કેલીફોર્નિયાને
બદલે કલોલ
-------------------------------------------------------
લગ્ન
કરવા અમેરિકાથી આવેલ સનમને ત્રણ અઠવાડીયા ભારત આવ્યે થઇ ગયા હતા, પણ હજુ સુધી કન્યાનો
મેળ પડતો ન હતો. તેનાં પપ્પા વિપુલભાઈ સરકારી રીટાયર્ડ કર્મચારી હતા, અને
નારણપુરાના કર્મચારીનગરમાં જ રહેતા હતા. બે વરસમાં જ સનમને અમેરિકાની ટોપ સોફ્ટવેર
કંપનીમાં કોમ્પ્યુટર એન્જીનીયર તરીકે જોબ મળી ગઈ હતી, પગાર સારો હતો.
જો
કન્યા ગમે તો તેની મરજી અમેરિકા આવવાની ના હોય, અને અમેરિકા આવનાર કન્યામાં ભણતર
કે દેખાવના ઠેકાણાં જ ન હોય. હવે એક અઠવાડીયાનો જ સમય હતો, કારણ કે તેને મહિનાની
રજા માંડ માંડ મળી હતી, તેથી ચટ મંગની અને પટ બ્યાહ સિવાય છુટકારો જ ન હતો. છેવટે
અમદાવાદને બદલે કલોલની બીના પસંદ પડી. એમ.એ. થયેલી બીના દેખાવડી અને રૂપાળી હતી.
તેની કોલેજના દરેક છોકરા તેને પામવા દાણા નાખતા રહેતા, પણ બીના કોઈને ભાવ આપતી
નહિ. તેને તો બસ અમેરિકા જ જવું હતું. ત્યાના મોટા મોટા હાઉસ, લક્ઝરી ગાડીઓ, ભવ્ય
બજારો અને બિલ્ડીંગો વિગેરે ફોટામાં જોઇને તે અંજાઈ ગઈ હતી.
તેની
કોલેજનો અભય પણ દેખાવડો અને પૈસાદાર બાપનો એકનો એક છોકરો હતો. અભયને બીના બહુ જ
ગમતી, પણ બીનાને તો અમેરિકા જ જવું હતું, અભયની તમામ કોશિશો નાકામિયાબ નીવડી. તે
કોઈપણ હિસાબે બીનાને પામવા આકાશપાતાળ એક કરી રહ્યો હતો. વેલેન્ટાઇન ડે પર તેણે ચાલીસ
હજારનો નવો જ આઈફોન બીનાને ગીફ્ટ કર્યી, પણ બીનાએ તે સાભાર પરત કર્યો, તેને તો
અમેરિકા જ જવું હતું ને !!
સનમને
બીના જોતાવેંત જ પસંદ પડી ગઈ. તેણે તેની લક્ઝરી કાર સાથેના ફોટા બીનાને બતાવ્યા ને
બીના ઘાયલ થઇ ગઈ. તરત જ બે દિવસમાં સગાઇ અને લગ્ન ગોઠવાઈ ગયા. બીનાનાં પપ્પા
સંદીપભાઈને મુરતિયાની ડીટેઇલ તપાસ કરાવવાનો સમય જ ન રહ્યો. તેમણે બીનાને કહ્યું,
"બેટા, મને પુરતી તપાસ તો કરવા દે, અમેરિકાના મુરતીયાઓનો ભરોસો જ નહિ, ત્યાં
તે શું કરતા હોય? તે કુંવારો છે કે કેમ ? તે પણ તપાસ તો કરવી જ પડે ને. !"
"મને
તો સનમ યોગ્ય લાગે છે, બીજી શું તપાસ કરવાની હોય ?" બીના હવે અમેરિકાના સપના
જોવામાં પાગલ હતી.
"મારો
ખાસ મિત્ર જીગર ત્રણ દિવસમાં જ અમેરિકામાં એડીસનથી જ સીધો આવવાનો છે, તે સનમની
આસપાસ જ રહેતો હશે, આપણને બધી સાચી માહિતી મળી જશે." સંદીપભાઈ બોલ્યા.
"પણ
પપ્પા એ દિવસે જ લગ્ન છે, કેટલી રાહ જોવી ?" બીના હવે ઉતાવળી થઇ હતી.
જીગરભાઈ
અમેરિકાથી લેન્ડ થઇ કલોલ ઘેર પહોંચ્યાં, ત્યારે શનિવાર સવારના દસ વાગી ગયા હતા.
અનાયાસે તે અભયના દુરના કાકા થતા હતા. તે સવારમાં પહોંચી ગયો જીગરકાકાને ઘેર. રડમસ
અવાજે બોલ્યો, "જીગરકાકા, તમારા ખાસ મિત્ર વિપુલભાઈની બીનાના તો આજે લગ્ન છે.
મને તે બહુ પસંદ હતી, પણ તેની અમેરિકા જવાની જીદ્દમાં મને નાં પાડી દીધી, કોઈપણ
રીતે મને મદદ કરો."
જીગરકાકા
જમાનાનાં ખાધેલ, કોઠાસૂઝવાળા, દુરંદેશી માણસ હતા. બહુ વિચારીને તે બોલ્યા,
"થઇ જશે. મને વિચાર કરવા દે." અભય ખુશ થઇ ગયો.
સવારના
સાડાબારનું તો હસ્તમેલાપનું મુહુર્ત હતું. સનમની જાન આવી ચુકી હતી. સંદીપભાઈ અને
બીજા કન્યાપક્ષના સગાઓએ સ્વાગત કરી બધાને માંડવામાં બેસાડ્યા. ત્યાં તો ઉતાવળે
જીગરભાઈને આવતા જોઈ તેનો બાળપણનો મિત્ર સંદીપ તેને લેવા દોડ્યો.
"વાહ,
સમયસર આવી ગયો, હવે હસ્તમેળાપનું મહુરત ચાલુ થઇ રહ્યું છે." સંદીપે તેના
મિત્ર જીગરને કહ્યું. જીગરે કહ્યું, "મને મુરતિયો તો બતાવ." સામે જ માયરામાં બેઠેલા સનમને જોઈ જીગરભાઈ
ઉછળી પડ્યા, "અરે ! આ તો અમારી કોમ્યુનીટીમાં જ રહે છે, દરરોજ મારા ઘર પાસેથી
તેની પત્ની સાથે નીકળે છે, તને કઈ કહ્યું જ નથી. "ના,
અમને તો અહી કુંવારો છે, અને લગ્ન કરવા આવેલ છે, તેમ કહ્યું છે." સંદીપભાઈ
ગભરાઈને બોલ્યા.
"જો તારા માન્યામાં ન આવતું હોય તો
મારી સાથે મારો મિત્ર અશોક પણ આવેલ છે, તે પણ અમારી કોમ્યુનિટીમાં જ રહે છે, તેને
પૂછી જો." સંદીપભાઈએ ભરોસો આપતા કહ્યું.
"હા,
હા, આ છોકરો તો પરિણીત છે, ત્યાં એન્ગલો ઇન્ડિયન પત્ની જોડે મેં તેને જોયો
છે." અશોકે કહ્યું.
હવે
સંદીપભાઈ ગુસ્સે થઇ ગયા. તેમણે તરત જ માયરામાં તૈયાર થઇ બેઠેલી બીનાને ઉઠાડી મૂકી.
ગોર મહારાજને ઓર્ડર કર્યો, "રોકો, આ છોકરો તો અમેરિકામાં પરિણીત છે, અહી
બીનાને બનાવટ કરી ઉપપત્ની તરીકે લઇ જાવા માંગે છે." સનમ ઉભો થઇ ગયો, તેની સાથે આવેલ દશબાર સગાઓ ગભરાઈને નીકળવા લાગ્યા.
માંડવાવાળા સનમને પકડીને મારવા આવ્યા, ત્યાં તો તે સમજીને માંડવામાંથી ભાગી ગયો.
તે વિચારતો હતો, આવું કોણે કહ્યું ? પણ હવે સમય ક્યાં હતો ? અપમાનિત થઈને બહાર
કાઢી મુકાયા પછી ચોખવટ કરવા ક્યા જવું ?
કન્યાના
પહેરવેશમાં બેઠેલી બીનાના લગ્ન થયા વગર તૂટી રહ્યા હતા, હવે તેનો હાથ કોણ પકડશે?
વિચારીને તેના માબાપ ચિંતામાં પડી ગયા. ત્યાં જીગરભાઈ મદદે આવ્યા. "મારો
ભત્રીજો અભય સુંદર છે અને હમણાં જ ગ્રેજ્યુએટ થયેલો છે, અમે પણ તેના માટે સુશીલ
સુકન્યા શોધીએ છીએ, બોલો શું વિચાર છે?"
"સારું, તેને જલ્દી બોલાવી લો." સંદીપભાઈએ કહ્યું.
દુર તૈયાર થઈને અભય તેના મિત્રો સાથે ઉભો જ હતો. તેને જોતાવેંત બીના સમજી ગઈ કે, આ
તો દાવ જ ગોઠવાયેલો હતો. પણ થાય શું ?
અમેરિકાનો સનમ તો અપમાનિત થઈને બહાર નીકળી ગયો હતો.અભય અને બીનાનાં તે જ મંડપમાં
ઘડિયા લગ્ન લેવાયા. બીનાને જવું હતું કેલીફોર્નિયા, પણ નસીબ લઇ ગયું કલોલ !
તેને
જીગરકાકાએ ગોઠવેલ દાવ ખબર પડી ગયો, પણ તે શું કરી શકે ? ટૂંકા સમયમાં નિર્ણય લેવો
જ પડે તેમ હતો. અમેરિકાના મુરતિયાની
તપાસમાં સમય ઓછો પડ્યો અને તેમાં ફસાઈ જઈ
માયરામાંથી ઉભી થતા બીનાને તરત જ બીજા લગ્ન કરવા પડતા તે વિચારે ચડી. "ક્યા
સે ક્યા હો ગયા ? !!!"
લાસ્ટ સ્ટ્રોક : - લગ્ન જેવી બાબતમાં સંપૂર્ણ તપાસ કરીને જ નિર્ણય લેવા જોઈએ, ઉતાવળિયા નિર્ણયો જિંદગીની બાજી પલટી નાખે છે. છોકરીઓએ પણ અમેરિકાની લ્હાયમાં વિચારીને જ નિર્ણયો લેવા. ------------------------------x--------------------------------x---------------------------------x------------------------
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
કેલીફોર્નિયાને બદલે કલોલ - ગુજરાતી લઘુ બોધ વાર્તા
Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories