ગાંધીગીરી- ગુજરાતી ટૂંકી બોધ વાર્તા
“પ્રમોદભાઈ,હવે તમારે ગુટકા અને તમાકુ છોડી દેવા જોઈએ, નહિતર કેન્સરથી મોત નક્કી જ છે.અત્યારે મોંમાં પડેલાં સફેદ ચાંદા કેન્સર થવાની તૈયારી જ છે. જો હજુ વધારે ગુટકાનું સેવન કરશો તો જીંદગી જોખમમાં છે”. ફેમિલી ડૉકટર કાપડિયા પોતાના જુના દર્દીને પ્રેમથી સમજાવી રહયા હતા .
“પણ ડૉકટર, મને તો સવારે ગુટકા ખાધાં પછી જ ટોઇલેટ લાગે છે, અને પેટમાં ભાર જેવું લાગે તો ગુટકાથી પાચન થઇ જાય છે”. પ્રમોદભાઈએ ગુટકાનો બચાવ કરતા કહયું.
“ આ બધા તમારા ખોટા માનસિક ખ્યાલો છે. પ્રમોદભાઈ, ગુટકાને અને ટોઇલેટ લાગવાને કોઈ લેવાદેવા જ નથી”. ડૉકટરે ફરી સમજાવીને ચેતવણી આપી. પણ પ્રમોદભાઈના મનમાં ગુટકા છોડવાની વાત ઉતરી નહી.
સરકારી ઓફિસમાં પટાવાળાનું કામ કરતાં પ્રમોદભાઈ પરમાર છેલ્લા વીસ વરસથી ગુટકાના વ્યસની બની ગયા હતાં. શરુઆતમાં બે ત્રણ પડીકા ખાતાં પ્રમોદભાઈ હવે તો દિવસના પંદર થી વીસ તેજ તમાકુવાળા ગુટકા ખાઈ જતાં. તેના વગર તેમને ચેન પડતું જ નહી.
માનસિક હતાશા આવે તો ગુટકા, પેટ ભારે લાગેતો ગુટકા અને રાત્રે ઊંઘ આવે તે માટે પણ ગુટકા. આખી રાત તેજ તમાકુના ગુટકા મોમાં રહેવાથી તેમનું મોં ખુલતું બંધ થઇ ગયું હતું. અંદર સફેદ ચાંદા પડી ગયા હતા.
તેમના પત્ની પ્રમીલાબેનના કહેવાથી અને સમજાવવાથી માંડમાંડ આજે તે ફેમીલી ડૉકટર કાપડિયાને બતાવવા તૈયાર થયાં હતાં.
ઘરે પહોચતાજ પ્રમિલાબેને પૂછ્યું “ડૉકટરે શું કહયું?”
“અરે એ તો ખોટા ખોટા કેન્સરના મોતથી ડરાવે છે, અને તમાકુ ગુટકા છોડી દેવાની સલાહ આપે છે.” પ્રમોદભાઈએ ચિડાઈને કહયું .
“ તો છોડી દોને, ડોકટરે તમારા ભલા માટેજ કહયું છે. બધાં તમને છોડવાનું કહે છે,પણ તમે તો કોઈનું માનતા જ નથી.” પ્રમિલાબેન કેન્સરના વિચારથી ધ્રુજી ઉઠ્યા.
“પણ મારાથી ગુટકા વગર રહેવાશે જ નહી. તેના વગર મને ટોઇલેટ પણ નહી લાગે અને ઊંઘ પણ નહી આવે” પ્રમોદભાઈ હજુ તેની શારિરીક તકલીફોને ગુટકા સાથે જોડી બચાવ કરી રહ્યાં હતા.
“કેન્સર થી મોત આવશે તો મારું અને તમારી લાડકી દીકરી પ્રાચીનું શું થશે?” પ્રમિલાબેન પણ હવે ચિડાઈને સામા થઇ ગયા.
“ જો મોત આવવાનું હશે તો પાંચમની છઠ્ઠ થવાની નથી પણ મારાથી ગુટકા છોડાશે નહી.”પ્રમોદભાઈ પણ હવે લડવાના મૂડમાં આવી ગયા.
બન્ને વચ્ચે મોટી બોલાચાલી થઇ ગઈ. છેવટે હાથાપાઈ પણ થઇ. ઘરમાં રહેલી ફક્ત નવ વર્ષની એકની એક દિકરી પ્રાચી આ બધું સાંભળીને અને જોઇને સહેમી ગઈ.
પ્રાચીને તેની ખાસ બહેનપણી પારુલના પપ્પાનો કેસ યાદ આવી ગયો. ફક્ત બત્રીસ વરસના પારુલના પપ્પાને ગુટકા અને તમાકુના વ્યસનથી મોંની અંદર કેન્સર થયું હતું. ડોકટરોએ તેમનું જડબું કાઢી નાખી ટોટીથી પ્રવાહી ખોરાક આપતાં હતા. ડોકટરોની બહુ જ સમજાવટ છતાં તેમણે ગુટકાનું વ્યસન બંધ કર્યું ન હતુ. છેવટે મહિના પહેલાજ તેમનું કેન્સર હોસ્પીટલમાં મોત થઇ ગયું, ત્યારે પારુલ અને તેના મમ્મી કેટલું બધું રડ્યા હતા. પ્રાચી આ જ પરિસ્થિતિ તેના પપ્પાની પણ થશે, તેના વિચારમાત્રથી ધ્રુજી ગઈ.
આખી રાત પ્રાચીને ઊંઘ ના આવી. પપ્પાના ગુટકા છોડાવવા શું કરવું તેના વિચારમાં પડખાં ફેરવતી રહી. વહેલી સવારે તેને બાપુની યાદ આવી ગઈ. નોઆખલીમાં કોમી-રમખાણો ફાટી નીકળ્યા ત્યારે બન્ને કોમના ઝનુની માણસો હથીયાર મૂકી દેવા કે તોફાનો બંધ કરવા તૈયાર ન હતા, ત્યારે બાપુએ ઉપવાસ જાહેર કરી દીધા. સત્યાગ્રહ અને ઉપવાસનું અદભુત પરિણામ આવ્યું. બન્ને કોમના ઝનુની માણસો પણ નરમ પડી ગયા, અને બાપુની પાસે હથીયારો મૂકી દીધા.અંતે નોઆખલીમાં અદભુત ભાઈચારો પ્રસ્થાપિત થઇ ગયો.સત્યાગ્રહ અને ઉપવાસના હથિયારથી ભલભલાને નમાવી શકાય છે.
સવારે ઉઠીને પ્રાચીએ દૂધ પીવાની અને નાસ્તો ખાવાની ના પાડી, અને પપ્પા જ્યાં સુધી ગુટકા ના છોડે ત્યાં સુધી નકોરડા ઉપવાસની જાહેરાત કરી. પ્રમિલાબેન અને પ્રમોદભાઈ આ સાંભળીને ચિંતામાં પડી ગયા.બન્નેની લાડકી દીકરીએ પહેલી વખત અહિંસક વિરોધ પ્રગટ કર્યો હતો, તેથી બન્ને તેને ઉપવાસ ના કરવા સમજાવવા લાગ્યા, પણ પ્રાચી એકની બે ના થઇ.
બપોર થતાં પ્રમોદભાઈ ચિડાયા અને પ્રાચીને ગુસ્સે થઇ લાફો મારી દીધો અને જમવા બેસાડી દીધી. નવ વર્ષની મક્કમ દીકરીને પરાણે કઈ રીતે ખવડાવાય ? બન્ને લાચાર બની જોઈ રહયા.
પ્રમોદભાઈને ગુટકાનું જબરું વળગણ હતું તેને છોડી શકે તેમ હતુ જ નહી. તે વિચારમાં પડ્યા “પ્રાચી તો હજુ બાળક છે, હમણા જ સાંજે ભૂખ લાગશે એટલે ખાવા બેસી જશે.”
પ્રાચી મન મક્કમ કરીનેજ નકોરડા ઉપવાસ ઉપર બેઠી હતી. બીજે દિવસ થયો, તેનું મોઢું સુકાઈ રહ્યું હતું, આંખો અંદર ઉતરવા લાગી હતી, પેશાબ સંદતર ઓછો થઇ ગયો હતો, કાંઈ ખાધુંપીધું હોય તો પેશાબ થાયને! માતાપિતા ચિંતામાં બેઠા હતા. પ્રમોદભાઈ થી તેમની લાડકી દિકરીની હાલત જોવાતી ન હતી. તેણે કહ્યું “બેટા,ખોરાક ચાલુ કર, હું ગુટકા છોડી દઈશ.”
“ના, પપ્પા, મારા માથા ઉપર હાથ મુકીને સૌગંદ ખાઈને કહો.” પ્રાચીને સાવ ધીમા અવાજે કહ્યું. પ્રમોદભાઈ આઘાપાછા થઇ ગયા. રાત પડી ગઈ .
ત્રીજા દિવસની સવાર થઇ. પ્રાચીની હાલત ભૂખે અને તરસે ગંભીર બની ગઈ હતી. તેનો પેશાબ બંધ થઇ ગયો હતો. બોલવામાં તકલીફ પડવા લાગી હતી. આંખો માંડમાંડ ખુલતી હતી. નાડી ધીમી પડી ગઈ હતી. માં બાપ હવે ખરેખર ચિંતિત થઇ ગયા, અને પ્રમોદભાઈ દોડ્યા સીધા ફેમીલી ડૉકટરને વિઝીટ બોલાવવા.
ડૉ.કાપડિયા
ઘેર આવી પ્રાચીને તપાસી આખી વાત સાંભળી પ્રમોદભાઈ ઉપર ઉકળી ઉઠ્યા. “તમે પપ્પા થઈને આ
શું માંડ્યું છે ?તમારી દિકરી તમારી ભલાઈ માટે પોતાનો જાન ગુમાવવા બેઠી છે, તે તો
જુઓ.”
પ્રમોદભાઈની આંખો ભરાઈ ગઈ. તેને
મન મક્કમ કરી દીધુ. પ્રાચીના માથા ઉપર હાથ મૂકી ગુટકા અને તમાકુ જીંદગીભર
છોડી દેવાની કસમ ખાધી.
પ્રાચી, પ્રમિલાબેન અને ડૉ.કાપડિયા ખુશ થઇ ગયા, અંતે સત્યાગ્રહનો વિજય થયો, ઉપવાસનું શાસ્ત્ર કારગર નીવડ્યું.
લીંબુપાણીના પારણા કરતાં પ્રાચી હવે તેના પપ્પા કેન્સરના મોતથી બચી જશે, તેના વિચારમાત્રથી ખુશ થઇ ગઈ. માતા પ્રમીલાબેનની આંખો પણ પુત્રીની આ ગાંધીગીરીથી મળેલી જીતને લીધે ભીની થઇ ગઈ.
ત્યાર પછી પ્રમોદભાઈ એ ક્યારેય ગુટકા કે તમાકુની સામે જોયું પણ નથી. આજે તે સ્વસ્થ તંદુરસ્ત જીવન જીવીને કુટુંબ સાથે આનંદ માણી રહયા છે.
If you like story & also watch video & more details join us below link
Facebook page - https://www.facebook.com/profile.php?id=61564881283606
Youtube Link - https://www.youtube.com/@drharshadkamdar4852
Instagramme Link - https://www.instagram.com/drharshadkamdar/?hl=en
Twitter Link - https://x.com/HarshadKam2312
Linked in Link - https://www.linkedin.com/in/dr-harshad-kamdar-62983815a/
ગાંધીગીરી - ગુજરાતી લઘુ બોધ વાર્તા Gujarati Motivational Short Story, Inspirational Stories, gujarati writer, gujrati sahitya, gujarati, Romantic Story, Love, Family, Culture Tradition, Social issue, Rural life, Urban life, Identity, Morality, Human relationship, Moral Stories, Inspirational, Motivational, Family & Relationship, Culture & Traditions, Slice of Life, Love Stories, Gujarati Love Story, Gujarati Romance Story, Gujarati Motivational Story, Gujarati Social Story,
#gujratisahitya #ekvichardilthi #gujaratiwriter, #gujaratiquotes, #gujjuwriter #gujarat, #gujju #gujaratiquotes #vichar #gujarat #gujju #ahmedabad
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

.jpeg)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories