09 નવેમ્બર 2023

માનવ ધર્મ - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી

 માનવ ધર્મ - ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી


“અરે ! મારા પતિ ક્યાં જતા રહયા ? સાંજના ટિફિન લાવવાનું કહીને ગયા છે, તે હજુ સુધી આવ્યા જ નથી” દક્ષાએ રડતાં રડતાં વોર્ડના સિસ્ટરને કહયુ.”કેટલા મોબાઇલ કર્યા,પણ જવાબ જ નથી.”

“ ના, મે સાંજ પછી તો તમારા વરને જોયા જ નથી” સિસ્ટરે જવાબ આપતા કહયુ. અમદાવાદની કેન્સર હોસ્પીટલમાં ફિમેલ વોર્ડમાં દાખલ દક્ષાના વરનો કોઈ પત્તો જ ન હતો.

દક્ષા રડી રડીને અડધી થઈ ગઈ હતી. એક દિવસ બે દિવસ વીતી ગયા પણ તેનો પતિ દર્શન વોર્ડમાં દેખાયો જ નહિ. બન્ને જણા એકલા કચ્છના રાપર બાજુના ગામડામાંથી સારવાર માટે અમદાવાદની કેન્સર હોસ્પીટલમાં  આવ્યા હતા. બન્નેના કુટુંબમાં જવાબદાર માણસ કોઈ જ નહિ, હજુ છ માસ પહેલાજ તેમના લગ્ન થયા હતા. દર્શન છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. છ માસના લગ્ન જીવનમાં અચાનક દક્ષાને છાતીમાં એક ગાંઠ જેવુ દેખાતા બન્ને રાપર હોસ્પીટલમાં બતાવવા ગયા. ત્યાના ડોક્ટરને તપસ દરમ્યાન છાતીના કેંસરની શંકા જતાં અમદાવાદની એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલનું સરનામું અને ચિઠ્ઠી લખી આપ્યા હતા. 

દર્શન વિચારમાં પડી ગયો, આટલી નાની ઉમરે કેન્સર? પણ સ્ત્રીઓમાં છાતીનું કેંસરતો યુવાન વાએજ જોવા મળે છે, તેમ સાંભળી બન્ને, ગામના લોકો પાસે માંગી ભીખીને થોડા રૂપિયા ભેગા કરી પહોચ્યા, અમદાવાદ કેન્સર હોસ્પીટલમાં. લાંબી લાઈનો અને ગરદી જોઈ બન્ને અજયખ થઈ ગયા, અ હો હો! આટલા બધા લોકોને કેન્સર થાય છે.

કેસ કઢાવી માંડ ડોક્ટર આગળ વારો આવ્યો અને ડો.પટેલે તપાસ કરી કહયુ “કેંસરની બધી તપાસ, લોહી, એક્ષરે અને બાયોપ્સી કરાવવી પડશે. પછી જ ચોક્કસ પણે કહી શકાય. મોટે ભાગે તો છાતીનું સ્તનનું કેન્સર લાગે છે.” દર્શન અને દક્ષાના તો હોશકોશ જ ઊડી ગયા.

“સાહેબ,કેટલો ખર્ચ થશે?” દર્શને ગભરાતા ગભરાતા કહયુ.

“જુઓ, હજુ કાઇ કહેવાય નહિ. પણ ઓછામાં ઓછા,ઓપરેશન,દવાઓ,તપાસ, અને કિમો થેરાપી માટે ત્રણ થી ચાર લાખ તૈયાર રાખજો.” ડોક્ટરે ઉતાવળે જવાબ આપ્યો.

“સાહેબ, બચી તો જશે ને.” દર્શને ગભરાતા ગભરાતા પુછ્યુ.

“જુઓ,આતો કેન્સર રોગ છે. કાઇ કહેવાય નહિ.” ડોક્ટરે તેમણે જલ્દીથી ટાળવા અધ્ધર જવાબ આપ્યો. દર્શનના હોંશકોશ ઉડી ગયા. લગ્નને છમાસ જ થયા હતા.ત્યાં આટલો મોટો ખર્ચ અને તે પણ બચશે કે નહિ,તે નક્કી નહિ.

દક્ષાને ફીમેલ જનરલ વોર્ડમાં દાખલ કરી દર્શન વિચારે ચડ્યો. આટલા પૈસાની વ્યવસ્થા ક્યાથી કરવી ? અને મગજમાં દુષ્ટ વિચાર આવ્યો. ત્રણ લાખનો ખર્ચો અહી કરવો, તેને બદલે લાખ રૂપિયામાં તો આનાથી પણ સુંદર અને તંદુરસ્ત નવી બૈરી મળી જાય. ખોટો વિચાર સરળ હોય, તો મન પછી તેનો અમલ કઇ રીતે કરવો, તેના વિચારમાં જ પડી જાય છે. અને મનમાં ઉપાય સૂઝયો, આ બૈરા ને અહી જ છોડી ભાગી છુટવુ.

સાંજે દક્ષાને વોર્ડનું ભાણું આવ્યું.પણ દર્શન જમવાની અને રહેવાની વ્યવસ્થા કરીને આવ્યું છુ, તેમ કહી ભાગ્યો પાછો પોતાના ગામમાં. 

કલાક થયો,બે કલાક, ત્રણ કલાક અને રાતના બાર વાગી ગયા. દક્ષાને ખ્યાલ આવી ગયો, તેનો વર તેને અહી રઝળતી મૂકી ભાગી ગયો છે. અને તે રડવા લાગી.વોર્ડના દર્દીઓ, સિસ્ટર અને આયાબેન તેને સાંત્વના આપી. ડોક્ટર સાહેબને વાત કરી, બધી સારવાર નો ખર્ચ માફ કરવી દીધો.

બે દિવસે બાયોપ્સી નો રોપોર્ટ આવતાં ડોક્ટરે ખુશ થઈ સમાચાર આપ્યા.”દક્ષાબેન, તમે બચી ગયા તમારી ગાંઠ સાદી હતી, કેંસરની નહીં. બે દિવસમાં તમે ઘેર જઇ શકશો.”

દક્ષાને આ સાંભળી આનંદ અને દૂ:ખ બન્ને થયા. રજા લઈ જવું ક્યાં ? વર અને ઘરતો તેને માટે બંધ થઈ ગયા હતા. દર્શને પણ ગામ જઇ ઓરડી ખાલી કરી સામાન લઈ ગાંધીધામ જતો રહયો હતો.

વોર્ડના સ્ટાફ અને દર્દીઓની સહાનુભૂતિ થી એકઠા થયેલા રૂપિયા લઈ દક્ષા પોતાના ગામ આવી, પણ ઘરતો બંધ હતું. તેને ખ્યાલ આવી ગયો કે, તેના વરે છૂટાછેડા વગર તેનો ત્યાગ કરી દીધો છે. હિંમત હાર્યા વગર તેણે ગામમાં ત્રણ ચાર ઘરોમાં કામ બાંધી ઓરડી ભાડે રાખી લીધી.

સામને જતાં ક્યાં વર લાગે છે ? ત્રણ મહિને ઉડતા ઉડતા સમાચાર આવ્યા કે તેના વર દર્શનને લારી ચલાવતા એક્સિડન્ટ થયો છે, તો હોસ્પીટલમાં દાખલ છે, તેણે વિચાર્યું “ ચાલો સારૂ થયું, એજ લાગનો હતો મને છોડીને ભાગી ગયા હતો ને !” 

ત્યાં તેના અંતરાત્માના સદાચારી મનનો અવાજ આવ્યો.” અરે ! તેણે તો ખોટુ કર્યું, પણ અંતે તો તારો વર છે, માનવતા ને નાતે પણ તારે મદદ કરવી જોઇયે.” અને તે પહોંચી દર્શન પાસે હોસ્પીટલમાં ખાટલો પડેલો દર્શન તેને જોઈ શરમાઈ ગયો.” અરે રે ! મે આને છોડી દીધેલી એજ મને મદદ કરવા આવી.”તેની આંખોમાં થી આંસુની ધાર ચાલી. 

સાત દિવસની દક્ષાની આકરી અને મહેનતથી દર્શન સાજોસમો થઈ ગયો,અને રજા મળી ગઈ. તેણે ગભરાતા શરમાતા કહયુ “ દક્ષા, ચાલ આપણે ઘેર”. સાત દિવસથી મૌન, હવે દક્ષાનો વારો હતો. તેણે મક્કમપણે જવાબ આપ્યો.”બાયલા, તું મારો વર છે, એટલે તારી માંદગીમાં મદદ કરવા માનવતાને નાતે હું આવી હતી. મારૂ કામ અને ફરજ પૂરા. મને સંકટ સમયે રખડતી છોડી દેનાર સાથે હું ફરી ઘર માંડુ એટલી મૂરખ નથી. કહીને સ્વાભિમાનપૂર્વક આંખોમાં ચમક સાથે પોતાનો થેલો ખભે નાખી દક્ષા પોતાને ગામ જવા નીકળી પડી. 

પોતાની ભૂલ ઉપર પસ્તાતો દર્શન તેને ભીની આંખે જોઈ રહયો.તમારૂ શું માનવું છે, દક્ષાએ કરેલ નિર્ણય સાચો છે કે ખોટો ??


        




Disclaimer

This content is my own innovative creation, There is nothing  related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for reading my stories