15 એપ્રિલ 2026

ડોક્ટરનો ધર્મ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 ડોક્ટરનો ધર્મ

        "ડોક્ટર માસુમ દેસાઈ, આપણા ધારાસભ્યશ્રીની આંગળી બારણા વચ્ચે આવી જવાથી કપાઈ ગઈ છે. તે કપાયેલી આંગળી બરફમાં મૂકી તત્કાલ આપણી હોસ્પિટલ આવી ગયા છે. જલ્દી આવો, તમારા સિવાય તેનું ઓપરેશન કોઈ કરી શકશે નહિ." અર્પણ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલનાં સુપરીન્ટેન્ડન્ટ બોલ્યાં.

        "પણ સાહેબ, હું મારી પત્ની સાથે અહી બિહોલા રિસોર્ટમાં બે દિવસ રજા પર જવા નીકળી ગયો છું. કોઈ બીજાને બોલાવી લો." માસુમે કહ્યું.

        "ડૉ. માસુમ આપણા શહેરના સેવાભાવી ધારાસભ્ય અનેક ઉમ્મીદો સાથે આવ્યા છે, તમારે આવવું જ પડશે." કહેતા સુપરીન્ટેન્ડન્ટ જોષી સાહેબે હુકમ કર્યો.

        મને કમને માસુમને ગાડી પાછી વાળવી પડી. તેની ખુબસુરત પત્ની મનાલીના રિસોર્ટમાં આનંદ કરવાના સ્વપ્ના પડી ભાંગતા નિરાશ અને ગુસ્સે થઇ ગઈ.

        "તમારે તો બસ સેવા જ કરવી છે. વરસથી મારા માટે ટાઈમ જ નથી." કહેતા મનાલી ગુસ્સે થઇ બળાપો કાઢવા લાગી.

        "ડીયર, વી.આઈ.પી. પેશન્ટ માટે જવું જ પડે તેમ છે." કહેતા માસુમે ગાડી અર્પણ હોસ્પિટલ તરફ હંકારી.

        હજુ એક વરસ પહેલા જ નામાંકિત ટ્રોમા સર્જન માસુમ દેસાઈના લગ્ન ખુબસુરત મનાલી સાથે થયા હતા. ડીગ્રી મેળવીને માસુમે ફક્ત ત્રણ વરસમાં જ આખા શહેરમાં ટ્રોમા સર્જન તરીકે પોતાનું નામ જમાવી દીધું હતું.  તેના હાથનાં જાદુથી તે નાનાંમાં નાની નસને પ્લાસ્ટિક સર્જરીથી જોડી તે પેશન્ટના કોઈપણ અંગને જીવંત કરી દેતો હતો. આખા શહેરમાં ટ્રોમા સર્જરી માટે લોકો ડૉ. માસુમ દેસાઈને જ યાદ કરતા.

        કોલેજની બ્યુટીક્વીન મનાલી આખી આર્ટસ કોલેજમાં લેટેસ્ટ ફેશન અને સૌંદય માટે જાણીતી હતી. છોકરાઓ તેની એક પ્રેમભરી ઝલક પામવા આતુર રહેતા, પણ મનાલી કોઈની સામે નજર પણ નાખતી નહિ. અંતે છેલ્લા વરસમાં તે માચોમેન માલવ ઝાલાનાં પ્રેમમાં પડી ગઈ. માલવ રાજપૂત હોવાથી સ્ટ્રોંગ એબ સિક્સ પેક્સ કસરતીયલ શરીર અને મારકણી આંખોના ખેંચાણથી મનાલી તેના તરફ ખેંચાઈ ગઈ.

        પણ બંનેની જ્ઞાતિ અલગ હતી. બંનેના સામાજિક અને આર્થિક દરજ્જા અલગ હોવાથી લગ્નનો મેળ ના પડ્યો. મનાલીના માબાપે ઉતાવળ કરી નામાંકિત સર્જન માસુમ સાથે મુલાકાત ગોઠવી દીધી. પહેલી જ નજરે માસુમને સૌન્દર્યનો ખજાનો આકર્ષી ગયો અને ચટમંગની પટ બ્યાહ થઇ ગયા.

        માસુમની ધંધાકીય દોડધામ અને નામ બનાવવાની ધગશે એક વરસનું લગ્નજીવન ઠેબે ચડી ગયું. મનાલીના અરમાનો જલીને રાખ થતા ગયા. પિકચરમાં ગયા હોય તો મોબાઈલ આવે, શોપિંગમાં ગયા હોય તો પણ માસુમને ઈમરજન્સી આવે એટલે દોડવું પડે. વરસ પછી માંડ માંડ બે દિવસ માટે રીસોર્ટના બુકિંગથી મનાલી ખુશ હતી, પણ તેમાયે પરત ફરતા મનાલી અંદરખાને જલીને રાખ થઇ ગઈ.

        આ તે લગ્નજીવન કહેવાય ? એકલા પૈસા કમાઈને શું કરવાનું ? મારે માટે પ્રેમ કરવા સમય તો માસુમ આપતો જ નથી, વિચારતા મનાલીને જુનો પ્રેમી માલવ યાદ આવી ગયો. માલવ તો તૈયાર જ હતો, માસુમ પરસેવો પાડી ઓપરેશન કરતો હોય, ત્યારે બંને દૂરની હોટલના રૂમમાં એકાંતનો લાભ લઇ આનંદ કરવા લાગ્યા.

        અંતે એક દિવસ બંનેએ ભાગી જઈ લીવ-ઇનમાં સાથે રહેવાનું નક્કી કરી લીધું, રાત્રે ઘેર તાળું જોઈ માસુમ ચમકી ગયો અને ટેબલ પરની ચિઠ્ઠી વાંચી માસુમ ભાંગી પડ્યો.    

        "માસુમ, હું મારી મરજીથી મારા કોલેજ મિત્ર માલવ ઝાલા સાથે લીવ-ઈનમાં રહેવા જાઉં છું. મને શોધવા સમય બગાડતા નહિ. મનાલી."

        માસુમ કરી પણ શું શકે ? તેને માલવ ઝાલા પર ખુબ ગુસ્સો આવ્યો. તેની સાથે મનાલીને રહેવું જ નહોતું પછી શું થાય ?

        હું અમારા બંનેના સુખી ભવિષ્ય માટે જ આટલી મહેનત કરતો હતો ને ! વિચારતા માસુમ હતાશ થઇ ગયો.

        બીજા અઠવાડિયે બાઈકના એક્સીડેન્ટમાં બંને પગ છુંદાઇ ગયેલા યુવકનો કેસ આવતા માસુમ દોડ્યો. તે નામ જાણતાં ઉત્તેજિત થઇ ગયો, તે યુવક બીજો કોઈ નહિ, પણ માલવ ઝાલા હતો.

        હું શા માટે મારી પત્નીને ભગાડી જનારનો જીવ બચાવું ? વિચારી તેણે ઓપરેશનનો ઇનકાર કરવા જતો હતો, ત્યાં સામેથી મનાલીને આવતા જોઈ સુન્ન થઇ ગયો.

        "માસુમ, માલવને બચાવી લે, હું તારો અહેસાન જિંદગીભર નહિ ભૂલું." કહેતા મનાલી રડી પડી, જો કે અંદરથી તેને ડર હતો કે માસુમ કદાચ તેને નુકશાન ના પહોંચાડે.

        માસુમના આંતરમને લપડાક મારી, "તું એક ડોક્ટર છે, તારો ધર્મ છે, દર્દીઓને સારવારથી બચાવી લેવાનો."

        ચાર કલાકની મહેનત પછી તે માલવને બચાવી તો શક્યો, પણ બંને પગના હાડકા ભુક્કો થઇ ગયા હોવાથી ઘુટણથી બંને પગ કાપવા પડ્યા.

        "મનાલી, બહુ મહેનતથી હું માલવને તો બચાવી શક્યો, પણ તેના બંને પગ ના બચાવી શક્યો." કહેતા માસુમ રડી પડ્યો. મનાલી પણ માસુમની માસુમિયત પર ફિદા થઇ ગઈ, જેણે તેનો સંસાર ભાંગી નાખ્યો તેને જ બચાવવા ઝઝૂમી રહ્યો છે, વાહ માસુમ, વાહ !

        બંને પગે અપંગ માલવ હવે વ્હીલચેરમાં માંડમાંડ હરીફરી શકતો હતો. શરીર સુખ ભોગવવાનું તેને માટે શક્ય ન હતું. તેને માટે માસુમે કરેલી મહેનત અને પ્રયત્નોની વાત સાંભળી તે પશ્ચાતાપથી પલળી ગયો. અરેરે ! મેં આટલા નિષ્ઠાવાન, ચરિત્રશીલ ડોક્ટર સાથે બેઈમાની કરી. !!!

        બીજા દિવસે તેણે મનાલીને કહ્યું, "મને ડૉ. માસુમ પાસે આભાર વ્યક્ત કરવા જવું છે, લઈ જા." મનાલી પણ માસુમે કરેલા દ્વેષરહિત કાર્યથી ખુશ હતી.

        માસુમ પાસે રડતા રડતા તેણે મનાલીનો હાથ માસુમને સોંપતા કહ્યું, "મને માફ કરી દે, માસુમ, મેં તારો સુખરૂપ સંસાર તોડવા કોશિશ કરી છે, પણ હવે પસ્તાવો થતા તારી અમાનત તને પરત સોંપવા આવ્યો છું."

        મનાલી પણ રડતી આંખે નીચું જોઈ, માસુમને વળગી રડી પડી, માસુમે બંનેના ખરા દિલનો પસ્તાવો જોતા, મનાલીને પ્રેમથી સ્વીકારી લીધી.

ફાઈનલ સ્ટ્રોક : ખરા દિલનો પસ્તાવો કોઈપણ ખરાબ કૃત્યને ધોઈ, નવી જિંદગી બસર કરવા તૈયાર કરી દે છે. પોતાના સુખરૂપ સંસારને તોડનારની, વેરઝેર વગર સારવાર કરવી પણ મહાનતા છે.

 ------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

ડોક્ટરનો ધર્મ   - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories