19 નવેમ્બર 2023

અજબ મિલન - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

 અજબ મિલન - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી





 આરતીબહેન શરમના માર્યાં બેહાલ બની ગયાં હતાં. બે વર્ષથી છાતીમાં સ્તનમાં રહેલી ગાંઠ અને ચાંદું તેમને હેરાન કરી રહ્યાં હતાં. છેવટે તેમના પતિ યોગેશભાઈ તેમને સમજાવી પરાણે લેડી ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર જોતાં ચમકી ગયા. બાયોપ્સી, સ્કેનીંગ વગેરે તમામ તપાસોના અંતે નિદાન સાંભળી બંને કમકમી ગયાં. સ્તનનું કૅન્સર, છેલ્લું સ્ટેજ.

શરીરના દરેક અંગમાં કૅન્સર ફેલાઈ ગયું હતું. ફેફસાં અને લિવરમાં કૅન્સરના કોષો ફેલાઈ ગયા હતા. ડૉક્ટરે કહી દીધું હતું હવે ગમે તેટલી સારવાર કરાવો, તોપણ વધારેમાં વધારે છ મહિના !

આરતીબહેન તેની એકની એક એકવીસ વર્ષની દીકરી ખુશ્બુની ચિંતામાં ને ચિંતામાં વધારે શોષવાઈ રહ્યાં હતાં. યોગેશભાઈ પણ સમજી ગયા હતા. એકલા બાપથી જુવાન દીકરીને સંભાળવી અત્યંત કઠિન કામ હતું.

અંતે પિસ્તાલીસ વર્ષની જુવાન વયે આરતીબહેન આ ફાની દુનિયાને છોડીને કાયમ માટે જતાં રહ્યાં. જતાં જતાં ખુશ્બુનો હાથ તેના પપ્પાના હાથમાં સોંપી તમામ જવાબદારીઓ સંભાળવાનું વચન લઈ કાયમી વિદાય લીધી.

ખુશ્બુ પણ ખરેખર સૌંદર્યની મૂર્તિ હતી. તેની જુવાની ફાટફાટ થતી હતી. કૉલેજના છેલ્લા વર્ષમાં તે વધારે રખડુ અને છેલબટાઉ બની ગઈ હતી.

યોગેશભાઈને આ જ ચિંતા હતી. તેમનાં દરેક સગાંઓ, મિત્રો વગેરેએ સમજાવ્યા, “હજુ તો અડતાલીસ વર્ષના જ છો. બીજાં લગ્ન કરીને જીવનસાથી શોધી કાઢો, નહીંતર ખુશ્બુનાં લગ્ન પછી એકલા-એકલા કરશો શું ?”

યોગેશભાઈનું મન માનતું ન હતું. ખુશ્બુના લગ્નની ઉંમરે હું લગ્ન કરું તો કેવું લાગે ? અને તેમણે મન મક્કમ કરી દીધું. ખુશ્બુની મા અને બાપ બંને તે પોતે જ બની ગયા. ખુશ્બુની કૉલેજનાં ચોપડાં, નાસ્તો વગેરે તમામમાં તે મદદ કરવા લાગ્યા.

ખુશ્બુ ક્યારેય સવારે સમયસર ઊઠીને કૉલેજ જતી ન હતી. તેનું મિત્રમંડળ પણ યોગેશભાઈને ઉદ્ધત અને તોફાની લાગતું હતું. તે વધારે ચિંતામાં પડી ગયા. તે ડૉ. ભટ્ટના અંગત મિત્ર હોવાથી તેમના ઉપર ફોન આવ્યો.

“ડૉક્ટર સાહેબ, મારી પત્નીના મરણ પછી ખુશ્બુનું વર્તન દિવસે-દિવસે બગડતું જાય છે, શું કરવું ?”

ડોક્ટરે ચેતવણી આપતાં કહ્યું, “યોગેશભાઈ, આ તરુણાવસ્થાની ઉંમર જ ખતરનાક છે. જુવાનીનો નશો મગજ ઉપર છવાઈ જતાં સૂધબૂધ ગુમાવી બેસે છે. તેથી બહુ જ સાચવીને દીકરીને સલાહ આપતા રહેજો, નહીંતર બાજી બગડી જશે.”

યોગેશભાઈ સમજી ગયા. દીકરીની દરેક હરકતો પર તેમણે વૉચ રાખવા માંડી.

ખુશ્બુના પ્રોગ્રામો, પાર્ટીઓ, મિત્રમંડળ વધી ગયાં હતાં. મોંઘા ડ્રેસીસ, મોંઘાં પરફ્યુમ્સ વગેરે તેનાં શોખ બની ગયાં હતાં.

યોગેશભાઈએ વાપરવાના પૈસા આપવા ઓછા કરી દીધા. તો ખુશ્બુ કહેતી, “પપ્પા, તમે પૈસા નહીં આપો તો હું મારા મિત્રો પાસેથી લાવીશ, પણ મોજમજા તો કરીશ જ.”

યોગેશભાઈને ખબર પડતી ન હતી કે આટલો બધો ખર્ચો ખુશ્બુને કયા મિત્રો આપે છે ?

ફેબ્રુઆરીની શરૂઆતના અઠવાડિયે કૉલેજના પ્રિન્સિપાલનો ફોન આવ્યો, ખુશ્બુ દરરોજ કૉલેજમાંથી બંક મારે છે તેની પર ધ્યાન રાખો, નહીંતર તેનું વર્ષ બગડી જશે.

માતા વગરની જુવાન દીકરીને સંભાળવી કેટલી મુશ્કેલ છે, તે યોગેશભાઈ સમજી ગયા હતા. તેમણે તમામ સગાસંબંધીઓને ખુશ્બુ માટે સારો મુરતિયો શોધવા ભલામણ અને વિનંતી કરવા માંડી.

ચૌદમી ફેબ્રુઆરી વેલેન્ટાઇન-ડે ઉપર પાછાં બાપ-બેટી બાખડી પડ્યાં.

“ખુશ્બુ આટલાં ટૂંકાં કપડાં પહેરીને કૉલેજ જાય છે ?”

“પપ્પા, તમને ખબર ના પડે. આજે વેલેન્ટાઇન-ડે ઉપર તો દરેક છોકરી ફૅશનેબલ કપડાં જ પહેરે.” ખુશ્બુએ સામે જવાબ આપ્યો. 

“હવે મારે તારાં લગ્ન કરી નાંખવાં પડશે.” યોગેશભાઈ બોલ્યા.

“પપ્પા, ગ્રેજ્યુએટ તો થવા દો, એ પહેલાં મારે લગ્નના બંધનમાં પડવું નથી. આજે રાત્રે મારી બહેનપણીને ઘેર પાર્ટી હોવાથી હું મોડી આવીશ.” આટલું કહીને ખુશ્બુ જતી રહી.

યોગેશભાઈ ચિંતામાં પડી ગયા. જુવાન દીકરીને કોણ સમજાવે કે આ સમાજમાં લગ્ન વગરના સંબંધોની કોઈ કિંમત જ નથી ! મોડી રાત સુધી બહાર ફરતી યુવાન છોકરીઓ માટે હવે આ જમાનો બહુ ખરાબ બની ગયો છે.

સાંજ પડતાં જ યોગેશભાઈ ચિંતામાંથી ડિપ્રેશનમાં ડૂબી ગયા. આજે વેલેન્ટાઇન-ડે હોવાથી તેમને આરતીબહેનની યાદ સતાવા લાગી. એકલાં-એકલાં છ મહિના તો કાઢી નાંખ્યા, પણ આ એકાંત હવે તેમને કોરી ખાતું હતું. હજુ અડતાલીસ વર્ષનું જુવાન શરીર પણ તેની જરૂરિયાત ઝંખી રહ્યું હતું. સાંજ વધતાં જ તેમની સ્ત્રીદેહની પ્યાસ ઔર ભડકી ગઈ, તેમણે તેમના ખાસ મિત્ર રસિકલાલને પોતાની જરૂરિયાત સમજાવી.

રસિકલાલ પોતાના મિત્ર યોગેશભાઈની રિલેક્સ થવાની મૂંઝવણ સમજી ગયા. તેમણે રાત્રે નવ વાગે હોટલ સેવન પ્લાઝામાં રૂમ નં. એકસો બેમાં બધી ગોઠવણ કરી નાખી.

યોગેશભાઈ પોતાના મિત્ર રસિકલાલની ગોઠવણથી ખુશ થઈ ગયા. દલાલ મારફત જુવાન સરસ માલની વ્યવસ્થા થઈ ગઈ હતી. ભાવ જોકે થોડો વધારે હતો, પણ યોગેશભાઈને પૈસાની ક્યાં ચિંતા હતી ? રાત્રે આઠ વાગે યોગેશભાઈ હોટેલની રેસ્ટોરન્ટમાં આવી ગયા. શક્તિનો સંચાર થાય એટલે ચીકન મસાલા અને વ્હિસ્કીના બે પેગ મારી લીધા. ધીમે પગલે રૂમ નં. એકસો બેમાં જતાં તેમના શરીરમાં જોમ આવી ગયું. બૅગમાંથી પરફ્યુમ છાંટી અરીસામાં જોઈ બબડ્યા, “હજુ તો હું જુવાન જ લાગું છું ને !” જિંદગીમાં પહેલી વખત અન્ય સ્ત્રી પાસે જતાં યોગેશભાઈ ગભરાઈ રહ્યા હતા.

તેમના હાથપગ કાંપી રહ્યા હતા. મન અંદરથી ના પાડતું હતું, પણ શરીર તેની જરૂરિયાત તો માંગે જ ને !

મન મક્કમ કરીને ચાવીથી રૂમનું બારણું ખોલ્યું અને મનમાં બબડ્યા રસિકલાલે આટલા બધા રૂપિયા ખર્ચાવ્યા છે તો વસૂલ તો કરવા જ પડશે ને !

આ શું ? દરવાજો ખોલતાં જ સામે પલંગ પર ટૂંકા કપડાંમાં ખુશ્બુને જોઈ યોગેશભાઈ કાંપી ગયા. “અરે તું અહીં ક્યાંથી ?” યોગેશભાઈના શરીરનું જોમ અને અંગોની અકડાઈ ઠંડી પડી ગઈ. ખુશ્બુ એક પણ શબ્દ બોલ્યા વગર નીચું જોઈને રડવા લાગી.

બાપ-બેટીનું આ તે કેવું મિલન ? બંનેની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી હતી. હોટલવાળાને ફક્ત બે જ મિનિટમાં ઘરાકને બહાર નીકળતા જોઈ નવાઈ લાગી. યોગેશભાઈના પરફ્યુમની સુગંધ, ખુશ્બુનાં ટૂંકાં કપડાંમાં બેકાર બનીને ઊડી રહી હતી. ખુશ્બુના ખર્ચના આટલા બધા પૈસા ક્યાંથી આવતા હતા તે યોગેશભાઈ સમજી ગયા હતા.






Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories