25 ઑક્ટોબર 2023

શરીફ ચોર - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા

 

શરીફ ચોર 

શરીફ ચોર - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા



 મૅડમ, આપણું પ્રાઈમી પેશન્ટ પેટમાં દર્દ ઊપડતાં સાત દિવસ વહેલું આવી ગયું છે, જલદીથી આવો, કદાચ ડિલિવરી થઈ જાય.રાત્રે અગિયાર વાગે ડૉ. રચનાબહેન સૂવાની તૈયારી કરતાં હતાં અને તેમના નર્સિંગહોમમાંથી સિસ્ટરનો ફોન આવ્યો.

ડૉ. રચનાબહેન વ્યાસ સેટેલાઇટ એરિયામાં ડિલિવરી માટેનાં જાણીતાં ગાયનેકોલૉજિસ્ટ હતાં. હજુ પ્રાઇવેટ પ્રૅક્ટિસને સાત જ વર્ષ થયાં હતાં; પરંતુ તેમની સખત મહેનત અને આવડતથી તેમનું નામ જામી ગયું હતું.

ડિસેમ્બર મહિનાના અંતના સમયમાં તેમના પતિ ડૉ. નવીનભાઈ મુંબઈ સર્જિકલ કૉન્ફરન્સમાં ગયા હતા. સંતાનમાં ફક્ત એક જ દીકરી ફક્ત અગિયાર માસની થઈ હતી. તેમનાં સાસુ-સસરા ગામડે રહેતાં. ઘરમાં બીજું કોઈ નહોતું. રાત્રે કામવાળી અને રસોઈવાળી બાઈ નવ વાગે જતાં રહે પછી આખા બંગલામાં ડૉ. રચના અને તેની બેબી નેહા સિવાય બીજું કોઈ નહીં.

   ફોન આવતાં જ ડૉ. રચનાબહેન વિચારમાં પડી ગયાં. ઘરે ફક્ત એક વર્ષની નેહા સૂઈ રહી હતી, તેના દૂધ પીવાનો સમય થઈ ગયો હતો, “તેને એકલી મૂકીને જવું કઈ રીતે ?”

ત્યાં વળી નર્સ્િંાગહોમ પરથી ફરીથી ફોન આવ્યો મૅડમ, જલદી આવો. પેશન્ટ ડિલિવરીના દર્દથી બૂમો પાડે છે. સગાંઓ ભેગાં થઈ ગયાં છે, કહે છે જલદીથી ડૉક્ટરને બોલાવો, નહીંતર જિંદગીનું જોખમ છે.

હવે ડૉ. રચનાબહેનને ગયા વગર છુટકારો જ ન હતો. તેમણે નેહા માટે દૂધની બૉટલ તૈયાર કરી તેને ઘોડિયાની બાજુમાં મૂકી દીધી, જેથી આવીને તરત જ દૂધ પિવડાવી શકાય. એક કલાકમાં ડિલિવરીના કેસને પતાવીને આવી જઈશ તેવો વિચાર કરી ડૉ. રચનાબહેને ઑટોમેટિક લૉક બંધ કરી, ગાડી સ્ટાર્ટ કરી.

રાત્રે ઠંડીમાં ચારેકોર નીરવ શાંતિ હતી. સોસાયટીમાં ચકલુંય ફરકતું ન હતું. કૂતરાં પણ ઠંડીમાં ખૂણામાં સંતાઈ ગયાં હતાં. દૂરદૂર સુધી ક્યાંય કોઈ માણસ દેખાતું ન હતું, ત્યાં ધીમેથી અંધારાની નીરવ શાંતિને ચીરતો એક પડછંદ પડછાયો સોસાયટીમાં ઊતરી આવ્યો.

રાતના સાડા અગિયાર વાગી ગયા હતા. કલ્લુદાદા ચોરીના ઇરાદે ધીમે પગલે આવી રહ્યા હતા, પણ ડૉક્ટરનું બોર્ડ જોઈને અટકી ગયા. ડૉક્ટરના ઘેર લાઇટો બંધ હતી, ડૉક્ટરની ગાડી દેખાતી ન હતી, નીરવ શાંતિ હતી. કલ્લુદાદાએ વિચાર્યું, આ બંગલામાંથી ચોરીનો સારો માલ મળશે અને ધીમે પગલે એક જ મિનિટમાં માસ્ટર કીથી ઘરનો દરવાજો ખોલી અંદર પેસી ગયો.

કલ્લુ ચોર ડૉક્ટરને ઘેર અંદર પહોંચી ધીમે પગલે બેડરૂમમાં પહોંચી ગયો, આખો સામાન ફેંદીને મુખ્ય તિજોરીની ચાવી શોધી કાઢી. ડૉ. રચનાના સોનાના સેટ, ડાયમંડનું પૅન્ડન્ટ અને રોકડ કાઢીને તેના થેલામાં ભરી દીધાં. લાઇટો બંધ કરીને તે ધીમે પગલે બહાર જવા જતો હતો ને બેબીના રડવાના અવાજે તેને અટકાવી દીધો.

એક વર્ષની નેહા ઊંઘમાં ઊઠીને ભૂખને લીધે રડતી હતી. કલ્લુને દયા આવી. ઘોડિયા પાસે ગયો તો બાજુમાં જ દૂધની બૉટલ પડી હતી. તેને તેની પ્યારી મુન્નીની યાદ આવી ગઈ. નાની હતી ત્યારે મુન્ની પણ આટલી જ માસૂમ અને પ્યારી દેખાતી હતી ને ! અને તે બે વર્ષ પહેલાંના ભૂતકાળમાં સરી પડ્યો.

તેની હસતી રમતી દોઢ વર્ષની મુન્નીને દૂધને લીધે જ ઝાડા-ઊલટી થયા હતા. તેની હાલત બેહાલ થતાં તે પ્રાઇવેટ ડૉક્ટર પાસે લઈ ગયો હતો. પણ પ્રાઇવેટમાં દાખલ કરવાના પૈસાની સગવડ ન હોવાથી તરત તેણે સિવિલની રિક્ષા કરી, પણ રસ્તામાં જ બેહાલ મુન્નીનું અવસાન થઈ ગયું. અત્યારે પણ આ વાત યાદ આવતાં કલ્લુ સમસમી ગયો, તેની આંખો ભીની થઈ ગઈ.

નેહાની તેને દયા આવી રહી હતી.તેણે વિચાર્યું કઈ જાતની મા છે,દીકરીને ઘેર ભૂખી મૂકીને રાત્રે પૈસા કમાવા નીકળી પડી છે ?’

તેણે દૂધની બૉટલ હાથમાં પકડી ધીમેધીમે નેહાને પ્રેમપૂર્વક દૂધ પિવડાવ્યું. નેહા તેની સામે જોતાંજોતાં બધું દૂધ પી ગઈ અને હસીને આભારપૂર્વક તેની સામે જોઈ ફરી પાછી ઊંઘી ગઈ.

મુન્નીની યાદ કલ્લુના મનમાં ઊભરી આવતાં તેના હાથ ઢીલા પડી ગયા. નેહાને દૂધ પિવડાવ્યાનો સંતોષ તેના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. ચોરેલા માલની થેલી તેણે નેહાના ઘોડિયા પાસેના ટેબલના ખાનામાં મૂકી દીધી અને એક કાગળ ઉપર ચિઠ્ઠી લખીને આવેલ પગલે પાછો જતો રહ્યો.

ડૉ. રચનાબહેનને ધાર્યા કરતાં વધારે મોડું થઈ ગયું હતું. બહુ મહેનતને અંતે ચાર કલાક બાદ તેમણે વિચાર્યું એક કલાકની ગણતરીએ ગઈ હતી અને ચાર કલાક થઈ ગયા. નેહા ઊઠીને રડતી હશે, જલદી ઘેર પહોંચવા દે.

ઘેર પહોંચતાં જ નીરવ શાંતિ જોતાં તેમને ફાળ પડી. જલદીથી ઘર ખોલી લાઇટ કરતાં બધો સામાન અહીંતહીં ફેલાયેલો જોતાં તેમના મનમાં ધ્રાસકો પડ્યો. અંદર પહોંચતાં તિજોરી ખુલ્લી જોઈ તેમને ખબર પડી ગઈ કે, ચોર આવ્યો લાગે છે. પણ નેહા તો શાંતિથી ઊંઘતી હતી. તેમણે તરત જ પોલીસની મદદ માટે ફોન જોડ્યો.

૧૦ મિનિટમાં જીપમાં સબઇન્સ્પેક્ટર રાઓલ સાહેબ તથા બે જમાદારનો કાફલો ડૉક્ટરને ઘેર આવી ગયા. આખા ઘરમાં બધે ફરી વળ્યા પણ કોઈ માણસ ક્યાંય હાજર જણાયો નહીં. બેડરૂમમાં મુખ્ય તિજોરી ખુલ્લી હતી, અંદરથી બધા જ દાગીના અને રોકડ ગુમ હતી. ડૉ. રચનાબહેનને રડવું આવી ગયું. અંદાજે ચાર લાખનો માલ ચોરાઈ ગયો હતો.

નેહાના ઘોડિયા પાસે જતાં, જોયું તો દૂધની બાટલી ખાલી હતી.ડૉ. રચનાબહેનને નવાઈ લાગી, આ બૉટલ ખાલી કેમ છે ? મેં તો દૂધ પિવડાવ્યું નથી.

નેહાની દૂધની બૉટલ નીચે એક ચિઠ્ઠી પડી હતી. ખોલીને વાંચી.

ડૉક્ટરસાહેબ છો તો શું થયું ? અડધી રાત્રે પૈસા કમાવાને બદલે પોતાના બાળકનું તો ધ્યાન રાખો. મેં એક દીકરીને દૂધને લીધે જ ગુમાવી છે.

તમારી દીકરીને પણ દૂધ પાયું છે, એટલે દીકરીને ઘેર ચોરી કેમ કરાય ? ચોર છું પણ દિલ તો માનવીનું છે. ચોરેલો માલ ટેબલના ખાનામાં મૂકતો જાઉં છું. હવેથી આવી ભૂલ ના કરતાં. એક ચોર.

ટેબલનું ખાનું ખોલતાં એક થેલીમાંથી તમામ મુદ્દામાલ-દાગીના અને રોકડ અકબંધ મળી ગયાં. પી.એસ.આઈ. રાઓલ સાહેબ અને બંને જમાદાર અચંબામાં પડી ગયા.

ડૉ. રચનાબહેન શાંતિથી ઊંઘી રહેલી નેહાને જોઈ રહ્યાં. જીવના જોખમે ચોરી કરવા આવેલા ચોરની માનવતા અને શરાફત યાદ કરતાં તેમની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ડૉક્ટરની ફરજ અદા કરતાં તેમણે અડધી રાત્રે માતા અને બાળકનો જીવ બચાવેલ તેનો આનંદ હતો, પણ ચોરની શિખામણ પણ તેમને યાદ રહી ગઈ.

ચોરેલો મુદ્દામાલ મળી જતાં હવે કોઈ કેસ બનતો ન હોઈ પોલીસ પાર્ટી ચોરની શરાફતને સલામ કરતાં પાછી ફરી.





If you like story & also watch video & more details join us below link

Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606

Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852

Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en

Twitter Link - https://x.com/HarshadKam2312

Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/


શરીફ ચોર - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,

#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter#gujaratiquotes#gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad


Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories