દગો - ગુજરાતી ટૂંકી બોધ વાર્તા
“લો, ચંદુભાઈ, આ તમારા પચાસ હજાર રૂપિયા રોકડા.” શહેરની
મોટામાં મોટી દવાની દુકાનવાળા શેઠ નાનજીભાઈએ ખાનગીમાં ચંદુને પોતાની કૅબિનમાં
બોલાવી રૂપિયા આપતાં કહ્યું. ચંદુભાઈએ પાંચસોની નોટો ગણતાં ધીમેથી કહ્યું, “હજુ હું વધારે રૂપિયા બનાવી શકીશ, પણ જોજો, વાત બહાર જાય નહીં.”
એક દિવસ શહેરના મોટામાં મોટા દવાના સ્ટોકિસ્ટ નાનજીભાઈએ ખાનગીમાં ચંદુને પોતાની ઑફિસમાં વધારાના રૂપિયા કમાવા મળશેની લાલચે બોલાવ્યો. ચંદુલાલને એમ કે કાંઈ વધારાનું કામ કરવાનું હશે, તેના રૂપિયા મળશે, પણ નાનજીભાઈની વાત સાંભળી ચંદુ ચોંકી ગયો.
નાનજીભાઈએ ધીમેથી કહ્યું, “જો ચંદુ, તારે હાર્ટઍટેકના સ્પેશ્યલ સ્ટ્રેપ્ટોકાઈનેઝના ઇન્જેક્શનનું બૉક્સ કાઢીને મને આપી દેવાનું અને હું આપું તે સફેદ પાવડરભરેલું ઇન્જેક્શનનું બૉક્સ તેની જગ્યાએ ગોઠવી દેવાનું. એક ઇન્જેક્શનના વાયલના બે હજાર રૂપિયા લેખે તને મહેનતાણું મળશે.”
ચંદુ ઉશ્કેરાઈ ગયો, અને ગરમ થઈને કહ્યું, “આ કામ મારાથી નહીં થાય, આ તો દર્દીની જિંદગી સાથે રમત કરવા જેવું છે.”
ચંદુ કૅબિનની બહાર નીકળી ગયો. ઈમાનદારીપૂર્વક કામ કરતો હતો એટલે જ તો કીમતી ઇન્જેક્શનોની ચાવી તેની પાસે રહેતી હતી ને! બધા ડૉક્ટરોને ચંદુ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો.
બીજા અઠવાડિયે તેના બાપા ડાહ્યાલાલને આંખે
ઝાંખપ વળતાં તે આંખના પ્રાઇવેટ ડૉક્ટરને ત્યાં બતાવવા લઈ ગયો. તેમની આંખે મોતિયો
આવી ગયો હતો, તેથી દેખાવાનું પણ બંધ થઈ ગયું હતું. આંખના ડૉક્ટરે કહ્યું, “ચંદુ, હું તને મોતિયાના ઑપરેશનના ઓછા રૂપિયા લઈશ, પણ જો સારી ક્વોલિટીનો
લેન્સ નાખવો હોય તો ત્રીસ હજાર જેટલો ખર્ચ તો થશે જ !”
આટલા બધા રૂપિયા ક્યાંથી લાવવા ? ચંદુ નિરાશ થઈ ગયો. તેની પોતાની પાસે તો બચત હતી જ નહીં. તેથી તેણે બે-ત્રણ મિત્રો, સગાંવહાલાં પાસે હાથ લાંબો કરી જોયો, પણ તેને કોઈએ સહકાર ન આપ્યો. તેની જ હૉસ્પિટલના બે-ત્રણ ડૉક્ટરોને પણ વિનંતી કરી જોઈ, પણ બધેથી ના, ના અને ના જ સાંભળવા મળી.
અતિશય મોંઘવારી અને નાણાંની લાલચે ચંદુભાઈનો જીવ બગાડ્યો. બીજા જે દિવસે બપોરના એકાંત સમયે ચંદુભાઈ પહોંચી ગયા કીમતી ઇન્જેક્શનોના કબાટ પાસે, ખોટું કામ કરતા હાથ ધ્રૂજી રહ્યા હતા. પણ પચ્ચીસ વાયલનું આખું બૉક્સ બદલવાના પચાસ હજાર રૂપિયા મળતા હોવાથી મન લલચાઈ ગયું.
પાંચસોની ગાંધી છાપ નોટોનું બંડલ લઈને ઘેર આવીને મા-બાપને બતાવતાં બંને ઊછળી પડ્યાં. ડાહ્યાલાલ બોલ્યા, “અલ્યા ચંદુ, આટલા બધા પચાસ હજાર રૂપિયા લાવ્યો ક્યાંથી ?”
ચંદુ વિશ્વાસપૂર્વક બોલ્યો, “બાપા, મારી મહેનતના રૂપિયા છે, તમારું મોતિયાનું ઑપરેશન કરાવી સારામાં સારો ઇમ્પોર્ટેડ લેન્સ નખાવી તમને દેખતા કરી દઈશ.”
પણ તેની મા જીવીબહેનને વિશ્વાસ પડતો ન હતો, “ ચંદુ, કોઈ ખોટું કામ કરીને રૂપિયા લાવ્યો હોય તો પરત કરી દે. આપણે મોતિયો નથી ઉતારવો.”
“અરે મા ! તમને બંનેને મારી ઉપર વિશ્વાસ નથી ? માંડમાંડ મહેનત કરીને પચાસ હજાર ભેગા કરેલ છે, અને હવે તમે મારી ઉપર જ શંકા કરો છો ?” ચંદુએ જવાબ વાળ્યો.
મા-બાપ બંનેને લાગ્યું કે ચંદુએ કંઈક ગોટાળો કરેલ છે, તેની ચિંતામાં ને ચિંતામાં તેના બાપાને રાત્રે જ છાતીમાં દુખાવો ઊપડ્યો. બધાં સગાંવહાલાં ભેગાં થઈ ગયાં. ચંદુનો મોબાઇલ પર વારંવાર સંપર્ક કરવાની કોશિશ કરી પણ નેટવર્ક પકડાતું ન હોવાથી સંપર્ક જ થઈ ન શક્યો. અંતે બધા તેના બાપાને લઈને દોડ્યા. ચંદુની જ બી.આર. હૉસ્પિટલના ઇમરજન્સી વૉર્ડમાં. ત્યાંના સ્ટાફના માણસોએ ડૉક્ટરને ઓળખાણ કરાવતાં કહ્યું, “આ તો આપણા ચંદુના બાપા છે !” ડૉક્ટરે તરત જ કાર્ડિયોગ્રામ કાઢતા ગંભીર હાર્ટઍટેકનું નિદાન થયું. ડૉક્ટરે બધાને સમજાવતાં કહ્યું, “ચિંતા ના કરશો, હમણાં હું તેમને હાર્ટઍટેકનું સ્ટ્રેપ્ટોકાઇનેઝનું સૌથી અસરકારક ઇન્જેક્શન આપી દઉં છું. અંદર જામેલું લોહી ઓગળી જતાં તેમને તરત જ આરામ થઈ જશે.”
આ સાંભળીને બધાને શાંતિ થઈ. પણ આશ્ચર્ય ! ઇન્જેક્શન આપવા છતાં ડાહ્યાલાલનો છાતીનો દુખાવો વધતો જ ગયો, બધા સ્ટાફ સહિત ડૉક્ટરને નવાઈ લાગી. બધા વિચારમાં પડી ગયા “આટલા સારા ઇન્જેક્શનની અસર કેમ થતી નથી ?” અડધા કલાકની બૂમાબૂમ પછી ડાહ્યાલાલની નાડી ધીમી પડવા લાગી. આંખો ઉપર ચડી ગઈ અને શ્વાસ કાયમ માટે થંભી ગયો. તેમણે આ ફાની દુનિયાનો ત્યાગ કરી દીધો. ચારેકોર રોકકળ મચી ગઈ. બીજા દિવસે ચંદુલાલનો સંપર્ક થતાં તે દોડતાદોડતા ઘેર આવ્યા અને સઘળી બાબતો જાણી હૈયાફાટ રુદન કર્યું, “અરેરે ! મેં જ ખોદેલા ખાડામાં મારા બાપા જ ફસાઈ ગયા. ખરેખર દગા કિસીકા સગા નહીં હોતા.”
બપોરે બાપાના મૃતદેહને કાંધ આપતા ચંદુલાલની આંખોમાંથી શ્રાવણ- ભાદરવો વરસી રહ્યા હતા. તેણે અંદરથી પચાસ હજારનું બંડલ કાઢ્યું ત્યારે પાંચસોની નોટોમાં રહેલા ગાંધીબાપુ જાણે કે તેને ઠપકો આપી રહ્યા હતા. પાછા વળતાં તેણે બધા રૂપિયા દવાની દુકાનમાં પરત કરી અસલ ઇન્જેક્શનો પાછાં તેના કબાટમાં ગોઠવી દીધાં. થાકની અસરથી અને મન ઉપરથી બધો બોજ ઊતરી જતાં ચંદુને રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
દગો - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission
.webp)


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories