આ લગ્ન શક્ય જ નથી- ગુજરાતી શોર્ટ મોટીવેશનલ સ્ટોરી
“મમ્મી, હું લગ્ન કરીશ તો સચી સાથે જ, નહીતર હું લગ્ન જ નહિ કરું.” સેતુ એની મમ્મી સુધાબહેનને સમજાવી રહ્યો હતો.
“પણ સચિને જોવા તો દે મને, એને મળવા દે, પછી નક્કી કરીયે.”સુધાબહેન પણ પોતાના એકના એક દીકરા સેતુના લગ્ન માટે ચિંતિત હતાં.
“મમ્મી, મારી કોલેજમાં જ ભણે છે.મારાથી બે વર્ષ પાછળ છે. દેખાવ અને સ્વભાવમાં ખૂબ જ સારી છે. અમારા બંને વચ્ચે છેલ્લા બે વરસથી પ્રેમ છે. અમે એકબીજાને સાથ નિભાવવાના કોલ આપેલ છે.” સેતુ બોલ્યો.
સુધાબહેન નડિયાદની સરકારી હૉસ્પિટલમાં નર્સ હતાં. પ્રેમ,મહોબ્બતની વાત સાંભળી સુધાબહેન જિંદગીમાં વીસ વરસ પહેલાનાં જુવાનીના વર્ષોની યાદમાં ડૂબી ગયાં.
કેવા સુખમય અને રસમય હતાં એ દિવસો ! નર્સિંગની કોલેજના ચાર વારસો કાઢીને તાજા જ પાસ થયેલા સુધાબહેન ગામડાના પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં નોકરીમાં લાગી ગયાં હતાં. એકવીસ વરસની આકર્ષક,યુવાન દેખાવડી સુધા સિસ્ટર, સાથે બધા વાત કરવા આતુર રહેતા,પણ સુધા કોઈને ભાવ નહોતી આપતી.
અમદાવાદથી તાજો જ પાસ થયેલ યુવાન ડોક્ટર ગૌરાંગ સુતરીયા ત્યાં ઇન્ટર્નશીપ કરવા આવ્યો,ત્યારે સુધા તેને જોતાંવેંત આકર્ષાઈ ગઈ. બંનેની આંખો લડી ગઈ અને પછી તો બંને પ્રેમમાં ગળાડૂબ બની સાથે ને સાથે બધે ફરવા લાગ્યા.
બંને સાથે જ દવાખાનામાં ચ્હા પીતાં. સુધા સિસ્ટર ઘેરથી નમકીન નાસ્તો લાવી હોય તો ડો. ગૌરાંગને ચખાડવાનું ચૂક્તી નહિ. પછી તો બંનેએ એકબીજાને લગ્ન કરવાના કોલ પણ આપી દીધા.
સુધાબહેનને અષાઢી મેઘલી રાત યાદ આવી ગઈ. મોડી રાત્રે એક સિરિયસ પેશન્ટની ટ્રીટમેન્ટ પતાવી બંને પોતાના ક્વાટર્સમાં જવા નીકળ્યા. રસ્તામાં મુશળધાર વરસાદ ચાલુ થયો અને રાત ઉન્માદક બની ગઈ.
પહેલા ડો. ગૌરાંગનું ક્વાર્ટર આવ્યું એટલે ગરમ કોફી પીવા સુધાને અંદર બોલાવી. બંધ રૂમ, ઉન્માદી વાતાવરણ, એકાંત અને ગરમ કોફી પીને બંને યુવાન હૈયા મર્યાદા વટાવી ગયાં. બે અઠવાડીયા પછી સુધાને ગર્ભવતી હોવાનો ખ્યાલ આવી ગયો. તેણે ગૌરાંગને વાત કરી.
ડો. ગૌરાંગ હૈયાધારણ આપી, અમદાવાદ પહોંચી તરત જ માબાપને વાત કરી લગ્ન કરવાનું વચન આપ્યું. પણ બીજા જ અઠવાડિયે ગૌરાંગ ઇન્ટર્નશીપ પૂરી કરી અચાનક ક્યાં ગાયબ થઈ ગયો તે કોઈને ખબર જ ન પડી.
સુધા અને તેના માબાપે ડો.ગૌરાંગની મેડિકલ કોલેજમાં બધે ફરીને બે દિવસ સુધી તપાસ કરી પણ ક્યાયથી તેના કોઈ સમાચાર ના મળ્યા.
ડો. ગૌરાંગ તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા ચેન્નાઈ જતો રહ્યો હતો. તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો. હવે સુધા મૂંઝાઇ, તે બંનેના પ્રેમની નિશાનીને કોઈપણ ભાગે ગુમાવવા તૈયાર ન હતી.
માબાપે બહુ સમજાવી . “બેટા, તારી અંદર રહેલ જીવને પાડી નાખ આપણે બીજા સુંદર યુવાન સાથે તારા લગ્ન કરાવીશું.”પણ સુધા એકની બે નાં થઈ. તેને હજુ આશા હતી કે ગૌરાંગ તેને પરત આવીને જરૂર અપનાવશે પણ ગૌરાંગ તો ગામડામાં સિસ્ટર જોડે ફક્ત ટાઇમપાસ કરીને ક્યાય જતો રહ્યો હતો.
અંતે સુધાએ સુંદર તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો. નામ તેનું સેતુ સુધાબહેન પટેલ લખાયું, બાપનું નામ ક્યાય નહિ, બધાને નવાઈ લાગતી.
કુંવારી માતા સિંગલ પેરન્ટ સુધાને નાના ગામમાં રહેવું મુશ્કેલ થઈ ગયું. ગામની સીમ, દવાખાનું, ડોકટરનું ક્વાટર્સ વગેરે દરેક જગ્યાએ તેનો તેના પ્રેમીની યાદ સતાવતી હતી. અંતે તેણે થોડે દૂર નડિયાદની હૉસ્પિટલમાં નર્સની નોકરી લઈ લીધી.
સેતુ ધીમે ધીમે મોટો થતો ગયો, તેણે અનેક વખત તેના પિતાની પુચ્છા કરી,પણ સુધાબહેનને એક જ જવાબ આપ્યો;”બેટા,તારા પપ્પા ડોક્ટર છે અને આપણને છોડીને અમેરિકા જતાં રહ્યા છે.” પણ ક્યારેય તેણે સેતુને બાપનું નામ આપ્યું જ નહિ.
એકલા એકલા અનેક તકલીફોનો સામનો કરી તેણે સેતુને અમદાવાદની મેડિકલ કોલેજમાં ભણવા મોકલ્યો,પણ ત્યાં તેના પ્રેમની વાત સાંભળી ફરી પાછા તે ચમકી ગયા.
બહુ વિચારીને તેણે જબાવ આપ્યો,” સારું,તું સચીને કાલે આપણે ઘેર જમવા બોલાવજે. હું તેને મળીને વાતચીત કરું પછી જ લગ્નનું વિચારીએ.
સેતુએ વિચારીને તરત જ સચીને બીજે દિવસે જમવાનું આમંત્રણ આપી દીધું. બીજા દિવસે સાંજે લક્ઝરી ગાડીમાંથી ડ્રાઇવરે દરવાજો ખોલી સચીને ઉતારી, ત્યારે તેના ઘરની આજુબાજુ લોકો ટોળે વળ્યાં. સુધાબહેન પણ વિચારમાં પડી ગયાં. પૈસાદાર બાપની બેટી લાગે છે.
દેખાવડી, યુવાન સચી ગાડીમાંથી ઉતરી સુધાબહેનને પગે લાગી. ઘરમાં પ્રવેશી. “આટલી પૈસાદાર છોકરીના સંસ્કાર સારા લાગે છે.”સામાન્ય વાતચીતમાં સુધાબહેનને છોકરી બહુ જ નમ્ર, ઘરઘરાઉ અને સાફસાફાઈમાં પણ તેણે સુધાબહેનની સાથે રહી બધી જ મદદ કરી. સુધાબહેને વિચાર્યું. “પૈસાદાર બાપની બેટી છે પણ આપણા જેવા સામાન્ય માણસના ઘરમાં વહુ તરીકે સેટ થઈ જાય તેવી છે.”
સેતુ પણ ખુશ હતો.”હવે મમ્મી ના પાડે તેમ લાગતું નથી.”
સુધાબહેનને સચીને કહ્યું: “બેટા,તું ક્યારથી સેતુને ઓળખે છે?”
સાચી શરમાઈ ગઈ. તેણે કહ્યું:”આન્ટી, હું અને સેતુ છેલ્લા એક વરસથી એકબીજાને ઓળખીએ છીએ. તે મારાથી બે વર્ષ ભણવામાં આગળ છે.પહેલી જ વખત મે તેને કોલેજમાં જોયો ત્યારે હું તેના તરફ ખેંચાઇ ગઈ હતી.પછી તો અમારી ઓળખાણ વધીને પ્રેમમાં પલટાઈ ગઈ.”
સુધાબહેન તેના નમ્ર જવાબથી ખુશ થઈ ગયાં. તેણે ખુશ થઈને કહ્યું, “સારું સારું તું હવે તારા મમ્મીપપ્પા સાથે અમને ક્યારે માળવે છે? તારા પપ્પા શું કરે છે?”
“આન્ટી ,મારા પપ્પા અમદાવાદના નામાંકિત હાર્ટ સ્પેશ્યાલિસ્ટ છે. તેમની હોસ્પિટલ સેટેલાઈટ રોડ ઉપર આવેલી છે. તેમનું નામ છે ડો. ગૌરાંગ સુતરીયા.”
“હેં શું નામ કહ્યું ?” સુધાબહેન ચમકી ગયાં. વારસો પછી આ નામ સાંભળી તેના મુખ ઉપર લાલી આવી ગઈ.
થોડી વખત વિચારમાં પડી ગયાં પછી સેતુ સામે જોઈ બોલ્યા :”આ લગ્ન કોઈ રીતે શક્ય નથી.”
“કેમ?” સેતુ ચિડાયો. “મમ્મી,તું શા માટે ના પાડે છે?”
“એ તને ખબર ના પડે.” હવે સુધાબહેન પણ ચિડાયા.
“મમ્મી,સચી પૈસાદાર ડોક્ટર બાપની બેટી છે એટ્લે ના પાડે છે? પણ તે જરાય અભિમાની નથી,દંભી નથી,પછી શું વાંધો છે?”
“મે એક વખત ના પાડી એટ્લે ના.” સુધાબહેને હવે વીટો પાવર વાપર્યો અને ચિડાઈને બીજા રૂમમાં જતાં રહ્યા.
સેતુ અને સહીને સમજાયું નહિ કે મમ્મી આટલા પ્રખ્યાત ડોકટરનું નામ સાંભળીને એકદમ ચમકી કેમ ગઈ અને પછી ના કેમ પાડી?
બંને નિરાશ થઈ ઊંડા આધાતમાં સરી પડયા. પણ પ્રેમ એમ કઈ ભૂલાય ? અંતે બંનેએ બીજા અઠવાડીયે ભાગી જાઈ આર્યવિધિથી લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.
બીજા અઠવાડિયે ગુરુવારે સારા મુહૂર્તમાં બંને જણા કોલેજના મિત્રો સહિત સવારે અગિયાર વાગે આર્યસમાજમાં લગ્ન માટે પહોંચી ગયાં.
સુધાબહેનને પાડોશી પાસેથી આ વાતની ખબર પડતાં, તે દોડ્યા આર્યસમાજ મંદિર તરફ અને પહોંચી ગયાં વિધિના સ્થળે.વિધિ ચાલુ થઈ ગઈ હતી. ગોર મહારાજ શ્લોક બોલી રહ્યા હતા. બંને એકબીજાને વરમાળા પહેરાવવા જતાં હતા ને સુધાબહેને દૂરથી બૂમ પાડી,”સબૂર,તમે લગ્ન કરશો તો ભારે અનર્થ થઈ જશે.”
ગોર મહારાજને બૂમ પાડીને કહ્યું ? ”મહારાજ થોભો. તમે લગ્ન કરાવશો તો પાપમાં પડશો. આ બંનેનો બાપ એક જ છે. બંને ભાઈબહેન છે.”
હેં ! ચારે તરફ સન્નાટો છવાઈ ગયો. સુકેતું અને સચી એકબીજાને તાકીને જોઈ રહ્યા. બધા મિત્રો એકબીજા સામે જોવા લાગ્યા. ગોર મહારાજ નીચું જોઈ ગયા.
સુધાબહેને માંડમાંડ રોકી રાખેલાં આંસુ બહાર નીકળી આવ્યાં.
Disclaimer
This content is my own innovative creation, There is nothing related with any people live or death, It is fictious work and not reality. Nobody can use without my written permission




ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for reading my stories