19 નવેમ્બર 2023

એસિડ એટેક- ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

 એસિડ એટેક- ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

    

એસિડ એટેક- ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

“તુ મને હવેથી ફોન કરવાનું બંધ કરી દે. હું હવે તને મળવા આવીશ નહી” કહેતા પ્રાચી રડવા જેવી થઈ ગઈ.

“પણ કારણ શું છે? એક વરસથી આપણે આટલો બધો પ્રેમ કર્યો અને હવે એકદમ શું થયું? કોઈ બીજો પ્રેમી મળી ગયો કે શું?” પ્રજ્ઞેશ ખુબજ ગુસ્સે થઈને બોલ્યો.

“એ બધુ જાણવાની તારે શું જરૂર છે? મને હવે તારામાં રસ નથી” પ્રાચીએ મક્કમ બની જવાબ આપ્યો.

મે તારા માટે રૂપાને છોડી દીધી.તારા પ્રેમને પામવા મારા મમ્મી પપ્પા સાથે. પણ ઝગડો કર્યો, અને એકદમ ના કેમ પાડે છે? હું તને છોડીશ નહી, તુ મારી નહી તો બીજાની પણ નહી બનવા દઉં” કહેતા પ્રજ્ઞેશ ગુસ્સે થઈ ફોન કાપી નાખ્યો.

પ્રજ્ઞેશને પ્રાચીનું અચાનક આ ના પાડવાનું વલણ સમજાયું નહીં. તે કોલેજ કાળના દિવસોમાં સરી પડ્યો. તેને ક્લાસની રૂપા અને પ્રાચી બન્ને સાથે લગાવ થઈ ગયો હતો. પણ ન જાણે કેમ તે પ્રાચી તરફ વધારે ખેંચતો ગયો. રૂપાએ તેને સામેથી પ્રેમની ઓફર કરી, પણ તેના મનને તો પ્રાચીજ ગમી ગઈ હતી.

શરૂઆતમાં પ્રાચી ના ના કરતાં અંતે પ્રજ્ઞેશ તરફ ખેંચાતી ગઈ, અને છેલ્લા વરસથી બન્ને પ્રેમના રસમાં વધારે ને વધારે ડૂબતાં ગયા. કોલેજમાંથી ભાગીને બન્ને એ કેટલા બધા મુવી મલ્ટિપ્લેક્ષ થિયેટરના કોર્નરમાં બેસી જોયા હતા. પિકચરમાં શું છે, તેને બદલે એક બીજાના હાથમાં હાથ પરોવી ત્રણ કલાક અંધારામાં કેવા ખોવાઈ જતાં હતા. કેટલો બધો પ્રેમ છલકતો રહ્યો હતો,  ફોરચુંન લેંડમાર્ક હોય કે કોલેજની કેન્ટીન એકબીજા સામે બેસી કોફી પીવાની કેટલી મજા કરી હતી.હોટલ

આજ અચાનક પ્રાચીને આ શું થઈ ગયું? મને મળવાનીજ સાવ ના પાડી દીધી? નક્કી તે પેલા અલ્કેશના પ્રેમમાં પડી લાગે છે, પણ હું તેને છોડીશ નહીં, વિચારીને પ્રજ્ઞેશને આખી રાત ઊંઘના આવી.

બીજે દિવસે કોલેજમાં પ્રજ્ઞેશ પ્રાચીની રાહ જોતા બહાર કલાકથી બેસી રહ્યો. પ્રાચીને આવતી જોઈ તેણે હાથ પકડી લીધો. 

“પ્રાચી હું તારા વગર જીવી નહીં શકું, હું પ્રાણ આપી દઇશ” કહેતા તે રડવા જેવા થઈ ગયો.

“આધો ખસ, મારા રસ્તામાંથી હું તારી સાથે વાત પણ કરવા માંગતી નથી” કહીને પ્રાચીએ તેને હડસેલી દીધો. હવે પ્રજ્ઞેશનો ગુસ્સો હાથમાં ના રહ્યો. તેણે પ્રાચીને કોઈ પણ રીતે બીજા કોઇની બની જ ના શકે તેવી કરી નાખવાનું મનોમન નક્કી કર્યું. તે ગુસ્સામાં વિચારે ચડ્યો, તેનો હાથ તોડી નાખું, પગ તોડું કે માથું ફોડું? શું કરૂ? અંતે તેને ભયંકર વિચાર સુઝયો, પ્રાચીના ચહેરા પર એસિડ ફેંકીને બેડોળ કરી દેવાનો. કોઈ તેની સામું જુએ તો છળી ઊઠે એવી કરી નાખું. એકવાર મનમાં નફરત જાગે પછી કેવા ભયંકર વિચારો આવે છે? પ્રેમ માટે તડપતું મન હવે બદલો લેવા અરેરાટી ઉપજાવતું કૃત્ય કરવા તલપાપડ બની ગયું.

બીજે દિવસે પ્રજ્ઞેશ જલદ એસિડ લેવા કિરાણા સ્ટોરમાં ગયો. સ્ટોરવાળા એ પુછ્યું “ જલદ એસિડ શેને માટે જોઈએ છે?” મારે બાથરૂમની ટાઇલ્સ બહુ ગંદી થઈ ગઈ છે, તેને સાફ કરવા જોઈએ છે.” પ્રજ્ઞેશે ગુસ્સે થઈ કહ્યું. 

“તમે તેનો દુરૂપયોગ તો નહીં કરોને!” કહેતા દુકાનદારને કઈક ખરાબ થવાની દેહશત થઈ.”

“નાના, બીજું તો શું કામ હોય.” કહેતા પ્રજ્ઞેશ બસ્સોની નોટ ના છુટા લેવા પણ ઉભો ના રહ્યો.

બીજે દિવસે પ્રજ્ઞેશે જલદ એસિડની બોટલ સાચવીને પ્રાચીનો પીછો ચાલુ કર્યો. પ્રાચી અને રૂપા કોલેજથી છુટી રીક્ષામાં સીધા સિવીલની અંદર આવેલી કેન્સર હૉસ્પિટલમાં ગયા. પ્રજ્ઞેશ પણ તેમની પાછળ પાછળ વેઇટિંગ રૂમની અંદર ગયો.

વેઇટિંગ રૂમના બાંકડાની પાછળ છુપાઈને પ્રજ્ઞેશ થેલામાં એસિડ છુપાવી બન્નેની વાતો સાંભળવા લાગ્યો. ગુસ્સામાં હાથ બોટલ પર ગયો, અને છલકાયેલ એસિડથી ડાબા અંગુઠાનો નખ દાઝી ગયો. હાથ બહાર કાઢ્યો તો અંગુઠો તમતમીને નખ કાળો ધબ્બ. આહા! આ એસિડથી હું પ્રાચીનો ચહેરો સાવ બેડોળ કરી દઇશના વિચારે પ્રજ્ઞેશ ખુશ થઈ ગયો. મને છોડી દીધો, હવે કોઈને ચહેરો બતાવવા લાયક નહીં રહે. જે ખુબસુરત ચહેરા પાછળ તે મરતો હતો, તેને બેડોળ બનાવવા તેનું મન બેચેન બની ગયું હતું.

‘પ્રાચી તુ પ્રજ્ઞેશને સાચી વાત કહી કેમ નથી દેતી. તને મગજનું કેન્સર છેલ્લા સ્ટેજમાં છે, અને હવે છેલ્લા ત્રણ માસની જ તારી જીંદગી છે.” રૂપાએ ધીમેથી પ્રાચીને પૂછ્યું. 

“નાના, પ્રજ્ઞેશ મારા પ્રેમમાં પાગલ છે. મને પણ આ કેન્સરની અચાનક ખબર પડી. પ્રજ્ઞેશને ખબર પડે તો પણ તે મારી સાથે લગ્ન કરે, અને આખી જિંદગી તેણે સાથી વગર જીવવી પડે. મારે તેની જીંદગી નથી બગાડવી! પ્રાચીએ રડમસ અવાજે કહ્યું.

પ્રજ્ઞેશ આ સાંભળીને ઢીલો પડી ગયો. અરે! આ તો મારા લાંબાગાળાના   હિતનો વિચાર કરી પોતાના પ્રેમનું બલિદાન આપી રહી છે.

“પણ તું તેને સાચું કહી દેને, તને પણ છેલ્લા દિવસોમાં તેનો પ્રેમ મળશે” રૂપાએ સમજાવતા કહ્યું.

“ના, મારા સ્વાર્થ માટે હું તેની જિંદગી ના બગાડું. થોડા વખતમાં તે મને ભુલી તને પ્રેમ કરશે, તારી સાથે લગ્ન કરીને સુખી થાય તેવી શુભેચ્છાઓ આપું છુ.” પ્રાચીએ રડતાં કહ્યું.

હું તેને કેવું નુકશાન પહોચાડવા આવ્યો છુ અને તેતો મારા હિત માટે જ વિચારે છે વિચારતાં પ્રજ્ઞેશ પાછો પડી ગયો, તેના અંતરાઆત્માએ લપડાક મારી. “ તને શરમ નથી આવતી, જે પ્રેમિકા તારા માટે પોતાના પ્રેમનું બલિદાન આપી રહી છે, તેને જ તું એસિડ ફેકી નુકશાન પહોચાડવા આવ્યો છે?” અને તે ધીમે પગલે કેન્સર હોસ્પીટલમાંથી પાછો કોલેજ ભેગો થઈ ગયો. ઘરે પહોચી એસિડની બાટલી ફેંકી દીધી. 

બે મહિના પછી કોલેજમાં પ્રાચીની મરણસભામાં પ્રજ્ઞેશ ડાબા અંગુઠાનો કાળો નખ જોઈ આંસુ સારી રહ્યો હતો. બધા વિચારે, આને તો છેલ્લે પ્રાચી જોડે ઝગડો થયો હતો, છતાં આટલા આંસુ કેમ? કેટલાક આંસુઓ બધાને ક્યાં સમજાય તેવા હોય છે??





Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

1 ટિપ્પણી:

Thank you for reading my stories