26 ઑગસ્ટ 2026

કાળા અક્ષર ભેંસ બરાબર - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

\

કાળા અક્ષર ભેંસ બરાબર

----------------------------------------------------------------------------------------------------------------------------

"કોકિલાબેન, તમને પ્રિન્સીપાલ સાહેબ બોલાવે છે, તેમની ઓફિસમાં." પ્રાથમિક શાળાનો પટાવાળો પાણી પીવડાવનારા બેનને કહેવા આવ્યો.

"મને કેમ બોલાવે છે, હું તો મારું કામ વ્યવસ્થિત રીતે કરું છું. બધા છોકરાઓને માંજેલા પ્યાલામાં પાણી પીવડાવું છું. માટલા પણ દરરોજ સાફ કરી વીંછળીને ઠંડુપાણી ભરું છું" કોકીલાબેન છેલ્લા પાંચ વરસથી લીટલ સ્ટાર, નર્સરી અને પ્રાથમિકશાળામાં પાણી પીવડાવનારા બેનની નોકરી કરતા હતા.

"મને ખબર નથી, સાહેબ કેમ બોલાવે છે." કહીને પટાવાળો જતો રહ્યો.

કોકીલાબેન વિચારમાં પડી ગયા. નાનપણથી જ કોકિલાના માબાપ ટીબીમાં ગુજરી ગયા હતા. શામળાજીથી આગળ સાવ નાના ગામ સીતાપુરમાં તે કાકાને ઘેર રહી મોટા થયા હતા. કાકાનો સ્વભાવ સારો હતો, પણ કાકી જબરી હતી. નાની કોકિલા પાસે બધા જ ઘરકામ વાસણ, સાફ્સફાઈ, પાણી ભરવાનું કામ કરાવતા. એમાં કોકિલાને શાળાએ જવાનો મોકો જ ન મળ્યો. તેને માટે કાકાએ બહુ કોશિશ કરી, પણ કાકીએ ચોખ્ખું જણાવી દીધું "છોકરીઓને ભણીને શું કામ છે ? અંતે તો ઘર કામ અને છોકરા ઉછેરવાનું જ કામ કરવાનું છે ને !" બિચારી કોકિલા !!

તેને માટે તો કાળા અક્ષર ભેંસ બરાબર હતા. જરાપણ વાંચતા લખતાં આવડે નહીં, તેનું કોકિલાને બહું દુઃખ થતું, પણ શું થાય? તેના સંજોગોએ સાથ જ ન આપ્યો.

સમયને જતાં ક્યાં વાર લાગે છે ? કોકીલામાં જુવાની કુટવા લાગી. ભગવાને તેને મીઠો સુર આપ્યો હતો, તેથી કોઈ પણ ટ્રેનીંગ વગર કોકિલા ભજનો, ગરબા, ભક્તિગીતો એટલા સુંદર સ્વરે અને રાગથી ગાતી કે બધા ડોલવા લાગે. તેની કાકી તેની જુવાનીમાંથી રૂપિયા કમાવાનું વિચારવા લાગી.

કાકીના દુરના કાકાનો દીકરો ત્રીસ વરસનો થયો, પણ તે બેકાર અને દારૂના રવાડે ચડી ગયો હોવાથી લગ્નમાં મેળ પડતો ન હતો. રમીલાકાકીએ કોકિલાની લગ્નની તેની સાથે વાત ચલાવી, બે લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો, પણ કોકિલાના કાકા રમણકાકાનું મન માનતું ન હતું.

એક સાંજે કોકિલા બહાર કામ પતાવી ઘર તરફ આવતી હતી ને, ઘેર કાકા અને કાકી વચ્ચે બોલાચાલી વધી પડી.

"તું મારી ભત્રીજીને બે લાખ રૂપિયામાં વેચીને રોકડી કરવા માંગે છે, એ બિલકુલ વાજબી નથી." રમણકાકા બરાડ્યા.

"શાંતિ રાખોને, જુવાન ભત્રીજીને ઘેર રાખવી, એટલે સાપનો ભારો ઘેર રાખવો. તમને સમજણ પડે નહીં, બે લાખ રૂપિયા સામેથી આવતા હોય તો શું વાંધો છે ?" રમીલાકાકી સમજાવતા બોલ્યા.

બારણા બહાર સાંભળી રહેલી વીસ વરસની કોકિલા આ સાંભળીને રડી પડી. એ જ રાત્રે કાકા કાકી સુતા હતા, ત્યારે બેગ ભરી નીકળી પડી શહેરની એસ.ટી.માં અમદાવાદ જવા માટે.

અમદાવાદ જેવા મોટા શહેરમાં ઓળખાણ વગર ક્યાં જવું? ઘેર ઘેર ફરીને  કચરાપોતા, વાસણ વિગેરે કરતી રહી. પણ એકલી જુવાન સ્ત્રીને અમદાવાદ જેવા શહેરમાં રહેવું મુશ્કેલ હતું. અનેક જુવાનીયાઓની વાસના ભરી લોલુપ નજરોથી તે બચીને સારી નોકરી શોધી રહી હતી.

અંતે તેની મહેનત ફળી. લીટલસ્ટાર નર્સરી અને પ્રાયમરી સ્કુલના આચાર્ય મેકવાન સરને તેની પરિસ્થિતિ અને ગરીબાઈની દયા આવી.

શાળામાં જ પાણી પીવડાવવાવાળા  બહેનની નોકરી આપી, બાજુમાંજ ખાલી રહેલી રૂમ રહેવા પણ કાઢી આપી. પાંચ વરસથી કોકિલા પોતાનું કામ ખંતપૂર્વક નિષ્ઠાથી કરી રહી હતી. તેને વિચાર આવ્યો, આજે અચાનક કેમ સાહેબ બોલાવે છે ?

"સર, હું આવી શકું" કોકિલાએ મેકવાન સરને પુછ્યું.

"આવ, કોકિલા, સરકારી મહેકમ આવેલ છે, કે શાળાના દરેક કર્મચારી સાત ધોરણ સુધી ભણેલ અને તેને લખતાં વાંચતાં આવડવું જોઈએ." મેકવાનસરે ફોડ પાડ્યો.

"સર, હું તો સાવ અભણ છું. મને લખતાં વાંચતાં પણ આવડતું નથી." કોકિલા ગભરાઈને બોલી.

"શું થાય ? તારે નોકરી છોડવી પડશે !" મેકવાન સરે ભારે હૈયે કહ્યું.

"સર હવે હું ક્યાં જઈશ મને નોકરી કોણ આપશે ?" કહેતા કોકિલા રડીને હીબકા ભરવા લાગી.

"જો તારો સ્વર ખુબ સારો છે, હું રોજ આવતા જતા તને ગીત અને ભજન ગાતી સાંભળું છું. મારો મિત્ર અશોક ત્રિવેદી ગુજરાતી ફિલ્મ નિર્માતા છે, તેને તારા સ્વરની ભલામણ કરું છું. ત્યાં તને કામ મળી જશે." સરે કહ્યું.

ત્રિવેદી સાહેબે તેના બે ગીતં સાંભળતા જ ડોલી ઉઠ્યા, "વાહ વાહ ! શું અવાજ છે." અને કોકિલા સ્વરકિન્નરી કોકિલા બની ગઈ. તેને અનેક ગુજરાતી પીક્ચરોમાં પાર્શ્વગાયિકા તરીકે કામ મળવા લાગ્યું. તેના ભજન અને ગરબાના આલ્બમ લોકપ્રિય થવા લાગ્યા.

બે વરસમાં તો રોયલ્ટીની આવકથી કોકિલા લખપતિ બની ગઈ. તેના ખાતામાં વીસ લાખ રૂપિયા ભેગા થયા.

બેન્ક મેનેજરે સામેથી ફોન કરી તેને બોલાવી. "જુઓ કોકિલા મેડમ, તમારા વીસ લાખ રૂપિયા સેવિંગખાતામાં ફક્ત સાડાચાર ટકા વ્યાજે પડ્યા છે, તેને બદલે વધારે કમાણી થઇ શકે તેમ છે." મેનેજરે ફોડ પાડ્યો.

"તેને માટે શું કરવાનું ?" કોકિલા માટે આ બધું અજનબી હતું. અત્યાર સુધી તો તેની પાસે માંડ ખાવાપીવાના જ પૈસા આવતા.

"તમને હું બે ત્રણ મ્યુચ્યુઅલ ફંડ અને એફ.ડી. માં નાણા રોકવા સૂચવું છું. સહેજે તમને બાર ટકા છુટશે." મેનેજરે સમજાવ્યું.

"ભલે, મારે શું કરવાનું છે?" કોકિલાને કાઈ સમજણ પડતી નહોતી.

"જુઓ, આ બે ત્રણ ફોર્મમાં સહી કરો."  મેનેજરે ફોર્મ તેને આપતા કહ્યું.

"સાહેબ, હું તો સાવ અભણ છું. મને લખતાં વાંચતાં કે સહી કરતા નથી આવડતું." કોકિલાએ કહ્યું.

"ઓહો! શું વાત કરો છો, મેડમ, તમે સાવ અભણ છો, અને લખપતિ બની ગયા, પણ ભણેલા હોત તો તો અબજપતિ હોત " મેનેજરે અજાયબ થતા બોલ્યો.

હવે હસવાનો અને અજાયબ થવાનો વારો કોકિલાનો હતો. તે હસતા હસતા બોલી, " સાહેબ , જો હું ફક્ત સાત ચોપડી પણ ભણી હોત તો આજે લીટલસ્ટાર નર્સરીમાં છોકરાઓને પાણી પીવડાવતી હોત !" "શું વાત છે ?" આખી વાત સાંભળી બેંક મેનેજર અને તમામ સ્ટાફ નવાઈ પામ્યા.

લાસ્ટ સ્ટ્રોક : કોઈ પણ પરિસ્થિતિમાં પડ્યા રહેવાને બદલે, પોતાની આવડત અને શોખ મુજબ કાંઈક કર્મ કરતા રહો, શું ખબર તમારા નસીબમાં શું લખ્યું છે ? ફળની આશા ના રાખો.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

કાળા અક્ષર ભેંસ બરાબર  - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

પ્રેમ ભર્યો ત્યાગ - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

પ્રેમ ભર્યો ત્યાગ

-----------------------------------------------------------------------------------------------------------------------------

"મમ્મી, આજકાલ કોમ્પ્યુટરમાં એનીમેશન અને ગ્રાફિક્સનો જ મહિમા છે. તે શીખવાથી પંદર વીસ હજારની નોકરી તો આસાનીથી મળી જશે, એટલે મેં તેના કલાસીસ જોઇન્ટ કરવા છ મહિનાના ચાલીસ હજાર રૂપિયા ભરી દીધા છે. પણ મારી પાસે લેપટોપ તો છે જ નહીં. બે દિવસ પછી મારી બર્થ ડે આવે છે, મને લેપટોપ ગીફ્ટ કરીશ ?" આકાશ વીસ વરસનો તરવરીયો યુવાન હતો. તેની વિધવા માતાને મદદરૂપ થવા જલ્દીથી કમાવા માટે તેણે કોલેજને બદલે કોમ્પ્યુટર ક્લાસ કરવાનું નક્કી કર્યું.

"પણ, બેટા સારી કવોલીટીના ડેલના લેપટોપ સાઈંઠથી પાંસઠ હજાર રૂપિયાના આવે છે. મારી પાસે તો તેનાથી અડધી રકમની માંડ વ્યવસ્થા છે," અલ્કાબેને મજબુરી જતાવતાં નિરાશ થઈને કહ્યું.

"મમ્મી, ઓફિસમાંથી ટ્રાય કરને ! તારૂ બોનસ પણ વહેલું માંગી જો." આકાશે વિનંતીભર્યા સ્વરે કહ્યું.

"સારુ, હું બાકીના રૂપિયા માટે શેઠને રજૂઆત કરીશ." અલ્કાબેને જવાબ આપ્યો.

દશ વરસ પહેલા અલ્કા બેનનાં પતિ અશ્વિનભાઈનું રોડ એકસીડન્ટમાં મોત થયું ત્યારે આકાશ સાવ દશ વરસનો નાદાન બાળક હતો. બધાએ અલ્કાબેનને બીજા લગ્ન કરવા સમજાવ્યા, પણ નાના આકાશની સાથે કોણ લગ્ન કરવા તૈયાર થાય? અને થાય તો પણ આકાશના સાવકા પિતા તેનું કેટલું ધ્યાન રાખે? અંતે અલ્કાબેને એકલા જ નોકરી કરતા આકાશને મોટો કરવા માંડ્યો. આકાશ પણ સમજુ દીકરો હતો, તેણે વીસ વરસ તો મમ્મી ને મદદરૂપ થવા કમાવાના પણ વિચારો ચાલુ કરી દીધા.

અલ્કાબેનને રહેવા માટે બાપુનગરમાં એક રૂમ રસોડાનું ઘર માંડ માંડ સાત હજાર રૂપિયાના ભાડાથી મળ્યું હતું. ત્યાંથી તેમની ઓફીસ, એસ.જી.હાઇવે સુધી જવા બે બસ બદલી, બે કલાકે માંડ પહોચતા.

બેતાલીસ વરસતા અલ્કાબેન હજુ દેખાવે સુંદર હતા, અને તેની ઉમરના કોઈ પણ પુરુષને આકર્ષવા સમર્થ હતા. તેમના શેઠ ધનરાજ પચાસ વરસે પણ કડેધડે હતા.

તેમની નજર અલ્કાબેનની ઉપર મંડરાતી રહેતી, પણ અલ્કાબેન તેમને જરાપણ કોઠું આપતા જ નહીં. શેઠ ધનરાજને આશા હતી, ગમે ત્યારે અલ્કા મારા હાથમાં આવશે જ.

ડરતા ડરતા સાંજે અલ્કાબેન શેઠની ઓફિસમાં જઈ કરગરતાં બોલ્યા, "શેઠ મારૂ આ વરસનું બોનસ બે મહિના વહેલા આપો તો સારું. મારા દીકરા માટે સારું લેપટોપ લેવું છે. "

શેઠના મોમાં લાળ ટપકવા માંડી તેણે કાચમાંથી બહાર નજર કરી. લગભગ બધા જતા રહ્યા હતા. તેણે લોલુપ નજરે જોતા કહ્યું, "અલ્કા, હું તને આજે જ બોનસ આપવા તૈયાર છું, પણ તારે મારી એક શરત માનવી પડશે."

" શું શરત છે, શેઠજી." અલ્કાએ પુછ્યું. "જો તારે એક રાત મારી સાથે સુવું પડશે." શેઠે હવસ ભરી જબાને કુટિલતાથી હસતા કહ્યું.

એક સેકન્ડ તો અલ્કા દીકરા માટે હા પાડવા તૈયાર થઇ ગઈ, પણ તેના અંતરાત્માએ લપડાક મારી. "આ તું શું કરવા બેઠી છે? સ્ત્રીનું સ્વચ્છ ચરિત્રએ જ મુખ્ય આભુષણ છે. આવા લંપટ શેઠ સાથે રાત ગાળવાની !!! અને અલ્કાબેન ચિડાઈને ઉભા થઇ ગયા. "નાલાયક ધનરાજ શેઠ, મારે નથી જોઈતું બોનસ ! કાલથી હું કામ પર નહીં આવું." કરી દરવાજો પછાડી બહાર નીકળી ગયા.

તેમણે બાપુનગરના ઘરની બાજુમાં જ નોકરી લેવાનો વિચાર કર્યો. પગાર ઓછો પણ સુરક્ષા તો  ચોક્કસ સારી. રસ્તામાં તેને વિચારે આવ્યો, આકાશે પહેલી વખત શીખવા માટે મારી પાસે લેપટોપ મંગાવ્યું છે. હવે શું કરવું ? કઈ નહીં મારી પાસે અડધા રૂપિયા પાંત્રીસ હજાર તો છે. દીકરા પ્રત્યેનો પ્રેમ તેમને બચતના રૂપિયાના ત્યાગ સુધી દોરી ગયો. તેમણે બાજુમાં જ દુકાનમાંથી રીફર્બીશ ડેલનું લેપટોપ અડધા ભાવે દીકરા માટે લઇ ખુશ થતા ઘરે પહોચ્યા. પણ શેઠ સાથેની માથાકુટમાં અને લેપટોપ ખરીદવામાં બે કલાક નીકળી ગયા.

આકાશ રાહ જોતો ચિંતામાં પડ્યો. મમ્મીને આટલું દુર સર્વિસ હેરાન થતાં જવું પડે છે, મારે તેના માટે વાહનની ગોઠવણ કરવી પડશે. તેને યાદ આવ્યું, તેના મિત્ર તેનું નવાં જેવું સ્કુટી ફક્ત ચાલીસ હજારમાં આપવા તૈયાર હતો, પણ આટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી? તેણે વિચાર્યું મમ્મીને દુર સુધી સર્વિસે જવું પડે છે, મારે કઈક કરવું પડશે. મારે અત્યારે ને અત્યારે કોમ્પ્યુટર શીખીને શું કરવું છે? મમ્મીની સુવિધા માટેનો પ્રેમ તેના મનમાં ત્યાગ રૂપે છલકાઈ રહ્યો હતો.  

 બહુ વિચારીને તેણે કોમ્પ્યુટર ક્લાસના રૂપિયા પરત લઇ લીધા, પછીથી ભરીશ, મારે ક્યા ઉતાવળ છે, શીખવાની, એવું વિચારીને!

તેણે તેના મિત્ર અશોકને મોબાઈલ જોડ્યો, "અશોક, હું ચાલીસ હજાર રોકડાં લઈને આવું છું, તારૂં સ્કુટી તૈયાર રાખ."

"સારૂ, જલ્દી આવી જા." અશોકે કહ્યું.

આકાશ ખુશ થતો સ્કુટી લઈને આવ્યો.

રાતનાં આઠ વાગી ગયા હતા. માં દીકરો બન્ને ખુશ થતા ઘેર આવ્યા. અલ્કાબેન ખુશ થતાં બોલ્યા, "બેટા, જો હું તારા માટે લેપટોપ લાવી છું. હવે તને શીખવાની મજા આવશે."

"મમ્મી, મારે હમણા લેપટોપની જરૂર નથી. મેં કોમ્પ્યુટર ક્લાસની ફી પરત લઇ લીધી છે." આકાશે રડમસ અવાજે કહ્યું.

"પણ કેમ ?" અલ્કાબેન પણ ચિંતામાં પડી ગયા.

"મમ્મી મેં કોમ્પ્યુટર ક્લાસ થોડા સમય પછી કરવાનો વિચાર કર્યો છે, એટલે ફી પરત લઇ લીધી."

"શું વાત કરે છે ? કેમ ફી પરત લઇ લીધી ?" અલ્કાબેન વધારે ચિંતામાં ડૂબી ગયા.

"મમ્મી તારે આવવા જવાની તકલીફ ન પડે એટલે, તારે માટે સ્કુટી લેવા માટે."

પણ બેટા, મેં તો કાલથી અહીં સામેની ઓફીસ જ જોઈન કરવાનું વિચારેલ છે. ત્યાનો શેઠ ચરિત્રહીન છે." અલ્કાબેન રડમસ થઇ ગયા.

"હેં ! " આકાશ બેસી પડ્યો. સ્કુટી અને લેપટોપ બન્નેને કામમાં આવે તેમ નહોતા. પણ એકબીજાનો પ્રેમ અને ત્યાગનો વિચાર કરી બન્નેની આંખોમાંથી ગંગા જમના વહેવા લાગ્યા.

લાસ્ટ સ્ટ્રોક : પ્રેમને વ્યક્ત કરવા રૂપિયાની નહીં, ત્યાગની જરૂર પડે છે.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

પ્રેમ ભર્યો ત્યાગ  - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

શેરને માથે સવાશેર - ગુજરાતી લઘુ બોધ વાર્તા

 

શેરને માથે સવાશેર

-----------------------------------------------------------------------------------------------------------------------------

"આજે મારે કંપનીના કામે બોમ્બે જવું પડે તેમ છે, એટલે રાત રોકાવું પડશે, કાલે સાંજે આવીશ." ભાવેશે પોતાની પત્ની ભાર્ગવીને કહ્યું.

ભાર્ગવી તેમના ઘરમંદિરમાં સવારના ચા-નાસ્તા પછી પૂજા કરી રહી હતી. તેણે સામે પુછ્યું "રાતની ફ્લાઈટમાં પરત આવી જ જજેને ! ભાવેશ મને રાતનાં એકલા બીક લાગે છે."

"પણ કામ બે દિવસનું છે. એટલે બોમ્બે રોકાવું જ પડશે. ગાડી હું અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરી દઈશ. એક નાઈટ એકલા સુતા ડર લાગે, તો બાજુમાંથી મંજુલામાસીને બોલાવી લેજે." ભાવેશે સૂચનો આપતા કહ્યું.

"વાંધો નહીં, હું તમામ દરવાજા બંધ કરી, મોબાઈલ બાજુમાં રાખી સુઈ જઈશ. જો હું રાત્રે ફોન કરૂ તો તરત જ ઉપાડી લેજે." ભાર્ગવીએ સામે જવાબ આપ્યો.

"ચોક્કસ ડાર્લિંગ, હું પણ મારી બાજુમાં જ મોબાઈલ રાખીશ" કહીને ભાવેશ ગાડી લઈને નીકળી ગયો. સેટેલાઈટનાં તેના બંગલામાંથી બહાર નીકળી એસ. જી. હાઈવે પર તેણે તેની સેક્રેટરી ખુશ્બુને મોબાઈલ જોડ્યો.

"ખુશ્બુ, તૈયાર છે ને, બે દિવસ સાથે રહેવાનું માંડ માંડ ગોઠવાઈ ગયું છે. ભાર્ગવીને મનાવીને આજ રાત્રે બહાર છું, એવી પરમીશન લઇ લીધી છે. કેટલા બધા વખત પછી બે દિવસ સાથે ગાળવા મળશે!!" ભાવેશ ખુશ થઈને ખુશ્બુને કહી રહ્યો હતો. બત્રીસ વરસની ખુશ્બુ દેખાવડી અને આકર્ષક હતી. તેની કમાણી ઉપર જ ઘર ચાલતું હોવાથી હજુ તેના લગ્ન થયા નહોતા. ભાવેશની ફેકટરીમાં ચાલીસ માણસોનો સ્ટાફ હતો, તેમાં ખુશ્બુનો દબદબો અલગ જ હતો.

ચાલીસ વરસનો ભાવેશ તેના પ્રત્યે આકર્ષાઈ ગયો હતો. સામાન્ય ક્લાર્ક તરીકે જોઈન થયેલી ખુશ્બુ ત્રણ વરસમાં તો આસીસ્ટન્ટ અને છેવટે મેનેજર બની ગઈ. પગાર પણ ભાવેશે બમણો કરી દીધો. ખુશ્બુ પણ ભાવેશથી ખુશ હતી, વાર તહેવારે જુદી જુદી ગિફ્ટો, કપડા અને દાગીના મળ્યા કરે તો કોને ના ગમે? બન્ને ભાવેશની ઓફિસમાં કલાકો સુધી બેસી રહી વાતો કર્યાં કરતા. અંતે બન્નેએ સાથે બહાર ફરવાનો પ્રોગ્રામ બનાવી કાઢ્યો.

એસ.જી. હાઇવેથી ખુશ્બુને પીકઅપ કરી ભાવેશની ગાડી ગાંધીનગર હાઇવે પર ગ્રીન રોયલ રીસોર્ટ તરફ દોડી રહી હતી. ભાવેશે બે દિવસ માટે રીસોર્ટ પર મિસ્ટર અને મિસીસ ભાવેશ કાપડીયાના નામથી સ્યુટ બુક કરાવેલ હતો.

પોતાનું આધારકાર્ડ આપી સ્યુટની ચાવી માટે ભાવેશે ચોપડામાં સાઈન કરી અને પોતાની મિસીસનું આઈડી પ્રુફ ભૂલી ગયાનો અફસોસ વ્યક્ત કર્યો. રજીસ્ટર કાઉન્ટરવાળાએ ફરી ભૂલી ન જાય તે સુચના આપી, સ્યુટની ચાવી આપી.

રૂમમાં પહોચી દરવાજો બંધ કરતા ભાવેશે ખુશ્બુને પોતાની બાહોમાં આલિંગનબધ્ધ કરી દીધી. "ડીયર, હવે આપણે મેરેજ ક્યારે કરવા છે? ખુશ્બુએ પુછ્યું.

"હું પણ મારી વાઈફ ભાર્ગવીથી કંટાળી ગયો છું. છેલ્લા ત્રણ વરસથી તે ભક્તિ, પુજા અને આરતીમાં એટલી મગ્ન બની ગઈ છે કે તેને લવ કે રોમાન્સ યાદ આવતા જ નથી. આખો દિવસ દર્શન અને પૂજામાં જ વ્યસ્ત રહે છે. હું છૂટાછેડાનું જ વિચારું છું." ભાવેશે વધારે પ્યાર કરતા ખુશ્બુને કહ્યું.

"તમારી વાઈફ ભાર્ગવી પહેલેથી જ ભગત છે ? એને સંસારમાં રસ જ નથી." ખુશ્બુને નવાઈલાગી

"ના, ના, પહેલા તો અમારો સુખી સંસાર હતો.પણ છેલ્લા ત્રણ વરસથી જ તેનું વલણ બદલાઈ ગયું છે."  ભાવેશ ગુસ્સે થતા બોલ્યો.

"શું થયું હતું એ વખતે ?"ખુશ્બુએ નવાઈ પામતાં પુછ્યું.

"ત્રણ વરસ પહેલા ભાર્ગવી તેના કોલેજના કરોડપતિ ફ્રેન્ડ રૂપેશ રૂપાણીને મારી ઓળખાણ કરાવવા લાવી હતી. કરોડપતિ રૂપેશ ડ્રોઈંગરૂમમાં આવતા જ ઈમ્પોર્ટેડ માલબ્રો સીગરેટ પીવાનું શરૂ કર્યું હતું. તેની સ્મેલ બહુજ સ્ટ્રોંગ અને ટીપીકલ હતી." ભાવેશે નિરાશ થતાં કહ્યું.

"મને બન્નેનું વર્તન અજુગતું શંકાસ્પદ લાગતા, ભાર્ગવીને તેને મળવાની અને ઘરે બોલાવવાની જ મનાઈ ફરમાવી દીધી. ભાર્ગવીએ મારી સાથે ઝગડો કર્યો, બસ ત્યારથી તે ભક્તિમાં ચડી ગઈ. મારા માટે તેની પાસે ટાઇમ જ નથી, આવા લગ્નને શું કરવાના ?" ભાવેશે યાદ કરીને આખો ઈતિહાસ ખોલી દીધો.

"પણ તેનો રસ કેમ ઉઠી ગયો, સંસાર જીવનમાંથી ?" ખુશ્બુને નવાઈ લાગી.

"એ જ તો ખબર પડતી નથી. પણ મને છૂટાછેડા મળી જાય એટલે બસ." કહીને ભાવેશે આખો દિવસ અને આખી રાત ખુશ્બુ સાથે સંતુષ્ટ થાય, ત્યાં સુધી આંનદ કર્યો.

બીજા દિવસે વહેલી સાંજે બન્ને પોતપોતાને ઘરે જવા તૈયાર થઇ ગયા.

ખુશ્બુને એસ. જી. હાઈવે પર ઉતારી ગુડબાય કીસ કરી, ભાવેશ પોતાના બંગલે પહોચ્યો ત્યારે સાંજના સાડા સાત થઇ ગયા હતા. ભાર્ગવી સંધ્યાપુજા અને આરતી કરી રહી હતી.

"આવી ગયા બોમ્બેથી, કામ થઇ ગયું." તેણે ભાવેશને જોઈ પુછ્યું.

"હા, બધું જ કામ સારી રીતે પતી ગયું છે." ભાવેશ ખુશ થતા બોલ્યો. તેને પત્નીને બનાવીને કેટલો બધો આંનદ કર્યો, તેના જ વિચાર આવતા હતા. આવી સાવ રસ વગરની ડફોળ પત્નીથી તો છુટા થવું જ વધારે સારૂ.

તે બેગ મૂકી બેડરૂમમાં ગયો. બારણું ખોલતાં વેત જાણીતી માલબ્રો સિગારેટની વાસથી તેનું નાક ભરાઈ ગયું. તે ઉત્તેજીત થઇ બધું ફંફોસવા લાગ્યો, ત્યાં બેડ નીચેથી બે માલબ્રોના ઠુંઠા મળતાં તે સહેમી ગયો.

"મારી ગેરહાજરીમાં તેનો મિત્ર રૂપેશ રૂપાણી આખી રાત મજા કરી ગયો લાગે છે!" વિચારતાં તે ભાર્ગવી તરફ દોડ્યો.

"અહીં રાત્રે કોણ આવ્યું હતું ?" ભાવેશે ગુસ્સામાં કહ્યું.

"કોઈ નહીં." ભાર્ગવીએ શાંતિથી પ્રસાદ આપતા કહ્યુ.

"સાચું કહે, મને ખબર પડી ગઈ છે." ભાવેશે તેને દબાવવા પાસો ફેક્યો.

"ડીયર, ગાંધીનગરની ગ્રીન રોયલ રીસોર્ટ રૂપેશની જ છે. તેના સી.સી.ટી.વી કેમેરામાં તું અને ખુશ્બુ રંગરેલીયા મનાવતા કેપ્ચર થઇ ગયા છો. વધારે કઈ કેહેવું છે !" ભાર્ગવીનો અવાજ ઉચો થઈ ગયો.

તેરી બી ચુપ ! મેરી બી ચુપ ! ભાવેશ શું જવાબ આપે?

લાસ્ટ સ્ટ્રોક : અનિતીના કામ કરનારાના પણ શેર માથે સવાશેર ગુરૂ  હોય છે, એ યાદ રહે.

------------------------------x--------------------------------x---------------------------------x------------------------


 If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/

શેરને માથે સવાશેર - ગુજરાતી લઘુ બોધ વાર્તા 

Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya,  Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life,  Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission