોઈ નોકરી તો મળતી નથી." તેને એમ હતું કે આવું મહેણું મારવાથી તેજ પાછો નોકરી જોઈન કરી લેશે.

       તેજે કાઈ જ જવાબ આપ્યા વગર પોતાની રીક્ષા સાફ કરી ચાલુ કરી. તાઝગી ખુમારીથી રીક્ષા ચલાવવા જઈ રહેલા પતિને જોઈ રડી પડી, પણ તેનો અંતરાત્મા તેજના સ્વાભિમાનની પ્રસંશા કરવા લાગ્યો.

લાસ્ટ સ્ટ્રોક :- કોઈના અહેસાંથી ઠાઠમાઠપૂર્વક રહેવાને બદલે પોતાના સ્વાભિમાનથી ખુમારીપૂર્વક સાદાઈથી રહેવું સો દરજ્જે સારું. ચેઈન બાંધેલા પૂછડી પટપટાવતાં કુતરા કરતા પોતાની રીતે ખુમારીથી જીવતા સ્વતંત્ર કુતરા ઘણા ખુશ હોય છે...

------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

સ્વાભિમાન - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories